એક સે એક મિલેં ઈન્સાન, તો બસ મેં કરલે કિસ્મત

વૈશાખનો ધોમ ધખ્યો જતો’તો
દહાડો હતો એ કશી કૈં રજાનો.

રામનારાયણ વિશ્વનાથ પાઠક, ‘દ્વિરેફ’, ‘શેષ’ અને ‘સ્વૈરવિહારી’ના તખલ્લુસ હેઠળ એમણે વાર્તાઓ, કવિતાઓ અને હળવી શૈલીના નિબંધો લખ્યા છે. ગુજરાતી ભાષામાં એમનું પ્રદાન સન્માનનિય છે. અહીં મૂકેલી કવિતા, સ્વાભાવિક રીતે જ સ્વાતંત્ર્ય પહેલાંની કવિતા છે, કારણ કે એમાં એવો સંદર્ભ મળે છે. આ કવિતા અહીં મૂકવાનો સંદર્ભ એ છે કે સ્વતંત્રતાના સાત દાયકા ઉપર ત્રણ વર્ષ થયા છતાં પરિસ્થિતિમાં બહુ સુધાર આવ્યો હોય એવું દેખાતું નથી ! અહીં કથા છે એક છરી ચપ્પુ તેજ કરવાવાળાની. બાપ દીકરો ‘સરાણ’ લઈને નીકળ્યા છે. વૈશાખ મહિનાના ધોમધખતા તાપમાં મજૂરીની આશાએ ભટકે છે. મહેનત કરવી છે… પણ કામ મળે તો ને ?! એવા સમયમાં કામ આપવાને બદલે દયા ખાઈને એમને કંઈ ખાવાનું આપવાની વાત ઘરની એક વ્યક્તિ કરે છે, ત્યારે જવાબ મળે છે,

કોને દિયેં ને દઈએ ન કોને?’
કોઇ કહેઃ ‘એ ખરી ફર્જ રાજ્યની!’

આપણે બધા પણ આવા નથી ? હજી સુધી ! જે કંઈ સારું થાય તે મેં કર્યું અને ખરાબ થાય એ સરકારે કર્યું… આપણે ચૂંટીને મોકલેલા પ્રતિનિધિઓએ શહેરના રસ્તાથી શરૂ કરીને આપણા ઘરમાં આવતા ભેજ સુધી, રસ્તા પર ભૂખે મરતા દરેક માણસથી શરૂ કરીને આપણા અંગત સ્વાર્થ સુધી બધું જ એમણે સંભાળવું જોઈએ એવો આપણો આગ્રહ અત્યાર સુધી બદલાયો નથી. આપણે ઘણી વાર ઘણી જગ્યાએ વાંચીએ છીએ, જોઈએ છીએ કે નાનકડાં રસ્તા ઉપર ગાડી સાફ કરીને ભીખ માગતા કે બૂટ પાલિશ કરવા માટે આપણી પાછળ-પાછળ દોડતા બાળકોને ‘કામ ન આપવું’ એવો પ્રચાર કરવામાં આવે છે. ચાની લારીએ, દુકાનોમાં ડિલિવરી બોય તરીકે પણ અઢાર વર્ષથી નીચેના બાળકને ન રાખવું એવા કાયદા તો બનાવવામાં આવે છે, પણ એ બાળકોની જવાબદારી ગણ્યા-ગાંઠ્યા માણસો સિવાય કોઈ લેવા તૈયાર નથી. આપણે બધા ફિલોસોફિ ઝાડવામાં પહેલે નંબરે આવીએ તેમ છીએ. બાળમજૂરીનો વિરોધ કરવો, હા, જરૂર કરવો, પરંતુ રેસ્ટોરાંમાં એક્સ્ટ્રા ઓર્ડર કરેલું ફૂડ સારી રીતે પેક કરાવીને રેસ્ટોરાંની બહાર ભીખ માગતા બાળકને આપવાનું આપણે સૂઝે છે ? ગમે તેટલા પૈસા હોય ઘરમાં કામ કરનારા, રસોઈ કરનારા, વોચમેન કે તદ્દન અજાણ્યા બે બાળકોની ફી ભરવાની જવાબદારી આ દેશનો દરેક સંપન્ન નાગરિક લે તો બાળમજૂરી અટકાવી શકાય… પણ આપણે વાતો સિવાય બીજું કંઈ નથી કરતા ! માટે જ, ‘શેષ’ પોતાની કવિતામાં એક વ્યક્તિના મોઢે કહેવડાવે છે,

‘દયા બયા છે સહુ દંભ; મિથ્યા
આચાર બૂઝર્વા જન માત્ર કલ્પિત!’

અને અંતે, અમીરો, પૈસાવાળાઓનો મહોલ્લો વટાવીને બાપ-દીકરો બહાર નીકળે છે… મજૂરી મળી નથી. બંને નિરાશ છે, ભૂખ્યા છે, ત્યારે શું થાય છે એનું દ્રશ્ય કવિએ બહુ સુંદર રીતે આપણી સામે મૂક્યું છે.

મહોલ્લો તજી શહેર બહાર નીકળ્યા,
છાંયે હતી મંડળી એક બેઠી ત્યાં,
મજૂર પરચૂરણ ને ભિખારીની
ઉઘાડતાં ગાંઠ અને પડીકાં
હાંલ્લાં, જરા કૈં બટકાવવાને.
બોલાવિયા આ પરદેશી બેઉનેઃ
‘અરે જરા ખાઈ પછીથી જાજો!’
હસ્યા, કરી વાત, વહેંચી ખાધું,
ને કૂતરાને બટકુંક નીર્યુ.
દયા હતી ના, નહિ કોઈ શાસ્ત્રઃ
હતી તહીં કેવળ માણસાઈ!

માણસાઈ માટે મન જોઈએ, મેલ નહીં ! કોની પાસે કેટલું ‘એક્સ્ટ્રા’ છે એનાથી બીજાને આપવાની એની તૈયારી કે ઉદારતાનું માપ નીકળી શકતું નથી. આપવા માટે ખિસ્સું નહીં, ખિસ્સાની પાછળ આવેલું દિલ જોઈએ છે. આપણે બધા હમણાં જ ભયાનક પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છીએ. એક થઈને કોરોના સામે ઝઝુમ્યા છીએ, હજી ખતરો ટળ્યો નથી ! લોકડાઉન દરમિયાન જેને-જેને કામ નથી મળ્યું, નાના કારીગરો, ઘરકામ કરનારા કે જે રોજિંદું કમાઈને ખાય છે એવા લોકોને મદદ કરવાનું બંધ નહીં કરીએ… આપણે તો બહાર નીકળી ગયા છીએ પણ એમને આ આર્થિક વિષચક્રમાંથી બહાર નીકળતા કદાચ 2020નું વર્ષ પૂરું થશે. ચાલો, સાથે મળીને એવા લોકોની મદદ કરીએ જે માગી શકતા નથી, પરંતુ જરૂરિયાતમંદ છે, એવી આપણને ખબર છે… ઈશ્વરનો આભાર માનવો, કે એણે આપણને એટલી સગવડ આપી છે કે આપણે આપણા સિવાયના બીજા એકાદ બેની મદદ કરી શકીએ. આ સગવડ આપ્યા પછી જો આપણે એને નિરાશ કરીશું તો એને પણ આપણને નિરાશ કરતા વાર નહીં લાગે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *