“હું આવી નહોતી !” એક કોર્પોરેટમાં કામ કરતી અત્યંત સફળ કહી શકાય એવી સ્ત્રી આંખમાં આંસુ સાથે કહી રહી હતી, “હું એટલી સિમ્પલ, સરળ વ્યક્તિ હતી. માતા-પિતાએ કહ્યું ત્યાં લગ્ન કર્યાં, જિંદગીની કોઈપણ બાબતમાં દલીલ કર્યા વગર બધું સ્વીકારી લીધું. છેતરાતી રહી… હવે, ચાલીસ વર્ષની ઉંમરે એકદમ સ્માર્ટ, કાબેલ, થોડી ચાલાક કહી શકાય એવી થઈ ગઈ છું અને પાછી ફરીને જોઉં છું ત્યારે થાય છે કે હું પેલી ભોળી, સરળ અને વહાલસોયી છોકરીને મિસ કરું છું. મારે તો એવા જ રહેવું હતું પણ સમયે મને એવી રહેવા દીધી નહીં !” એની વાત બહુ સમજવા જેવી હતી, “આજે હું સફળ છું, પૈસા કમાઉં છું, સ્વતંત્ર છું, પરંતુ અહીંયા પહોંચતાં પહેલાં હું જે કડવા અનુભવોમાંથી પસાર થઈ છું, એ માટે મારી જાતને ક્યારેક ધિક્કારું છું. ક્યારેક વિચારું છું કે આ બધું જરૂરી હતું ?”
ઘણા લોકોને આવો વિચાર આવતો હશે. ઘણાને એવું લાગતું હશે કે જિંદગીના અનુભવોએ એમની ભીતર રહેલી સારાઈ કે ભલમનસાઈને છીનવી લીધી છે. વારંવાર છેતરાવાના અનુભવે એમને થોડા વધુ સાવચેત કે સજાગ, એથી આગળ વધીને કદાચ અસલામત બનાવી દીધા છે. પહેલાં જે વ્યક્તિ લગભગ દરેક ઉપર આંખ મીંચીને વિશ્વાસ કરતી હતી, એ જ વ્યક્તિ હવે લગભગ દરેક ઉપર આંખ મીંચીને અવિશ્વાસ કરતી થઈ જાય ત્યારે એને પોતાની ભીતર રહેલી એક પ્યોરીટી, શુદ્ધતા ખોઈ બેઠાનો અફસોસ થતો જ હશે ! આપણે બધા જ બાળક તરીકે સરળ અને ભોળા જ હોઈએ છીએ. સમય આપણને ઘણું શીખવે છે. કોઈકને હોંશિયાર, કોઈકને ચાલાક તો વળી કોઈને લુચ્ચા બનાવી નાખે છે. આનો આધાર સમય પર નહીં, આપણે કરેલા આપણા અનુભવોના ઈન્ટરપ્રીટેશન અથવા એ અનુભવોમાંથી લાધેલી આપણી સમજ પર રહેલો છે. બીજી મહત્વની બાબત આપણી જરૂરિયાત અથવા સમય સાથે આપણી અંદર જાગતું ઝનૂન પણ આમાં મહત્વનો ભાગ ભજવે છે. સવાલ સ્ત્રી કે પુરુષનો નથી, સવાલ છે આપણને મળેલા અનુભવોમાંથી આપણે કડવાશ ફિલ્ટર કરીને, નિતારીને આપણી સારાઈ સાચવી શકીએ છીએ કે નહીં !
સાધુ અને વિંછીની કથા સહુ જાણે છે. નદીમાં ડૂબતા વિંછીને બચાવનાર સાધુને જ્યારે વિંછી ડંખ મારે છે ત્યારે સાધુ કહે છે, “મરતા જીવને બચાવવો એ મારો સ્વભાવ છે અને સારું ખોટું સમજ્યા કે જોયા વગર ડંખ મારવો એ એનો સ્વભાવ છે.” જો આ કથા સાથે આપણે આપણી જાતની સરખામણી કરીએ તો જરૂર સમજાય કે બે-ચાર અનુભવો જો આપણને કડવા કરી નાખે તો આપણામાં મિઠાશનું પ્રમાણ પહેલેથી જ થોડું ઓછું હતું, અને બે-ચાર કડવા અનુભવો પછી પણ જો આપણે વિશ્વાસ કરવાનું, પ્રેમ કરવાનું કે સામેની વ્યક્તિને સમજવાનું છોડી ન દઈએ તો આપણને ગૌરવ થવું જોઈએ કે આપણી ભીતર રહેલી શુદ્ધતા અને સ્નેહ બહારની કડવાશ કરતાં ઘણાં મજબૂત પુરવાર થયા છે.
આ જગતમાં કોઈ વ્યક્તિ એવી નહીં હોય કે જેને એકપણ ખરાબ અનુભવ થયો જ ન હોય ! કોઈએ ક્યારેય છેતર્યા ન હોય, કોઈએ ક્યારેય અપમાનિત ન કર્યા હોય એવું તો બન્યું નહીં હોય. એવી જ રીતે સામે પક્ષે સારા માણસો પણ મળ્યા જ હોય, મદદ કરનાર, સલાહ આપનાર, ખરાબ સમયમાં સાથે ઊભા રહેનાર કે રડવા માટે ખભો આપનાર પણ મળ્યા હોય ને ? સાચો આધાર આપણા ઉપર છે. આપણે એ સારાઈને સંચિત કરવી છે અને સ્વયંને કડવાશથી, તિરસ્કારથી વંચિત કરવી છે એવું નક્કી કરીએ તો કદાચ આપણે પેલા બહેનની જેમ અફસોસ કરવાનો વારો ન આવે. એક મહત્વની હકીકત એ પણ છે કે આપણે જ્યારે યુવાન હોઈએ છીએ ત્યારે પામી લેવાની, પહોંચી જવાની, બતાવી આપવાની ઝંખના બળવત્તર હોય છે. સમાજ સામે, સગાં કે સ્નેહી સામે, જેણે દગો દીધો છે એવા કોઈ પ્રિયજન સામે યુદ્ધ કરવા માટે તલવાર ઉઠાવીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે એ વ્યક્તિ હવે આપણી સામે કે સાથે છે જ નહીં. હવે તો યુદ્ધ ભીતરનું છે. પુરવાર પણ જાતને જ કરવાનું છે. હરાવ્યાના આનંદનો ઉત્સવ પણ એકલા જ ઉજવવાનો છે… આ બધું કરી લીધા પછી પણ જો સુખ કે સંતોષની લાગણી ન થવાની હોય તો આટલા બધા ઈમોશન અને ઉર્જા વેડફી નાખવા યોગ્ય છે ખરાં ?
‘મહાભારત’ના યુધિષ્ઠિરની જેમ, જીત્યાને અંતે પણ જો વિષાદ જ આપણા ભાગે આવવાનો હોય તો એ યુદ્ધ અર્થહિન નથી ? લોકડાઉનના દિવસોમાં ઘણા લોકોને આ સત્ય સમજાયું હશે, જેમ પેલા બહેનને સમજાયું તેમ જ ! બધું જ મળી ગયા પછી પણ જો ‘કશું નથી’ની લાગણી આપણી ભીતર ખાલીપો સર્જતી હોય તો એમ માનવું કે જે મેળવ્યું છે એ આપણી જરૂરિયાત નહીં, ઝનૂન હતું… કદાચ પાછળ રહી ગયા પછી પણ, સમાજ આપણને હારેલા કે નબળા માનતો હોય તેમ છતાં આપણી ભીતર સુખ-સંતોષ અને શાંતિ હોય તો માનવું કે આપણે યુદ્ધ નહીં કરવાનો જે નિર્ણય કર્યો તે જ સાચો ! હાર અને જીત, સફળતા અને નિષ્ફળતા, શ્રીમંત અને ગરીબ આપણે બનાવેલી અને સતત બદલાતી વ્યાખ્યાઓ છે. એની પાછળ દોડનાર અંતે હાંફી જાય છે, એને ખૂબ દોડ્યા પછી સમજાય છે કે દિશા ખોટી હતી અને હવે દશા ગૂંચવાઈ છે. સફળ થવા માટે કરેલાં સમાધાનો અંતે આપણી નજરમાં આપણી જ છબી ઉપર અફસોસ અને અપરાધની લાગણી છોડી જતા હોય છે…