લગભગ પોતાની જ ઉંમરની ‘મા’ પોતાની સાથે ઘરમાં રહેતી હોય, પિતાની ગેરહાજરી હોય અને એ પિતાથી જન્મેલા પોતાના સાવકા ભાઇઓને ઉછેરવાનું કામ જ્યારે કોઈ એક વ્યક્તિ ઉપર આવી જાય, ત્યારે એને શું કહેવાય ? ભીષ્મ ! પિતા શાન્તનુના મનમાં જન્મેલી મત્સ્યગંધા – સત્યવતી માટેની ઝંખનાને પૂર્ણ કરવા દીકરો લગ્ન નહીં કરવાનું નક્કી કરે છે. ગંગાપુત્ર દેવવ્રત પિતા અને એની સાથે લગ્ન કરવા તૈયાર થયેલી સાવકી માની ‘ઇનસિક્યોરિટી’ દૂર કરવા માટે વચન આપે છે કે પોતે જીવનભર અવિવાહિત રહેશે. એમનું કોઈ સંતાન નહીં હોય… અને પિતાના સુખ માટે કરેલા આ સમર્પણ માટે જગત એમને ‘ભીષ્મ’ના નામે ઓળખે છે. માતા સત્યવતીને, પિતાથી જન્મેલા બે સંતાનો – વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ એમના જીવનમાં સુખી થઈ શકે, લગ્ન કરે અને હસ્તિનાપુરનું રાજ્ય સંભાળે, એ માટે ભીષ્મ અથાગ પ્રયાસ કરે છે ! સ્વાર્થને કોરે મૂકીને એ જનસામાન્ય અને પરિવારના કલ્યાણ માટે પોતાની ઇચ્છાઓનું બલિદાન આપે છે… આ પુરાણની કથા છે.
આજના જમાનામાં પણ આવી કથા આપણી આસપાસ જીવી રહી છે ! એ કથાને બહુ ચગાવવામાં નથી આવી, કે પછી હજી સોશિયલ મીડિયાની નજરે નથી પડી એટલે આપણા સુધી પહોંચી નથી. આભાસકુમાર ગાંગુલી (કિશોરકુમાર) – નો દીકરો અમિતકુમાર ગાંગુલી, પોતાના પિતાની ચોથી પત્ની લીના ચંદાવરકર અને પિતાથી જન્મેલા પુત્ર સુમિતકુમારને સ્નેહથી ઉછેરી રહ્યા છે ! અમિતની કારકિર્દી બને એ માટે પ્રયાસ કરી રહ્યા છે. આ આજના જમાનાનો સુપુત્ર સુપુત્ર નથી ?
પહેલાં રૂમાદેવી (અમિતકુમારના મા), પછી મધુબાલા, પછી યોગિતાબાલી, અને છેલ્લે લીના ચંદારવરકર ! લીના ચંદારવરકરના પહેલા લગ્ન થઈ ચૂક્યાં હતાં. ગોવાના ચીફ મિનિસ્ટરના એકના એક દીકરા સિદ્ધાર્થ બાંદોડકર સાથે ચોવીસ વરસની ઉંમરે લીના ચંદારવરકરે લગ્ન કર્યાં ત્યારે અભિનેત્રી તરીકે એમની કારકિર્દી ટોપ પર હતી. લગ્નના અગિયારમા દિવસે સિદ્ધાર્થનું ખૂન થયું. લીનાજી ડિપ્રેશનમાં હતા… એમણે જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું, “એક મજાની વાત એ છે કે હું અને સિદ્ધાર્થ એન્ગેજમેન્ટ પછી લોનાવાલા ગયેલા. સિદ્ધાર્થ કિશોરદાનો એકદમ ગાંડો ફૅન. એને કિશોરજીનાં બધાં ગીતો મોઢે… અમે લોનાવાલા જે રેસ્ટોરાંમાં હતા ત્યાં ખબર પડી કે કિશોરદા અને યોગિતા બાલી પણ ત્યાં જ છે. સિદ્ધાર્થ એમને મળવા ગયો, હું પણ સાથે ગઈ. અમે બંનેને મળ્યા ને પાછા આવતા હતા ત્યારે સિદ્ધાર્થ અને મારી વચ્ચે યોગિતા બાલી અને કિશોરદાની ઉંમર અને એ કપલ વિશે વાત થઈ. ત્યારે સિદ્ધાર્થે મને પૂછેલું, ‘કિશોરકુમાર જો તને પ્રપોઝ કરે તો તું લગ્ન કરે?’
‘નેવર.’ ત્યારે મેં કહેલું. આજે ૬પ વર્ષે સમજાય છે કે જિંદગીમાં કોઈ વાતને ‘નેવર’ નહીં કહેવાનું… જિંદગી ક્યાં અને ક્યા મોડ પર આપણને કોની સાથે ભટકાડી દે એની કોઈ ખબર પડતી નથી.”
અમિતકુમારે જો ઇચ્છ્યું હોત તો ર૦૦૧માં પિતાના મૃત્યુ પછી પિતાની ચોથી પત્ની – ત્રીજી સાવકી માને ઘરમાંથી કાઢી મૂકી શક્યા હોત. પિતાનો બંગલો અને સંપત્તિ એકલા જ માણી શક્યા હોત ! એમણે એવું ન કર્યું… પિતાના સુખ અને પોતાની જવાબદારીને સર્વોપરી માનીને એમણે પોતાના ‘સાવકા’ ભાઈને પિતા બનીને ઉછેર્યો.
આપણે બધા સામાન્ય રીતે તિરસ્કાર કે વેરને પ્રાધાન્ય આપતા માણસો છીએ. યાદ રાખવાનું હોય તો અપમાન યાદ રાખીએ છીએ, સન્માન નહીં ! પાછું આપવાનું હોય તો કડવાશ, તિરસ્કાર કે ખરાબ શબ્દો પાછા આપીએ છીએ, અહેસાન ઉપકાર કે કોઇકે કહેલા સારા શબ્દો પાછા આપવામાં આપણને અચકાટ થાય છે. અત્યાર સુધી બધાયે કિશોરકુમારના ઘણા ગુણગાન ગાયાં છે. એમનો અવાજ બેજોડ હતો, વ્યક્તિત્વ કદી ન ભૂલી શકાય એવું ! પરંતુ, સિંગલ પેરેન્ટ તરીકે એમણે પિતા તરીકે કેવો ઉછેર કર્યો હશે કે એમનો દીકરો એમના આટલા બધા લગ્નો અને કહેવાતી ઘેલછાભર્યા વર્તન પછી પણ મૃત્યુ પામેલા પિતાનું સન્માન અને એમણે કરેલાં લગ્નને આદર આપીને જીવી રહ્યો છે !
આપણી દુનિયાની ઘણી બધી વાતો વિશે આપણું ધ્યાન નથી હોતું ! અમિતકુમારની કારકિર્દી બનીને કે નહીં, એ વિશે આપણી પાસે અભિપ્રાય છે… “ઉહું ! કિશોરકુમાર જેવો અવાજ નહીં.” કે પછી અમિતાભ બચ્ચનના દીકરા વિશે આપણે કહીએ છીએ, “બચ્ચનના છોકરાએ કંઈ ઉકાળ્યું નહીં.” પરંતુ, આવા લોકોને આપણે માત્ર એમની વ્યવસાયિક સફળતા કે નિષ્ફળતાના લેબલથી જજ કરીએ છીએ, માણસ તરીકે એમણે શું કર્યું, અથવા કેવું જીવ્યા- એ વિશે જાણવાનું આપણને આપણા ઉછેરે, આપણા સમાજે કેમ નથી શીખવ્યું ?
અમિતકુમાર કે અભિષેક બચ્ચન, સ્ટારના સંતાન છે એટલે આપણી નજરમાં છે. આપણે કદાચ ન જાણતા હોઇએ, એવા કેટલાય અનસંગ હીરો, એમના માતા-પિતાએ એમને આપેલા ઉછેરને કારણે માતા-પિતાના ગયા પછી પણ એમના શબ્દ, વ્યવહાર, વચન કે ઇચ્છાને સન્માન આપીને જીવી રહ્યા હોય એવું બને ! કોઈએ વ્યવસાયિક રીતે પિતાની લિગસીને, બિઝનેસને આગળ વધાર્યો હોય, એમના કમાયેલા ધનને અનેકગણું કર્યું હોય, એ વિશે આપણો અહોભાવ છલકાઈ પડતો હોય છે, પરંતુ કોઇકે માતા-પિતાની સદ્ભાવના કે સદ્કાર્યને, એમના શબ્દને કે વિચારને સન્માન આપીને એ પરંપરાને નિભાવી હોય તો એને વિશે અહોભાવ કેમ નથી થતો !
આજે કિશોરકુમારનો જન્મદિવસ છે… એ જ્યાં હશે ત્યાં, એમના પુત્રએ ઉઠાવેલી જવાબદારી અને નિભાવેલી પરંપરા જાેઇને પૂર્ણ સંતોષમાં હશે, એ નક્કી !