‘ઈસ ગલી સે પહેલી બાર ડોલી ઉઠેગી. મેં ચાહતી હું, હર વો લડકી જો યહાં મર કર જિંદા હે ઉસકી આંખોમેં યે સપના બરકરાર રહે…’ એક તવાયફ માગણી કરે છે કે જો તવાયફના લગ્ન થવાના હોય તો એની ડોલી એ જ ગલીમાંથી પસાર થવી જોઈએ ! ‘પાકિઝા’ નામની ફિલ્મમાં બદનામ મનાતી ગલીમાંથી ડોલીમાં બેસીને એક દીકરી વિદાય થાય છે. એ સમયની અનેક સ્ત્રીઓએ આ સ્વપ્ન જોયું હશે. આજે પણ અનેક સ્ત્રીઓ આ સ્વપ્ન જોતી હશે… સમાજ જેને સ્વીકારતો નથી એવી સ્ત્રીની એક જ ઝંખના હોય, એને સ્વીકાર અને સન્માન મળે ! 25મી ફેબ્રુઆરીએ સુરતમાં એક સેક્સ વર્કર બહેનના લગ્ન થયા. સમાજમાંથી એક પુરુષે હિંમત કરી કે એ આવા દયનીય ધંધામાંથી એક સ્ત્રીને છોડાવે. ‘લોકો’ શું કહેશે એનો વિચાર કર્યા વગર એણે પોતાના આત્માના, પોતાના સંસ્કારના અવાજને વધુ મહત્વ આપ્યું. આપણે બધા ફોકલેન્ડ રોડ, ખેતવાડી કે સુરત ચકલા, લાલદરવાજા કે કલકત્તાના સોનાગાચ્છી વિસ્તારોને જરાક જુદી નજરે જોઈએ છીએ.
સેક્સ વર્કર કે પ્રોસ્ટીટ્યૂટ જેવા શબ્દો આ સ્ત્રીઓ માટે અપમાનજનક છે. સત્ય તો એ છે કે પુરુષમાં રહેલા જાનવરને, એની ભયાનક-પ્રબળ શારીરિક જરૂરિયાતોના દાવાનળને આ સ્ત્રીઓ ચૂપચાપ પોતાના શરીરમાં ઉતારી દે છે. આપણે નથી જાણતા ને જાણવાની કદી પરવાહ પણ નથી કરતા, પરંતુ જો એક ક્ષણ માટે પણ વિચારીએ તો સમજાય કે આ સ્ત્રીઓ સમાજ પર કેટલો મોટો ઉપકાર છે ! મોરારિબાપુએ જ્યારે ‘માનસ-ગણિકા’ની કથા કરી ત્યારે એમણે જાતે મુંબઈના ફોકલેન્ડ રોડ વિસ્તારમાં જઈને આ બહેનોને કથામાં આવવાનું આમંત્રણ આપેલું. ભારતભરમાંથી આવી કેટલીયે બહેનો એ કથામાં આવી, બાપુએ એમને દીકરી કહીને સંબોધી !
જેના પોતાના માતા-પિતા એને દીકરી તરીકે પાછી સ્વીકારવા તૈયાર નથી, જે સમાજ એને દીકરી તરીકે જોવા તૈયાર નથી એવી આ સ્ત્રીઓને જ્યારે ‘દીકરી’ તરીકે જોવામાં આવે ત્યારે એમને કેટલા સન્માન અને સ્નેહનો અનુભવ થતો હશે ! છેલ્લા થોડા વર્ષોથી આવી, સેક્સ વર્કર બહેનના લગ્ન થાય ત્યારે બાપુ એક પિતાની જેમ એમને ઘરવખરી, સોનાનું મંગળસૂત્ર, કપડા અને બીજા દાગીના સાથે આદરથી વિદાય કરે છે. જે સમાજે તરછોડી દીધા એ સમાજમાં પુનઃપ્રસ્થાપિત થવું સરળ નથી. આજે નહીં ને કાલે જો આ બહેનને ક્યાંક એમના કોઈ ક્લાયન્ટ મળી જાય તો આપણા સમાજમાં એટલી સમજદારી કે સહિષ્ણુતા નથી કે જે સ્ત્રી આ વ્યવસાયમાંથી નીકળીને પોતાના સંસારમાં ગોઠવાઈ છે એને શાંતિથી અને સુખથી પોતાના નવા જીવનમાં જીવવા દે.
આપણે ત્યાં એક વાર ખરાબ, તિરસ્કૃત, અપમાનિત કે કોઈ ભૂલ કરેલી વ્યક્તિને ક્ષમા કરવાની કે એની ભૂલને ભૂલી જવાની માનસિકતા નથી. આપણે બીજાની ભૂલો યાદ રાખવામાં માનીએ છીએ, યાદ કરાવવામાં પણ આપણે ચેમ્પિયન છીએ. આપણી ભૂલોને ભૂલી જવી એ આપણી ફિતરત છે. એક વાર ડ્રગ લેતો છોકરો ક્યારેય સુધરી શકે નહીં. એક વાર ચોરી કરે એ માણસ જીવનભર ચોર જ રહે. એક વાર આલ્કોહોલિક થઈ ગયેલો કે વુમનાઈઝિંગ કરતો માણસ સુધરી શકે, બદલાઈ શકે એવી કોઈ શક્યતા આપણો સમાજ જોતો નથી. એથી આગળ વધીને જો કોઈ બદલાયું હોય, સુધર્યું હોય તો પણ એને ફરી ફરીને એનો ભૂતકાળ યાદ કરાવવામાં આ સમાજને એક પ્રકારનો વિકૃત આનંદ મળે છે. આપણને બધાને બીજા તરફ આંગળી ચીંધીને પોતાની શુધ્ધતાનો અનુભવ થાય છે. કોણ કેટલું ખરાબ, ગંદુ, વિકૃત કે ગુનાહિત છે એ વાતને વારંવાર ચર્ચીને, ચૂંથીને આપણને આપણી લીટી લાંબી કરવામાં સરળતા પડે છે. સત્ય એ છે કે, આપણે જાણીએ છીએ કે આપણે ‘દૂધના ધોયેલા’ નથી. આપણે બધા ક્યાંક ખોટા છીએ, પરંતુ જે પકડાયો છે એને ‘ખોટો’ સાબિત કરીને આપણને સાચા હોવાની બચી ગયાની અનુભૂતિ થાય છે !
થોડુંક સ્વપરિક્ષણ કરીએ તો સમજાય કે નિંદારસ આપણા જીવનનો મહારસ છે. બીજા વિશે વાત કરવાની આપણને મજા પડે છે. મોટાભાગની ટેલિવિઝન સીરિયલ્સ આ એક જ સિધ્ધાંત પર ટીઆરપી મેળવે છે. ક્રાઈમ ઉપર આધારિત સીરિયલ્સ જબરજસ્ત પોપ્યુલર થાય છે કારણ કે સૌને બીજાની કાળી બાજુ જોવામાં કે એની સાથે થયેલો અન્યાય-અપમાન-અધમકૃત્ય જોઈને ‘હાશ ! આપણે તો નથી ને !’ ની સુરક્ષાનો અનુભવ થાય છે.
એક સ્ત્રી ઉપર બળાત્કાર થાય કે એ પોતાની ઈચ્છાથી શરીર વેચે, આ બંને પરિસ્થિતિમાં એની મજબૂરી અને પીડા જોવાનું હજી આપણે શીખ્યા નથી. બળાત્કાર થાય ત્યારે એના વસ્ત્રો, વ્યવહારને જવાબદાર ઠેરવવા, ને જ્યારે એ શરીર વેચે ત્યારે એને સમાજનો ‘કચરો’ કહીને અપમાનિત કરવાનું આપણને ફાવી ગયું છે, પરંતુ જેમ ઘરમાંથી કચરો કાઢીએ છીએ, જેમ શહેર સ્વચ્છ કરવા નીકળ્યા છીએ એમ સમાજને સ્વચ્છ કરવા માટે કોણ આગળ આવશે ?
જેમણે સમાજમાં આ કહેવાતા કચરાને જન્મ આપ્યો છે એમાંના કોઈ, કે જે લોકો ‘આવી’ સ્ત્રીઓ વિશે મનફાવતા સ્ટેટમેન્ટ કરે છે એમાંથી કોઈ આગળ આવશે ખરું ? જે કચરો ફેંકે એણે ઉપાડવો જોઈએ, તો જેણે આ સમાજને ગંદો કર્યો છે એને કેમ ફરજ પાડવામાં નથી આવતી કે એ આ સમાજની સફાઈમાં એક સ્ત્રીને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે આગળ આવે ? એનું કારણ એ છે કે આ બધા સમાજના એવા ‘પ્રતિષ્ઠિત’ મનાતા અને કહેવાતા લોકો છે જેમની સામે અવાજ ઉઠાવવાની સમાજની પણ હિંમત નથી. કોઈ એક સ્ત્રી પોતાના માતા-પિતાની સેવા કરતી હોય કે અપંગ પતિને સાચવવા બાર ડાન્સરનું કામ કરતી હોય ત્યારે બહુ સરળતાથી એના ચારિત્ર્ય વિશે ઘસાતી કમેન્ટ થઈ શકે છે, પરંતુ આ કામ કરવા પાછળ એની મજબૂરી વિશે જાણવામાં કોઈને રસ નથી હોતો. કહેનારા એવું પણ કહે છે, ‘બે ઘરમાં કામ કરી શકે, કચરા-પોતું કરી શકે. આ એક જ રસ્તો નથી, કમાવાનો !’ હા, વાત સાચી છે, પરંતુ ઘરકામ કરનારી બાઈને કેટલા પૈસા મળે છે ? એના પતિની સારવાર થઈ શકે ? વૃધ્ધ માતા-પિતાના ખર્ચા નીકળી શકે ? ઘરકામ કરનારી સ્ત્રીનું મોલેસ્ટેશન કે શારીરિક શોષણ નથી થતું ?
સવાલ એ છે કે સ્ત્રી એના શરીરને વેચવું પડે એવા કોઈ પણ વ્યવસાયમાં શા માટે પડે છે ? જેની પાસે એક જ દૃષ્ટિ છે એ કહે છે, ‘એક્ટ્રેસ બનવા, મોડેલ બનવા પોતાની લક્ઝરીસ પૂરી કરવા સ્ત્રી પોતાના શરીરને બાર્ટર કરે છે.’ દરેક વખતે આ સાચું નથી. દરેક સ્ત્રીને મોટા એમ્બિશન કે મોટી ઝંખનાઓ નથી હોતી. સમાજના ઉપલા વર્ગમાંથી આવતી મુઠ્ઠીભર છોકરીઓને આવા સપનાં જોવાની છૂટ છે, બાકીના ઘરોમાં દીકરીને કેટલી ઝડપથી પરણાવી શકાય એ માટે માતા-પિતા એના જન્મથી જ પ્રયત્નશીલ હોય છે.
દીકરીને ભણાવવાનું કેટલાક પરિવારો એટલે પસંદ નથી કરતા કારણ કે એવો ભણેલો ‘છોકરો’ નથી મળતો ! ઓછું ભણેલી અને દબાયેલી માનસિકતામાંથી આવતી છોકરીઓ પોતાના ઉપર થતા અન્યાય કે અત્યાચારની ખૂલીને ફરિયાદ કરી શકતી નથી. જે અન્યાય કે અત્યાચાર સામે અવાજ ઉઠાવે છે એને દબાવી દેવા માટે સમાજના ન્યાયાધીશો તૈયાર બેઠા છે. સ્ત્રીના ચારિત્ર્ય વિશે કોઈને પણ, કંઈ પણ બોલવાનો અધિકાર મળી જાય છે કારણ કે, આપણા સમાજની એક મોટી નબળાઈ એ છે કે આપણે બધા જ સ્ત્રીને અપમાનિત કરવામાં આપણી જાતને વીર સાબિત કરીએ છીએ… આમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી ! સ્ત્રીઓ પણ સ્ત્રીને અપમાનિત કરવામાં પાછી પડતી નથી પછી પુરુષને કેવી રીતે બ્લેમ કરી શકાય ?
આપણે બધા ‘મોર્ડન’ હોવાનો દાવો કરીએ છીએ, પરંતુ એકાદ મજબૂરીનો કે ભૂલનો ભોગ બનેલી સ્ત્રીને સ્વીકારવાનું કે ક્ષમા કરવાનું હજી સુધી શીખ્યા નથી. સમાજની રુઢિઓ કે ખોટી બાબત સામે અવાજ ઉઠાવનારી સ્ત્રીનું મોઢું બંધ કરી દેવા એના ચારિત્ર્ય પર આંગળી ચીંધતા સમાજને મોર્ડન કહેવાય ? મોર્ડન બનવું કે વિકાસ કરવો એટલે માત્ર યંત્રો અને ટેકનોલોજી નહીં, સમાજના કેટલાક તિરસ્કૃત અને અપમાનિત લોકોનો સ્વીકાર પણ સામાજિક વિકાસનો મહત્વનો હિસ્સો છે. પૈસા કે જમીનનું દાન કરનારા ભલે શ્રેષ્ઠી કહેવાતા હોય, પરંતુ એક વ્યક્તિને જ્યારે સન્માનનું દાન કરવામાં આવે છે ત્યારે એ દાતા વિશ્વનો સૌથી મહાન દાનવીર કહેવાવો જોઈએ.