પાલતુ પ્રાણી રમકડું નથી, જીવ છે !

“લોકડાઉનના સમયમાં માણસોની અવર-જવર વગર ઝૂના પ્રાણીઓ એકલાં પડી ગયાં છે. ત્યાં પાંજરામાં પૂરાયેલા સિંહ અને વાઘનું વધુ ધ્યાન રાખવું પડે છે, કારણ કે એમને અત્યારે ઈમોશનલ અપ એન્ડ ડાઉન થયા કરે છે.” અમદાવાદના એક અખબારમાં છપાયેલા સમાચાર પછી જ્યારે ઝૂના એક કર્મચારી સાથે વાત કરી ત્યારે એમણે બહુ રસપ્રદ માહિતી આપી, “પ્રાણીઓ જ્યારે જંગલમાં હોય ત્યારે એમને એમના પ્રકારના પ્રાણીઓની કંપની હોય. ઝૂમાં રહેતા પ્રાણીઓ પણ ધીરે ધીરે માણસના હેવાયા થતા જાય. જ્યારે ટેવ પડી જાય, એ પછી માણસ ન દેખાય ત્યારે એમને પણ એકલતા લાગે.”

માન્યામાં ન આવે છતાં સ્વીકારવી પડે એવી આ વાત બહુ સમજવા જેવી છે. આપણે પ્રાણીઓ વિશે બહુ ઓછું જાણીએ છીએ. નેશનલ જ્યોગ્રોફીક પર દેખાડવામાં આવતી પ્રાણીઓની જીવનશૈલી વિશેની વાતો આપણે જોઈએ છીએ, પણ એથી વધુ સમજવાનો કે એમની સાથે સંવેદનશીલતાથી જોડાવાનો આપણો ઝાઝો પ્રયાસ નથી હોતો. ઘરમાં ‘પેટ’ અથવા પાલતુ પ્રાણી રાખનાર વ્યક્તિને પૂછીએ તો સમજાય કે એમના પાલતુ પ્રાણી એમના ઘરના સભ્ય છે. એમનું સુખ-દુઃખ, ગમા-અણગમા અને હાવ-ભાવ શબ્દો વગર પણ ઘરનો દરેક સભ્ય સમજતો થઈ જાય છે. ફિલ્મસ્ટાર્સના કૂતરાઓના ફોટા આપણે નિયમિત રીતે ઈન્ટા કે ફેસબુક ઉપર જોતા રહીએ છીએ. સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા પછી એનો ડોગ ‘ફજ’ કેટલાય દિવસ સુધી આઘાતમાંથી બહાર નહોતો આવી શક્યો. ઈતિહાસ અને પુરાણોમાં પણ પ્રાણીઓની વફાદારીના કિસ્સા આપણે અનેકવાર સાંભળ્યા છે. જટાયુથી શરૂ કરીને રાણા પ્રતાપના ઘોડા ચેતકની કથાઓ બાળકોને કહી સંભળાવી છે. રસ્તા પર રખડતા સ્ટ્રે ડોગ્સને એડોપ્ટ કરવાની એક નવી ફેશન હવે આપણા દેશમાં-રાજ્યમાં ચાલી છે. જીવદયા ફાઉન્ડેશન અને બીજી સંસ્થાઓ આવા કૂતરાને એડોપ્ટ કરવાની સગવડ કરી આપે છે.

પૈસાવાળા કે ઉચ્ચ મધ્યમવર્ગના ઘરોમાં પાલતુ પ્રાણી, ફિશ ટેન્ક અથવા એક્વેરીયમ વગેરે ફેશન છે. જેને પોષાય એને બહુ વાંધો નથી આવતો, કારણ કે આવા પાલતુ પ્રાણીની કાળજી ખૂબ સમય અને ખર્ચ માગી લે છે. વેટ અથવા વેટરનરી ડોક્ટર ડોગ ફૂડ અથવા ઈંડા સજેસ્ટ કરે છે. એની સ્ટીક્સ, એનો શેમ્પૂ, માછલીનું ફૂડ કે એક્વેરીયમનું ક્લિનિંગ ખર્ચાળ પ્રવૃત્તિ છે. વળી, આ શિકારી પ્રાણી છે, એટલે એને ખુલ્લામાં, જમીનમાં રહેવું ગમે છે. વેટ્રીફાઈડ ટાઈલ્સ ધરાવતા ફ્લેટમાં કૂતરાના પગ વાંકા થઈ ગયાના કિસ્સા પણ આપણે સાંભળ્યા છે. આપણે ઘરનું ખાવાનું એને આપીએ છીએ, એમ માનીને કે “બિચારાને ભાવે છે !” પરંતુ ઘી, બટર, ચીઝવાળું ભોજન એના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણે આપણા શોખ માટે એક જીવને નુકસાન કરીએ છીએ, પરંતુ પેટ રાખવા માટે ઘણો સંયમ, સમજણ અને સ્વીકાર જોઈએ. જે હજી આપણી માનસિકતામાં અને આપણી જીવનશૈલીમાં નથી, ખાસ કરીને ગુજરાતી પરિવારોએ તો આ સમજવા જેવી વાત છે.

એક પેટ ઘરમાં ઘણું શીખવે છે. એક બાળકની સાથે ઉછરતું પેટ (પાલતુ પ્રાણી) બાળકને જવાબદાર બનાવે છે. ખાસ કરીને ડોગ્સ આ જવાબદારી સારી પેઠે શીખવી શકે છે. એને ખવડાવવું, એને કુદરતી હાજતે નીચે કે બહાર લઈ જવા સિવાય એમના મૂડ સ્વિંગ્સ અને ઈમોશનની જવાબદારી પણ એક બાળક કે સંતાન સ્વીકારે તો એની જિંદગીમાં એને બીજા લોકોને પણ સાચવતા આવડે એવું માનસશાસ્ત્રીઓ માને છે. જોકે, ઘણા ઘરોમાં એક ફરિયાદ એવી છે કે પેટ લાવવામાં આવે ત્યારે બાળકો જે વચનો આપે છે એ પેટના આવી ગયા પછી નિભાવવામાં આવતા નથી.

“નવી વહૂ નવ દહાડા”ની જેમ શરૂ શરૂમાં પેટની ખૂબ કાળજી લેવામાં આવે છે, એને સમય પણ આપવામાં આવે છે, પરંતુ એ પછી બાળકો પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જતા હોય છે. કેટલાક બાળકો ભણવા માટે વિદેશ ચાલી જાય અને એમના પેટ માતા-પિતાની જવાબદારી બની જાય. આપણે બધા એવું માનીએ છીએ કે એક પાલતુ પ્રાણી ઘરમાં એનું સ્થાન બનાવી લે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે એક જીવની જવાબદારી સહેલી નથી હોતી. એ મૂંગો જીવ છે, એટલે જો આપણે સંવેદનશીલ હોઈએ તો એની કાળજી કદાચ નાના બાળક કરતાં પણ વધુ લેવી પડે એની આપણને સમજણ પડવા લાગે. એને એકલા મૂકીને જવાય નહીં, એના સમય અને ભોજનના નિયમોને સાચવવા પડે. સાથે સાથે આપણા ગમા-અણગમા કે ચોખ્ખાઈના કેટલાક નિયમોને ભૂલી જવા પડે. આવી પરિસ્થિતિમાં અત્યંત ગમતું હોવા છતાં એ પેટ ક્યારેક પીડા બની જાય છે.

એક વખત ઘરમાં આવ્યા પછી એને કાઢી મૂકવાનું શક્ય નથી હોતું. જવાબદારી લીધા પછી એ જવાબદારી છોડીને એક જીવને તકલીફ પડે એવું આપણી સંવેદનશીલતા પણ સ્વીકારતી નથી. આવી પરિસ્થિતિમાં ન ઘરના, ન ઘાટના જેવી સ્થિતિ ઊભી થાય છે. જેને કારણે પ્રૌઢ કે વૃદ્ધ મા-બાપને ફસાઈ ગયા જેવી ફિલિંગ થાય છે. ગમે તેટલું વહાલ હોવા છતાં આખી જિંદગી મહેનત કર્યા પછી, ઓફિસના સમય સાચવ્યા પછી, દોડાદોડી કરીને બાળકોને ઉછેર્યા પછી 50-55ની મા કે પિતાને નવી જવાબદારી લેવાનું અનુકૂળ આવતું નથી. આ આજના મોડર્ન સમાજની ન કહી શકાય, કે ન સહી શકાય એવી સમસ્યા છે. દરેક ઘરની નથી, પણ ઘણા બધા ઘરોમાં પાલતુ પ્રાણીની આ જવાબદારી અંગે માતા-પિતાને ફરિયાદ કરતા આપણે સાંભળ્યા છે.

જ્યોતિષ અને તંત્ર વિજ્ઞાન એમ કહે છે કે ઘરમાં એક પેટ હોય તો પરિવાર પર આવનારી સમસ્યા અથવા મુશ્કેલીને એ પોતાના ઉપર ઝીલી લે છે. એક પાલતુ પ્રાણી આપણને સલામતી આપે તો આપણે એને સામે સગવડ અને સલામતી આપવી પડે. આપણા મોટાભાગના પરિવારો હજી આવી સમજણ સાથે પેટ ઉછેરવા તૈયાર નથી, કદાચ ! એને સમયની સાથે સાથે બીજું ઘણું આપવું પડે છે. એક જીવ, આપણા ઘરમાં આવે છે ત્યારે એની જવાબદારી ઘણી મોટી હોય છે. એ રમકડું નથી, જીવતું જાગતું પ્રાણી છે, એ વાત જેને સમજાતી હોય એ જ આવા પેટને રાખી શકે, સાચવી શકે. આપણા ભરોસે અને આપણા પર વિશ્વાસ કરીને જે આવ્યું છે, એની મરજી પૂછ્યા વગર જેને આપણે લઈ આવ્યા છીએ એનું સ્વાસ્થ્ય અને સુખાકારી આપણી જવાબદારી છે. જો, આ શર્ત મંજૂર હોય તો જ પ્રાણી પાળવાની હિંમત કરજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *