ગૈર-સમજણ… પોતાના સાથે ન હોય !

“અમારી વચ્ચે નાની-નાની વાતમાં ગેરસમજણ થઈ જાય છે. હું જે કહેવા માગું છું એ વાત એમને સમજાતી જ નથી. એ પોતાનો મનફાવતો અર્થ કાઢીને મારી સાથે ઝઘડે છે… અમારી વચ્ચે ખૂબ જ મનદુઃખ થાય છે. હું એમને ખૂબ પ્રેમ કરું છું, પરંતુ આ ગેરસમજણને કારણે અમે સુખથી રહી શકતા નથી.” એક વાચકનો ઈ-મેઈલ વાંચ્યો. આ કદાચ એક વ્યક્તિની ફરિયાદ નથી. સંબંધોમાં મોટેભાગે એકબીજા પરત્વે આવી ફરિયાદ જોવા મળે છે. આ માત્ર લગ્નજીવનની ફરિયાદ પણ નથી. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એ આપણી વાતને સાચી રીતે ન સમજે ત્યારે આપણને તકલીફ થતી હોય છે. એવી જ રીતે, આપણે જ્યારે સામેની વ્યક્તિની વાત એના સાચા અર્થમાં ન સમજી શકીએ ત્યારે એને પણ તકલીફ થાય છે…

એકબીજાને ‘સમજાવવા’ના પ્રયાસમાં સામાન્ય રીતે વધુ ને વધુ સમસ્યાઓ થવા લાગે છે ! આપણે જે અર્થમાં કહ્યું હોય એ અર્થમાં કદાચ સામેની વ્યક્તિ નથી સમજી… તો, એ વાતને ત્યાં જ છોડી શકાય ? એકાદવાર પ્રયાસ કર્યા પછી પણ જો આપણને લાગે કે સામેના માણસને આપણી વાત સાંભળવામાં કે સમજવામાં એનો અહંકાર, ઉછેર કે માનસિકતા નડે છે તો એ પ્રયાસ પડતો મૂકી દેવો જોઈએ. આપણે બધા ‘સાચા’ સાબિત થવા માટે બેચેન હોઈએ છીએ. હકીકત એ છે કે જે સાચું હોય એણે સાબિત કરવું પડતું નથી, માત્ર થોડી ધીરજ રાખવી પડે છે. આપણે બધા સંબંધની બાબતમાં અધીરા પણ છીએ. આપણો ઈરાદો ખોટો નહોતો કે વાત સાચી હતી એ મુદ્દો સામેની વ્યક્તિને ગળે ઉતારવા માટે આપણે મરણિયા થઈ જઈએ છીએ. આ જરાય જરૂરી નથી…

જે વ્યક્તિ આપણને પ્રેમ કરે છે, અથવા પ્રેમ કરવાનો દાવો કરે છે એ વ્યક્તિ પાસે આપણો એક ડેટા હોય છે. સંબંધ જેટલો લાંબો એટલો ડેટા વધુ. એક સંતાનને એવી ચોક્કસ ખબર હોય કે એના માતા-પિતાએ એના માટે શું કર્યું છે અથવા જીવનસાથીને એકબીજા વિશે, મિત્રોને પરસ્પર કે પ્રિયજનને પણ એ વાતની ચોક્કસ ખબર જ હોય કે આ સંબંધ અહીં સુધી પહોંચ્યો એનું કારણ બંનેએ પરસ્પર માટે કરેલા સ્નેહ અને લાગણીપૂર્વકના પ્રયાસ છે. એકાદ નાની ભૂલ, કે ગુસ્સામાં કહેવાયેલી કોઈ વાત જો આટલા બધા સમયના જૂના ડેટાને ઝીરો પર લઈ આવતી હોય તો એ સંબંધ કેટલો મહત્વનો છે એવો વિચાર કરવો જોઈએ ? સાથે વિતાવેલી સુંદર પળો, એકબીજા માટે આપેલો સમય કે કહેલા મીઠા શબ્દો, વહાલની સ્મૃતિ જો નાનકડી વાતથી ભુંસાઈ જવાની હોય તો એ સંબંધની મજબૂતી વિશે પ્રશ્ન થાય કે નહીં ?

જો સંબંધ જ મજબૂત નથી, જો સામેની વ્યક્તિ એકાદ ભૂલ, ગુસ્સામાં કહેવાયેલી કોઈ વાતને મુદ્દો બનાવીને પાછલું બધું ભૂલી જ જવા માગતી હોય તો એને ‘સમજાવવા’માં શક્તિ, સમય અને સંવેદના વેડફવી જોઈએ ? અહીં સવાલ અહંકારનો કે સ્વમાનનો નથી, સમજણનો છે. પ્રેમમાં અહંકાર હોતો જ નથી. જેની સાથે આપણે જીવન જોડીએ કે જેને જન્મ આપીએ, જેણે આપણને જન્મ આપ્યો કે જેની સાથે આપણે હૃદયની લાગણીથી જોડાયા… એવી કોઈપણ વ્યક્તિ સાથે ‘સ્વમાન’ને વારંવાર વચ્ચે લાવવું જરૂરી નથી, પરંતુ જ્યારે એવું સમજાઈ જાય કે સામેની વ્યક્તિને આપણી વાત પહોંચતી જ નથી ત્યારે એને પહોંચાડવા કે સમજાવવા માટે કેટલો પ્રયાસ કરી શકાય ?

આપણે બધા એવું માનીએ છીએ કે પથ્થર ઉપર એકસરખું પાણી પડ્યા કરે તો ખાડો પાડી શકે છે! પૂરો પ્રયાસ કર્યા વિના કોઈપણ સંબંધમાં નિર્ણય પર આવવું યોગ્ય નથી, સાચું… પરંતુ ‘પૂરો પ્રયાસ’ કોને કહી શકાય ? પ્રયત્ન કરનારની પોતાની પણ એક શક્તિ અને મર્યાદા હોય છે. દરેકની આ મર્યાદા જુદી જુદી હોય છે. મન મારીને, જીવ બાળીને, જાત ઉપર જુલમ કરીને કે કકળતા જીવે કરેલા પ્રયાસ ક્યારેય પરિણામ આપતા નથી. અર્થ એ થયો, કે જ્યાં સુધી આપણું મન માને, આપણું હૃદય આપણને પરવાનગી આપે ત્યાં સુધી સંબંધને બચાવવાના બધા જ પ્રયાસ કરી છૂટવા, પરંતુ જ્યારે એમ લાગે કે હવે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એમાં જાત પર ઉઝરડા પડે છે, મન મુરઝાય છે અને આ પ્રયાસ આપણને પોતાને જ નિરર્થક લાગે છે ત્યારે એ સંબંધમાં વધુ ઈન્વેસ્ટ કરીને જાતને નુકસાન પહોંચાડવાનું બંધ કરી દેવું એ જ સાચો રસ્તો છે. આનો અર્થ એ પણ નથી, કે જરા જેટલો પ્રયત્ન કરીને હાર માની લેવી… જેને પ્રેમ કરીએ એને માટે થઈ શકે તે બધું જ કરી છૂટવું, પરંતુ જે દિવસે ‘બધું જ’ થઈ ચૂક્યું એવું લાગે એ પછી દરેક પ્રયત્ન આપણી જાત સાથેનું સમાધાન છે. સાંધા કરીને જોડેલા સંબંધો અંતે તૂટી જતા હોય છે, કારણ કે જ્યાં સમજણ નથી ત્યાં બીજું કશું જ ટકી શકતું નથી. સામેની વ્યક્તિ પાસે આપણે ઈચ્છિએ તેવી સમજણની અપેક્ષા ન રાખી શકાય, કારણ કે એ ઈચ્છે તેવી સમજણ કદાચ આપણી પાસે પણ નહીં હોય !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *