પાઈ હવાઓં મેં ઉડને કી વો સઝા યારોં…

‘મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. મારી મિલ્કતનો અડધો ભાગ માતા-પિતા અને બહેન વચ્ચે વેચી દેવામાં આવે જ્યારે બાકીનો અડધો ભાગ મારા ત્રણ વર્ષના દીકરા કિયાન માટે રાખવામાં આવે…’  37 વર્ષના એક બિઝી અને સફળ કહી શકાય એવા એક્ટરનું આત્મહત્યા પહેલાંની ચિઠ્ઠીમાં એણે આ વાત લખી છે. કુશલની મમ્મી એની આત્મહત્યા પછી દીકરાના મિત્રનો હાથ પકડીને ખૂબ રડે છે એવા વીડિયો વાયરલ થયા છે.

બીજી તરફ, અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો એ પછી પિતા અને પુત્ર સામસામે કરેલા ટ્વિટર્સ એમનું બોન્ડ અથવા એકબીજા પરત્વેનું સન્માન દર્શાવે છે. બચ્ચન સાહેબે એક કહેવત લખી છે, ‘પૂત, સપૂત, તો ક્યું ધનસંચય ? પૂત, કપૂત તો ક્યું ધનસંચય ?’ (જો દીકરો ડાહ્યો અને સમજદાર છે, પોતાની જિંદગી પોતાની રીતે જીવી શકવાનો આત્મવિશ્વાસ ધરાવે છે તો પૈસા ભેગા કરવાની જરુર નથી અને જો દીકરો ડાહ્યો નથી અને એને આપેલું કંઈ પણ એ સાચવી શકશે નહીં એવું લાગે તો  પણ પૈસા બચાવવાનો મતલબ નથી કારણ કે, એ બધું જ વેડફી દેવાનો છે.)

એક જ દિવસે ગુગલ પર દેખાતા આ બન્ને સમાચાર પરસ્પર વિરોધી છે છતાં, એક જ વાત કરે છે ! આ દુનિયામાં એક જ સમયે અનેક જુદા જુદા ઈમોશન્સનો ઉતાર-ચઢાવ થાય છે. ખાસ કરીને, ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની વાત કરીએ તો, દર શુક્રવારે સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા બદલાઈ જાય છે. સુખ અને દુઃખ, સંબંધો, સત્ય અને અસત્યની વ્યાખ્યા પણ અહીં એક અઠવાડિયાથી લાંબુ આયુષ્ય ધરાવતી નથી. છતાં આપણે બધા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સમાચારો ખૂબ રસથી વાંચીએ છીએ એટલું જ નહીં, આપણને એ લોકોના જીવન વિશે વાતો કરવી પણ ખૂબ ગમે છે.

કોણ, કોની સાથે ફરે છે… કોના સંબંધ સારા છે, કોના ખરાબ… કોણ શરાબી છે, કોણ લફરાબાજ છે… જેવી વિગતો આપણી પાર્ટીની મુખ્ય ગોસિપ હોઈ શકે છે. આ દેશમાં ક્રિકેટર અને ફિલ્મસ્ટાર લગભગ ભગવાનની કક્ષાએ મૂકાય છે. (બધા જ આવું વિચારે છે એમ કહેવાનો આશય નથી, પરંતુ મોટાભાગના લોકો માટે આ સ્ટાર્સનું મહત્વ એટલું બધું છે કે એમના માટે અંગત મિત્ર કે સ્વજન સાથે પણ હાથોહાથની મારામારી સુધી પહોંચી જાય છે). કોઈ દિવસ વિચાર્યું છે કે આનું કારણ શું હોઈ શકે ? મેચ ફિક્સિંગ કરતા, લગ્નો કરતા-તોડતા, ફરી લગ્ન કરતા, શરાબ પીતા, ડ્રગ્સ લેતા, લફરાબાજી કરતા, સમય સમયાંતરે રિલેશનશિપ અને પોતાની પ્રામાણિકતા પણ બદલી શકતા આ ‘સ્ટાર્સ’ આપણી જિંદગીમાં આટલા મહત્વના કેમ છે ?

28 નવેમ્બર, 2014માં રિલીઝ થયેલી એક મરાઠી ફિલ્મ, ‘સ્વામી પબ્લિક લિમિટેડ’ ની વાર્તા આપણને આ સવાલનો જવાબ આપે છે…  

નચિકેત નામનો એક માણસ એક ‘સ્વામી’ ડિઝાઈન કરે છે. એનો પ્રચાર-પ્રસાર અને પબ્લિસિટી એવી રીતે કરવામાં આવે છે કે મોટામોટા લોકો આ સ્વામીના દર્શને આવે છે. (એ પણ પબ્લિસિટીનો ભાગ છે). થોડાક જ વખતમાં આ ‘સ્વામી’ 2000 કરોડની પ્રોપર્ટી બની જાય છે. સ્વામી તરીકે જેને ગોઠવવામાં આવ્યો છે એ અભિનેતાને અચાનક સમજાય છે કે પોતે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો છે, એમની શ્રધ્ધાને ઠગી રહ્યો છે !

એ આશ્રમ છોડીને ભાગી જાય છે, એની શોધ કરવામાં આવે છે, મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવે છે પણ અંતે એ જાતે પાછો ફરે છે… પછી શું થાય છે અથવા એ કેમ પાછો ફરે છે એની કથા સમજવા જેવી છે… ‘સ્વામી’ કોઈ વ્યક્તિ નથી, એક પ્રોડક્ટ છે ! આ ફિલ્મસ્ટાર્સ, ક્રિકેટના સ્ટાર્સ અને કેટલાક ધર્મગુરુ, બાવાસાધુ પણ આવી પ્રોડક્ટ્સ જ છે.  એમને આપણી નજર સામે મોટા કરવામાં આવે છે. એમનું એક મહત્વ પબ્લિસિટી અને મીડિયા દ્વારા ઊભું કરવામાં આવે છે ! એ લોકો સ્ટાર તો બની જાય છે, પરંતુ સાથે સાથે એમની જિંદગી ફોકસમાં આવી જાય છે. એ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, શું ખાય છે, કેમ જીવે છે જેવી દરેક બાબત ધીમે ધીમે જાહેરજનતાના રસનો વિષય બનતી જાય છે.

એક સામાન્ય માણસને સ્પેશિયલ તો બનાવી શકાય છે, પણ એક વાર સ્પેશિયલ બની ગયેલા માણસને ફરીથી સામાન્ય બનવાનો અધિકાર મળતો નથી. ખાસ કરીને, બોલિવૂડ અને ટેલિવિઝનની દુનિયામાં આવી સમસ્યાથી પીડાતા અનેક લોકો છે ! એમની ખબરો છપાય, લોકો એમના જેવાં કપડા પહેરે, પોતે એક ટ્રેન્ડ કે ફિનોમીના બની જાય ત્યારે એમને ખૂબ મજા પડે છે. એમના અહંકારને પુષ્ટિ મળે છે, પરંતુ એ પછી જ્યારે આ પબ્લિસિટીનું, પ્રસિધ્ધિનું બિલ ફાટે છે ત્યારે એ ચૂકવવા માટેની તૈયારી મોટાભાગના લોકોની હોતી નથી. ધર્મેન્દ્રએ એક પત્રકારને જાહેરમાં ફટકારેલા, સૈફ અલી ખાને ‘ઔરસ’ નામની રેસ્ટોરન્ટમાં મારામારી કરેલી, શાહરુખ ખાનને વાનખેડે સ્ટેડિયમમાં બાન કરવામાં આવેલા, નસલી વાડિયાએ પત્રકારને મુક્કો મારેલો, સલમાન ખાને એક પત્રકારનો કેમેરો તોડી નાખેલો, ડાયના સ્પેન્સરનું મૃત્યુ આવી જ પબ્લિસિટીથી બચવાના પ્રયાસમાં થયેલું એમ માનવામાં આવે છે… આવા તો કેટલા કિસ્સા ટાંકી શકાય !

‘પ્રસિધ્ધિ’ નો અર્થ છે, સારા અને ખરાબ બંને વિશેની જાહેર ચર્ચા. આપણે જ્યારે જાહેર જીવનમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે એ ભૂલી જઈએ છીએ કે હવે આપણે દરેક બાબત ‘જાહેર’ થવાની છે. મોટાભાગના લોકો પ્રસિધ્ધિનો અર્થ ફક્ત સારી વાતો સાથે જોડે છે, એ લોકો ભૂલી જાય છે કે એક વાર ચર્ચાના ચકડોળે ચડીએ પછી એ ચર્ચા આપણા જીવનની દરેક વાતને સ્પર્શે જ. સવાલ એકાદ કુશલ પંજાબી કે પ્રત્યુષા બેનર્જીનો નથી, આપણો પણ છે. વ્યક્તિ તરીકે આપણને પ્રસિધ્ધ લોકો અને પ્રસિધ્ધિ બંને બહુ આકર્ષે છે.

સેલિબ્રિટી સાથે ફોટો પડાવવા ઘેલા થતા ફેન્સ અને એમના ચિત્ર-વિચિત્ર વર્તન વિશે આપણે જાણીએ છીએ તેમ છતાં આપણે ફેન તરીકે કોઈકને મળીએ ત્યારે સ્વયં પર નિયંત્રણ રાખી શકતા નથી કારણ એ છે કે આપણે અંજાયેલા છીએ. એ વ્યક્તિના પાવરથી, એની જીવનશૈલીથી. નવાઈની વાત એ છે કે ભણેલા-ગણેલા અને બુધ્ધિશાળી લોકો, જે બરાબર જાણે છે કે આ પાવર, પ્રસિધ્ધિ અને જીવનશૈલી બધુંયે આપણને પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. મીડિયા અને પબ્લિસિટીએ સાથે મળીને ‘એક’ સ્ટાર કે સ્વામીની પ્રોડક્ટ બનાવી છે (મીડિયા માટે બંને સરખા જ છે).

આવી પ્રોડક્ટ્સથી દોરવાઈને મીણબત્તીની આસપાસ ઉડતા ફૂદા જેવા કેટલાય લોકો બોલિવૂડ અને ટેલિવિઝન તરફ આકર્ષાય છે. એમના જેવા બનવાની ઝંખના-ઘેલછામાં પોતાનું જીવન બરબાદ કરે છે. ‘એમના જેવા’ થવા માટે સાદી-સરળ સુખી જિંદગી દાવ પર લગાવે છે અને અંતે પોતાનું સામાન્યપણું ખોઈને પોતાની પ્રાઈવસીથી વંચિત થઈ જાય છે.

વ્યક્તિ તરીકે આપણે બધા એક સામાન્ય જીવનની ઝંખના રાખીએ જ છીએ. સ્વજન કે પ્રિયજન સાથેનો અંગત સમય, આપણા સુખ-દુઃખની ફ્રસ્ટ્રેશનની પ્રાઈવેટ પળો આપણા સુધી જ રહે એવી સૌની ઈચ્છા હોય જ, પરંતુ એમ નથી થઈ શકતું કારણ કે આપણે જાતે જ આપણા અંગત જીવનના દરવાજા ખોલ્યા છે જેમાં પસંદગી કર્યા વગર સૌને પ્રવેશ આપવો જ પડે છે. એક સમયે જે લોકો ટોળું ઝંખતા હતા, એ હવે એકાંત ઝંખે છે પણ હવે ટોળું એમને ઝંખે છે… જે માંગ્યું હતું, એ મળ્યું તો છે પણ હવે એની સાથે આવેલા બીજા દૂષણો સ્વીકારી શકાય એવા નથી. કુશલ પંજાબીના લગ્ન મુશ્કેલીમાં હતા, દિવ્યા ભારતીના લગ્ન સાજિદ સ્વીકારતો નહોતો, પ્રત્યુષા પાસે કામ નહોતું કે જીયા ઈચ્છતી હતી એટલી મોટી સ્ટાર ના બની શકી… આ કારણો જિંદગીને ફેંકી દેવા માટે પૂરતાં છે ? જે જગ્યાએ સફળતા-નિષ્ફળતા સાત દિવસમાં બદલાઈ જાય છે ત્યાં, ફેન્ઝ  જ્યાં રોજ પોતાના ફેવરિટ્સ બદલી નાખે છે ત્યાં… જિંદગીને નકારવાની ભૂલ કરાય ?

બચ્ચન સાહેબની જિંદગી અનેક ઉતાર-ચઢાવોમાંથી પસાર થઈ જ છે… લોકો એમના વિશે અનેક વાતો કરે છે, રાજકીય કારકિર્દી વિશે, લગ્નેતર સંબંધ વિશે, એમના દીકરાના લગ્નજીવન વિશે એલફેલ ચર્ચાઓ થતી રહે છે તેમ છતાં એમણે એને જાહેરજીવનનો ભાગ માનીને સ્વીકારી લીધી છે… કદાચ એટલે જ, એ સફળ છે છતાં સુખી છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *