અબ વહી હર્ફે-જુનૂ (ઉન્માદ) સબ કી જબાં ઠહરી હૈ, જો ભી ચલ નિકલી હૈ, વો બાત કહાં ઠહરી હૈ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ આખા દેશને ચોંકાવી દીધો છે. આખા દેશની યુનિવર્સિટીઝના વિદ્યાર્થીઓએ એ ઘટનાના વિરોધમાં પ્રદર્શનો કર્યા. કેન્ડલ લાઈટ કરીને જેએનયુના વિદ્યાર્થીઓ પરત્વે પોતાનું સમર્થન પ્રકટ કર્યું. યુનિવર્સિટી કેમ્પસમાં હિંસા થઈ હોય એવો આ પહેલો દાખલો નથી. નવનિર્માણ સમયે પણ તોડફોડ અને હિંસાની ઘટનાઓ બની હતી. ગરમ-યુવાન લોહી જ્યારે પોતાની વાત શબ્દોમાં કહેવા અસમર્થ હોય છે ત્યારે હિંસા કે તોડફોડ કરે છે, એવો આ દેશનો ઈતિહાસ છે. આ દેશનો જ શું કામ, વિશ્વની તમામ ક્રાન્તિ જ્યારે શબ્દોથી નથી થઈ શકતી ત્યારે લોહી રેડાયું છે. અફસોસ એ વાતનો છે કે અહીં કોઈ ક્રાન્તિ નથી થઈ રહી. અહીં બિનજરૂરી હિંસા થઈ રહી છે !

વિચારભેદ એ નવી પેઢીનો અધિકાર છે. જૂની પેઢી જે માને છે અથવા જે વિચારે છે એનો વિરોધ કરીને જ નવી પેઢી કશું નવું, કશું તાજું આપી શકે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો ઈતિહાસ પાંચ દાયકા જેટલો વિસ્તૃત છે. ભારતના પહેલા વડાપ્રધાનના નામે આ યુનિવર્સિટીનું નિર્માણ થયું અને એના પહેલા વાઈસ ચાન્સેલર જી. પાર્થસારથિ હતા. એ સમયે એમ.સી. ચાગલા શિક્ષણપ્રધાન હતા. એક્ટિવિઝમ અને કોન્ટ્રોવર્સી જેએનયુના ઈતિહાસનો મજબૂત અને મહત્ત્વનો હિસ્સો છે. અહીં વામપંથી અને જમણેરીઓના બે ગૃપ છે. બંનેની માન્યતા સ્ટ્રોંગ છે. આ યુનિવર્સિટી એના પાસ્ટ સ્ટુડન્ટ્સ માટે જાણીતી છે. જેમાં, સુબ્રમણ્યમ જયશંકર (ભારતના ફોરેન સેક્રેટરી), અરવિંદ ગુપ્તા (ઈન્ડિયન નેશનલ સિક્યોરિટી એડવાઈઝર), હારૂન રશીદ ખાન (ડેપ્યુટી ગવર્નર, આરબીઆઈ), વેણુ રાજમણિ (પ્રાઈમ મિનિસ્ટરના પ્રેસ સેક્રેટરી), નિર્મલા સિતારમન (ફાઈનાન્સ મિનિસ્ટર), અમિતાભ કાન્ત (સીઈઓ, નીતિ આયોગ અને મેક ઈન ઈન્ડિયા પાછળનું બ્રેઈન), સંજય બારુ (મનમોહનસીંગના મિડિયા એડવાઈઝર-જેણે એક્સિડેન્સિયલ પ્રાઈમ મિનિસ્ટર જોયું હશે એને વધુ ખ્યાલ આવશે), તલત અહેમદ (જામિયા મિલિયા યુનિવર્સિટીના વી.સી.), સ્વરા ભાસ્કર (અભિનેત્રી), જાવેદ હબીબ (હેર સ્ટાઈલિસ્ટ), મધુ કિશ્વર જેવા નામો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

અત્યારે જે વિવાદ છેડાયો છે તે યુનિવર્સિટીમાં દાખલ થયેલા કેટલાક લોકોએ જે રીતે હિંસા આચરીને વિદ્યાર્થીઓને લોહીલુહાણ કરી નાખ્યા એ વિશેનો છે… આ દાખલ થયેલા ગુંડાઓ એબીવીપી, એનએસયુઆઈ, આરએસએસ, વિધર્મી, વિપક્ષી કે કોઈ પણ જાતિ-ધર્મ-પ્રાંત કે ક્લાસના હતા, ચર્ચા એ નથી. પ્રશ્ન એ છે કે આવા વિદ્યાધામમાં દાખલ થઈને આવી ગુંડાગર્દી આચરીને કોણ, શું પુરવાર કરવા મથે છે? જેણે હિંસા આચરી એ પણ યુવાનો છે, જેના ઉપર હિંસક હુમલો થયો એ પણ યુવાનો છે… એકવાર હિંસક હુમલો થયા પછી જે રસ્તા પર ઉતરી આવ્યા છે એ પણ યુવાનો છે. આ દેશની આવનારી પેઢી એકબીજાની સામે થઈ જાય એવો પ્રયત્ન કોણ કરી રહ્યું છે ? શા માટે ? એક યુવાનમાં આવી તાકાત નથી, એક યુવાન આટલો ચાલાક કે ગણતરીબાજ ન હોઈ શકે. આ જે કોઈ ગોઠવી રહ્યું છે, કરી રહ્યું છે કે રમી રહ્યું છે એનો રસ ફક્ત એટલો જ છે કે આ દેશની આવનારી પેઢી, હવે પછીના વોટર્સ, ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ કે રાજકારણી એકબીજાની સાથે નહીં સામસામે રહે !

આ શકુની વૃત્તિ છે. જો કૌરવો અને પાંડવોને સામસામે નહીં પણ એક સાથે ઊભા કરાયા હોત તો આ દેશનું ભવિષ્ય કંઈ જુદું જ હોત ! શકુનીને ક્યારેય રાજ નહોતું કરવું. એને હસ્તિનાપુરની ગાદી કે આર્યવ્રતની સત્તામાં રસ નહોતો, એનો રસ ફક્ત એટલો હતો કે જેણે એની બહેન સાથે અન્યાય કર્યો છે એને પાઠ ભણાવવો… અહીં ફરી એક સવાલ છે, કૌરવો અને પાંડવોને સામસામે ઊભા કરી દેવાથી-કુરુક્ષેત્રના યુદ્ધથી, શકુનીની બહેન સાથે થયેલા અન્યાયને ન્યાયમાં ફેરવી શકાયો? સાચું પૂછો તો સૌથી વધારે નુકસાન એનું થયું જેણે આ અન્યાયનો બદલો લેવા માટે આવનારી પેઢીને સામસામે ઊભી કરી દીધી.

શકુની આવું કરી શકે, એની વૃત્તિ અને પ્રવૃત્તિ બંને એને આવું કરવાની છૂટ આપે છે, કદાચ ! આપણા દેશમાં પણ અનેક શકુનીઓ છે. જેમને આ દેશ એક ન થાય, આ દેશમાં વિકાસ ન થાય, યુવાનો વચ્ચે વર્ગવિગ્રહ થાય એવો રસ છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે વિગ્રહ થાય ત્યારે આચાર્યો અને શિક્ષકોએ પોતાની જવાબદારી સમજીને નવી પેઢીને સાચી દિશા બતાવવાનું કામ કરવું જોઈએ. આપણા દેશ પાસે ગુરુ-શિષ્ય પરંપરાના હજારો વર્ષનો ઈતિહાસ છે. જ્યારે શિક્ષક પોતાના શિષ્યને શાસ્ત્ર અને સિદ્ધાંત શિખવવાને બદલે ષડયંત્રો અને સ્વાર્થ શિખવે ત્યારે દેશનું પતન નિશ્ચિતપણે એ શિક્ષકોએ તૈયાર કરેલી પેઢી દ્વારા થાય છે. આજથી હજારો વર્ષ પહેલાં દ્રોણે પોતાના શિષ્યોને શસ્ત્ર તરીકે વાપર્યા હતા. વિદ્યાર્થીઓ પાસેથી ગુરુદક્ષિણા સ્વરૂપે દ્રોણે પોતાના એક સમયના મિત્ર, અને પછીથી દુશ્મન બની ગયેલા દ્રુપદને પકડી પોતાના પગમાં ઝુકાવવાની માગણી કરી હતી. ‘વિદ્યાર્થી’ શબ્દ જ વિદ્યાના અર્થી, વિદ્યા ઝંખતી, વિદ્યા પામવા મથતી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. જે ભણવા માગે છે, વિદ્યા ઝંખે છે, એણે રાજકારણથી દૂર રહેવું જોઈએ, પૂરી સમજણ ન વિકસે ત્યાં સુધી કોઈપણ વિચારધારા સાથે કેવી રીતે જોડાઈ શકાય ?

