અરે, આ ખેડૂતોનો મુદ્દો છે શું?

Kheduto-no-Muddo

“જો તમે આજે ડીનર કરી લીધું છે તો ખેડૂતનો આભાર માનો.” પરિણીતી ચોપરાએ આ ટ્વિટ કરીને આપણા સહુની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણા દેશમાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતોની આત્મહત્યા દુઃખદાયક સમાચાર બનીને અખબારના પાના ઉપર કાળી શાહીમાં છપાતા રહ્યા છે. આપણે ખેડૂતને જગતનો તાત કહીએ છીએ. આપણા ઘરમાં આવતા શાકભાજી, અનાજથી શરૂ કરીને આપણા ફેન્સી અને સાદા-ઘરેલુ ભોજન સુધીની સગવડ માટે, આપણા અસ્તિત્વ માટે જેનો આભાર માનવો જોઈએ એવા ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે ત્યારે એ આંદોલનનો જે ઉકેલ આવે તે, પરંતુ આપણે ભારતના નાગરિક તરીકે અથવા એક સજાગ વાચક તરીકે એ આંદોલનના મુદ્દા સમજવા જોઈએ. મોટાભાગના અખબારો કે મીડિયા ‘રસ પડે’ એવાં દ્રશ્યો દેખાડી રહ્યા છે. ખેડૂતો શું ખાય છે અને શું કરે છે એવાં ટીઆરપી વધારતા દ્રશ્યો દેખાડીને મીડિયા આ આંદોલનને કોઈ ‘ઈવેન્ટ’ની જેમ લોકો સુધી પહોંચાડે છે ત્યારે દલજીત દોસાંઝ જે જાણીતા ગાયક અને અભિનેતા છે, એમણે મીડિયાને જાહેર મંચ પરથી અપીલ કરી છે કે “જે છે તેટલું બતાવો. સાચી વાતને લોકો સુધી લઈ જાઓ. મુદ્દા ઉપર જ ફોકસ કરો…” સોનુ સૂદ, પ્રિયંકા ચોપરા, દીપ સિદ્ધુ, તાપસી પન્નુ, સ્વરા ભાસ્કર જેવા અનેક સેલિબ્રિટીઝ આ કિસાન આંદોલનને સપોર્ટ કરી રહ્યા છે.

તો બીજી તરફ, સામાન્ય રીતે સામાજિક મુદ્દા ઉપર પોતાના વિચારો ખુલીને રજૂ કરવા માટે જાણીતા અનેક કલાકારોએ આ વિશે ચૂપ રહેવાનું મુનાસિબ માન્યું છે. બોલિવૂડના ‘ક્લિન અપ ઓપરેશન’માં પોતાનું નામ ન આવે એવા ભયથી આ લોકો, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, અક્ષયકુમાર, નાના પાટેકર જેવા કલાકારો ચૂપ રહ્યા હશે ? અત્યારે તો એવું લાગે છે કે જાણે એમને સાચે જ આ આંદોલન વિશે કશી ખબર નહીં હોય… મુદ્દો જ નહીં સમજ્યા હોય કે પછી એમને આ મુદ્દા સાથે કોઈ લેવા-દેવા નથી એવું માનીને એમણે હાથ ખંખેરી નાખ્યા છે!  ધર્મેન્દ્રએ પહેલાં ટ્વિટ કરી અને ડીલીટ કરી નાખી. જ્યારે સની દેઓલે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, આ સરકાર અને ખેડૂતોનો અંગત મામલો છે. કેટલાક લોકો આનો ફાયદો ઉઠાવવા માગે છે અને એ લોકો જ સરકારની સામે આ કિસાનોને ભડકાવી રહ્યા છે…

આપણે અખબારો વાંચીએ છીએ, પરંતુ આ મુદ્દા વિશે આપણે કેટલું જાણીએ છીએ ? એક તરફ પંજાબ અને બીજી તરફ તામિલનાડુથી ચાલીને આ ખેડૂતો શેનો વિરોધ કરવા દિલ્હી પહોંચ્યા ? 17 સપ્ટેમ્બરે સંસદે ત્રણ ફાર્મ બિલને રાજ્યસભામાં પસાર કરીને મંજૂરી આપી. નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કૃષિ સુધારણા માટેના જે કંઈ પ્રયાસો હાથ ધરાયા છે એના ભાગરૂપે આ ત્રણ બિલને ખેડૂતોના ફાયદામાં પસાર કરવામાં આવ્યા છે એવો દાવો સરકાર કરી રહી છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ફાર્મ સેવાઓ બિલનો કરાર, ખેડૂતોના સશક્તિકરણ અને સંરક્ષણ માટે મિનિમમ ભાવની ખાતરી સાથે ખેડૂતનું ઉત્પાદન, વેપાર અને વાણિજ્ય બનાવતી સુવિધાનું આ બિલ કાયદો બનવાની તૈયારીમાં હતું, કારણ કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાની સંમતિ જાહેર કરી દીધી હતી.

ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને ફાર્મ સેવાઓ બિલનો કરાર: તે પાકની વાવણી કરતા પહેલા ખેડૂત અને ખરીદદાર વચ્ચે કરાર ખેતી કરાર માટે એક માળખું બનાવે છે અને વિવાદના સમાધાન માટે ત્રણ સ્તરની પદ્ધતિ સૂચવે છે – સમાધાન બોર્ડ, પેટા- વિભાગીય મેજિસ્ટ્રેટ અને અપીલ સત્તા. જો કે, વિવાદના મુદ્દા છે કે (1) આ કાયદા હેઠળ કોઈ પણ કરાર ખેતી માટે કંપની દ્વારા ખેડૂત સાથે લેખિત કરાર કરવો ફરજિયાત નથી. તેથી, જો કંપની કરારની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો પણ ખેડૂત તે સાબિત કરી શકશે નહીં. (2) તેમાં કંપનીઓને દંડ આપવાની કોઈ જોગવાઈ નથી કે જેઓ તેમના કરાર નોંધાવે નહીં. જેમ કે, ગયે વર્ષે, ગુજરાતના બટાટાના ખેડુતોએ આખરે કોર્ટના દરવાજા ખખડાવી ન્યાય મેળવવા માટે આંદોલન કરવું પડ્યું હતું. (3) આ બિલ સ્પષ્ટ કરતું નથી કે પાકનો કરાર કિંમત ઓછામાં ઓછો એમએસપી (મિનિમમ સપોર્ટીવ પ્રાઈસ) ની સમકક્ષ અથવા તેનાથી ઉપર હોવો જોઈએ. તેનો અર્થ એ કે કોન્ટ્રાક્ટર / કંપનીઓ ખેડૂતને ગમે તે ભાવ ચૂકવી શકે છે ! કોન્ટ્રાક્ટ એગ્રીકલ્ચરમાં ભારતનો અનુભવ નબળો રહ્યો છે, પરંતુ એમએસપી પર સરકારી બજારોમાં વેચવાને બદલે કોન્ટ્રાક્ટર્સ દ્વારા ખેડુતોને ખૂબ જ ઓછા દરો મળે છે. ખેતી જ્યારે પ્રાઈવેટાઈઝેશનમાં પ્રવેશે છે ત્યારે વોલમાર્ટ જેવી મોટી વિદેશી કંપનીઓ જો બજારમાં પ્રવેશે તો આ નાના ખેડૂતો, જેમની પાસે એક-બે એકર કે વિઘા જમીન છે એમનું શું થાય ?

એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટના નવા સુધારા મુજબ હવે કેન્દ્ર સરકારને અસાધારણ સંજોગોમાં ખાદ્ય ચીજોનું નિયમન કરવા અથવા જો રોજિંદી જરૂરિયાતની ચીજોની કિંમતમાં તીવ્ર વધારો થાય તો સ્ટોક મર્યાદા લાદવાની સત્તા આપે છે. સૌથી મોટો સવાલ એ છે કે અત્યાર સુધી કૃષિ એ રાજ્યનો વિષય હતો. હવે કેન્દ્ર સરકારે એમાં પ્રવેશ કર્યો છે. બીજું, નાના ખેડૂતો, જેમની પાસે ઓછી જમીન છે એમને માટે કોર્પોરેટ અને એગ્રીકલ્ચરના વ્યવસાયમાં પડેલી મોટી કંપનીઓ સુધી પહોંચવું અસંભવ છે.

અત્યાર સુધી આવા ખેડુતો ફક્ત ખેડૂત સહકારી અને ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ સાથે કામ કરતા હતા. એને કારણે તેમના પાકને સંગ્રહિત કરવા, ઉત્પાદન કરવા અથવા વેચવા માટે કોઈ મર્યાદા અથવા પ્રતિબંધ નહોતો. પરિણામે, તેઓ તેમના પાક વેચવાનો નિર્ણય બજાર અથવા ખરીદનાર પાક માટે સારા ભાવની ઓફર કરે ત્યારે લઈ શકે એવી એમની પાસે સ્વતંત્રતા હતી. હવે, આ નવા બિલનો અમલ થાય તો ખેડૂતોની સ્વતંત્રતા છીનવાઈ રહી છે. ઉલટું, સરકાર હવે આ કેટેગરીમાંથી તમામ ખાદ્યપદાર્થોને હટાવીને એક નવો કાયદો લાવવા માગે છે, જેનાથી મોટી કંપનીઓ અને વેપારીઓને જોઈએ તેટલા પ્રમાણમાં ખોરાક સંગ્રહિત કરવાની પરવાનગી મળે છે.

