“આ દુનિયામાં બે વ્યક્તિ વચ્ચે જે કંઈ થયું એને એ બંને જણા ભૂલી જાય તો સાથે રહી શકે, કે પછી, એકબીજાને માફ કરે તો બે જણા સાથે રહી શકે ?” ડેવિડ – એક પતિ, પોતાની પત્ની, ડાયનાને કહે છે. આ ડાયલોગ 1993માં રીલીઝ થયેલી એક ફિલ્મ ‘ઈનડીસન્ટ પ્રપોઝલ’નો છે. એડ્રીયાન લીન નામના દિગ્દર્શકે લગભગ સત્યાવીસ વર્ષ પહેલાં એક એવી ફિલ્મ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં એણે પૈસાની ઉપર સ્નેહ કે સંબંધને ગોઠવીને સામાજીક વ્યવસ્થાને એક વ્યાખ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો. હોલિવૂડની આ ફિલ્મ, આમ તો અમેરિકન કલ્ચર પ્રમાણે એના સમયની બહુચર્ચિત ફિલ્મ હતી. ડેમી મૂર, રોબર્ટ રેડફોર્ડ અને વૂડી હેરલસનનો આ ત્રિકોણ બહુ રસપ્રદ રીતે મૂકવામાં આવ્યો હતો. રોબર્ટ રેડફોર્ડ, જ્હોન ગેજ નામનો એક અબજપતિ પૂછે છે, “પ્રેમ ખરીદી શકાય કે નહીં ?” પૈસા કમાવા માટે લાસવેગાસમાં જુગાર રમવા આવેલાં પતિ-પત્ની જિંદગીનો જુગાર રમી નાખે છે… દસ લાખ ડોલર માટે એક રાત ડાયના એ અબજપતિ સાથે ગુજારે એવું પતિ-પત્ની નક્કી કરે છે. પછી શું થાય છે ? એ અબજપતિ ડાયનાના પ્રેમમાં પડી જાય છે, એને પામવાના પૂરા પ્રયાસ કરે છે. પતિ એ રાત્રે શું બન્યું હતું એની શંકામાં, અપરાધભાવમાં પીડાય છે…
પરંતુ અંતે એ અબજપતિ ડાયનાને સિત્તેરના દાયકાની કોઈ હિન્દી ફિલ્મની જેમ પોતાના ચારિત્ર્ય વિશે જુઠ્ઠુ બોલીને મુક્ત કરે છે ! એનો ડ્રાઈવર કમ અત્યંત વિશ્વાસુ માણસ એને પૂછે છે, “આ શું હતું ?” જ્હોન ગેજ, રોબર્ટ રેડફોર્ડ જવાબ આપે છે, “એણે જે રીતે એના પતિ સામે જોયું એવી રીતે એ ક્યારેય મારી સામે નહીં જુએ !” એણે પૂછેલો સવાલ, “પ્રેમ ખરીદી શકાય કે નહીં ?” એનો આ જવાબ છે…
લગભગ બે મહિનાથી આપણે લોકડાઉનના નવા લેસન્સ શીખી રહ્યા છીએ. ગમે એટલા પૈસા હશે તો પણ જિંદગી જીવવા માટે જે કરવું પડશે એની સાથે સમાધાન નહીં થઈ શકે, એવું આપણને સહુને સમજાયું છે ? સંબંધોમાં સમજદારી નથી હોતી ત્યારે ભોજનમાં બધા મસાલા હોય છતાં મીઠું ન હોય એવી ફિલિંગ આવે છે. 1993માં બનેલી આ ફિલ્મ, ભલે અમેરિકામાં બની હોય પણ એની વાત અને માનસિકતા વિશ્વના કોઈપણ દેશના પુરુષ, પતિ કે પ્રેમી માટે સાચી જ પુરવાર થાય. એક સ્ત્રી પોતાના પતિ માટે, એનું સપનું પૂરું કરવા માટે શરીરનું સમાધાન કરે છે, પરંતુ એ શરીરની સાથે એનું મન, એનો આત્મા પણ ક્યાંક ખરડાય છે, ઉઝરડાય છે. આપણા બધા સાથે આવું થાય છે. આપણું મૂળ, પરમ તત્વ છે. બાળક જન્મે છે ત્યારે પોતાની સાથે પ્રામાણિકતા, પ્રેમ અને સ્વચ્છતા લઈને જન્મે છે. ધીમે ધીમે આ જગત (આપણી આસપાસના લોકો) આપણને ‘એમના જેવા’ બનાવવા તત્પર થઈ જાય છે ! આમાં કદાચ એવી સાયકોલોજી પણ કામ કરતી હોય કે મને મેલ લાગ્યો, તો તું સ્વચ્છ કેવી રીતે રહી શકે ? અહીંથી શરૂ થાય છે પરસ્પરને મેલા કરવાની એક રમત… રાજેશ રેડ્ડીની ગઝલનો એક શેર કહે છે, મેરે દિલ કે કિસી કોને મેં ઇક માસૂમ સા બચ્ચા, બડોં કી દેખ કર દુનિયા બડા હોને સે ડરતા હૈ… આ મોટા થવું એટલે શું, આપણી ભીતર રહેલા નિર્દોષ, તરત જ માફ કરી દેતા, વહાલ અને વિશ્વાસ કરી શકતા બાળકને ધીમે ધીમે કરપ્ટ કરી નાખવું ? જે મા લાફો મારે એ જ માને વળગીને રડતા બાળક જેટલી ક્ષમા જો આપણે શીખી શકીએ તો ભીતરની મલિનતા દૂર થઈ શકે. સ્વાર્થ, એ સંબંધ નથી… ને જેને આપણે સંબંધ માનતા હોઈએ એમાં સ્વાર્થ ન પ્રવેશે એટલો પ્રયાસ પણ કદાચ સંબંધને શુદ્ધ રાખી શકે.
આપણે બધા એકબીજા પરત્વે એટલા અસહિષ્ણુ થઈ ગયેલા કે કુદરતે આપણને એકબીજાથી દૂર રહેવાની ફરજ પાડી. એક માણસ બીજા માણસને અડકી ન શકે, એનાથી વધુ મોટી સજા કુદરત શું આપી શકે ? વિશ્વની યુનિવર્સલ ભાષા ‘સ્પર્શ’ છે. એકબીજાની ભાષા નહીં સમજતા બે માણસો, સ્પર્શની ભાષા સમજી શકે છે ! સુખનો, સ્નેહનો, વાસનાનો, આશ્વાસનનો સ્પર્શ માણસને માણસની સાથે જોડે છે, એ જ તંતુ કાપીને કુદરતે આપણને જગાડવાનો પ્રયાસ કર્યો છે. વર્ચ્યુઅલ દુનિયામાં એવા ખોવાઈ ગયેલા, સગવડને સુખ માની બેઠેલા અને પૈસાને અંતિમ તાકાત… આપણને ઈશ્વર, કુદરત કે કદાચ આપણા જ કર્મોએ સમજાવ્યું કે આ માન્યતા કેટલી ખોટી અને પોકળ હતી. સાદો વિચાર કરીએ તો સમજાય કે ગમે તેટલા પૈસા હોવા છતાં દુકાનો બંધ હોય તો વાળ કપાવી ન શકાય, એક ઈલેક્ટ્રીકનો બલ્બ ખરીદી ન શકાય… અર્થ એ થયો કે જગતની બધી વસ્તુઓ ઉપર પ્રાઈસ ટેગ નથી.
આપણે ક્યાંક એવા ગૂંચવાયેલા કે સંબંધો ઉપર પ્રાઈસ ટેગ લગાડતા થઈ ગયેલા. પત્નીને એનિવર્સરી પર ભેટ આપીને, પતિને સારું જમાડીને કે શારીરિક સુખ આપીને, સંતાનોને સમયને બદલે સગવડ આપીને… આપણને લાગેલું કે આપણે જવાબદારી પૂરી કરી છે, પરંતુ આ તો કિંમતો હતી. છેલ્લા થોડા દિવસોમાં આપણને ‘મૂલ્યો’ સમજાયા છે. બે રીતે, એક જીવનના મૂલ્યો, સિદ્ધાંતો, સત્યો કે નીતિમત્તાની દ્રષ્ટિના મૂલ્યો. બીજી તરફ, કિંમતને બદલે મૂલ્ય. પેઈડ પ્રાઈસ નહીં, મહત્વ, જરૂરિયાત કે નીડના લેવલ પર મૂલ્ય !
ક્યારેક સવાલ એવો આવે છે કે આ બધું સમજ્યા પછી શું ? એક વાચકે મને લખ્યું છે, “અત્યારે તો બધા ડાહ્યા થઈ ગયા છે, પરંતુ લોકડાઉન ખુલશે અને વાતાવરણ નોર્મલ થશે એટલે બધા હતા ત્યાંના ત્યાં…” આમાં પણ બે સત્યો છે, કેટલાક જે સમજ્યા છે એવા કદાચ ફરી પાછા એ દિશામાં નહીં જાય, જે ફરી પાછા એ જ દિશામાં નહીં જાય એ પોતાનું જીવન બહેતર બનાવી શકશે, સંબંધોને એક નવી સમજણ કે સ્નેહ સાથે વધુ સારી રીતે જીવી શકશે. જે ફરી એ જ દિશામાં જશે, ઈગો, અહંકાર અને બીજી વ્યક્તિને તુચ્છ માનવાની એ જ માનસિકતામાં પાછા ફરશે તો કુદરત એને ફરી આનાથી આકરો અને આનાથી ભયાનક પાઠ ભણાવવા તૈયાર હશે જ !
‘ઈનડીસન્ટ પ્રપોઝલ’માં અંતે પતિ એની પત્નીને કહે છે, “હું ડરી ગયેલો ! મને લાગતું હતું કે એ વધુ યોગ્ય માણસ છે. એ એની સ્ટાઈલને કારણે, તને જે સગવડો આપે છે એને કારણે તને ગમી જશે, પરંતુ મને સમય સાથે સમજાયું કે એની પાસે વધુ પૈસા છે. વધુ પૈસા હોવા એ વધુ સારા માણસ હોવાની સાબિતી નથી.” ફિલ્મમાં અંતે એકબીજાને માફ કરીને, અંતે પતિ-પત્ની એકબીજા સાથે વૃદ્ધ થવાનું નક્કી કરે છે, ત્યારે પત્ની કહે છે, “જે બની ગયું છે તેને ભૂલવું કદાચ શક્ય નથી, પરંતુ જેને ભૂલ માનીએ છીએ એને માફ તો થઈ જ શકે. આપણે પ્રયાસ કરીશું.”