દ્રોણ પોતાના શિષ્યોને કહે છે, ‘ગુરુદક્ષિણામાં મને દ્રુપદની હાર જોઈએ છે. એને બાંધીને લઈ આવો. મારા પગમાં નાખો.’ પાંડવો દ્રુપદને બાંધીને લઈ આવે છે. કામ્પિલ્યનગર દ્રુપદ પાસેથી લઈ લેવામાં આવે છે. આ અપમાન દ્રુપદ ક્યારેય ભૂલતા નથી ! એની દીકરી દ્રોપદી રાજ્યસભામાં થયેલા અપમાનને બદલે દુર્યોધનની જાંઘ ચીરવાનું વચન માંગે છે, પોતાના પતિ પાસે. ત્યાં સુધી વાળ નહીં બાંધવાની પ્રતિજ્ઞા કરે છે. એ પણ નથી ભૂલતી પોતાનું અપમાન. ધનનંદે કરેલું ચાણક્યનું અપમાન, રાવણની સભામાં હનુમાનનું અપમાન, આખી લંકા કે ધનનંદના વંશનો નાશ નોતરે છે. અપમાન ભયાનક શબ્દ છે. હજારો વર્ષથી આ શબ્દનો અર્થ માણસના આખેઆખા અસ્તિત્વને સળગાવતો રહ્યો છે. એક નાનકડા અપમાનના ઉત્તરમાં સામેની વ્યક્તિએ સ્વયંને હોમીને પણ અપમાન કરનારને પાઠ ભણાવ્યો હોય એવા દાખલા છેક પુરાણોથી શરુ કરીને આજના જમાનામાં પણ ઓછા નથી.
આપણે બધા જ આપણા અપમાન વિશે ખૂબ સેન્સિટિવ અથવા સંવેદનશીલ હોઈએ છીએ.
આપણે અનેકવાર અનેક અભિપ્રાયો સાંભળ્યા છે. કોઈક કહે છે કે બધું ભૂલી જવું જોઈએ તો કોઈક કહે છે માફ કરી દેવું પણ ભૂલવું નહીં. તો વળી કોઈક કહે છે કે ભૂલવાનો પ્રયત્ન કરીએ પણ ભૂલાય નહીં ને વળી ચોથો અભિપ્રાય કહે છે, ભૂલવાનું જ શું કામ, યાદ રાખવાનું અને રખાવવાનું… સમાજ આ બધા અભિપ્રાયો સાથે જ જીવે છે. પોતપોતાની માન્યતા અને એની સાથે જોડાયેલા એમના વર્તનથી એક વ્યક્તિનું વ્યક્તિત્વ બને છે. સમજવાની વાત એ છે કે આપણે બધા જ એક અભિપ્રાય પર કાયમ રહી શકતા નથી. આ વાંચતાં જ કદાચ કોઈ કહે કે, “ના, ના, મારો તો એક જ અભિપ્રાય હોય છે…” પરંતુ જો આપણે જ આપણા વિશે ઝીણવટપૂર્વક ઓબ્ઝર્વ કરીએ તો આપણને સમજાય કે આપણે જુદી જુદી વખતે જુદું જુદું વર્તન કરીએ છીએ. આપણી માન્યતાઓ અને આપણા વર્તન વચ્ચે સામાન્ય રીતે તફાવત હોય છે.
બીજાને આપવાની સલાહ અને પોતે અનુસરવાનો ધર્મ એક જ હોય એવું જવલ્લે જ જોવા મળે છે. આનું કારણ કદાચ એ છે કે માણસને પોતાની પીડા કે અપમાન હંમેશા બહુ મોટા લાગે છે. પોતે જ્યારે કોઈનું અપમાન કરે કે એની સાથે ખરાબ રીતે વર્તે ત્યારે એણે એવું શું કામ કર્યું એ કહેવા, લગભગ દરેક માણસ પાસે સામેનાને ગળે ઉતારવા માટેનું એક કારણ હોય છે. અપમાન આપણે કરીએ ત્યારે, અને બીજા આપણું અપમાન કરે ત્યારે… આપણી મનઃસ્થિતિ જુદી હોય છે. આપણે આપણા વર્તન વિશે ઝાઝુ વિચારતા નથી. આપણા મગજમાં એ ક્ષણે આવેલો વિચાર, ઈમ્પલ્સ, ઉભરો કે એ મિનિટે આપણને જે સૂઝ્યું તે સામાન્ય રીતે આપણું વર્તન હોય છે. એ પછી સમજદાર કે સંવેદનશીલ વ્યક્તિ પસ્તાય એવું બને, પરંતુ પસ્તાવાને અભિવ્યક્ત કરવા માટે પણ જે નમ્રતા કે સચ્ચાઈ જોઈએ એ બધામાં નથી હોતી.
મોટાભાગના લોકો અપમાનની સાથે સામેના પલ્લામાં અહેસાનને મુકે છે. કોઈએ આપણા પર કરેલો ઉપકાર, આપણી સાથે કરેલું સારું વર્તન કે ખરાબ સમયમાં કરેલી આપણી મદદ આપણા માટે એક ઋણ હોય છે, એવું ઘણા માને છે. કેટલાક લોકો એવું માને છે કે સામેની વ્યક્તિ પોતાની જરૂરિયાત વગર ક્યારેય અહેસાન કરતી નથી. આ બે અભિપ્રાયોની વચ્ચે ફરી સવાલ એ જ ઊભો થાય છે, અહેસાન ભૂલવો કે જીવનભર યાદ રાખવો ? આપણે જ્યારે કોઈની મદદ કરીએ છીએ ત્યારે અપમાનની જેમ જ એમાં પણ સિક્કાની બે બાજુઓ હોય છે. પ્રામાણિકતાપૂર્વક સ્વીકારીએ તો જ સમજાય કે સામેની વ્યક્તિ પાસેથી આપણને કંઈ જોઈતું હોય ત્યારે આપણે મદદ કરવા તત્પર કે તૈયાર થઈ જઈએ છીએ. આપણા ડ્રાઈવર, ઓફિસમાં કામ કરવાવાળા, ઘરકામ કરનારા, માળી, ચોકીદાર કે આપણને વાર-તહેવારે કામ લાગે એવા લોકોને આપણે ‘મદદ’ કરતા બહુ અચકાતા નથી. આનું કારણ એ છે કે આપણને ખબર છે કે વહેલા-મોડા આપણે આ મદદનું રીટર્ન મેળવી લેવાના છીએ ! બીજી તરફ, આપણે એવા લોકો પાસેથી મદદ લઈએ છીએ જેમને આપણે વહેલા-મોડા કંઈ કામમાં આવીને એ અહેસાન કે ઋણ ઉતારી શકીએ… સાવ ન ઓળખતા હોઈએ એવાને મદદ કરવાનું આપણને અનુકૂળ નથી હોતું, પરંતુ સાવ અજાણ્યા પાસેથી મદદ લેતા આપણે અચકાતા નથી. મોટાભાગના લોકો મદદ કે અહેસાન નહીં ભૂલવાનો દાવો કરે છે, પરંતુ જ્યારે ખરેખર રીટર્ન કરવાનું આવે ત્યારે એમના તેવર અને તૈયારી બંને બદલાઈ જતા જોવા મળે છે.
અપમાનનો બદલો લેવો કે નહીં, એ માટે બે કે બેથી વધુ અભિપ્રાય હોઈ શકે, પરંતુ અપમાન યાદ રાખવું કે નહીં એ માટે બે અભિપ્રાય ન હોવા જોઈએ. આપણી સાથે થયેલું ખરાબ વર્તન, અપમાન, તીરસ્કાર જેણે પણ કર્યો હોય એને ક્ષમા કરી દેવા એ આપણા માનસીક સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ‘એણે જે કર્યું તે એનો સ્વભાવ છે’ એવું વિચારીને જો આપણી આસપાસના જગતના સ્નેહી, સ્વજન, મિત્રો, સંતાન કે જીવનસાથી, ભાઈ-બહેન કે માતા-પિતાને ક્ષમા કરી શકીએ તો આપણી ભીતર ક્યાંક કશુંક સાફ થાય છે, એટલું નક્કી. ક્ષમા કરી દીધા પછી એ પ્રસંગ મનમાંથી કાઢી નાખવો જરૂરી નથી. જે થયું હતું એને લાઈબ્રેરીના કોઈ પુસ્તકની જેમ રેકમાં મૂકી દેવું એ શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ પુસ્તકને સતત ટેબલ પર કે હાથમાં રાખવાની જરૂર નથી.
જ્યારે આવશ્યકતા ઊભી થાય ત્યારે બહાર કાઢી જ શકાય છે. બધા કપડાં આપણે સાથે પહેરતા નથી, તેથી એને ફેંકી પણ દેતા નથી. કબાટમાં મૂકી રાખીએ છીએ અને યોગ્ય પ્રસંગે જેવી જરૂરિયાત હોય એવા વસ્ત્રો બહાર કાઢીને પહેરીએ છીએ. અપમાન કે તીરસ્કારના પ્રસંગનું પણ કંઈક એવું જ છે. એને સતત મનમાં રાખવાની જરૂર નથી. બધા જ પ્રસંગો આપણે જેમ સતત યાદ રાખતા નથી એમ જ અપમાનને પણ સતત સ્મરણમાં રાખવું જરૂરી નથી તેમ છતાં, અપમાનને ભૂલી જવું પણ બહુ શક્ય નથી, અને સાથે જ ભૂલવું પણ ન જોઈએ, કારણ કે આપણે જો શીખેલો પાઠ ભૂલી જઈએ તો નિયતી કે નિકટની વ્યક્તિએ આપણને એ જ પાઠ ફરીથી શીખવવાની ફરજ પડે છે.
એવી જ રીતે, પોતાના ઉપરનું ઋણ કે અહેસાન પણ ન જ ભૂલવા જોઈએ. એને કબાટમાં નહીં પણ નજરની સામે, દીવાલ પર ફ્રેમ બનાવીને રાખવા જોઈએ. આપણે નાના-નાના ઋણ પણ સ્વીકારતાં શીખ્યા નથી. કદાચ એટલે જ, આપણે જીવનની અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આપણી જિંદગીને સલામત બનાવતા, બોર્ડર પર રહેલા આપણા લશ્કરના જવાનોથી શરૂ કરીને રોજ આપણે ઘેર કામ કરતા, આપણા એંઠા વાસણ ઘસતા કે આપણું ઘર ચોખ્ખું રાખતા લોકોનું ઋણ આપણને દેખાતું પણ નથી. આપણે માનીએ છીએ કે અહેસાન એટલે પૈસા આપવા, પોલીસ કેસમાંથી બચાવવા, ઓપરેશન કરીને જીવ બચાવવો… આવી કોઈ મહાન મોટી ઘટના ! સત્ય એ છે કે આપણા અસ્તિત્વ (એક્ઝિસ્ટન્સ) ઉપર આપણી આસપાસની અનેક વ્યક્તિઓ, વિચારો અને જીવનું ઋણ છે. જે શાકભાજી-અનાજ ખાઈએ છીએ એનું પણ ઋણ સ્વીકાર થવું જોઈએ, આપણા અસ્તિત્વને ટકાવાનું કામ જે તત્વ કરે છે એ ઊર્જાનું ઋણ આપણે સ્વીકારતા નથી. હવા, અગ્નિ, જલ જેવ તત્વોના ઋણ સ્વીકારની સાથે સાથે આપણી ભીતર રહેલા એ જ તત્વોને પણ આપણે વધુ બેલેન્સ કરી શકીએ છીએ.
અપમાનની કડવાશ થૂંકી શકાય. એની સાથે જોડાયેલી ચચરાટની, પીડાની લાગણીને પંપાળીને રાખવી જરૂરી નથી. એનું વેર પણ જરાય જરૂરી નથી. બલ્કે બને એટલી ઝડપથી ક્ષમા કરી દેવી જરૂરી છે. જેથી ભીતર કોઈ પણ પ્રકારનો બોજ કે વજન ઉપાડીને આપણા અસ્તિત્વને ફરવું ન પડે, પરંતુ જે કારણે અપમાન થયું હતું અને જેણે કર્યું હતું એ બંનેને નહીં ભૂલવાનું પણ આપણા અસ્તિત્વને પ્રોટેક્ટ કરવાની એક મહત્વની વૃત્તિ છે. ઋણ સ્વીકાર કરવાથી કે જેણે આપણી સાથે સારું કર્યું છે એ યાદ રાખવાથી અપમાન અને એની સાથે જોડાયેલા વેરની લાગણીને એક શાતા આપી શકાય છે. આપણે બધા જ ક્યાંકને ક્યાંક ખોટા છીએ, અધૂરા છીએ એ વાત યાદ રાખીને જો બીજાની અધૂરપને ક્ષમા કરી શકીએ તો ભીતર એક શાંતિ થાય છે, પરંતુ એ અધૂરપને યાદ રાખવાથી પૂર્ણત્વ તરફનો પ્રવાસ ચાલુ રહે છે…