અત્યારે તો માસ્ક જ વેક્સિન છે…

ગઈકાલે એક શાકભાજીવાળાની દુકાન પાસે થોડા લોકો ટોળે વળ્યા હતા. ત્રણ-ચાર યુવાન છોકરાઓ પોલીસ સાથે દલીલ કરી રહ્યા હતા. માસ્ક વગર બહાર નીકળેલા એ છોકરાઓ દંડ ભરવાની ના પાડતા હતા. પોલીસ એમને દંડ ભર્યા વગર જવા દેવા તૈયાર નહોતી. ટોળે વળેલા લોકોમાં થોડા છોકરાઓના પક્ષે હતા તો થોડા પોલીસના પક્ષે…

એ છોકરાઓમાંથી એક યુવાને કહ્યું, “મારા પપ્પાને ફોન કરીશ તો તારા સાહેબને કહીને તને…” ત્યાં ઊભેલા એક પોલીસના જુનિયર અફસરે કહ્યું, “લે ! મારા જ ફોનથી ફોન કર. કહે તારા પપ્પાને કે તું માસ્ક વગર પકડાયો છે અને દંડ ભરવાની ના પાડે છે.” ત્યાં ઊભેલા લોકો આ જુનિયર અફસરની નમ્રતા અને દિલેરીનો કોમ્બો જોઈને અવાક થઈ ગયા. છોકરો પણ ઝાઝુ કશું બોલી શક્યો નહીં. અંતે, એમની પાસે હતા એમાંના પૈસાનો જુગાડ કરીને એ ચાર છોકરાઓએ ચાર હજાર રૂપિયા ભરી દીધા.

ત્યાં ઊભેલા ટોળામાંથી થોડા લોકો ચર્ચા કરતા રહ્યા… દંડ બહુ વધારે છે, આવું તે કંઈ હોતું હશે વગેરે ! હવે સવાલ એ છે કે માસ્ક પહેરવાનો દંડ કરવો શું કામ પડે ? આપણને આપણી જિંદગી વહાલી નથી ? આપણે સહુ જાણીએ છીએ કે કોરોનાનો સમય બધા માટે અઘરો છે. સ્વાસ્થ્ય અને આર્થિક બંને રીતે નુકસાન થયું છે. એવા સમયમાં ખરેખર તો આ વ્યક્તિગત જવાબદારી બને છે કે આપણે સહુ આપણી પોતાની જવાબદારી લઈએ તો પણ કદાચ સરકારે આવા દંડ કે લો એન્ફોર્સમેન્ટ ન કરવું પડે. માસ્ક પહેરવામાં શું પ્રોબ્લેમ છે ? ભૂલી જવાય છે ? તો એને માટે એક ગાડીમાં, એક પર્સમાં કે ખિસ્સામાં વધારાનું માસ્ક રાખી શકાય છે. એ પણ ન હોય તો નજીકના મેડિકલ સ્ટોરમાં, અમૂલમાં કે સાદા કરિયાણાવાળાની દુકાને પણ દસ રૂપિયામાં માસ્ક મળે છે.

જે વ્યક્તિ દસ-બાર લાખની ગાડીમાં ફરતી હોય એની પાસે માસ્ક લેવાના દસ રૂપિયા ન હોય ? અને કદાચ ન હોય, તો દંડ ભરવાની તૈયારી રાખવી જ પડે. કાયદો તોડીને આપણે શું સાબિત કરીએ છીએ એ સવાલ લગભગ દરેક ભારતીય નાગરીકે પોતાની જાતને પૂછવો જોઈએ. આશ્ચર્યની વાત એ છે કે બાંધકામ મજૂર, લારીવાળા, ડોમેસ્ટિક હેલ્પ કે ચોકીદાર-લિફ્ટમેન જેવી વ્યક્તિઓ, જેમની પાસે આપણે બહુ સમજણની અપેક્ષા ન રાખતા હોઈએ, કદાચ… એવા લોકો વધુ સાવધ છે, એવી વ્યક્તિઓ નિષ્ઠાથી માસ્ક અને સેનિટાઈઝેશનના કાયદાનું પાલન કરે છે. એથી તદ્દન વિરુદ્ધ, જે લોકો મોટી સોસાયટીઓમાં, બંગલાઓમાં રહે છે, મોટી ગાડીમાં ફરે છે એવા લોકો ગલ્લે ઊભા રહીને નિરાંતે સિગરેટ પીવે છે, એકબીજાને ખભે ધબ્બા મારે છે, ભેટે છે કે હાથ મિલાવે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝેશન વિશે એમની બધી ખબર અને સમજણ હોવા છતાં એનું પાલન નહીં કરવામાં એમને કોઈક જાતની મજા આવે છે ?

સરકારને કંઈ ફરક પડતો નથી. દંડ તો આપણને ડરાવવા કે નિયમનું પાલન કરાવવા માટે નક્કી કરાયો છે. આપણે આપણી ઓળખાણો વાપરીને કદાચ દંડ નહીં ભરીએ અને જવાબદારીમાંથી છટકી શકીશું, પરંતુ જે દિવસે કોરોના આપણા ઉપર તરાપ મારશે એ દિવસે કેવી રીતે છટકીશું ? કેટલાય લોકોને જાત-જાતની ફરિયાદો છે. કોરોનાના આંકડા વિશે, સરકારી હોસ્પિટલો અને સરકાર જે રીતે આ સમયમાં મેનેજમેન્ટ કરી રહી છે એ વિશે… પરંતુ એ બધી જ ફરિયાદો ઘરના ટીવી સામે બેસીને ધોની કે વિરાટ કોહલીએ કેવી રીતે રમવું, ફિલ્ડિંગ કેવી રીતે ગોઠવવી એ વિશેની સલાહો આપવા જેવું છે. જે મેદાન પર છે એને માટે જે સમસ્યાઓ છે, જે સવાલો છે એને વિશે આપણે શું જાણીએ છીએ ?

“ઘર ચલાવે એ ઘરનો વેરી, ગામ ચલાવે એ ગામનો વેરી.” આ કહેવત અનુસાર સોસાયટીના ચેરમેન-સેક્રેટરીથી શરૂ કરીને, ઘરના વડિલ કે સરકારી અફસર સુધી બધા જ મોટેભાગે થેન્કલેસ જોબ કરતા હોય છે. એકતા કપૂરે એકવાર એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, “હું રોજ બે હજાર માણસો પાસેથી કામ લઉં છું. એમાં સ્ટાર પણ હોય છે અને સાદો સ્પોટબોય પણ… બંને સરખું ન વિચારી શકે અને હું પણ બંને વિશે સરખું ન વિચારી શકું. અગત્યનું એ છે કે હું જે કંઈ વિચારું એમાં મારે બંનેને સમાવી લેવા પડે. કાયદા દરેક માટે સરખા જ હોવા જોઈએ, અને પોતાની પોઝિશન કે ઈગોને બાજુએ મૂકીને દરેકે એ કાયદા પાળવા જ પડે એ જોવાની મારી ફરજ છે.” જો બે હજાર માણસ માટે આ થિયરી સાચી હોય તો એકસો પચ્ચીસ કરોડ લોકોને માટે જુદા જુદા કાયદા કેવી રીતે બનાવી શકાય ? જે રોગ વિશે કોઈ કશું જાણતું જ નથી, એ રોગને નાથવા માટેના પ્રયત્નો પણ કદાચ કાચા અને અધૂરા હોય, છતાં પ્રયત્નો થઈ રહ્યા છે એની નોંધ લેવી જોઈએ અને પ્રયત્નોને સપોર્ટ કરવો જોઈએ.

આપણે બધા કોરોના વિશે અજાણ હતા. કયા પ્રકારનો રોગ છે, કેમ ત્રાટકશે, પરિણામો શું આવશે અને કઈ દવા કામ લાગશે આ બધું ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિથી સહુ શીખી રહ્યા હતા. એમાં ડોક્ટર હોય, સરકાર હોય કે સામાન્ય માણસ, સહુએ પોતાની રીતે આ પેન્ડેમિકનો સામનો કરવાનો પ્રયાસ કર્યો છે. આપણું કામ આપણી જાતને સાચવવાનું છે. એની સામે માસ્ક વગર ફરનારા અને દંડ નહીં ભરનારા લોકો, કોઈ બહાદુરી બતાવતા નથી. એથી યે વધુ રસપ્રદ બાબત એ છે કે જ્યારે કોઈ માસ્ક વગર પકડાય કે સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે ટોકવામાં આવે ત્યારે તરત જ ‘દિવાર’ના અમિતાભ બચ્ચનની જેમ, ‘જાઓ પહેલે ઉસકા સાઈન લેકે આઓ.’ ની જેમ, નેતા, અભિનેતા, અડોશી-પડોશી કે આગળ-પાછળ જતાં લોકોના દાખલા આપીને એમની પાસેથી દંડ વસૂલવાનું, એમને ટોકવાનું કહેવામાં આપણે આપણી ચિંતા કરવાનું છોડી દઈએ છીએ.

કોરોના ટેસ્ટ કરાવવાથી 14 દિવસ ઘરમાં રહેવું પડશે, ઘરના બીજા લોકોને પણ બહાર નીકળવા નહીં મળે એવા ફાલતુ ભય હેઠળ ટેસ્ટ નહીં કરાવવાની કે રિપોર્ટ છૂપાવવા માટે જે કોઈ નાની-મોટી બેઈમાની કરે છે એ સરકારનું કંઈ બગાડતા નથી, પરંતુ સમાજને ચોક્કસ નુકસાન કરે છે.

મોટાભાગના એવું માની બેઠા છીએ કે, “કોરોના-ફોરોના આપણને અડવાનો નથી.” અથવા કેટલાક લોકો રાહ જોઈ રહ્યા છે કે વેક્સિન શોધાશે અને કોરોનાનો ઈલાજ મળી જશે. રોજ નવી વેક્સિનની વિગતો આવે છે, પરંતુ કોઈ પૂરી ખાતરી સાથે કે ભરોસા સાથે એવું કહી શકતું નથી કે આ વેક્સિન સો ટકા કારગત નિવડશે. એવા સમયમાં જો આપણે સ્વબચાવ અને સ્વસુરક્ષાનો વિચાર નહીં કરીએ તો પેન્ડેમિકમાં મૃત્યુના અને કોરોનાગ્રસ્ત થતા લોકોના આંકડા વધતા જશે.

આપણે અત્યાર સુધી વિદેશની સરખામણી કરતા હતા અને એમના સ્વાસ્થ્ય સંબંધી સવલતો અને કાયદાઓને અહોભાવથી જોતા હતા. હવે સવાલ એ છે કે ટ્રમ્પ અને બીજા અનેક લોકો જ્યારે ખુલ્લેઆમ મૂર્ખતાપૂર્ણ વર્તન કરી રહ્યા છે ત્યારે આપણે જાગવું છે કે નહીં ?

ન્યૂઝિલેન્ડની યુવા પ્રાઈમ મિનિસ્ટરે બહુ સમજદારીનું પગલું લીધું. એમણે સહુને એક અઠવાડિયું આપ્યું, જેને જ્યાંથી નીકળીને જ્યાં પહોંચવું હોય ત્યાં પહોંચી જવા માટેની નોટિસ આપી. લોકડાઉન કરતાં પહેલાં સહુને પોતાની જરૂરિયાતો સ્ટોર કરી લેવાનો સમય આપ્યો અને પછી લોકડાઉન જાહેર કર્યું. ન્યૂઝિલેન્ડના આંકડા ઉપરથી સમજાય છે કે એમનાં આ સમજદારીભર્યાં પગલાંથી કેવો અને કેટલો ફાયદો થયો છે !

માસ્ક પહેરવું કે સેનેટાઈઝેશન કરવું, હાથ ધોવા કે વસ્તુઓને ધોઈને વાપરવી, બહારથી આવીને નાહી લેવું કે બહાર પહેરેલા કપડાં સીધા બોળી દેવાં એ બધું જ આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. વેક્સિન તો જ્યારે મળશે ત્યારે, ને આપણા સુધી પહોંચતા, બલ્કમાં તૈયાર થતાં ઘણો સમય લાગશે. લગભગ બધા દેશો વેક્સિનના ખરીદદાર તરીકે તૈયાર ઊભા છે ત્યારે માસ્ક વેક્સિન છે અને સેનિટાઈઝર આપણું સેવિયર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *