દશેરાના દિવસે હરિવંશરાય બચ્ચનના નામનો ચોક પોલેન્ડના ‘વ્રોક્લો’ શહેરમાં ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યાં વસતા ભારતીય પરિવારોએ સિટી કાઉન્સિલને વિનંતી કરીને બચ્ચન સાહેબ માટે આ ચોકનું નામકરણ કરાવ્યું. બચ્ચન સાહેબે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “પોલેન્ડમાં એક ચોકને મારા પિતાનું નામ આપવામાં આવ્યું. આનાથી મોટા આશીર્વાદ દશેરાના દિવસે મને શું મળી શકે ! મારા પરિવાર માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે.”
અમિતાભ બચ્ચન વારંવાર એમના ઈન્સ્ટાગ્રામ ઉપર પિતા વિશે લખતા રહે છે. એમના પિતાની કવિતાઓ પણ એ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર મૂકીને જીવનની કેટલીક બાબતોને જુદી જ રીતે આપણી સામે મૂકી આપે છે. હરિવંશરાય બચ્ચન સાથે એમના સંબંધો ખૂબ જ આત્મિય અને નિકટના રહ્યા હોવા જોઈએ. એ પોતાના પિતાને ‘બાબુજી’ કહેતા. અમિતાભ બચ્ચનની ભાષા અને જીવન ઉપર એમના પિતાનો ઊંડો પ્રભાવ રહ્યો છે. એમણે પોતાના પુસ્તક ‘ટુ બી ઓર નોટ ટુ બી’ માં ખાલિદ મહોમ્મદને કહ્યું છે, “મારી મા લ્યાલપુર (હવે પાકિસ્તાન)ની હતી. એના પિતા બાર એટ લો હતા. ખૂબ જ લિબરલ અને સ્વતંત્ર વિચાર ધરાવતા પરિવારમાંથી એ મિડલ ક્લાસ કાયસ્થ પરિવારમાં પરણી. મારા પિતા ભણતાં ભણતાં ટ્યૂશન કરતા. એમને પચ્ચીસ રૂપિયા આખા મહિનાના મળતા… બાળક તરીકે આપણે માટે આપણા માતા-પિતા હિરો અને હિરોઈન હોય છે. હું પણ મારા પિતાને મારા આઈડિયલ માનતો. મારી અંદર અલ્હાબાદનો એક છોકરો કાયમ જીવતો રહ્યો. હું મારું એ અલ્હાબાદપણું (પ્રયાગરાજ)નું મૂળ ક્યારેય કાઢવા માગતો પણ નથી. “
કૈફી આઝમી અને જાંનિસાર અખ્તરે ફિલ્મોમાં લખ્યું, પરંતુ બચ્ચન સાહેબના પિતા હરિવંશરાય બચ્ચને ફિલ્મો માટે ખાસ ન લખ્યું. એમની એક કવિતા, “કોઈ ગાતા મૈં સો જાતા…” ‘આલાપ’ નામની ફિલ્મમાં સંજીવ કુમાર અને જાણીતા બંગાળી અભિનેત્રી છાયા દેવી ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું. એ સિવાય ‘અગ્નિપથ’માં પણ એમણે લખેલી કેટલીક પંક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બચ્ચન સાહેબે લખ્યું છે, “મને યાદ છે મારા માતા-પિતા ક્યારેક એમની પ્રેમકથા વિશે વાત કરતાં. મારા ફાધરના મિત્ર રઘુવંશ કપૂર જે મારી મમ્મીને ઓળખતા, એ બધા બરેલીમાં શિયાળામાં એકવાર રજા ગાળવા ભેગા થયાં હતાં. મારા પિતાના પ્રથમ પત્ની મૃત્યુ પામ્યાં હતાં. જમ્યા પછી લાઈટો ઝીણી કરીને મારા પિતા પોતાની કવિતાઓનું પઠન કરતા. અનેક લોકો ભેગા થતા. જ્યાં મારી મા પણ હતી. મારા પિતા એકદમ શરમાળ, ઓછાબોલા અને નમ્ર હતા. જ્યારે મારી મા, તેજસ્વી અને આખાબોલી. પ્રમાણમાં થોડી ડોમિનેટીંગ. જેમ પરસ્પર વિરોધી પરિબળો એકબીજાને આકર્ષે એમ મારા માતા-પિતા પ્રેમમાં પડ્યાં… પરણ્યા. મારી માની સ્ટાઈલ એની એ જ રહી. એમની વચ્ચે ભાગ્યે જ કશું કોમન હતું. બાબુજી ડેસ્ક પર બેસતા અને લખતા, મા સોશિયલ વર્ક અને ઘર સંભાળતી. મને લાગે છે હું બંને જેવો છું. મારામાં મારા પિતા જેવી ટ્રેડિશનલ (રૂઢિગત) વિચારસરણી પણ છે અને મારી મા જેવી ઓપનમાઈન્ડેડનેસ (આધુનિક) પણ છે. મારા એવા મિત્રો જે મને એક્ટર બન્યા પહેલાં ઓળખતા હતા એ એવું માને છે કે પહેલાં હું વધુ ખુશમિજાજ અને ખુલ્લા દિલનો હતો. જોકે, હું નથી માનતો. આપણે જ્યારે જાહેરજીવનમાં પ્રવેશ કરીએ ત્યારે કેટલીક બાબતો આપણે બદલવી પડતી હોય છે. શક્ય છે, મેં મારી જાતને એ કારણે થોડી બદલી હોય…”
આ બહુ રસપ્રદ બાબત છે. ઘણીવાર આપણે આપણા માતા-પિતાનો વિરોધ કરતા હોઈએ છીએ. એમના વિચારો આપણને જૂના લાગે, એમની માન્યતાઓ આપણને નકામી લાગે… આપણે જે સમયમાં જન્મ લીધો છે એનાથી પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં જન્મેલા અને જીવેલા માતા-પિતા જે રીતે જીવે એ આપણે કદાચ ન સમજી શકીએ, પરંતુ જ્યારે જ્યારે આપણા માતા-પિતાને જજ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે એકવાર એમના સમયમાં જઈને વિચારવાનો પ્રયાસ કરી જોવો જોઈએ. આજના બચ્ચન સાહેબ અને આજથી વીસ વર્ષ પહેલાંના બચ્ચન સાહેબ વચ્ચે આસમાન-જમીનનો ફેર છે. આ એ જ માણસ છે જેણે સહકલાકારોના સિન કપાવ્યાનો આક્ષેપ થયો હતો, પરવિન બાબી અને ઝિનત અમાન સહિત રેખા સાથે જેમના અફેરની ચર્ચા થઈ હતી… એમનું એરોગન્સ અને એમના વ્યક્તિત્વ વિશેની અનેક લોકવાયકાઓ વહેતી રહી. એમણે અખબારોનો બહિષ્કાર કર્યો… અને હવે એ જ માણસ જયાજીના ગેરવર્તન માટે નમ્રતાપૂર્વક માફી માગી શકે છે !
માણસ તરીકે આપણે સતત ગ્રો થતા હોઈએ છીએ. આપણી અંદર કશુંક બદલાય છે. ઘડીભર પહેલાં ડૂબકી મારીને ઊભા થઈએ, અને બીજી ડૂબકી મારીએ એની વચ્ચે નદીનું પાણી પણ બદલાઈ જાય છે, બે શ્વાસની વચ્ચે સમય બદલાય છે. એનો અર્થ એ થાય કે માણસ તરીકે આપણી ભીતર જે બદલાવ ચાલે છે એ બદલાવ આપણને બે દિશામાં લઈ જઈ શકે છે. એક દિશા, ફરિયાદની છે, કડવાશની છે… બીજી દિશા, પોઝિટિવિટીની અથવા સમજણ અને સ્વીકારની છે. જે ગયું તે વિતિ ગયું છે એવું સમજીને જો આવનારા સમય પર ફોકસ કરીએ તો આપણી અને આપણી આસપાસના લોકોની જિંદગી બહેતર બનાવવામાં નાનું-મોટું પ્રદાન કરી શકીએ છીએ. આપણા માતા-પિતાએ આપણને જે રીતે ઉછેર્યા, એમાં જો વાંધો હોય તો આપણા બાળકને ઉછેરતી વખતે એ વાતોને ફિલ્ટર અથવા બાદ કરી શકાય. આપણા બાળપણમાં આપણી સાથે જે કંઈ થયું એ બધું પરફેક્ટ કે શ્રેષ્ઠ તો ન જ હોય ! લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાના બાળપણની થોડી કડવી, થોડી અણગમતી યાદો હોય જ. ટીનએજમાં માતા-પિતા સાથે કારકિર્દી વિશે, કપડાં કે ફેશન વિશે, મિત્રો વિશે કે આપણા વ્યવહાર વિશે દલીલો થઈ હોય… ત્યારે આપણા માતા-પિતા આપણને નથી સમજ્યા એવું આપણને લાગતું હોય તો આપણા સંતાનની દલીલ સાંભળવા અને સમજવાનો પ્રયત્ન આપણે માટે બહેતર દિશામાં જવાનો પ્રયાસ છે.
બચ્ચન સાહેબે એક સરસ પ્રસંગ શેર કર્યો છે, એમના પિતાએ એમને કહેલું, “પૈસા કમાને કે લિયે બહોત મહેનત કરની પડતી હૈ.” એ પછી જ્યારે પિતા બિમાર હતા, હોસ્પિટલમાં હતા. ‘ગ્રેટ ગેમ્બલર’ના શૂટિંગમાંથી એ સમયસર પાછા ન આવી શક્યા ત્યારે હોસ્પિટલમાંથી ઘરે પાછા ફરેલા પિતાએ એમને ફરી કહ્યું હતું, “મુજે પતા હૈ, તુમ્હે બહોત પૈસા ચાહિએ, ઔર પૈસા કમાને કે લિયે બહોત મહેનત કરની પડતી હૈ.” આપણે પણ આ વાત આપણા માતા-પિતા પાસે સાંભળી જ હશે. એમની મિડલક્લાસ જિંદગી કે કરકસર કરીને જીવાયેલાં જિંદગીના અનેક દાયકા કદાચ એમને છુટ્ટા હાથે પૈસા વાપરવા દેતા નથી. આપણે ગમે તેટલું કમાતા હોઈએ, તેમ છતાં માતા-પિતા એ પૈસા ન વાપરે, કે આપણને પૈસા બચાવવાનો આગ્રહ કરે ત્યારે એ વિશે ચીડાવાને બદલે એમની માનસિકતા અને અભાવોને એકવાર સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.
મોટાભાગના સંતાનો, ટીનએજથી શરૂ કરીને પચાસ વટાવી ગયા હોય તો પણ… માતા-પિતાને સમજવામાં ક્યાંક થાપ ખાઈ જાય છે. અહીં બચ્ચન સાહેબની એક પંક્તિ
“ક્યા ભૂલું ક્યા યાદ કરું મૈં,
યાદ સુખો કી આંસુ લાતી,
દુઃખકી, દિલ ભારી કર જાતી, દોષ કિસે દૂં,
જબ અપને સે અપને દિન બરબાદ કરું મૈં.
ક્યા ભૂલું ક્યા યાદ કરું મૈં…”
GREAT PHILOSOPHER ANDHUMAN BEING .
LIKE FATHER LIKE SON LOVE U VERY MUCH AMITJI GOD BLESS YOU