આ નવા બિલ દ્વારા સરકાર સંગ્રહખોરી અટકાવવા અને ભાવ ફુગાવાને અંકુશમાં લેવાની શક્તિ આપી રહી છે એવું તેમનું કહેવું છે. આ નવા કાયદા મુજબ, જો ખરાબ થઈ ગયેલા માલના કિસ્સામાં ગત વર્ષના ભાવ કરતાં 50% અને ગત વર્ષના નાશ પામેલા માલની સરખામણીમાં 100% કિંમતમાં વધારો થાય તો જ સરકાર હસ્તક્ષેપ કરશે. એનો અર્થ એ થાય કે જો ખેડૂતનો માલ ખરાબ થઈ જાય તો એની જવાબદારી સરકાર ત્યારે જ લે જ્યારે કિંમત વધી હોય ! કૃષિ પેદાશ અને પશુધન બજાર સમિતિ (એપીએમસી) બજારોની બહાર ખેડૂતોના રાજ્યની અંદર અને આંતર રાજ્ય વેપારને મંજૂરી આપે છે.

દેશના રાજ્યોને હવે એપીએમસી વિસ્તારોની બહાર થતા કૃષિ વ્યાપારમાં માર્કેટ ફી અથવા સેસ લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારનું કહેવું છે કે હવે ખેડૂતને ક્યાંય પણ, કશું પણ વેચવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ સામે કોર્પોરેટ્સને ક્યાંયથી, કશું પણ ખરીદવાની પરવાનગી પણ મળે છે. અનાજ કે શાકભાજીનો લાંબો સમય સુધી સંગ્રહ કરવા માટે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ કોર્પોરેટ અથવા મોટી કંપનીઓ પાસે છે, ખેડૂતો પાસે નથી… લોકલ માર્કેટમાં ખેડૂતને યોગ્ય ભાવ ન મળે અને  જો એ કદાચ પોતાની પ્રોડક્ટ ન વેચી શકે તો એણે મજબૂર થઈને કોર્પોરેટ જે ભાવે માંગે તે ભાવે પ્રોડક્ટ વેચી દેવી પડે એવી એક સંભાવના ખેડૂતને ડરાવે છે. બીજી મહત્વની વાત એ છે કે ગુજરાતમાંથી કૃષિ ઉત્પાદન ખરીદીને પંજાબમાં વેચવાની કે પંજાબ, હરિયાણા કે તામિલનાડુથી કૃષિ ઉત્પાદન ખરીદીને ગુજરાતમાં કે રાજસ્થાનમાં વેચવાની ક્ષમતા તો માત્ર કોર્પોરેટ પાસે હોઈ શકે…

નાના અને ગરીબ ખેડૂતોને ભય છે કે આ બિલ એમને બહુ મોટું નુકસાન કરશે. ભારતીય કિસાન યુનિયન, ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટીની સાથે કેટલાક વિરોધ પક્ષો જોડાઈને આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ભાજપના સાથી પક્ષ એસએડી વચ્ચે પણ મુદ્દાને લઈને મતભેદ થયો છે. પંજાબમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીએ આ બિલનો વિરોધ કર્યો છે. ભાજપના અગાઉના સાથી શિવસેના આ બિલને ટેકો આપે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ આખોય મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમનું કહેવું છે કે આ તમામ બિલો, નવા સુધારા કે કાયદા ખેડૂતને મદદ કરશે. સરકારની નીતિ સાચી છે કે ખોટી, બિલ પાસ થશે તો ખેડૂતને ફાયદો થશે કે નુકસાન એ તો જે-તે રાજ્યનો ખેડૂત જ વધુ સારી રીતે સમજી શકે. સવાલ એ છે કે આપણા દેશમાં લોકશાહી ઓછી અને ટોળાશાહી વધુ છે. શાંતિથી આ નવા બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોની પાસેથી શીખવા જેવી એક જ વાત છે, એકતા ! એ લોકો જે રીતે એકબીજાનો હાથ પકડીને દ્રઢ ઊભા છે એમાંથી જો આપણો આખો દેશ અને દેશના નાગરિકો કંઈ શીખી શકે તો વિશ્વની સૌથી મોટી લોકશાહી, સાચા અર્થમાં લોકશાહી બની શકે.

2 thoughts on “અરે, આ ખેડૂતોનો મુદ્દો છે શું?

Leave a Reply

Your email address will not be published.