અપની હી ખાતિર જીનેવાલા…

હૈ. યે ભી મેરી નારાજગી ઔર બગાવત કા એક પ્રતીક હૈ. 1979 મેં હલી બાર શે’ર કહતા હૂઁ ઔર યે શે’ર લિખકર મૈંને અપની વિરાસત ઔર અપને બાપ સે સુલહ કર લી હૈ.”

જાંનિસાર સાહેબ જાણીતા શાયર મજાઝની બહેન, સાફિયાને પરણ્યા હતા. બે દીકરા, જાવેદ અને સલમાન… (સલમાન અખ્તર હવે અમેરિકામાં બહુ જાણીતા સાઈક્યાટ્રીસ્ટ છે અને એ પણ કવિતાઓ લખે છે.) બંનેને મા પાસે મૂકીને જાંનિસાર સાહેબ મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નસીબ અજમાવવા ગયા. પત્નીને કેન્સર થયું. મોટો દીકરો જાવેદ નવ વર્ષનો હતો ત્યારે પિતાએ બીજા લગ્ન કરી લીધા. જાવેદને એ દિવસોમાં જે રીતે જીવવું પડ્યું એને કારણે પિતા સાથે વૈમનસ્ય થઈ ગયું, એના બાળમનમાં કદાચ એવી વાત ઘર કરી ગઈ કે પિતાના બીજા લગ્નને લીધે પોતાને આવી રીતે જીવવું પડ્યું… પિતાએ જવાબદારી ન નિભાવી અથવા…

પરંતુ નવાઈની વાત એ છે કે પોતે જે પીડામાંથી પસાર થયા હતા એ જ પીડા એ જ સમસ્યા, એમણે એમના સંતાનો માટે વારસામાં આપી.

એમની માનો દેહાંત થયો ત્યારે જાવેદ સાહેબ નવ વર્ષના હતા, એમણે હની ઈરાની સાથે છૂટાછેડા લઈને ઘર છોડ્યું ત્યારે ફરહાન અખ્તર નવ વર્ષના હતા ! ક્યારેક એવું લાગે કે ઈતિહાસ અજાણતા જ પોતાના અસ્તિત્વને દોહરાવે છે. ફરહાન અખ્તર મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. ફિલ્મ “જિંદગી ના મિલેગી દોબારા”ના એક સિનમાં ફરહાન અખ્તર એને બાળપણમાં છોડી ગયેલા એના પિતા સુહેલ સેઠ (નસીરુદ્દીન શાહ)ને પૂછે છે, “બસ એમ જ છોડી દીધો, મને ? સાચું કહેજો, કદી મારો વિચાર આવ્યો ? મને જોવાનું, મળવાનું મન થયું ?”

આ સવાલ જાવેદ સાહેબે પણ કદાચ જાંનિસાર અખ્તરને પૂછ્યો હશે ! હવે, ત્રીજી પેઢીએ અધુના ભાબાણીને પરણેલા જાવેદ અખ્તરે શિવાની દાંડેકર સાથેની રિલેશનશીપને લીધે પોતાની બે દીકરીઓને મૂકીને અધુનાથી છૂટા પડવાનું નક્કી કર્યું છે… ફરી એકવાર ઈતિહાસ દોહરાવાયો છે ?

જાણીતા નવલકથાકાર મન્નુ ભંડારીની નવલકથા “આપકા બન્ટી” આવા જ છૂટા પડેલા યુગલના સંતાનની કથા છે. એકબીજાથી છૂટું પડેલું યુગલ પોતપોતાની મરજીના પાત્રને પરણી જાય છે અને દીકરો અહીંથી તહીં અટવાય છે. મા સાથે જેના લગ્ન થયા છે એ માણસને એ પિતા તરીકે સ્વીકારી શકતો નથી. જ્યારે પિતા સાથે જે સ્ત્રી પરણી છે એ બન્ટીને સ્વીકારી શકતી નથી…

આધુનિક સમયમાં આધુનિક સંબંધની વ્યાખ્યાઓ બદલાઈ છે. સ્વાતંત્ર્યને જુદી રીતે જોવામાં અને અનુભવવામાં અટવાયેલા માતા-પિતા સમય સાથે સ્વાર્થી થતા જાય છે. એમણે સંતાનને જન્મ આપ્યો છે એ એમની જવાબદારી છે એ વાત એમના અંગત સુખની સામે જાણે કે નાની થઈ ગઈ છે.

બાળક કરતાં પણ વધુ નાદાન અને નાસમજ વર્તન કરતાં માતા-પિતા એ ભૂલી જાય છે કે એમણે જન્મ આપેલી આ નાનકડી વ્યક્તિને એ કેટલી બધી પીડા અને દુઃખ આપી રહ્યા છે.

કેટલાંક માતાપિતા બાળકને ટાર્ગેટ બનાવીને પોતાના જીવનસાથીને મહેણાં અને ટોણાં મારે છે. બાળક નથી સમજતું કે આ શાની ચર્ચા થાય છે અને શા માટે ? જીવનસાથી જો સમજદાર હોય તો સારી વાત છે, બાકી એ પણ વળતો પ્રહાર બાળકને વચ્ચે રાખીને કરે છે. બે ‘સમજદાર’ ગણાતા પુખ્ત માણસો એ કુમળા મનને ઢાલ બનાવીને એકબીજાને લોહીલુહાણ કરવાનો પ્રયત્ન કરે છે. બંને તરફથી છોડાતા તીરમાં સૌથી વધારે ઘાવ તો વચ્ચે ઊભેલા બાળકે જ સહન કરવાના આવે છે.

માતા-પિતા ઝઘડે ત્યારે બંને જણાં બાળક પર એવો આક્ષેપ કરે છે કે એને બેમાંથી એક વધુ વહાલું છે. માતા કહે છે કે, “જા, તારા પપ્પા પાસે… બહુ મસકા મારે છે ને ?” અને પિતા કહે છે, “જા, તારી મા પાસે… આખો દિવસ એના પાલવમાં ભરાઈને બેસી રહે છે.” બાળક માટે ધોબીના કૂતરા જેવી સ્થિતિ થાય છે. એ બેમાંથી કોઈને છોડી નથી શકતું અને એને બંને જણાં નકારે છે. તમને માતાપિતા તરીકે કદાચ ન સમજાય, પણ આટલી અસહાય સ્થિતિમાં માણસનું મન વિદ્રોહ સિવાય બીજું કંઈ શીખી કે સમજી શકતું નથી. એ નાનું હોવાને કારણે એ સમયે તો કોઈ નિર્ણય નથી કરી શકતું, પણ એના મનમાં પડેલું નકારાત્મકતાનું બીજ સમય જતાં એને માતા અને પિતા બંનેથી દૂર કરી નાખે છે. માતાપિતાને સતત ઝઘડતા જોતું બાળક એટલું બધું નકારાત્મક બની જાય છે કે યુવાન વયે લગ્ન ન કરવાનો નિર્ણય પણ કરી શકે છે.

સ્ત્રી કે પુરુષ માટે એક જાતના તિરસ્કારની ભાવના, હિંસક વૃત્તિ, ચોરી કરવાની ટેવ (ક્લેપ્ટોમેનિયા), બાયપોલર મૂડસ્વિંગ, એન્ઝાઈટી અને ડિપ્રેશન જેવા રોગોનો શિકાર આવું બાળક ઝડપથી બને છે. એથી આગળ જઈને ક્યારેક આવું બાળક માનસિક વિકૃતિનો ભોગ બને છે અને સમાજ માટે ખતરારૂપ પુરવાર થાય છે.

માતા-પિતા બંને તરફથી જ્યારે બાળકને નકારવામાં આવે ત્યારે ઘણી વાર આવાં બાળકો ખૂબ જ અસલામતી અનુભવે છે. રાત્રે પથારી ભીની કરવી, ઊંઘમાં બબડવું, વજન ઘટતું જાય કે ભણવામાં કોન્સન્ટ્રેશન ન થઈ શકે એવી અનેક સમસ્યાઓનો એવા બાળક ભોગ બને છે. જો માતાપિતા સાથે નહીં રહે તો હું ક્યાં જઈશ ? એ સવાલનો એની પાસે જવાબ નથી. વારંવાર ઝઘડતાં અને બાળકની હાજરીમાં વારંવાર ઘર છોડવાની ધમકી આપતાં અથવા ક્યારેક ઘર છોડીને ચાલ્યા જતાં માતા-પિતા પોતાની મૂર્ખામીનું પ્રદર્શન કરે છે. એ એમના સંતાનને એટલી બધી અસલામતી આપે છે કે ક્યારેક આવું બાળક આપઘાતનો ભોગ બની શકે છે…

મા-બાપ બનવું એ બાયોલોજિકલ એક્સિડેન્ટ નથી. પિતાનું નામ બાળકની પાછળ લખાય છે, બાળકની સફળતાની હકદાર મા બને છે. આપણે એ વાત સમજી શકતા નથી કે જે જીવ આપણે આપણી મરજીથી, આપણા વંશને ચલાવવા માટે કે બીજા કોઈ પણ બહાના હેઠળ આ ધરતી પર લાવ્યા છીએ એને એક સારો માણસ બનાવવાની, એને સ્વસ્થ ઉછેર આપવાની જવાબદારી આપણી છે. પતિ-પત્ની તરીકે બે જણાને કોઈપણ સમસ્યા હોય, પરંતુ માતા-પિતા તરીકેની જવાબદારીમાંથી જે છટકી જાય છે એને ઈતિહાસ ક્યારેય માફ કરતો નથી.

જાવેદ સાહેબની પોતાની જ પંક્તિઓ

“મૈં ઠહરા ખુદગરજ

બસ ઇક અપની હી ખાતિર જીનેવાલા

મૈં તુઝસે કિસ મુઁહ સે પૂછૂઁ…

તો પૂછૂઁગા તો

મુઝ પર ભી વહ જિમ્મેદારી આ જાએગી

જિસ સે મૈં બચતા આયા હૂઁ

બેહતર હૈ ખામોશ રહૂઁ મૈં…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *