મહિલા જેલના થોડા દ્રશ્યો…
સત્યાવીસ વરસની એક છોકરી એના દોઢ વર્ષના બાળક સાથે જેલમાં રહે છે. એ બાળકનું બીજું કોઈ નથી, એટલે એને મા સાથે રહેવાની પરવાનગી મળી છે. બાળક ખૂબ નાનું હતું ત્યારે આ છોકરી, સુનયનાએ એના પતિની હત્યા કરી. એને જેલ થઈ. સુનયના બાર ડાન્સર હતી. બાર બંધ થયા પછી એનો પતિ એને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ કરતો હતો. સુનયનાએ સમજાવ્યા છતાં એણે એના મિત્રોને બોલાવીને સુનયના પર બળાત્કાર કરાવવાનો પ્રયાસ કર્યો. તહેશમાં આવીને સુનયનાએ એના એક મિત્રનું માથું ફોડી નાખ્યું… મિત્રો તો ભાગી ગયા, પણ સુનયનાએ રાતના, ઉંઘતા પતિને માંસ કાપવાની છરીથી મારી નાખ્યો.
*
70 વર્ષના નાથીબાઈ પુત્રવધૂના મર્ડર માટે જેલમાં છે. મારતી, ફટકારતી, ખાવા નહીં આપતી પુત્રવધૂને એમણે માથામાં દસ્તો મારીને મારી નાખી… એમને આજીવન કારાવાસની સજા થઈ છે.
*
ત્રણ દીકરીઓની માતા મંગતી પાસવાન એના ગામના સરપંચ અને એના ત્રણ સાથીઓની હત્યા કરીને જેલમાં છે. મોટી દીકરીને ઉઠાવી ગયા. બળાત્કાર કરીને કલકત્તામાં વેચી નાખી. મોટી દીકરીનો આજે પણ પત્તો નથી. વચલી દીકરી યુવાન થઈ ત્યારે ફરી સરપંચ એને લેવા આવ્યો. મંગતી આ વખતે તૈયાર હતી. એણે ઘરમાં પહેલેથી જ લાવી રાખેલી દેશી-કટ્ટા બંદૂકથી સહુને ઉડાડી દીધા…
આ સ્ત્રીઓ ગુનેગાર નથી. એ પરિસ્થિતિની શિકાર છે. સામાન્ય રીતે સ્ત્રીને વેર લેવામાં કે ગુનો કરવામાં રસ નથી હોતો. એ મૂળ જગતજનની કલ્યાણીનું સ્વરૂપ છે. અજાણ્યા રડતા બાળકને જોઈને પણ સ્ત્રીનું હૃદય દ્રવી જાય છે. એક શરીરથી અને મનથી નાજુક એવા અસ્તિત્વને આપણે, આ સમાજે અને સમાજમાં રહેલા કેટલાંક તત્વોએ ગુનેગાર બનાવી દેવાની પરિસ્થિતિ ઊભી કરી છે.
આમ તો આપણે વિકાસ અને સ્ત્રી સ્વાતંત્ર્યની અનેક વાતો કરીએ છીએ. 8મી માર્ચ ધામધૂમથી ઉજવીએ છીએ, પરંતુ આ દેશમાં સ્ત્રીઓની હાલત વિશે હજી આપણે પૂરા અવેર, માહિતગાર કે જાગૃત નથી. શહેરોમાં રહેતા ઉચ્ચ મધ્યમવર્ગના કુટુંબો કે એવા બીજા પરિવારોને ખબર પણ નથી કે નાના ગામડાઓમાં, બી કે સી ટાઉનમાં સ્ત્રીઓની સ્થિતિ શું છે ! ગુજરાત હજી પણ બહુ સલામત અને પ્રમાણમાં સ્વસ્થ રાજ્ય છે. યુપી, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી તરફના રાજ્યોમાં ઓનર કિલિંગ કે પૈસા માટે દીકરીના લગ્ન કરાવી દેવાના કિસ્સા વધતા જાય છે. કન્સ્ટ્રક્શન લેબરના કોન્ટ્રાક્ટર્સથી શરૂ કરીને ગામનો શાહુકાર, ગામમાં ચેકિંગ કે બીજા કામ માટે આવતા મોટા અફસરો, ગામના સરપંચ, તલાટીથી શરૂ કરીને પોલીસ સુધી બધા જ સ્ત્રીને વસ્તુ સમજે છે. નિર્ભયા કેસના ગુનેગારોને હજી પણ ફાંસી આપવી કે નહીં એ વિશે ચર્ચા ચાલે છે.
આપણે બધા, શહેરમાં રહેનારા અને સામાન્યથી વધુ આવક ધરાવનારા લોકો જિંદગીને હજી સમજી જ શક્યા નથી. આપણને કલ્પના પણ નથી કે એક સ્ત્રીને જ્યારે એનો પતિ જ દેહવ્યાપાર તરફ ધકેલે ત્યારે એની માનસિક હાલત શું હોઈ શકે ! નારી ચેતના અને નારી સંવેદના માટે કામ કરતી અનેક સંસ્થાઓ સ્ત્રીને હિંમત કરવાનું, બહાર નીકળવાનું, પતિથી નહીં ડરવાનું કે વિદ્રોહ કરવાનું આહવાન આપે છે, પરંતુ એક કે બે બાળકો સાથે ઓછા શિક્ષણ અને માતા-પિતાના સપોર્ટ વગર બજારમાં નીકળવું એટલે પોતાની જાતને અનેક લોકોને સોંપી દેવી એવું મોટા ભાગની સ્ત્રીઓ જાણે છે, અથવા માને છે.
આપણા દેશમાં સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો તો બહુ થાય છે. હવે તો રૂઢિચુસ્ત મનાતા સમાજોમાં પણ સ્ત્રીઓને આગળ લાવવાના પ્રયાસ કરવામાં આવે છે. સ્ત્રીઓને સ્ટેજ ઉપર બેસાડવાથી કે એમના હાથે મોમેન્ટો અપાવવાથી સ્ત્રીઓ આગળ આવશે ? એ બધું કર્યા પછી જ્યારે એ ઘરે પહોંચે છે ત્યારે એને કેટલું સન્માન અને કેટલું સ્વાતંત્ર્ય મળે છે એ તો સ્ત્રીને જ પૂછવું પડે. આપણે બધા એવું માની બેઠા છીએ કે સ્વાતંત્ર્યનો અર્થ શરાબ-સિગરેટ પીવી, પેન્ટ પહેરવું, છકી જવું એવો કંઈક થાય છે. જ્યારે એક સમાજ, એક પુરુષ, એક પતિ, એક પિતા સ્ત્રી સ્વાતંત્ર્યનો વિચાર કરે છે ત્યારે એને એવો ભય લાગે છે કે, જો એ પોતાની પત્ની, પ્રેમિકા કે પુત્રીને સ્વતંત્ર નિર્ણય કરવાનો અધિકાર આપશે તો એના પરિવારની કે એની પરંપરાની પ્રતિષ્ઠા દાવ પર લાગશે. સત્ય એ છે કે સ્વતંત્રતાની વ્યાખ્યા આપણે સમજ્યા પણ નથી ને સમજાવી શક્યા પણ નથી.
નવી પેઢીની અનેક યુવાન છોકરીઓ શરાબ કે સિગરેટમાં સ્વાતંત્ર્ય સમજે છે. જાહેરમાં ગાળો બોલવી કે ટૂંકા કપડાં પહેરવાને આ છોકરીઓ મોર્ડનાઈઝેશનમાં ખપાવે છે. વસ્ત્રોની આધુનિકતા જેટલી ભારતીય પરંપરામાં હતી એટલી તો ક્યાંય નહોતી. આજથી સદીઓ પહેલાં ભારતીય સ્ત્રીઓ કંચૂકી પહેરતી, જે આજના ઓફ સોલ્ડર કે ટ્યૂબટોપ જેવું જ હતું… કમરની નીચે ફક્ત ધોતી ડ્રેપ કરવામાં આવતી. આ કારણે સ્ત્રીને પોતાનું પેટ કે વજન સાચવી રાખવાની ફરજ પડતી. શૃંગાર રસથી શરૂ કરીને, બિભત્સ અને ભયાનક રસ પણ જેટલો ભારતીય સાહિત્યમાં લખાયેલો છે એટલો ભાગ્યે જ બીજા કોઈ સાહિત્ય પાસે મળશે. આપણે આપણી પરંપરાઓ વિશે કશું જ જાણતા નથી, જાણવા માગતા પણ નથી. સાહિત્ય, ધર્મ, રાજકારણ, તબીબી શાસ્ત્ર કે તકનિકી શાસ્ત્ર બધામાં ભારત બીજા દેશોથી આગળ હતો, કારણ કે ભારતની માનસિકતા સ્વતંત્ર હતી.
જ્યારે ગેલીલિયોને પૃથ્વી ગોળ છે એવું કહેવા બદલ મૃત્યુ દંડ મળ્યો ત્યારે ભારતમાં આર્યભટ્ટે પાંચમી સદીમાં શૂન્યનો આવિષ્કાર કર્યો. આપણા દેશમાં પાંચ હજાર વર્ષ પહેલાં એક સ્ત્રી, દ્રૌપદીએ પૂછ્યું કે, મારા પતિ પહેલાં પોતાને હાર્યા કે મને ? આ લીગલ સવાલ પૂછવાની હિંમત ભરસભામાં એક સ્ત્રી કરી શકી, કારણ કે એનો ઉછેર સ્વતંત્ર હતો. સીતાએ નિર્ણય કર્યો કે પતિ સાથે વનવાસમાં જશે અને એના પરિવારજનોએ એ નિર્ણય સ્વીકાર્યો, કારણ કે, સ્ત્રીને સ્વતંત્ર નિર્ણય કરવાનો અધિકાર હતો. ‘સ્વયંવર’નો અર્થ સ્ત્રી પોતે પોતાનો પતિ પસંદ કરે, પાર્વતીને શિવની પ્રતીક્ષા કરવાની રજા એના માતા-પિતાએ આપી… લીલાવતીને એના પિતાએ ગણિત શિખવ્યું. વચકનૂની દીકરી ગાર્ગીએ યાજ્ઞવલ્ક્યને પ્રશ્નો પૂછ્યા. અહલ્યાએ ઈન્દ્ર સાથે સંભોગ કર્યો ને એનું પરિણામ પણ ભોગવ્યું. અહલ્યાબાઈ હોળકર, ઝાંસીની રાણીથી શરૂ કરીને કેટલા બધા દાખલા આપી શકાય ! આપણા દેશમાં ક્યારેય સ્ત્રી વિશે કોઈ સંકુચિત ખ્યાલો હતા જ નહીં.
બદલાતા સમય સાથે આપણો મોડર્ન થવાનો દાવો કરવા લાગ્યા. સ્ત્રીશિક્ષણ વધ્યું, સ્ત્રી વ્યવસાય કે નોકરી કરતી થઈ. આગળ વધવા લાગી. એની સ્વતંત્ર આવક અને કારકિર્દી બનવા લાગ્યા… એની સાથે કોઈ વિચિત્ર અસલામતી આખાય સમાજને ઘેરી વળી છે. સ્ત્રી આગળ વધશે, કારકિર્દી બનાવશે, સફળ થશે તો સ્વચ્છંદ થઈ જશે એવો ભય આપણા સમાજમાં કેટલાક લોકો ફેલાવી રહ્યા છે. સ્ત્રી હોવું એ પસંદગીનો વિષય નથી હોતો. માણસે ક્યાં અને કયા શરીરમાં જન્મ લેવો એનો નિર્ણય કરવાનો અધિકાર એને મળતો નથી. એનો અર્થ એ થયો કે સ્ત્રી બનીને એણે કોઈ ગુનો નથી કર્યો. સમાજને સ્ત્રીની જરૂર છે. સંતાનને જન્મ આપવા, ઘર ચલાવવા, સંસાર માંડવા, શારીરિક સંતોષથી શરૂ કરીને જીવનનિર્વાહની કેટલીયે બાબતો માટે સ્ત્રી મહત્વની છે તેમ છતાં સ્ત્રીને વિનિમયની વસ્તુ માનીને સતત એની સાથે અન્યાય કરવામાં આવ્યો છે. સદીઓથી જેની સાથે અન્યાય થઈ રહ્યો છે એવી કોઈ પણ વ્યક્તિ જ્યારે થોડીક પાવરમાં આવે, એની પાસે થોડીક સ્વાતંત્રતા આવે કે એને આ જગત સાથે સંપર્ક સાધી શકવાની આત્મવિશ્વાસની તક મળે ત્યારે એ કદાચ થોડી વધુ છૂટ લઈ લે…
આપણે સહુએ મળીને સંબંધોમાં એક બેલેન્સ સાધવાનું છે.
સ્ત્રીને દબાવી, કચડીને, ખતમ નથી કરવાની.
સ્ત્રીએ પોતાને મળેલા સ્વાતંત્ર્ય કે શિક્ષણનો દુરુપયોગ નથી કરવાનો.