અબ દુનિયા મેં કિસી સે નફરત મત કરના…

ગુરુને બાત સુનાયા, બે ! 

મુજકું ફકીર બનાયા, બે !

ઈ.સ. ૧૪૪૦ની આસપાસ એક વણકરને ત્યાં એક દીકરો જન્મ્યો. જેના જન્મ વિશે અનેક લોકવાયકાઓ છે… એ વણકરની પત્નીને મળ્યો, કોઈ બ્રાહ્મણીનો દીકરો હતો કે પછી વણકરનો જ દીકરો હતો… જન્મ વિશેની અટકળો અને લોકવાયકાઓ અનેક હોઈ શકે, પણ જીવન વિશેનું સત્ય એટલે કર્મ ! આ દીકરો, જેનું નામ ‘કબીર’ પાડવામાં આવ્યું. એણે પોતાની ભીતર ટમટમતા દીવાથી પ્રગટાવેલી સમજણ અને જ્ઞાનની મશાલ સમયના વાવાઝોડાની વચ્ચે હજી ટકી રહી છે. ૧૪૪૦થી ૧પ૧૮, જે એમનો કાર્યકાળ – રચનાકાળ માનવામાં આવે છે એમના ગયાને  એમણે લખેલા દોહા, ભજન જો ધ્યાનથી વાંચીએ તો સમજાય કે પાંચસો વર્ષ પહેલાં એમણે કહેલા શબ્દો જો આપણને સમજાયા હોત તો માણસ જાત કદાચ આટલી દુઃખી, એકલવાયી અને અધૂરી ન હોત !

કબીરની આસપાસ અનેક કથાઓ વણાયેલી છે. એમણે ધર્મ નહીં, ગુણને ગુરુપદે સ્થાપ્યા, શેખ તકી અને રામાનંદ… બે જુદા ધર્મના વ્યક્તિને એમણે પોતાના ગુરુ બનાવ્યા. કબીરે ‘નિર્ગુણ’ એટલે કે, સ્વરૂપ વગરના ઈશ્વર – પરમ તત્ત્વની વાત કરી છે. કબીર પહેલાં ૧૪૧૪માં નરસિંહ મહેતા મળે છે. નરસિંહ મહેતા લખે છે, “જ્યાં લગી આતમ તત્વ ચિન્હ્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી.” નરસિંહ મહેતાના સગુણ અને સાકાર ભક્તિ પણ નિર્ગુણની વાત કરે છે, જ્યારે કબીર લખે છે, “સાહિબ મેરા એક હૈ…”

અરબી ભાષામાં ‘કબીર’નો અર્થ થાય છે ‘મહાન’ ! જે પોતાના વિચારો અને શબ્દોને શાશ્વત કરી શકે એ સૌ મહાન છે… કબીર સાહેબનું એક ભજન “ગુરુને બાત સુનાયા, બે !, મુજકું ફકીર બનાયા, બે !” જીવનની ગહનતા અને મિસ્ટીકની વાત કરે છે. આપણે શ્વાસને જીવન કહીએ છીએ, કબીર અસ્તિત્વને જીવન કહે છે. ગુર્જીએફ, લગભગ ચારસો સાડત્રીસ વર્ષ પછી પશ્ચિમમાં જન્મેલી વ્યક્તિએ જે વાત કહી, એ વાત કબીરે અંગ્રેજી ભણ્યા વગર કે કોઈ પણ ‘વાદ’ સ્વીકાર્યા વગર કહી છે. ગુરુ જ્યારે કશું કહે છે ત્યારે, આપણી ભીતર રહેલી મોહ, માયા, સંપત્તિ, શરીર સંબંધો કે અહંકારની સંચિત મૂડી ખતમ થઈ જાય છે. માણસ જો ગુરુની વાત સાંભળી શકે તો ‘ફકીર’ બની શકે. જે ફિકરને મૂકી શકે તે ફકીર… ફિકર શેની ? આવતી કાલની ? અહંકારની ? કે હરિફાઈની ? આપણે બધા જે સમયમાં જીવી રહ્યા છીએ તે સમયમાં આપણી પાસે સતત આવતી કાલ વિશેના પ્રશ્નો છે. લાૅકડાઉન ક્યારે ખૂલશે-થી શરૂ કરીને કોરોનાની રસી ક્યારે શોધાશે કે આર્થિક પરિસ્થિતિ ક્યારે સામાન્ય – બહેતર થશે- એ વિશેના અનેક પ્રશ્નો આપણા મનમાં છે, જેનો ઉત્તર ખરેખર કોઈ પાસે નથી. આવા સમયમાં જે ‘આજે’ જીવી શકે છે, એ જ ટકી શકે છે ! આ ટકવું એટલે શું ? બેલેન્સ કરવું… કબીરના સમયની લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણએ ભીતરના બેલેન્સની વાત કહી છે, “સુખેદુઃખે સમે કૃત્વા, લાભાલાભો જયાજયો…” સુખ-દુઃખ અને લાભ-નુકસાન, જય પરાજયમાં જે સમાન રહી શકે છે, તે ‘સ્થિતપ્રજ્ઞ’ છે. આ સ્થિતપ્રજ્ઞની સીધી વ્યાખ્યા એવી વ્યક્તિ સાથે જાેડાય છે, જેને કોઈ ફિકર નથી, જે ફકીર છે !

આપણે જેને ‘ધર્મ’ કહીએ છીએ, તે ખરેખર પરંપરા અથવા રીતિ-રિવાજ છે. કર્મકાંડ છે, વિધિ-વિધાન છે. આ ખોટું છે, એવું કહેવાનો પ્રયાસ સદંતર નથી. અગત્યનું એ છે કે ‘ધર્મ’ એ છે જે ધારણ કરે. ટકાવે… અને જે ટકાવે છે, તે બેલેન્સ સિવાય બીજું શું હોઈ શકે ? આ બેલેન્સનો સૌથી મોટો દાખલો દોરડા પર ચાલતા બજાણિયા છે. હાથમાં પકડેલી લાકડી લઈને દોરડા ઉપર ખુલ્લા પગે ચાલતા આ બજાણિયાને જેણે જોયા હોય, એને ખબર હશે કે નીચે ઉભેલા લોકો એને જાેતા હોય છે, પણ એ પોતાની આજુબાજુ કેટલા ભેગા થયા છે, એની તરફ જોતા નથી ! એ તો પોતાના હાથમાં પકડેલી લાકડી ઉપર ફોકસ કરે છે… આ લાકડી એટલે આપણું જીવન, સંસાર… કદાચ આપણી આસપાસના સંબંધો, જેને હાથમાં પકડીને આપણે સમયની રસ્સી પર ચાલીએ છીએ. એક તરફથી બીજી તરફ ! બજાણિયાનું બેલેન્સ લાકડીથી નથી, લાકડી તો એણે હાથમાં પકડેલો આધાર છે, એના સહારે એનું ફોકસ ટકી રહે છે. બેલેન્સ તો એની અંદર છે, ભીતર છે.

‘સમ-તુલન’ એટલે બંને તરફ સરખો ભાર રાખવો. આપણે એકતરફનો ભાર વધારી દઈએ છીએ. ઇચ્છાઓ, મોહ, અહંકાર અને તિરસ્કારનો ભાર વધે છે, ક્ષમા, સ્નેહ, સહજતા અને ઓછી જરૂરિયાત જેવા ગુણોનો ભાર ઘટે છે. ઇમ્બેલેન્સ થાય છે ! આપણે બધા બહારની ચીજો પર ફોકસ કરવામાં ભીતરનું બેલેન્સ ચૂક્યા છીએ. જે બેલેન્સ ચૂકે છે, તે પડે છે… જે પડે છે, તે સમસ્યામાં, શંકામાં, અધૂરપમાં કે નિરાશામાં પડે છે. નીચે ઉભેલા તમાશો જુએ છે. જો બજાણિયો દોરડા પર ચાલતો રહે તો તમાશબીન તાળીઓ વગાડે છે. અને જો બજાણિયો બેલેન્સ ચૂકે ને પડે તો એ જ તમાશબીન એના ઉપર હસે છે.

કબીરસાહેબ લખે છે,

“ઓટ હાથ કા માનવ પિંજરા, સોહમ્‌ પોપટ બોલે

નિરંજન રઘુનાથ હુકમ સે, અંતર કા પટ ખોલે” આપણું શરીર, જેની આપણે આટલી આળપંપાળ કરીએ છીએ, જેની સગવડને આપણે સુખ માનીએ છીએ, જેના અહંકારને આપણો અર્થ બનાવી દઈએ છીએ, એ શરીરની ભીતર વસતા કોઇક તત્ત્વ ઉપર આપણું બેલેન્સ આધારિત છે… પરંતુ, આપણે હાથમાં પકડેલી લાકડીને સમ-તુલનનું કારણ માનીને ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, પડીએ છીએ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *