14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણ, કમોરતા પૂરાં થાય અને સૂર્ય ઉત્તર તરફ ખસવાનું શરૂ કરે… આપણે પતંગ ચઢાવીએ છીએ, તલ અને ગોળ ખાઈએ છીએ. મજા કરીએ છીએ, પણ કોઈ દિવસ કોઈએ એ દિવસનું મહત્વ ભીષ્મના મૃત્યુના દિવસ તરીકે યાદ રાખ્યું નથી, પરંતુ મહાભારત, અથવા કુરુક્ષેત્રના યુદ્ધની શરૂઆત જો ગીતા જયંતિથી ગણીએ તો માગસર મહિનાની શુક્લ પક્ષની અગિયારસ છે. ગ્રહોની પોઝિશન્સ અને વિદ્વાનોના મત મુજબ વર્તક 16 ઓક્ટોબર, ઈ.સ. પૂર્વે 5561 ગણે છે. જ્યારે પી.વી. હોલે 13 નવેમ્બર, ઈ.સ. 3143 ગણે છે. જ્યારે આઈહોલ નામના વિદ્વાન ઈ.સ. 3102નો સમય ગણાવે છે. ગીતા જો માગસર મહિનાની શુક્લ પક્ષની અગિયારસે કહેવાઈ હોય તો એના પછીના 18 દિવસ એટલે 14મી જાન્યુઆરી? બીજા બધા ભારતીય તહેવારો જો તીથિ પ્રમાણે ઉજવાતા હોય તો 14મી જાન્યુઆરી તારીખ પ્રમાણે કેમ ઉજવાય છે ? ઉત્તરાયણની તીથિ નથી, તારીખ છે !
ભારતીય કેલેન્ડર, ચંદ્ર આધારિત અથવા લ્યૂનર કેલેન્ડર છે. એક ચંદ્રથી નવા ચંદ્ર સુધી (પૂનમથી પૂનમ) 29.5 દિવસ હોય છે. આપણને 12 પૂર્ણિમા મળે છે, 354 દિવસમાં. જ્યારે સૂર્ય 365.25 દિવસે ફરી પાછો એ જ જગ્યાએ આવે છે. એટલે 11.25 દિવસનો ડિફરન્સ સોલાર (સૂર્ય) અને લ્યૂનર (ચંદ્ર) કેલેન્ડર વચ્ચે પડે છે. જેને એકબીજા સાથે જોડવા માટે અધિકમાસ ઉમેરવામાં આવે છે. એવી જ રીતે સૂર્યના 0.25 દિવસને દર ચાર વર્ષે એક સરકીટ પૂરું કરવા માટે ફેબ્રુઆરીના 29 દિવસ ગણવામાં આવે છે.
આપણી વેધર પેટર્ન્સ, ઋતુચક્ર સૂર્યનું કેલેન્ડર ફોલો કરે છે, ચંદ્રનું નહીં. બીજું એક્યુરેટ મૂહુર્ત કાઢવા માટે ચંદ્રનો આધાર લેવો પડે છે. આ ચંદ્રનો પ્રવાસ અને સૂર્યનો પ્રવાસ એકબીજા સાથે મેચ થાય એ માટે 27 નક્ષત્ર અને 12 રાશિ ગણવામાં આવે છે. આ બધું આજે નક્કી નથી થયું, આજથી હજારો વર્ષો પહેલાં જ્યારે આવા કોઈ કેલ્ક્યુલેટર્સ કે ટેલિસ્કોપ ઉપલબ્ધ નહોતા ત્યારે આ ગણતરી કરવામાં આવી છે. સોલાર અથવા સૂર્ય કેલેન્ડર પ્રમાણમાં ફિક્સ અને રિજીડ છે, કારણ કે સૂર્ય પોતાના સ્થળેથી હટતો નથી. પૃથ્વી ફરે છે, સૂર્યની આસપાસ, માટે આ કેલેન્ડર સર્જાય છે. સૂર્યના વર્ષમાં જે રાશિચક્ર નિશ્ચિત કરવામાં આવ્યું છે એને ઝોડિયાક સાઈન કહેવાય છે. જ્યારે ચંદ્ર કેલેન્ડરથી જે રાશિ નિશ્ચિત કરવામાં આવી છે એ ચંદ્રની સ્થિતિ પ્રમાણે સમય-સમયાંતરે બદલાય છે.
18 દિવસના યુદ્ધ દરમિયાન આઠમા દિવસે પોતાના પુત્ર ઈરાવાનની હત્યાથી અર્જુન વ્યથીત થઈ ગયો. ભીમે નવ કૌરવપુત્રોનો વધ કરી નાખ્યો. નવમો દિવસ શરૂ થતાં જ અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રોએ અલંબુશની સાથે યુદ્ધ કર્યું. કૌરવસેનાને ભગાડી. અર્જુન અને ભીષ્મ સામસામે આવ્યા, પરંતુ અર્જુન દાદાનું વ્હાલ અને સ્નેહ યાદ કરીને યુદ્ધ કરી શક્યો નહીં. કૃષ્ણ ‘રથાંગપાણિ’ થયા અને અર્જુનને કહ્યું, ‘હું મારી પ્રતિજ્ઞા તોડી શકું છું. તું યુદ્ધ નહીં કરે તો હું કરીશ…’ 10મા દિવસે શીખંડીનો પ્રયોગ કરવામાં આવ્યો. શીખંડી સામે હોવાથી ભીષ્મે વચન આપ્યા મુજબ એ લડ્યા નહીં. ભીષ્મને રથ પરથી નીચે પાડીને અર્જુને એમનું માથું ખોળામાં લીધું. સૂર્ય દક્ષિણ દિશામાં હોઈ ભીષ્મએ પોતાનો દેહત્યાગ નહીં કરવાનું નક્કી કર્યું. બાણશૈયા અને બાણગંગાનું નિર્માણ થયું. ભીષ્મની શાતા પૂછવા ગયેલા કૃષ્ણની સ્તુતિ કરીને ભીષ્મએ ‘વિષ્ણુસહસ્ત્રનામ’ જેવી અદભુત સ્તુતિ આપી… મહાભારતનું યુદ્ધ પૂરું થયું.
વિશ્વના કોઈપણ યુદ્ધમાં ત્રણ સ્ટેજ અથવા પરિસ્થિતિ હોય છે. પહેલું, શાંતિ માટે પ્રાથમિક મંત્રણા અને પ્રારંભિક પ્રયાસ. જેને મહાભારતમાં ‘વિષ્ટી’ કહેવાય છે. ચર્ચાવિચારણા નિષ્ફળ જાય તો બીજું સ્ટેજ આવે જે યુદ્ધનું છે, યુદ્ધ અનિવાર્ય હોય તો ડરવું નહીં કે પાછા પગલાં ભરવા નહીં પરંતુ હિમ્મતથી લડી લેવું એમ ભગવદગીતામાં કહ્યું છે અને અંતે યુદ્ધમાં જય કે પરાજયનો નિર્ણય. નજર સામે દેખાતા પરાજયમાં જો સંધિ કે સમર્પણ થઈ શકે તો એ કરીને પણ જે બચે તેને બચાવી લેવાની સલાહ કૃષ્ણથી શરૂ કરીને ચાણક્ય સુધી સહુએ આપી છે. જો પરાજય થાય તો શું થાય, એની વાત મહાભારતમાં સ્ત્રીપર્વ અને શાંતિપર્વમાં કરવામાં આવી છે. મહાભારત જેવા યુદ્ધ પછી સહુથી મોટો પ્રશ્ન લાખો વિધવાઓ અને અનાથ સ્ત્રીઓનો હોય છે. બીજા વિશ્વયુદ્ધ પછી કે રશિયા અને જર્મની જેવા દેશોમાં પણ કરોડો સ્ત્રીઓ વિધવા થઈ હતી. યુદ્ધમાં કોઈપણ જીતે, અંતે પરાજય તો એ લોકોનો થાય છે જેને યુદ્ધ સાથે ઝાઝી નિસ્બત નથી હોતી !
બાણશૈયા પર સૂતેલા ભીષ્મએ યુધિષ્ઠિરને ઉપદેશ અને રાજનીતિનું જ્ઞાન આપ્યું. એમને ઈચ્છામૃત્યુનું વરદાન હતું. એટલે આજે, ઉત્તરાયણના દિવસે જ્યારે સૂર્યનો ઉત્તર તરફ પ્રવાસ શરૂ થાય (ખરેખર સૂર્ય નહીં પૃથ્વી ફરે છે), તે દિવસે એમણે દેહત્યાગ કરવાનું પસંદ કર્યું. આપણે મૃતદેહનું માથું પણ ઉત્તર તરફ રાખીએ છીએ, ઉત્તર તરફ માથું કરીને ન સૂવાય એવી એક દ્રઢ માન્યતા પ્રવર્તે છે. અર્થ એ છે કે ઉત્તર તરફનો પ્રવાસ જ્યારે સૂર્ય શરૂ કરે ત્યારે વૈજ્ઞાનિક રીતે અથવા શાસ્ત્ર અનુસાર શરીરના મેગ્નેટીક વેવ્સ અને પંચમહાભૂત સાથેનો સંબંધ બંને મુક્તિની દિશા તરફ લઈ જાય છે.
ગમે ત્યારે દેહત્યાગ કરી શકવાની પોતાની ક્ષમતા હોવા છતાં ભીષ્મએ ઉત્તરાયણનો દિવસ પસંદ કર્યો, કારણ કે સૂર્યના મેગ્નેટીક વેવ્સ પંચમહાભૂતને મુક્ત થવામાં સહાયભૂત બની રહે. યુદ્ધના પ્રારંભે એમણે કહ્યું હતું, ‘અર્થસ્યદાસો અહં.’ એટલે શું પૈસાનો દાસ ? ના… પોતે જે બોલ્યા છે તે શબ્દના અર્થનો દાસ ! એમણે કરેલી પ્રતિજ્ઞા-જીવનભર બ્રહ્મચર્ય પાળવાની, માણસની બેઝિક ઈન્સ્ટીક્ટથી વિરુદ્ધ છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન જીવમાત્રની બેઝિક ઈન્સ્ટીક્ટ છે, જેમાંથી મુક્ત થવા માટે ભયાનક મનોબળ જોઈએ. મનોબળ મેળવવા માટે ઈન્દ્રીય નિગ્રહ જોઈએ અને જેણે જીવનભર ઈન્દ્રીયનો નિગ્રહ કર્યો છે, સંયમને ઈચ્છાની ઉપર મૂક્યો છે તેને માટે પોતાની ભીતર રહી ગયેલી નાનકડી, સુક્ષ્મ ફાંસને પણ મુક્ત કરીને દેહત્યાગ કરવો જરૂરી હતો.
બાણશૈયા પર સૂતેલા ભીષ્મ અને યુધિષ્ઠિરનો સંવાદ ભગવત ગીતાથી જરાય ઉતરતો નથી. ભગવાન શ્રીકૃષ્ણ પાંડવબંધુઓની સાથે અનેકવિધ વ્યક્તિઓ આ સંવાદમાં જોડાય છે. પોતાના અફાટ, અગાધ જ્ઞાનને પિતામહઃ પોતાના પછીની પેઢીને આપીને જવા માગે છે. કદાચ એટલે પણ એમણે થોડા દિવસ રહીને દેહત્યાગ કરવાનું નક્કી કર્યું હોય !
ભીષ્મનું પાત્ર આમ મહાભારતમાં બહુ રસપ્રદ પાત્ર છે. એકતરફથી એ હસ્તિનાપુરથી ગાદીને સમર્પિત છે. પાંડવો તરફ એમને પક્ષપાત છે, પણ બીજી તરફ જ્યારે યુદ્ધ નિશ્ચિત છે એવું સમજાય છે ત્યારે એ દુર્યોધનના પક્ષે લડવાનું નક્કી કરે છે. એ દ્રોણ જેવા વ્યક્તિને પોતાના રાજકુમારોને શિક્ષણ આપવા માટે નિયુક્ત કરે છે, પરંતુ કર્ણને પરીક્ષામાં ભાગ લેવા દેતા નથી ! જ્ઞાન અને સમજણનો અફાટ સાગર હોવા છતાં, એ પોતાના પિતાને સમજાવી શકતા નથી કે શરીર નશ્વર છે, એને બદલે પિતાની ઈચ્છાને સમર્પિત થઈ પોતે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરે છે. પરસ્પર કોન્ટ્રાવર્સિયલ (વિરોધી) આ વ્યક્તિત્વ આજના દિવસે આ ધરતી પરથી વિદાય થયા હશે એમ મહાભારતની કથા કહે છે.
મહાભારત પરથી એક અદભુત વાત શીખી શકાય એમ છે, જેનો સીધો સંબંધ પતંગ સાથે છે. આખું છાપું કે નોટબુક ઉડતી નથી, કાગળ હોવા છતાં ! પરંતુ, હળવા કાગળનો પતંગ દોરી સાથે બંધાઈને આકાશનો પ્રવાસ કરી શકે છે. આનો સીધો અર્થ એ છે કે હળવા થઈને સ્વયંને સત્યની, પરમતત્વની, પ્રામાણિકતાની કે સ્વધર્મની દોરી સાથે સાંધી શકીએ તો આકાશનો પ્રવાસ સુલભ અને સરળ બની રહે છે. જો ‘અર્થના દાસ’ બનીએ, પિતાને સત્ય કહેવાને બદલે પુત્રધર્મના પાલન હેઠળ એમની ખોટી ઈચ્છા કે માગણીને સંતોષવા જઈએ તો અંતે બાણશૈયા પર સૂવું પડે !