ટાઈમ = મની, અને સંતાન = ?

અમેરિકાનો એક પ્રસંગ, ક્યાંક વાંચ્યો હતો. અમેરિકામાં વેતન કલાકના દરે મળે છે. માણસ જેટલા કલાક કામ કરે એ પ્રમાણેનું એનું વેતન મળે છે. ખૂબ બિઝી રહેતા અને સફળ બિઝનેસમેન ગણાતા એક પિતાને એના દીકરાએ કહ્યું, ‘પપ્પા થોડી વાત કરવી છે.’ પિતાએ કહ્યું, ‘સમય નથી.’ દીકરાએ કહ્યું, ‘થોડોક સમય તો આપો.’ પિતાએ જવાબ આપ્યો, ‘તને ખબર છે, મારો સમય કેટલો મોંઘો છે ?’ એ દિવસે તો દીકરો કંઈ ન બોલ્યો, પણ થોડા દિવસ પછી જ્યારે એક દિવસ એક પિતા ઘેર આવ્યા ત્યારે એમના 10 વર્ષના દીકરાએ પૂછ્યું, ‘તમને કલાકના કેટલા પૈસા મળે ?’ પિતાએ કહ્યું, તારે શું કામ છે ? દીકરાએ કહ્યું, ‘જાણવું છે.’ પિતાએ દીકરાને ટાળવા માટે અમસ્તુ જ કહ્યું, ‘કલાકના 20 ડોલર.’ દીકરો અંદર ગયો. પોતાની પીગી બેન્ક લઈ આવ્યો. ખાલી કરીને એમાંના ક્વાર્ટર, 50 સેન્ટ ગણી-ગણીને ભેગા કર્યાં. પછી ખુશ થઈને પિતાને હાથમાં એમે 20 ડોલર આપ્યા, કહ્યું, ‘લો આ 20 ડોલર. મને તમારો એક કલાક આપશો. બહુ દિવસથી તમારી સાથે શાંતિથી વાત નથી કરી…’

આ પ્રસંગ ભલે અમેરિકાનો હોય, પરંતુ સત્ય એ છે કે આપણા દેશમાં પણ હવે કંઈ જુદી સ્થિતિ નથી રહી. થોડા વખત પહેલાં મુંબઈના મરીન ડ્રાઈવ પર એક બોર્ડ લાગ્યું હતું, ત્યાં મોટા અક્ષરે લખ્યું હતું, ‘ડેડ, આઈ એમ ડાઈંગ…’ અને ખૂબ નાનકડા અક્ષરે લખ્યું હતું, ‘ટુ ટોક ટુ યુ.’ ડ્રગ્સની વિરુદ્ધમાં મુકાયેલું આ બોર્ડ કદાચ આપણને સહુને એક વાતની યાદ અપાવે છે કે આપણા સંતાનો એ આપણી સૌથી મોટી મુડી છે. આપણે ઘણા સમયથી એ ભૂલીને સંતાનોને સંપત્તિ વારસામાં આપવાના ચક્કરમાં પડી ગયા છીએ. આપણા બાળકોને, પછી તે કોઈ પણ ઉંમરના હોય આપણો સમય જોઈએ છે… ઘણા માતા-પિતા એવી ફરિયાદ કરે છે કે, ‘અમે તો એને ટાઈમ આપવા તૈયાર છીએ, પણ એની પાસે જ અમારા માટે ટાઈમ નથી.’ આજના માતા-પિતાની ફરિયાદ છે કે એ જ્યારે વાત કરવા માગે ત્યારે એમનું સંતાન વાત કરવા તૈયાર નથી હોતું. કેટલાક માતા એવી ફરિયાદ પણ કરે છે કે એમના સંતાનો માતા-પિતાથી વધુ સમય એમના મિત્રોને આપે છે. ઘરમાં નથી હોતા, એમને ઘરમાં રહેવું ગમતું નથી, એમનું બધું જ ધ્યાન મોબાઈલમાં હોય છે અને સૌથી મોટી અને મહત્વની ફરિયાદ કદાચ એ છે કે જો માતા-પિતા વાત કરવા જાય તો અંતે એ ચર્ચામાં પછી દલીલમાં અને છેલ્લે ઝઘડામાં પલટાઈ જાય છે. આ બધી જ વાતો સાચી હોય તો પણ એક વાર આપણે જાતને તપાસવી જોઈએ. આપણા સંતાનો જ્યારે કશું ખોટું કરે છે, ભૂલ કરે છે ત્યારે એમાં આપણી જવાબદારી કેટલી છે એવો સવાલ આપણે જો પ્રામાણિક હોઈએ તો આપણી જાતને પૂછવો જોઈએ.

આ સવાલના જવાબમાં કેટલાક માતા-પિતા એવો જવાબ પણ છે કે અમે તો બધું કર્યું, પણ એમના પર એમના મિત્રોની, બહારના વાતાવરણની અસર ખૂબ છે ! આ વાત કદાચ ખોટી ન પણ હોય, તોય એ બહારના વાતાવરણની અસરને કે મિત્રોની કુસંગતને માતા-પિતાનો સ્નેહ અને કાળજી ચોક્કસ બદલી શકે છે. સંતાનને સમય આપવો એ માતા-પિતાની પહેલી અને ફોરમોસ્ટ ફરજ છે. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે મોટાભાગની મમ્મી કારકિર્દી માટે ખૂબ સજાગ છે. એમાં કશું ખોટું પણ નથી. સ્ત્રીની કારકિર્દી પુરુષથી ઓછી કે ઉતરતી શા માટે હોવી જોઈએ ? સ્ત્રીને પણ એ અધિકારો અને ઓપોર્ચ્યુનિટીઝ મળવા જ જોઈએ, પરંતુ જે સ્ત્રી માતા બનવાનું નક્કી કરે, પરિવારનું નિર્માણ કરવાનું નક્કી કરે, એ તમામ સ્ત્રીઓએ એક વાર સમજી લેવી પડે, એક માની ફરજ અને જવાબદારી, એક પિતાની ફરજ અને જવાબદારી કરતા વધારે છે, છે અને છે જ. એક બાળકને જેટલી જરૂર એની માની છે, એટલી કદાચ પિતાની નથી અને નવાઈની વાત એ છે કે આ સમાજે નહીં કુદરતે નક્કી કર્યું છે. એક પિતાનું કામ છે ખભો આપવાનું અને માનું કામ છે ખોળો આપવાનું. માની વાર્તાઓ બાળકને સપનાં જોતું કરે છે અને પિતાની ફરજ એ સપનાં પૂરા કરવાની છે. તમે તેટલું મોડર્ન યુગલ હોય પણ ગર્ભધારણ કરવાનું અને સ્તનપાન કરાવવાનું કામ માનું છે, આ વાત કેવી રીતે નકારી શકાય ? છેલ્લા કેટલાય વખતથી સ્તનપાનથી થતા ફાયદા વિશે કે માના દૂધમાં રહેલી કેટલીક પોષક અને ઈમોશનલ બાબતો વિશે આપણે જાહેરાતો પણ જોઈએ છીએ. ડોક્ટર્સ, વૈજ્ઞાનિકોએ અને બીજા અનેક લોકોએ એ વાત સ્વીકારી છે કે નાળનો સંબંધ સૌથી ઊંડો અને પ્રગાઢ સંબંધ છે. (સ્ટેમ્પ સેલ પ્રિઝર્વેશનનું સાયન્સ પણ આ જ વાતની પુષ્ટી કરે છે.) બાળ ઉછેરમાં માનો ફાળો થોડો વધુ છે અને આ વધુ ફાળો માના સમય વગર કઈ રીતે પૂરો થઈ શકે ? બાળકને કોળિયા ભરાવવા, હાલરડાં ગાવાં, પડખાંમાં લઈને સૂવા જેવી પુરાણી કે જૂનવાણી બાબતો કદાચ આજની મોડર્ન મમ્મી નકારે છે. સંભ્રાન્ત અથવા એફ્લુઅન્ટ પરિવારની મમ્મીઓ પોતાના બાળકને આયા કે નેનીને ઉંચકવા આપે છે, પરંતુ માએ ઉંચકેલા બાળકને માના હૃદયના ધબકારા સંભળાય છે, આ ધબકારાનો સીધો સંબંધ એના ગર્ભની સલામતી સાથે છે. માએ ઉંચકેલું બાળક સલામતી અને રીએસ્યોરન્સ અનુભવે છે, જે એના વ્યક્તિત્વને આત્મવિશ્વાસ અને મજબૂતી આપે છે.

એવી જ રીતે પિતા સાથેનો સંબંધ પણ બહુ જ મહત્ત્વનો છે. ઘરમાં એક મજબૂત આધાર અથવા એક એવી વ્યક્તિ છે જે સારા-ખરાબ સમયમાં મારી સાથે ઊભી રહી શકશે, મને મુશ્કેલીઓમાંથી બચાવી શકશે, એ લાગણી બાળકને નાનપણમાં જ એના મનમાં ઘૂસી જતા કેટલાક ભયથી દૂર રાખી શકે છે. ઘરમાં પિતાની હાજરી હોવી એ વાત જ કેટલીક વાર અમુક પરિસ્થિતિઓને આપોઆપ ટાળે છે. મા સાથે ઊંચા અવાજે બોલવું, માનું અપમાન કરવું કે ધાર્યું કરવું જેવી ટીનએજની સમસ્યાઓને પિતાની મૂક હાજરી કે પૌરુષી દ્રઢતાથી નિવારી શકાય છે. સંતાન શું કરે છે, એના કયા મિત્રો છે, એની દિવસભરની પ્રવૃત્તિ શું હોય છે એ વિશેની માહિતી માગવી એ પિતાનો અધિકાર છે, અને ફરજ પણ ! સંતાનની કારકિર્દીમાં રસ લેવો કે એની ફી ભરી દેવી, એને મોંઘા ફોન અપાવવા, બ્રાન્ડેડ કપડાં કે બીજી ગિફ્ટ્સ આપવી એ લાડ હોઈ શકે પણ લાડની સાથે એને મળતી વસ્તુઓ અને સગવડોનો એ શું ઉપયોગ કરે છે એ જાણવું પણ પિતાની ફરજનો મહત્ત્વનો હિસ્સો છે.

મોડર્ન મમ્મીઓ બાળકના હાથમાં મોબાઈલ પકડાઈને એને જમાડે છે. જેનાથી બાળક એકલવાયું અને એકલપેટું થાય છે. આખો પરિવાર સાથે જમે એવું એક ટંક તો હોવું જ જોઈએ અને જો સહુની અનુકૂળતા એ પ્રમાણેની ન હોય તો બાળક જમવા બેસે ત્યારે મમ્મી કે પપ્પા બેમાંથી એક જણે એની સાથે બેસીને એની સાથે વાતો કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એ સમયે ફોન દૂર જ રહેવો જોઈએ, એવો નિયમ ઘરના સહુ સભ્યોને લાગુ પડવો જોઈએ.

સૌથી મહત્ત્વની વાત, પારિવારિક પ્રસંગો, વડીલોને ત્યાં મળવા કે ખબર કાઢવા જતી વખતે માતા-પિતા બાળકોને લઈ જવાનું ટાળે છે. ‘એને શું મજા આવશે ?’ આવી વાત આપણે હમણાથી સાંભળીએ છીએ, પણ જિંદગીની દરેક પ્રવૃત્તિ મજા કરવા માટે નથી હોતી, એવું બાળકને સમજાવવું જરૂરી છે. ટીવી, ઈન્ટરનેટ વગર બે-ચાર દિવસ રહેવાની ટેવ માતા-પિતાએ બાળકને પાડવી જોઈએ અને પોતે પણ એવું એક વેકેશન લેવું જોઈએ, જેમાં આખો પરિવાર ટીવી અને ઈન્ટરનેટ વગર એક-બીજાની સાથે રહી શકે.

આ વાંચીને ક્યારેક કોઈ વાચકને પ્રશ્ન થાય, કે લખનાર આમાંથી કેટલું પાળે છે ? આ કોલમમાં હું અંગત વાતો ક્યારેય લખતી નથી, છતાં આ પ્રશ્નનો ઉત્તર આપવો એ મારી જવાબદારી છે, એમ માનીને લખું છું કે મારો દીકરો 10 વર્ષનો થયો ત્યાં સુધી મેં પૂરા સમયની નોકરી કે કામ નથી કર્યું. એ સ્કૂલેથી આવે ત્યારે હું એને મળું જ એ વાતની મેં ચોક્સાઈ રાખી છે. એને હોમવર્ગ જાતે જ કરાવ્યું છે. દર વર્ષે એક પ્રવાસ થવો જ જોઈએ એવો નિયમ આજ સુધી અમે પાળીએ છીએ. એણે એના દાદીને લેવા-મૂકવા જવાનું એવો મારો આગ્રહ એને ન ગમે તો પણ એણે માનવો પડે છે. મહિનામાં ચારથી પાંચ દિવસ એ એના દાદી સાથે રહે એ જરૂરી છે… સૌથી મહત્ત્વની વાત, અમે બંને દિવસમાં એક વાર એની સાથે અડધો કલાક, કલાક જુદી જુદી વાતો કરીએ છીએ, જેમાં સૂચના નહીં સંવાદ હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *