ભરચક રસ્તા પર રોન્ગ સાઈડથી આવતી એક ગાડી સીધી આવી રહેલા એક ટુવ્હીલરને અથડાય છે. ચાલક સ્ત્રી પડી જાય છે. સદભાગ્યે ઝાઝું વાગ્યું નથી. વાહન ચલાવી રહેલી સ્ત્રી નીચે ઉતરીને રોન્ગ સાઈડ આવી રહેલા માણસને કંઈ કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ એ માણસ નીચે ઉતરીને માફી માંગવાને બદલે ગાળાગાળ કરી મૂકે છે. ભદ્ર અને સજ્જન માણસ એકાંતમાં પણ ન બોલે એવી ગાળો આ માણસ એક સ્ત્રીને જાહેરમાં આપે છે. આજુબાજુ ઊભેલું કોઈ, કશું બોલતું નથી !
‘તમે જે બોલો છો એ માટે તમારા ઉપર કેસ થઈ શકે, આ કાયદાની દ્રષ્ટિએ ગુનો બને છે.’ સ્ત્રી કહે છે.
‘મને કાયદો ના બતાવીશ’ એ માણસ બીજી ગાળ બોલે છે. આજુબાજુ ઊભેલા, તમાશો જોવા ભેગા થઈ ગયેલા 50-100 રાહદારીઓ પણ શાંતિથી તમાશો જુએ છે.
***
જાણીતા અભિનેતાનું શર્ટ ખેંચીને એને ફોટો પડાવવાનો આગ્રહ કરતા એક પત્રકારને એ અભિનેતા, ‘બદતમીઝ’ કહે છે… એ પત્રકાર અને ત્યાં ઊભેલા બાકીના, જે ફોટા પાડવા મથી રહ્યા છે એ બધા ત્યાં જ ભેગા થઈને એ અભિનેતાને માફી માંગવાની ફરજ પાડે છે. જેણે શર્ટ ખેંચ્યો હતો એને વિશે કોઈ ચર્ચા થતી નથી !
***
ભારતીય બંધારણને આપણે એક મજાક બનાવી દીધી છે. આને માટે બીજું કોઈ નહીં, આપણે-ભારતીય નાગરિકો જ જવાબદાર છે. સંવિધાનના સાત દાયકા પૂરા થઈ ગયા હોય ત્યારે પણ દેશની પરિસ્થિતિમાં કોઈ ફેર ન પડ્યો હોય તો એને માટે કોને જવાબદાર ઠેરવી શકાય ? કાયદાનું ઉલ્લંઘન થતું હોય ત્યારે પ્રશ્ન પૂછવાની કે જાગીને કાયદો પળાવવાની જવાબદારી ફક્ત પોલીસ કે ન્યાયતંત્રની છે ? માત્ર ફરિયાદો કરવાથી કે, ‘કશું નથી થતું, કોઈ સાંભળતું નથી’ એવું કહીને ફરિયાદ કરવાથી શું આપણી જવાબદારી પૂરી થઈ જાય છે ? સોશિયલ મીડિયાનું ટ્રોલિંગ, સ્ત્રીઓનું જાહેર અપમાન, પુરુષો કે એના પરિવાર સામે થતી ખોટી ફરિયાદો, ભ્રષ્ટાચાર કર્યા વિના આગળ નહીં વધતું તંત્ર… આવી કેટલીય બાબતો છે જેને માટે સરકાર કરતાં વધારે આપણે આપણી જાતને જવાબદાર ગણવી જોઈએ.
એક એવો સમય શરૂ થયો છે જેમાં અવાજ ઊઠાવનાર દરેકને કઈ રીતે ચૂપ કરાવવા, કઈ રીતે દબાવી દેવા એ વિશેની એક આખી ટોળાશાહી વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ છે. લગભગ બધા જ ડરે છે કે જો પોતે અવાજ ઉઠાવશે તો આ બગડી ગયેલા તંત્ર સામે ઝીંક ઝીલવી પડશે… બંધારણે આપેલી વાણીની, ધર્મની કે અન્ય સ્વતંત્રતાઓનું હવે કોઈ મૂલ્ય કે અર્થ નથી રહ્યા. દરેક નાગરિકનું સન્માન જળવાવું જોઈએ એ વાતને બધા કન્વિનિયન્ટલી ભૂલી ગયા છે !
કાયદાને હાથમાં રમાડતા મુઠ્ઠીભર લોકોએ ગણતંત્રને જાણે “ગણિકા” બનાવીને એને રસ્તા પર ઊભી કરી દીધી છે. જે લોકો આ કરે છે એ વિશે આજનું ભારત જાણે છે. કાયદો અને પોલીસ એવા લોકોના હાથમાં શકુનિના પાસાની જેમ રમે છે, જે લોકો આ અટકાવી શકે તેમ છે એમને કશુંયે કરવામાં રસ ન હોય તેમ એમણે પોતાની દુનિયા વધુને વધુ નાની કરી નાખી છે. ઘરમાં દાખલ થઈને અંદરથી દરવાજો બંધ કરીએ એટલે બહાર ન નીકળીએ ત્યાં સુધી આપણે સેફ છીએ-સલામત છીએ એવા ભ્રમમાં આજનું ભારત જીવી રહ્યું છે. સૌને ખબર છે કે આવતીકાલ વધુ ભયાનક છે, સૌને ખાતરી છે કે જ્યુડિશિયરી સિસ્ટમ, રાજકારણ અને પોલીસ વધુને વધુ સરમુખત્યાર, ભ્રષ્ટ અને કામચોર થઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી આ આખીયે સિસ્ટમને સાફસૂફ કરવાના કામમાં લાગ્યા છે ખરા, પણ આ સિસ્ટમને સડતા 72 વર્ષ થયાં છે, સુધરતાં કેટલા વર્ષ થશે એ ક્યાં ખબર છે ? આપણા બંધારણના 72 વર્ષ પછી પણ એને પાળવા કે પળાવવાની કોઈ સિસ્ટમ ઊભી થઈ શકી નથી !
૧૯૩૫ના અધિનિયમ બાદ રાષ્ટ્રીય આંદોલનોની સાથે જ બંધારણ વિકાસની પ્રક્રિયા અપ્રત્યક્ષરૂપે આગળ વધતી રહી. ૧૯૨૩માં દિલ્હી ખાતે આયોજીત સર્વદલીય સંમેલનમાં ‘કોમનવેલ્થ ઓફ્ ઈન્ડિયા બીલ’ દ્વારા બંધારણના આવશ્યક તત્ત્વોની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી. આ પહેલો સંગઠિત પ્રયાસ હતો. ૧૯૩૪માં કોંગ્રેસે શ્વેતપત્ર દ્વારા વયસ્ક મતાધિકાર અને બંધારણ સભાની રચનાની માંગ કરી.૧૯૪૦માં ઑગષ્ટ પ્રસ્તાવ દ્વારા તત્કાલીન વાઈસરોય લૉર્ડ લિનલિથગોએ વિશ્વયુદ્ધ બાદ બંધારણ સભાના નિર્માણની ખાતરી આપી. ૧૯૪૨માં કેબીનેટ મંત્રી સર સ્ટેફોર્ડ ક્રિપ્સની અધ્યક્ષતામાં કિપ્સ મિશન ભારત મોકલવામાં આવ્યું પરંતુ બધા જ રાજકીય પક્ષોએ તેની દરખાસ્તોને જુદાં જુદાં કારણોસર ફગાવી દીધી. કોંગ્રેસને દેશના ભાગલા પડી જવાની શક્યતા જણાતા આ દરખાસ્તને ‘પાછલી તારીખનો ચેક’ કહી વખોડી કાઢી હતી. ૧૯૪૫માં તત્કાલીન વાઈસરોય લૉર્ડ વેવેલ એ ૨૫ જૂનના રોજ શિમલા ખાતેના સંમેલનમાં હિંદવાસીઓ પોતાનું બંધારણ જાતે ઘડે ત્યાં સુધી કામચલાઉ વ્યવસ્થા તરીકે હિંદુઓ અને મુસ્લિમોની સમાનતાના ધોરણે એક્ઝિક્યૂટિવ કાઉન્સિલમાં સમાવેશ કરવાની ‘વેવેલ યોજના’નો પ્રસ્તાવ રજૂ કર્યો.
કોંગ્રેસની અખંડ હિંદુસ્તાનની માંગ અને મુસ્લિમ લીગની પૃથક પાકિસ્તાનને માંગણીને કારણે આ વાટાઘાટો પણા નિષ્ફળ ગઈ. વેવેલ યોજનાની નિષ્ફળતા બાદ ૧૯૪૬માં ભારતના રાજનૈતિક ગતિરોધને દૂર કરવા કેબિનેટ મિશનને ભારત મોકલવામાં આવ્યું. પૈથિક લૉરેન્સ, સર સ્ટેફોર્ડ ક્રિપ્સ અને એ.વી.એલેક્ઝાંડરની સદસ્યતાવાળા આ મિશને બંધારણ સભાના ગઠનની ખાતરી આપી. બ્રિટીશ ભારત અને દેશી રાજ્યોના સંગઠનથી ભારતીય સંઘ બનાવવો. વિદેશી બાબતો, સંરક્ષણ, સંચાર જેવા વિષયો સંબંધિત સત્તા આપવી. કેન્દ્રીય કારોબારીતંત્ર અને વિધાનમંડળની રચના કરવી જેમાં બ્રિટીશ ભારત અને દેશી રજવાડાંને પ્રતિનિધીત્ત્વ આપવું. વચગાળાની સરકારની રચના કરવી વગેરે કમિશનની મુખ્ય ભલામણો હતી. ૨૪ ઑગષ્ટ ૧૯૪૬ના રોજ વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવી. જવાહરલાલ નહેરૂના નેતૃત્ત્વમાં ૧૧ સહયોગી સદસ્યોની સાથે ૨ સપ્ટેમ્બર ૧૯૪૬ના દિવસે સરકાર રચાઈ.
બંધારણ ઘડવા માટે રચાયેલી ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણા સભા’ કહેવાઈ. આ સભાની કુલ સભ્ય સંખ્યા ૩૮૯ હતી. જે પૈકી ૨૯૨ પ્રતિનિધિઓ બ્રિટિશ હિંદના ૧૧ પ્રાંતોની વિધાનસભાઓથી, ૯૩ પ્રતિનિધિઓ દેશી રજવાડાંના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશ્નરોના ચાર પ્રાંત દિલ્હી, અજમેર-મારવાડ, કૂર્ગ અને બ્રિટિશ બલૂચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલ હતાં. પ્રત્યેક ૧૦ લાખની જનસંખ્યા પર એક પ્રતિનિધિના ધોરણે દરેક પ્રાંતને બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જુલાઈ ૧૯૪૬માં બંધારણ સભાની રચના માટે યોજાયેલી ચૂંટણીઓમાં કુલ ૩૮૯ સ્થાન પૈકી ૨૯૬ બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જેમાં મુખ્ય પક્ષ કોંગ્રેસને ૨૦૮ બેઠકો મળી હતી જ્યારે મુસ્લિમ લીગના ફાળે ૭૩ બેઠકો આવી હતી. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે ૨૩ સમિતિઓની રચના કરવામાં આવી.
જેમાં ૧૨ કાનૂની બાબતોની સમિતિઓ અને ૧૧ પ્રક્રિયા સંબંધીઓની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા પરંતુ બંધારણનો મુસદ્દો ઘડવાની જવાબદારી સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર.આંબેડકર પર હતી. ડો. આંબેડકરે રચેલા સંવિધાનને કેટલા લોકોએ હાથમાં પકડીને જોયું છે ? જે દેશમાં વસીએ છીએ, જેની રોજી-રોટી ખાઈએ છીએ એ દેશના કાયદા જો જાણતા નથી, તો પાળવા વિશે કઈ આશા રાખી શકાય ? આ દેશ દરેક વ્યક્તિને સમાન હક્ક આપે છે. દરેકનું સન્માન થવું જોઈએ, સ્વતંત્રતા જળવાવી જોઈએ, પરંતુ આ અધિકાર બંધારણ આપે છે, (દેશ) બાંધવો આ અધિકાર કોઈને ન મળે એ માટે ટોળાં રચી રહ્યા છે. આવા ટોળાં ઉન્માદ અને ઉશ્કેરાટ સાથે બંધારણને બાજુએ મૂકીને ફક્ત સામાજિક, ધાર્મિક અને રાજકીય આતંક ફેલાવવાનું કામ કરે છે.
આપણે પશ્ચિમની નકલ કરીએ છીએ, એના વખાણ કરીએ છીએ. અમેરિકાનો કાયદો અને વ્યવસ્થા, ત્યાંની જીવનશૈલી આપણને આકર્ષે છે. એનું કારણ ત્યાંના રસ્તા કે ડોલરના એક બરાબર સીત્તેર નથી… ત્યાં એમના બંધારણનું સન્માન જે રીતે કરવામાં આવે છે એને કારણે પશ્ચિમના દેશોનું જીવન આપણને આકર્ષે છે.
આપણે ત્યાં દરેક વાતમાં ઈગો પ્રોબ્લેમ છે. કાયદો પાળવા કે પળાવવામાં પણ ઈગો પ્રોબ્લેમ નડે છે. અહીં કાયદો તોડવો એ બહાદુરી છે. ઉન્માદમાં છકેલા ટોળાંમાંથી કોઈ એકાદ કાયદો પાળવા કે પળાવવાની વાત કરે તો એ ‘વેવલા’ ‘વાયડા’ ‘દોઢડાહ્યા’ કે ‘ગાંધીનો ચમચો’ કહેવાય છે !
એક જ વાત યાદ કરાવવાનું મન થાય, જે દેશ પોતાની સંવિધાનિક હદ, ફરજ કે જવાબદારી નથી સમજતો એ દેશને મળેલા અધિકારો અંતે એનું જ સત્યાનાશ કરે છે.