આપણા દેશમાં યુથ અથવા યુવાનોની સંખ્યા ખૂબ મોટી છે. એક સર્વે મુજબ વધુ ને વધુ યુવાનો રાજકારણ તરફ ઘસડાઈ રહ્યા છે. આના કારણો પણ સમજવા જેવા છે. પહેલું કારણ એ છે કે મોટાભાગના યુવાનોને રાજકારણમાં પાવર, પૈસા અને બીજી બધી જ બાબતો દેખાય છે જે માણસને એક ઝટકે મળી શકે છે. બીજું કારણ એ છે કે આ દેશ પહેલેથી જ ધર્મ અને રાજકારણને જોડતો રહ્યો છે. કુરુક્ષેત્રનું યુદ્ધ હોય કે પાણીપતની લડાઈ, ધર્મ અને રાજકારણ એકમેકથી ભિન્ન નથી રહી શક્યા. ત્રીજું અને મહત્ત્વનું કારણ એ છે કે કેટલાક સ્થાપિત હિતો આ દેશના યુવાનોને હાથો બનાવીને પોતાનું ધાર્યું કરાવી રહ્યા છે. સૌથી સોફ્ટ ટાર્ગેટ યુવાનો છે. ગરમ લોહી, વિચારવાની શક્તિ હજી પૂરી ડેવલપ ન હોય અને કંઈક કરી બતાવવાનું જોશ જ્યારે થનગનતું હોય ત્યારે એમને ખોટી દિશામાં અથવા પોતાનો સ્વાર્થ સધાય એવી દિશામાં લઈ જવા અઘરા નથી.

યુવાપેઢી પાસે ગજબનું જોશ અને બુદ્ધિશક્તિ હોય છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના એ ચતુર વાણિયાને આ વાત સમજાઈ. એણે આપણા દેશની આખી યુવાપેઢીને સ્વાતંત્ર્ય સંગ્રામનો વિચાર આપ્યો. એ વિચારની સાથે એક શબ્દ આપ્યો, ‘સવિનય કાનૂનભંગ’ ! જે કાયદો નથી ગમતો, અસ્વીકાર્ય છે, જે શાસક સાથે મતભેદ છે એનો વિરોધ થઈ જ શકે છે, પરંતુ એમાં વિનય ન ચૂકાવો જોઈએ. અસહકારનું આંદોલન કે સત્યનો આગ્રહ (સત્યાગ્રહ) તદ્દન વિપરીત પરિણામ લાવ્યા હોત, જો એની સાથે અહિંસાનો વિચાર ના જોડાયો હોત. મો.ક.ગાંધીને આ સંયોજન બરાબર ગોઠવતા આવડ્યું, માટે આ દેશની ક્રાન્તિ અથવા સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રમાણમાં ખૂબ ઓછો લોહિયાળ પુરવાર થયો. જોકે, ગાંધીને નહીં માનતા, અહિંસાને નકારતા એક આખા યુવાવર્ગમાં ભગતસિંહ, ખુદીરામ બોઝ, રાજગુરુ, દુર્ગાભાભી જેવા નામો લઈ શકાય, પરંતુ એમની સંખ્યા બહુ ઓછી હતી. અત્યારે આ સમીકરણ ઉલટું થઈ ગયું છે… સૈદ્ધાંતિક લડાઈ, વૈચારિક મતભેદ કે ધ્યેય સુધી પહોંચવાના પોતપોતાના રસ્તા વિશે કદાચ સહુનો અલગ અભિપ્રાય હોય તો પણ, એ અભિપ્રાયને સાંભળવાની કે સ્વીકારવાની શિખામણ અને તૈયારી આ નવી પેઢીમાં રોપવાનું એમના શિક્ષકો કદાચ ભૂલી ગયા છે !

જેએનયુ તો એક દાખલો છે, આસામમાં, બંગાળમાં, યુપીમાં અને બિહાર-ઝારખંડમાં એક આખી નવી નસ્લને ખોટી દિશામાં લઈ જવાની, બરબાદ કરી નાખવાની જાણે હોડ ચાલી છે. કોલેજનું રાજકારણ, એમાં રસ લેતા લોકલ રાજકારણીઓ, માથાભારે વિદ્યાર્થીઓમાંથી તૈયાર કરવામાં આવતા માફિયા… આપણે વેબ સિરિઝમાં રોજેરોજ જોઈ રહ્યા છે, એ કોઈ કપોળકલ્પિત કથાઓ નથી !

“યે વો મંઝિલ તો નહીં”, “હોલી”, “રંગ દે બસંતી” જેવી ફિલ્મો સિનેમા તરીકે વખણાઈ, પણ વિચાર તરીકે સ્વીકારાઈ નહીં ! આ બધી લડાઈમાં, હિંસામાં માતા-પિતાની કોઈ ભૂમિકા છે કે નહીં, એવો સવાલ કેમ કોઈને થતો નથી ? મોટાભાગના માતા-પિતા પોતાના સંતાનોને કોલેજ કે યુનિવર્સિટીમાં ભણવા માટે મોકલે છે, માફિયા કે ગેંગસ્ટર બનાવવા માટે નહીં. જેએનયુ જેવા સમાચારો જ્યારે રોજેરોજ સાંભળવા મળે છે ત્યારે કિશોરકુમારનું લખેલું, સ્વરબદ્ધ કરેલું અને ગાયેલું એક ગીત યાદ આવે છે, “આ ચલ કે તુઝે મૈં લે કે ચલું એક ઐસે ગગન કે તલે, જહાં ગમ ભી ન હો, આંસુ ભી ન હોય, બસ પ્યાર હી પ્યાર પલે…”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *