નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે…

ઉત્તર ગુજરાતમાં વિસનગર પાસે ભાલક ગામની નાથ બાઈ જન્મે મુસલમાન પણ મહંત શ્રી જગમાલજીના સમયમાં એમણે પોતાની ભક્તિથી હિન્દુ-મુસલમાનના ભેદને ધોઈને સ્વયંને ઈશ્વરમાં ઓતપ્રોત કરી નાખી. સ્ત્રી થઈને સમાધિ લીધી. આજે પણ લોકો એમને સતી નાથ બાઈ તરીકે યાદ કરે છે. (લલ્લુભાઈ રબારીના પુસ્તક આપણા સંતોનું દર્શન) માં આ વાત વાંચી ત્યારે ભીતર કશુંક જબરજસ્ત હચમચી ગયું…  આ પુસ્તકમાં કબીરથી શરૂ કરીને ભક્ત મૂળદાસ, દાદા મેકરણ, તુલસીદાસ, આપા વિસામણ, દેવાયત પંડિત જેવા સંતોની વાત રજૂ કરવામાં આવી છે.

આપણે આપણા જ રાજ્યના સંતો વિશે કેટલું ઓછું જાણીએ છીએ. સંત હોવું એટલે માત્ર વસ્ત્ર બદલવા નહીં, પરંતુ જેના શબ્દ અને જીવન એક જ હોય એવા શુધ્ધાત્માઓ ! વિરપુરના જલારામ બાપા અને સતી વીરબાઈ મા કહેતાં, ‘રોટલે રામ રીઝે. જ્યાં ટૂકડો ત્યાં રામ આવે ઢુંકડો…’ સંત દેવીદાસે રક્તપિતના દર્દીઓની સેવા કરી, મેકરણ દાદા જેવા સંતે રણમાં ભૂખ્યા-તરસ્યાને ખવડાવ્યું. તુલસીદાસે વાલ્મિકી રામાયણને લોકજીભે રમતું કર્યું. એમાં રામચંદ્રજી બ્રાહ્મણ અને ક્ષત્રિય માટેના ધર્મનું વર્ણન કરે છે,

ધીરજ, ધર્મ, મિત્ર અરૂ નારી.

આપદ કાલ પરિખિ અહિં ચારિ

ખરાબ સમયમાં જ ધીરજની, ધર્મની, મિત્રની અને નારીની પરીક્ષા થાય છે…

લગભગ બધા જ સંતોના જીવનમાં ક્યાંક કશેક પરીક્ષાનો સમય આવ્યો છે. એ પરીક્ષામાંથી જે પસાર થઈ જાય, નીકળી જાય, સાંગોપાંગ, આરપાર પ્રવાસ કરે એને સંત કહેવાય, કદાચ ! સામાન્ય માણસ આવી પરીક્ષામાં હથિયાર નાખી જાય, થાકી જાય, હારી જાય કે પોતાની ધીરજ ખોઈ બેસે, પરંતુ જેને સાચા અર્થમાં ઈશ્વરની શ્રધ્ધા છે એ કોઈ દિવસ પોતાની શ્રધ્ધાને હાલવા કે ડોલવા દેતા નથી. ઈશ્વરનું કોઈ સ્વરુપ નથી. એ તો પરમતેજનું એક એવું તત્વ છે જેને આપણે આપણી ઈચ્છાથી સ્વરુપ આપ્યું છે, અથવા કદાચ એણે આપણી સાથે જોડાવા માટે પોતાની મરજીથી સ્વરૂપ ધારણ કર્યું છે.

વિચાર કરીએ તો સમજાય કે જગતના તમામ ધર્મોનો ઉપદેશ એક જ છે. સહુ માનવતાની વાત કરે છે, સહુ જ્ઞાન-વિદ્યા, ભોજન-રોટલો, ગરીબો અને બીમારની સેવાને જ સાચો ધર્મ ગણાવે છે. ધર્મ આપમેળે કોઈની સાથે વિરોધ કે યુધ્ધ કરવાનું સૂચવતો નથી. ધર્મ તો પરમ સ્વીકાર શીખવે છે. સૌને આવકારતાં શીખવે છે. આપણા શરીરો ભિન્ન છે. આપણે જ્યાં જન્મ લઈએ અને આપણો જ્યાં ઉછેર થાય તે, વારસામાં મળેલો ધર્મ આપણો ધર્મ હોઈ શકે, પરંતુ આપણે સૌ એક જ ચૈતન્ય તત્વમાંથી છૂટા પડેલા ભિન્ન અંશો છીએ. કીડીના શરીરમાં જે આત્મા છે એ જ સસલાના, કૂતરાના, કાગડાના, પોપટના કે માણસના શરીરમાં છે, એમ શાસ્ત્રો કહે છે. શરીર આપણને આપણા કર્મ અનુસાર મળે છે એવું ધર્મ શીખવે છે. આત્માનું સ્વરૂપ નથી, આકાર નથી, કોઈ ગુણ કે કોઈ નિશ્ચિત પ્રવાસ નથી. આત્મા પાસે સ્વયંપ્રકાશિત પરમતત્વનો અંશ છે, એ જ અંશ આપણા શરીરમાં છે ત્યાં સુધી  આપણે જીવિત છીએ !

સ્વામી શંકરાચાર્યના શિષ્ય અપૂર્વાનંદે ‘આચાર્ય શંકર’માં એક ઘટના નોંધી છે. એક દિવસ શંકરાચાર્ય ગંગાસ્નાન કરવા જઈ રહ્યા હતા. ઘાટ પાસે આવ્યા ત્યારે એમણે જોયું કે એ સમયમાં જેને નીચી જ્ઞાતિનો માનવામાં આવતો એવો એક કદરૂપો માણસ ચાર કૂતરાઓને લઈને સામેથી આવી રહ્યો હતો. આચાર્ય શંકરે એને કહ્યું, ‘કૂતરાઓને લઈને એક બાજુ થઈ જા. અમે બ્રાહ્મણો ગંગાસ્નાન માટે જઈ રહ્યા છીએ…’ એણે સાંભળ્યું નહીં. આચાર્યએ ફરી કહ્યું. એ પોતાના રસ્તે ચાલતો રહ્યો, એણે આચાર્યની વાત સાંભળી નહીં. અંતે આચાર્યએ ગુસ્સે થઈને એને સંસ્કૃતમાં ધમકાવ્યો ત્યારે એ માણસે સંસ્કૃત ભાષામાં શ્લોક કહીને આચાર્યને ઉત્તર આપ્યો, ‘તમે કોને બાજુએ હટવાનું કહી રહ્યા છો ? આત્માને કે દેહને ? આત્મા સર્વવ્યાપી નિષ્ક્રિય અને પરમશુધ્ધ સ્વભાવ છે. જો દેહને કહેતા હો તો દેહ તો જડ છે. એ કઈ રીતે પોતાની મેળે ખસી શકે ? વળી તમારો આત્મા અન્યના આત્માથી જુદો છે ? જો તમે દેહને અસ્તિત્વ માનતા હો તો એકમેવા દ્વિતિયમ એ બ્રહ્મતત્વમાં શ્રધ્ધા હોવાનું અભિમાન સાચું છે ? બ્રાહ્મણ અને ચંડાળનો આત્મા જુદો છે. ગંગાજળમાં દેખાતો સૂર્ય અને મદિરામાં દેખાતો સૂર્ય ભિન્ન છે ? તમારી શ્રધ્ધાનો આધાર પ્રતિબિંબમાં છે કે સૂર્યમાં ? શું આ જ તમારું જ્ઞાન છે ?’ શંકરાચાર્ય આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. એમને સમજાયું કે આ સ્વયં ઈશ્વર એમને જગાડવા આવ્યા છે. એમણે બંને હાથ જોડીને એ જ સમયે સ્તુતિ કરી,

‘નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનન્દમૂર્તે

નમસ્તે નમસ્તે તપોયોગગમ્ય, નમસ્તે નમસ્તે શ્રુતિજ્ઞાનગમ્ય.’

તરત જ કૂતરા અને ચંડાળ અદૃશ્ય થઈ ગયા. આચાર્ય શંકરે જોયું કે મહાદેવ ચારે વેદ હાથમાં લઈને એમની સન્મુખ વિરાજમાન છે. આ સ્તુતિથી પ્રસન્ન થઈને દેવાધિદેવ મહાદેવે આચાર્ય શંકરના મસ્તક પર હાથ રાખીને કહ્યું, ‘વત્સ, હું પ્રસન્ન થયો છું. હું તમારા દ્વારા વૈદિક ધર્મની પુનઃ પ્રતિષ્ઠા થાય એમ ઈચ્છું છું.’

ચેન્નાઈથી કાંચી જવાના રસ્તા પર એક નાના ગામમાં શ્રી રામાનુજાચાર્ય જન્મ્યા હતા. એમણે બ્રહ્મસૂત્ર, વિષ્ણુસહસ્ત્રનામ અને દિવ્યપ્રબંધમની ટીકા લખી છે. એમનો ઉપદેશ વિશિષ્ટાદ્વૈત તરીકે ઓળખાય છે. વિવેકાનંદે એક વાર રામકૃષ્ણ પરમહંસને આ ઉપદેશ સમજાવવાની વિનંતી કરેલી ત્યારે એમણે સમજાવેલું, ‘આખું જગત એક છે. એક ફળનું વજન કરીએ ત્યારે એનું છોતરું, બી, ગર બધાનું વજન થઈ જ જાય છે, છતાંય આપણે જ્યારે આરોગીએ છીએ ત્યારે છોતરા અને બી કાઢી નાખીએ છીએ… વિચાર એ બ્રહ્મ છે, અંદરનું ગર. બાકી બધું છોતરા અને બી છે. બ્રહ્મ જ વસ્તુ છે બીજું અવસ્તુ છે… જગત બ્રહ્મનું પરિણામ છે અને બ્રહ્મ જ જગતના સ્વરૂપમાં પરિણમે છે. આ વિશ્વ બ્રહ્મનું શરીર છે અને બ્રહ્મ આ વિશ્વનો આત્મા છે. જીવ સ્વભાવથી જ દાસ છે, ભક્ત છે. ભક્તિ એ જીવનો સ્વધર્મ છે, પરંતુ જે સ્વભાવ ભૂલી જાય છે એણે અભાવમાં જીવવું પડે છે.’

એક અન્ય પ્રસંગ પણ જાણવા જેવો છે. સંતત્વને કે બ્રહ્મત્વને ઉંમર સાથે કોઈ નિસ્બત નથી હોતી. મહારાષ્ટ્રના આળંદી ગામના વિઠ્ઠલપંતે પોતાના ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરી ગૃહસ્થ આશ્રમ પુનઃ સ્વીકાર્યો. સાધુમાંથી ગૃહસ્થી બનેલા વિઠ્ઠલપંતનો ખૂબ વિરોધ થયો. એમને ચાર સંતાનો થયા. નિવૃતિનાથ, જ્ઞાનદેવ, સોપાન તથા પુત્રી મુક્તાબાઈ. સન્યાસમાંથી ગૃહસ્થ આશ્રમ સ્વીકારવા માટે સમાજે એમને જળ સમાધિ લેવાનો આદેશ કર્યો. આજથી આશરે સાડા સાતસો વર્ષ પહેલાં ચાર બાળકો એકલા પડી ગયા. એમણે સન્યાસીના બાળકો ગણીને સમાજે બહિષ્કાર કર્યો. જ્ઞાનદેવે પોતાના મોટાભાઈ નિવૃતિનાથ પાસે દીક્ષા લીધી. એમણે ગીતા ગ્રંથને જ્ઞાનેશ્વરી ગીતા તરીકે ફરી પ્રગટ કર્યો… એક ચાંગદેવ નામના સિધ્ધ યોગીને જ્યારે ખબર પડી કે એક નાનકડા બાળકે પાડાના મુખેથી યજુર્વેદ બોલાવ્યો ત્યારે ચાંગદેવે એને પત્ર લખવાનો વિચાર કર્યો. પોતાનાથી ઉંમરમાં નાના છતાં સિધ્ધિમાં લગભગ બરોબરીયા ગણી શકાય એવા જ્ઞાનદેવને શું લખવું ? ચિરંજીવ કે પૂજ્ય ? તીર્થરૂપ કે સિધ્ધ ? ચાંગદેવે કોરો પત્ર મોકલી આપ્યો. પત્ર જોઈને નિવૃતિનાથે ભાઈ જ્ઞાનદેવને કહ્યું. ચાંગદેવ કોરા, શુધ્ધ પુરુષ છે. તમે ઉપદેશ નિમિત્તે પત્રનો ઉત્તર આપો… કહેવાય છે કે ચાંગદેવ વાઘની સવારી અને સર્પની ચાબુક લઈને આકાશ માર્ગે જ્ઞાનદેવને મળવા આવ્યા. ગામની ભીંત પર બેઠેલા ચાર ભાઈ-બહેન નિવૃતિનાથ, જ્ઞાનદેવ, સોપાન અને મુક્તાબાઈ આકાશમાં આવતા ચાંગદેવને જોઈ રહ્યા. જ્ઞાનદેવે કહ્યું, ‘આપણે પણ એમને મળવા જવું જોઈએ…’ એ જે ઓટલા જેવી ભીંત પર બેઠા હતા એ ચાલવા લાગ્યો અને જ્ઞાનદેવને જોઈને ચાંગદેવે પ્રણામ કર્યા.

સંત હોવું એટલે વસ્ત્ર નહીં, વિચાર બદલવા… ધર્મનું પાલન કરવું એટલે આપણા મૂળતત્વના શરણે જવું. આપણું મૂળતત્વ શુધ્ધ છે. સૌમાં શુધ્ધતા જોઈએ એ પણ ધર્મ જ છે. બાદશાહ અકબરે એક વાર ફતેહપુર સિકરીમાં સુરદાસને આમંત્રિત કર્યા હતા ત્યારે એમણે બાદશાહને આ પદ સંભળાવ્યું હતું.

મન રે ! માધવ સૌ કરી પ્રીતિ

કામ-ક્રોધ-મદ-લોભ તૂ છાંડિ સબૈ બિપરીતિ

જો આટલું સમજી શકીએ તો પણ આપણે સાચા અર્થમાં ભીતરના સંતત્વને જગાડી શકીએ. કોણ, શું કરે છે એ જોવું આપણી જવાબદારી નથી. આપણે તો ભીતરના બ્રહ્મત્વને પ્રેમ કરવાનો છે. પોતાની ભીતરના, અને અન્યની ભીતરના બ્રહ્મત્વને ભિન્ન ગણે છે તે ભક્ત નથી, સંત નથી. જે સહુમાં બ્રહ્મનું દર્શન કરે છે એ કદી કોઈને ધિક્કારી શકતા જ નથી !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *