સ્વાતંત્ર્યના સૂર્યોદયની સાથે જ બોંતેર વરસના સરદારના પ્રારબ્ધે એકીસાથે ત્રણ મોરચે પ્રતિકાર કરવાની ક્ષણ પેદા થઈ હતી. સરદારનું સ્વાસ્થ્ય દિવસે દિવસે કથળતું જતું હતું. આંતરડાનો વ્યાધિ, હરસ તથા કબજિયાતની પીડા, દમના કારણે શ્વાસોચ્છવાસમાં પડતી મુશ્કેલી – આ બધી શારીરિક વ્યાધિઓ સરદારને અંદરથી દિવસે દિવસે શિથિલ કરી રહી હતી.
દેશી રાજ્યો સાથે મંત્રણાઓ કરીને આ સમસ્યા હલ કરવા માટે જેવી રિયાસતી ખાતાની રચના થઈ કે તરત જ સરદારે દેશના તમામ દેશી રાજાઓની એક સભા દિલ્હીમાં બોલાવી. સરદાર પટેલે રાજાઓને કહ્યુઃ “આજે આપણે સૌ હવે અમે અને તમે તરીકે નથી મળતા. ભાવિ પેઢીઓ આપણને દોષિત ન ઠરાવે એ આપણે જોવાનું છે. ઈતિહાસ વળાંક લે એ બિંદુ ઉપર આપણે ઊભા છીએ. આ બિંદુનો આપણે સહુએ વધુમાં વધુ લાભ લેવાનો છે. અહીં આપણે મિત્રો તરીકે બહુજનહિતાય – બહુજનસુખાય દેશના કલ્યાણ માટે માર્ગ વિચારવાનો છે. બે પક્ષો તરીકે સંધિ નથી કરવાની, પણ મિત્રો તરીકે સમજૂતી કરવાની છે. આ પળે જો આપણી વચ્ચે સહકારનો અભાવ હશે તો અરાજકતા સિવાય બીજું કશું મેળવી શકીશું નહીં.”
આજથી 75-76 વર્ષ પહેલાં સરદારે દેશી રાજ્યોને જે વાત કહી હતી એ આજે પણ એટલી જ સાચી અને મહત્વની છે. આજે જ્યારે આપણે ભાગલા જેવી જ એક ભયાનક સ્થિતિમાં મૂકાયા છીએ ત્યારે જો સાથે મળીને, સમજીને આ સંજોગોનો સામનો નહીં કરીએ તો ફરી ત્યાં જ પહોંચી જઈશું. અનેક શ્રમિકો હજારો કિલોમીટર પગે ચાલીને પોતાને ગામ જવા નીકળી ગયા. રસ્તામાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ એ કોઈપણ સંજોગોમાં પોતાને ગામ પહોંચવા માગતા હતા… કારણ કે એમને શહેરમાં કમાવા માટે આવવું પડ્યું, પરંતુ જ્યારે જીવન-મરણનો પ્રશ્ન શરૂ થયો ત્યારે એમને આ શહેરો છોડી દેવાનું વધુ યોગ્ય લાગ્યું ! ગામડામાં, એ જ્યાં વસે છે ત્યાં સહકાર છે. થોડામાંથી થોડું વહેંચી લેવાની મનોવૃત્તિ છે અથવા એટલિસ્ટ એમને એવું લાગે છે. બીજી તરફ એ જ ગામડાઓમાં સાવ સંકુચિત મનોવૃત્તિ છે, નિરક્ષરતા, અજ્ઞાન અને અણસમજ છે. ખાપ પંચાયતો છે, ક્લાસ અને જ્ઞાતિના કોનફ્લીક્ટ્સ છે. આ દેશ ભયાનક પેરાડોક્સનો દેશ છે. એક તરફથી આપણે બધા સોશિયલ મિડિયામાં સહિષ્ણુતા, સહકાર, સમજણ અને સરકારના વખાણ કરીએ છીએ તો બીજી તરફ એક આખો એવો વર્ગ છે જે માને છે કે સરકાર કોરોનાની સમસ્યા મેનેજ કરવામાં નિષ્ફળ ગઈ છે.
અહીં, ‘માય સ્પેસ’ એ વિશેની ટિપ્પણી કે ન્યાય કરવાનો અધિકાર નથી, પરંતુ એક સૌથી મહત્વની વાત આપણા બધાએ સમજવી હોય, તો સમજવી જોઈએ કે જેમ ભાગલા અથવા પાર્ટીશન વિશે આપણે ઉંઘતા ઝડપાયા એવી જ રીતે કોરોનાની બાબતમાં પણ આપણે એવી સમસ્યાનો સામનો કરવાનો હતો, જેના વિશે આપણી પાસે કોઈ માહિતી કે પહેલેથી જાણકારી નહોતી. 1949ના ઓક્ટોબરની 16મી તારીખે ન્યૂયોર્કમાં પંડિત નહેરુએ કબુલ કર્યું હતું કે, “ખૂનામરકી વગેરેના રૂપમાં ભાગલાનાં ભીષણ પરિણામોની અમને જાણ હોત તો અમે હિંદના ભાગલાનો સામનો કર્યો હોત.” અને રાજેન્દ્રબાબુએ બીજી એક જગાએ કહ્યું, “આની અમને જરા સરખી પણ જાણ હોત તો કેવું સારું થાત !”
સમસ્યાઓ આગોતરી જાણ કરીને આવતી નથી. એવું હોત તો એને ‘સમસ્યા’ કહેત ખરા ? જ્યારે આવી મુશ્કેલી આવી પડે ત્યારે સહુ એની સામે પોતપોતાની રીતે લડે છે. આ લડાઈ લગભગ દરેક વખતે સમય, શક્તિ, સંસાધન અને સંપત્તિનો વ્યય કરે છે. તેમ છતાં, દરેક વખતે આપણે સાચી જ દિશામાં લડી રહ્યા છીએ એવી ખાતરી આપણને પોતાને પણ હોતી નથી. આપણે સરકારને લગભગ દરેક બાબતમાં જવાબદાર ઠેરવવાનું શીખ્યા તો છીએ, પરંતુ પરસ્પર અવિશ્વાસ આપણને આવી ભયાનક મહામારી સામેની લડાઈમાં એકબીજાથી છૂટા પાડી દેશે.
આપણને ગમે તેટલા વાંધા હોય, પ્રશ્નો હોય, તેમ છતાં ક્યાંક વિશ્વાસ મુકવો પડશે. સતત આક્ષેપ અને અવિશ્વાસની પરિસ્થિતિમાં કોઈ ક્યાંય નહીં પહોંચી શકે એ સમજવું હવે અત્યંત જરૂરી થઈ ગયું છે. ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે, આ લખાય છે ત્યારે 2,08,072 કન્ફર્મ્ડ કેસીસ સાથે 5829 મૃત્યુ, પછી તીડ… પછી નિસર્ગ વાવાઝોડું ! એની વચ્ચે વચ્ચે આસામનું ભૂસ્ખલન અને દિલ્હીના ભૂકંપ… સમસ્યાઓ એક પછી એક આવવા લાગી છે. ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધના ભણકારા પણ વાગી રહ્યા છે ત્યારે એક વાત નક્કી છે, કોરોના હવે જવાનો નથી. એ રહેવા આવ્યો છે, લાંબો સમય ટકશે…
હવે જો આપણે પરસ્પર અવિશ્વાસ, મિડિયાની વિશ્વસનિયતા ઉપરના આક્ષેપ, સરકારની બેદરકારી કે બેજવાબદારી વિશે ફરિયાદો અંગે ઝઘડતા રહીશું તો આ સમસ્યાનો સામનો કરવામાં આપણને જ તકલીફ પડવાની છે. કેટલાય લોકોએ અનલોક-1 વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. કેટલાકનું કહેવું છે કે, સરકારે ઉતાવળ કરી, કેટલાકનું કહેવું છે કે, હવે નહીં તો ક્યારે ! ટૂંકમાં, દરેક પાસે પોતાનો અભિપ્રાય હોય જ, કારણ કે દરેક વ્યક્તિ વિચારે છે… પોતાની અને પરિવારની ભલાઈ. પોતાની આસપાસના લોકોના જીવન વિશે એને ચિંતા છે, પરંતુ દરેકનો અભિપ્રાય સાંભળીને સરકાર પોતાનો નિર્ણય કરી શકે નહીં. મિડિયાકર્મીઓ પોતાની રીતે સાચા અને છેલ્લામાં છેલ્લા સમાચાર પહોંચાડવા માટે જીવ જોખમમાં મૂકી ચૂક્યા છે, મૂકી રહ્યા છે ત્યારે આપણે બધાએ પરસ્પર વિશ્વાસ અને સમજણનો માહોલ કેળવવો અનિવાર્ય છે.
દુનિયાની કોઈપણ સમસ્યા સામે જ્યારે આખો દેશ એક થઈ જાય છે ત્યારે એ સમસ્યા દેશવાસીઓના સ્પિરિટ સામે હારી જાય છે. ફરી એકવાર, સ્વતંત્રતા સંગ્રામને યાદ કરવો પડે, કારણ કે ત્યારે આખો દેશ એક થઈને લડ્યો હતો, આપણે જીત્યા હતા !
આજે ફરી એકવાર આખા દેશ ઉપર સંકટ છે. આપણે એક થવું પડશે… પરસ્પર વિશ્વાસ અને સમજણ કેળવવી પડશે. એકબીજાને ટ્રોલ કરવા, ગાળો ભાંડવા કે નાની-મોટી સમસ્યાઓને લઈને એકબીજાને સોશિયલ મિડિયા ઉપર હરાવવાના પેંતરાં કરવાને બદલે અત્યારે આપણા સહુ સામે આવી પડેલી આ સમસ્યાને ઓળખવી, સમજવી અને હરાવવી એ સૌથી મોટી પ્રાયોરીટી છે. એકબીજાના વિચારોનો વિરોધ કે ઝઘડા પછી પણ થઈ શકશે, સરકારને પછી પણ સજા કરી શકાશે, કારણ કે આપણી પાસે મત નામનું શસ્ત્ર છે…
અત્યારે તો વન પોઈન્ટ એજન્ડા ‘કોરોના’ છે. એક થઈને, આ સમસ્યા સાથે જીવતા શીખી જઈએ. જીવન બહુમૂલ્ય છે, એ કોઈનું પણ હોય !
હરિવંશરાય બચ્ચનની પંક્તિઓ,
“અતીત યાદ હૈ તુઝે, કઠિન વિષાદ હૈ તુઝે,
મગર ભવિષ્ય સે રુકા ન અંખમુદૌલ ખેલના,
અજેય તૂ અભી બના !
પહાડ ટૂટકર ગિરા, પ્રલય પયોદ ભી ઘિરા,
મનુષ્ય હૈ કિ દેવ હૈ કિ મેરુદંડ હૈ તના !
અજેય તૂ અભી બના !”