જાઓ, પહેલે ઉસકા સાઈન લેકે આઓ…

આ લખાઈ રહ્યું છે ત્યારે ભારતમાં કોરોનાના 31,408 કેસ પોઝિટિવ મળ્યા છે. 1008 મૃત્યુ નોંધાયા છે… અખબારો રોજ મોટા અક્ષરે કોરોનાના વધતા કેસ વિશે માહિતી આપે છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી સુરતમાં લોકસંપર્ક કરવા નીકળ્યા એવા સમાચાર બહુ ટ્રોલ થયા. લોકોએ ‘આરોગ્ય મંત્રી જ લોકડાઉન પાળતા નથી’ એવા અનેક મેસેજ વહેતા કર્યા, ભોજપુરી એક્ટર અને ભાજપના મનોજ તિવારી દિલ્હીમાં ટોળું ભેગું કરીને જાતે માસ્ક વહેંચતા દેખાયા… આવા બે-ચાર સમાચારો આપણી આસપાસ દેખાય એનો અર્થ એ નથી કે આપણને પણ આવું કંઈ કરવાની છૂટ મળી જાય છે !

આજથી ઘણા વર્ષો પહેલાં ‘દીવાર’ નામની એક ફિલ્મમાં સલીમ-જાવેદે લખેલા ડાયલોગમાં અમિતાભ બચ્ચન કહે છે, “હાં, મૈં સાઈન કરુંગા, લેકિન સબસે પહેલે નહીં કરુંગા, અકેલા નહીં કરુંગા, જાઓ, પહેલે ઉસકા સાઈન લેકે આઓ…” આપણે આ વાતને આપણી માનસિકતા તરીકે સ્વીકારી લીધી. આમ તો, નવાઈની વાત છે પણ સત્ય હકીકત એ છે કે ભારતીય માનસિકતા હંમેશા બીજા તરફ આંગળી ચીંધવાની અને બીજાની ભૂલો શોધવાની માનસિકતા રહી છે. આપણે શું કર્યું છે એ વિશે આપણે ક્યારેય ચર્ચા કરવા માગતા નથી. કોઈ આપણી ભૂલ બતાવે તો આપણને તરત જ લાગી આવે છે, પણ આપણે બીજાની ભૂલ બતાવીએ ત્યારે એણે માનવી જ જોઈએ એવો અહંકાર અને બીજાને ખોટા પાડ્યાનું ગૌરવ આપણને છોડતા નથી. આભાર માનવાનું કે એપ્રિશિયેટ કરવાનું આપણા સ્વભાવમાં નથી. સોસાયટીના સેક્રેટરી હોય કે પ્રધાનમંત્રી, એમણે કરેલી કામગીરીમાં ભૂલો શોધવી એ કેટલાક લોકો માટે જીવનનું ધ્યેય હોય છે. આવા લોકો પોતે કંઈ કરતા નથી, માત્ર બેસીને સોશિયલ મીડિયાનો ઉપયોગ આવી નક્કામી બાબતો ફેલાવવા અને બીજા લોકોને ઉશ્કેરવા માટે કરે છે. છેલ્લા થોડા સમયથી વ્હોટ્સએપ ઉપર કેટલાક વીડિયો વાઈરલ થવા લાગ્યા છે. પોલીસ ગમે તેટલું કામ કરે તેમ છતાં દારૂ, સિગરેટ અને પાન-માવા-ગુટખા અવેલેબલ છે એવી ચેલેન્જ કરતા કે ક્યાં અને કઈ જગ્યાએ હોસ્પિટલની કામગીરી બરાબર નથી, ક્યાં તગડી ફી વસૂલ કરવામાં આવી કે સરકાર, પોલીસ, અધિકારીઓ પોતાના કામમાં ક્યાં ચૂક્યા એને હાઈલાઈટ કરવામાં કેટલાક લોકો પોતાના લોકડાઉનના સમયનો ‘સદઉપયોગ’ કરી રહ્યા છે !! સમજવાની વાત એ છે કે કોણ કામ નથી કરી રહ્યું એ શોધવું ‘બહુ મોટું કામ’ નથી !

2020ના આંકડા પ્રમાણે લગભગ 1,38,72,97,452ની વસ્તી આ દેશમાં જીવી રહી છે. આની સામે 31,408 કેસ… નંબરની દલીલમાં પડીએ તો સમજાય કે ભારતની વસ્તી, ગીચતા, ગંદકી અને એજ્યુકેશનના પ્રમાણમાં આ નંબર બહુ નાનો અને ઓછો છે. એથી આગળ વધીને વિચારીએ તો સમજાય કે 88 ટકા લોકો સાજા થયા છે. માત્ર 12 ટકા મૃત્યુ છે. જેમાં મોટાભાગના લોકોને બીજા રોગો પણ હોવાની હકીકત બહાર આવી છે. એની સામે અમેરિકામાં 33 કરોડથી વધુની વસ્તી સામે લગભગ 60,000 મૃત્યુ છે. ઈટાલીમાં 6.4 કરોડ (2019)ની વસ્તી સામે 27,000 મૃત્યુ છે. જે અમેરિકા વિશે જાણતું હોય એને ચોક્કસ ખબર હશે કે એ દેશનું ક્ષેત્રફળ 9.8 મિલિયન કિલોમીટર સ્ક્વેર છે. જ્યારે ભારતનું ક્ષેત્રફળ 3,287,263 કિલોમીટર સ્ક્વેર છે. ભારત કરતા લગભગ ત્રણ ગણું ક્ષેત્રફળ ધરાવતા અને ઓછી વસ્તી ધરાવતા દેશમાં 50 ગણા મૃત્યુ થયાં છે… મેડિકલ ટ્રીટમેન્ટ અને શિક્ષણની દ્રષ્ટિએ પણ અમેરિકા કદાચ વધુ એડવાન્સ દેશ છે, તેમ છતાં એ દેશમાં મૃત્યુનો આંક વિશ્વના કુલ મૃત્યુનો ચોથો ભાગ છે ! જો સમજવાનો પ્રયત્ન કરીએ તો, એનો અર્થ એમ થયો કે ભારતની સરકાર કંઈક તો એવું કરી રહી છે જેનાથી આ દેશની ગીચ વસ્તીમાં મૃત્યુનું પ્રમાણ હોઈ શકે એના કરતાં ઘણું ઓછું છે !

આંકડાઓ હંમેશા ભયજનક હોય છે, જો એને સમજવામાં ન આવે કે સરખાવવામાં ન આવે તો. અમદાવાદ કે સુરતમાં વધી રહેલા કેસના મોટા મોટા હેડિંગ વાંચીને, ટીવી પર સમાચાર જોઈને, વ્હોટ્સએપની અફવાઓથી ડરી ગયેલા નાગરિકોએ એટલું સમજવાની જરૂર છે કે સરકાર પોતાનાથી જે થઈ શકે તે કરી જ રહી છે. અનેક લોકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવાથી શરૂ કરીને શહેરની હોટેલ્સને હોસ્પિટલમાં ફેરવવા સુધીના બધા જ પગલાં સરકારે લીધાં જ છે. 26 જિલ્લામાં 3100 બેડની હોસ્પિટલ્સ, જિલ્લા મથકોએ 100-100 બેડની હોસ્પિટલો ઊભી થઈ છે. આખા રાજ્યની પોલીસ, ચાર લાખ જેટલા કર્મચારીઓ, ઓફિસર અને સ્વયં સેવકો ચોવીસ કલાક ડ્યૂટી કરે છે. રેશનકાર્ડ વગર અને વિના મૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે… આ સિવાય ઘણું બધું થઈ રહ્યું છે, પરંતુ આવડા મોટા દેશમાં સરકાર કે પોલીસ દરેક જગ્યાએ પહોંચે એ લોજીકલી કોઈ રીતે શક્ય લાગે છે ખરું ? જે લોકોને લોકડાઉન સામે વિરોધ છે, જે ગરીબોની દુહાઈ દઈને ‘કોરોનાથી નહીં મરે તો ભૂખે મરી જશે’નો રાગ આલાપી રહ્યા છે એમને કલ્પના છે ખરી કે દરેક શહેરમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે, જે અંતરિયાળ વિસ્તારોમાં જઈને અનાજની કીટ અને ફૂડ પેકેટ્સનું વિતરણ કરે છે. રેન્ડમ અને રેપિડ ટેસ્ટ થઈ રહ્યા છે. દરેક શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર ટેમ્પરેટર માપવા માટેની ઈન્ફ્રારેડ ગન લઈને સ્વયંસેવકો અને પોલીસ તૈનાત છે… સરકારની કામગીરીની પ્રશંસા ન કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ પૂરી માહિતી વગર એમની કામગીરીને વખોડતા વ્હોટ્સએપ ફોરવર્ડ ન કરીએ તોય ઘણું !

આપણે જ્યારે ટ્રોલીંગ કરીએ છીએ ત્યારે આપણને એવી ખબર છે કે ટેસ્ટ કરવા માટે પોતાનો ડર અને પરિવારને ભૂલીને ઘેર-ઘેર જતા સ્વયંસેવકો માટે દરવાજો નહીં ખોલનારા લોકો, ભાગી જતા લોકો, ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી પણ સંતાઈ જતા લોકો દરેક ગલી, મહોલ્લા અને શહેર માટે જોખમકારક પુરવાર થઈ રહ્યા છે ? સરકાર કે પોલીસ એમનું શું કરી શકે ? ગમે તેટલી ના પાડવા છતાં ચા પીવા, ગપ્પાં મારવા, ધાર્મિક વિધિઓ કરવા ભેગા થતા લોકો કાયદા અને નિયમને અવગણે છે ત્યારે શું થઈ શકે છે ?

સાચો અને મહત્વનો પ્રશ્ન એ છે કે કોણ શું કરી રહ્યું છે, એ કેટલું ખોટું છે એના વિશે ટ્રોલીંગ કરવાને બદલે જે સાચું અને સારું થઈ રહ્યું છે એની નોંધ લેવાનો પ્રયત્ન કરીએ… બીજી મહત્વની વાત એ છે કે કોઈ એક વ્યક્તિ ખોટું કરે છે તો એના તરફ આંગળી ચીંધવાથી આપણને ખોટું કરવાનો અધિકાર મળતો નથી. આપણે સતત બીજા તરફ જોતા રહ્યા છીએ, હવે જાતતપાસ અને સેલ્ફ ડિસિપ્લિનનો સમય છે. કોરોનાએ આપણને એટલું ચોક્કસ શીખવ્યું છે કે જો સ્વસ્થ જીવવું હશે તો સ્વયં પર સંયમ અને કાયદાનું પાલન અનિવાર્ય છે. જાગો, જિંદગી આપણી છે, બીજા તરફ આંગળી ચીંધવાથી કદાચ ઈગો સંતોષાશે, જીવ નહીં બચે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *