એક પોપટ હતો. કેટલાક વર્ષો સુધી પાંજરામાં રહ્યો, સોનાનું પાંજરું. ખાવાનું મજાનું. માલિક રોજ લાડ લડાવે, વહાલ કરે… માણસની ભાષા શીખવે. તેમ છતાં, પોપટ રોજ બહાર નીકળવા, ઉડવા અને સ્વતંત્ર જીવન જીવવા માટે ઝંખતો. એક દિવસ માલિક મૃત્યુ પામ્યો. એના દીકરાએ પાંજરું ખોલી નાખ્યું. પોપટને લાગ્યું એ મુક્ત થઈ ગયો છે. એણે બહાર નીકળીને પાંખો ફફડાવી. આટલા વર્ષોથી જે પાંખ ઉઘડી નહોતી, એ ઉઘડી તો ખરી, પણ ઉડવા જેટલી તાકાત નહોતી બચી, એનામાં. છતાં ઉડ્યો. ડાળ પર જઈને બેઠો. આમ-તેમ જોયું, મરચું, કેરી કે કાકડી નહોતા. પલાળેલી દાળ તો કોણ ખવડાવે ? એણે પોતાના જાતભાઈઓ સાથે વાત કરવાની કોશીશ કરી, એ લોકો એની ભાષા ન સમજી શક્યા ! ડાળ ઉપર બેઠેલા પોપટને શિકારીનો, બાજનો ભય લાગવા માંડ્યો. હવે એને સ્વતંત્રતા ખૂંચવા લાગી. પાંજરું વધુ સારું હતું… એમ લાગવા લાગ્યું. અંતે, એ ફરી પાછો એ જ ઘરના ટોડલે જઈને બેઠો. દુઃખની વાત એ હતી કે હવે ત્યાં પાંજરું પણ નહોતું !
આપણા બધાની સ્થિતિ કંઈક આવી જ થાય છે. જે સ્થિતિમાં હોઈએ એ સિવાયની સ્થિતિ આપણે માટે ઇચ્છનિય હોય છે. ગૃહિણીને લાગે કે વર્કિંગવુમન મજા કરે છે, વર્કિંગવુમનને લાગે કે ગૃહિણીને આરામ છે ! ધંધો કરનારને નોકરી સારી લાગે ને નોકરીવાળાને ધંધો કરનાર વ્યક્તિ નસીબદાર લાગે. અમેરિકામાં વસનારને ભારતીયની ઈર્ષ્યા આવે, ને ભારતના નાગરિકને અમેરિકા જવાની ચળ ઉપડે. આપણે બધા જ એવું માનીએ છીએ કે આપણને જે છે તેનાથી બહેતર કશુંક મળવું જોઈતું હતું. આપણે અધૂરપના, ઓછપના, અભાવના માણસો છીએ. આપણી પાસે જે છે એની તરફ આપણી નજર જતી જ નથી. આજે, આખું વિશ્વ આ અધૂરપ અને ઓછપનું પરિણામ ભોગવી રહ્યું છે. બીજા દેશની જમીન કે પડોશીની પત્ની, આપણે હંમેશા પડાવી લેવાની વૃત્તિને આપણો અધિકાર માની લીધો. જ્યારે વિચાર્યું ત્યારે કોની પાસેથી, શું ઝૂંટવી શકાય એનો જ વિચાર કર્યો. આ વિચાર કરતી વખતે આપણે ભૂલી ગયા કે સામેનો માણસ પણ આવો જ વિચાર કરે ને ? પરિણામે એકમેકનું ઝૂંટવતા થઈ ગયા. એનાથી પરવાર્યા, તો કુદરત પાસેથી ઝૂંટવ્યું, જીવમાત્રને આપણા ગુલામ બનાવવાના પ્રયાસમાં આંધળા થઈ ગયા.
વાઘ અને રીંછના ફર, હાથીદાંત, સિંહના નખ, કસ્તુરી જેવી વસ્તુઓ ખરેખર આપણા જીવનની જરૂરિયાત નહોતી. જંગલો કાપવાથી કદાચ શહેરો મોટા થયા, પણ સરખા ભાગે વહેંચાયેલી એ ઈકોલોજી વિખરાઈ ગઈ. વિખરાયેલી ઈકોલોજીએ બેલેન્સ ખોરવી નાખ્યું. આ તો આપણે સમજીએ છીએ, પરંતુ બહારના ખોરવાયેલા બેલેન્સે આપણા ભીતરના બેલેન્સને ખોરવ્યું… આ આપણને સમજાયું ત્યારે મોડું થઈ ગયું હતું. આપણે આપણા ઘરોમાં બંધ થઈ ગયા હતા. પોપટની જેમ, પાંજરામાં હતા ત્યારે બહાર નીકળવા તરફડતા હતા. હવે પાંજરા ખુલી ગયાં છે ત્યારે સમજાયું છે કે પાંજરામાં હતા ત્યાં સુધી સલામત હતા. બહાર નીકળ્યા છીએ તો અનેક ભય આપણી સામે ઊભા છે. આપણે પેલા પોપટની જેમ પાંજરામાં પાછા નહીં જઈ શકીએ. આપણે તો બહારની દુનિયાનો સામનો કરવો જ પડશે, કારણ કે આપણે પાંજરામાં જીવવા સર્જાયા નથી, હવે માત્ર એટલું યાદ રાખવું પડશે કે આપણી જેમ જ આખું જગત સ્વતંત્ર છે. બીજા જીવો પણ મુક્ત છે. આપણા જેટલો જ એને જીવવાનો અધિકાર છે. આપણા શોખ માટે, જરૂરિયાત માટે, ભૂખ માટે કે સ્વાદ માટે હવે આપણે અંધાધૂંધ કતલ નહીં કરી શકીએ.
માંસાહારની વાત નથી, ફક્ત ! અન્નનો વેડફાટ પણ કતલ છે. જે નથી જોઈતું એ ખરીદવું એ પણ ગુનો જ છે. સંગ્રહ કરીને રાખવો, બગડી જાય ત્યાં સુધી મૂકી રાખવું કે આપણને યાદ પણ ન હોય એટલા કપડાં કે વસ્તુઓ ખરીદવી એ પણ કોઈનો જીવ લેવાથી ઓછો ગુનો નથી, હવે. છેલ્લા થોડા દિવસમાં આપણને સમજાઈ ગયું છે કે કબાટોમાં કપડાં, લોકરમાં દાગીના અને ઘરોમાં વસ્તુઓ કોઈ કામમાં આવી નથી. માત્ર પેટ ભરવા સિવાય બીજી કોઈ ચીજ, સગવડ કે મનોરંજનનો ઉપયોગ આપણે કરી શક્યા નથી. અર્થ એ થયો કે આપણી જરૂરિયાત પૂરતું મળે એ પછી બીજાનું ઝૂંટવવાનો અધિકાર હવે આપણી પાસેથી ઝૂંટવાઈ ચૂક્યો છે.
આ માત્ર ફિલોસોફી નથી. ગુણવંત શાહ લખે છે એમ, “ઈકો-સોફી” છે. દોરડા પર ચાલતો નટ જ્યારે બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરે છે ત્યારે હાથમાં એક લાકડી પકડે છે. આ લાકડી એનું બેલેન્સ નથી, બેલેન્સ તો મગજમાં છે. લાકડી માત્ર આધાર છે… હવે આપણા હાથમાં આવી એક લાકડી છે, જીવનના દોરડા પર ચાલવા માટે. આ લાકડીનું નામ ‘સમજણ’ છે, અથવા અનુભવ અથવા વિતેલા દિવસોમાંથી શીખેલા પાઠ ! નામ કંઈ પણ આપો, હવે બેલેન્સ જાળવ્યા વગર આપણા કોઈનો છૂટકો નથી.
ભીતરની સાથે બહારનું બેલેન્સ, સ્વજનની સાથે જીવનનું બેલેન્સ, શોખની સાથે જરૂરતનું બેલેન્સ, સંબંધની સાથે સમજણનું બેલેન્સ, સ્વાર્થની સાથે સમર્પણનું બેલેન્સ, લેવાની સાથે આપવાનું બેલેન્સ, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું બેલેન્સ… અને સૌથી મોટું, શ્વાસની સાથે શ્રદ્ધાનું બેલેન્સ. હવે, આ કોરોના કે એના જેવા બીજા વાઈરસનો હુમલો કદાચ થતો રહેવાનો છે. એમને સાવ નાબૂદ કરવા હવે કદાચ શક્ય નથી. આપણે એમને પણ આપણી ઈકોસોફીમાં સમાવી લેવાના છે. એમનો ટકવાનો, જીવવાનો અધિકાર એમને ખુદ કુદરતે આપ્યો છે, આપણે એ અધિકાર નાબૂદ કરી શકીએ એટલી તાકાત હજી આપણને કુદરતે આપી નથી.
આ જગતમાં નરી આંખે દેખાતા અને નહીં દેખાતા અબજો જીવો છે. એ બધા જ જીવનું મહત્વ માણસ જેટલું જ છે, એ વાત કદાચ છેલ્લા બે મહિનામાં સર્જનહારે, કુદરતે કે આપણી ભીતર રહેલા ટકી જવાના મરણિયા પ્રયાસોએ આપણને સમજાવી દીધી છે. જેમ આપણે ટકવા મથીએ છીએ, એમ સહુ ટકવા પ્રયાસ કરી રહ્યા છે. આ જગત એક સહિયારી સિમ્ફની છે. બધા જ વાદ્યોનું પોતપોતાનું મહત્વ છે, છતાં કોઈ એક વાદ્ય એકલું વાગી શકતું નથી.
આપણે જીવવું હશે, સ્વસ્થ રહેવું હશે તો હવે સહુનો એ અધિકાર શિરોમાન્ય કરવો પડશે. પાંજરાની સગવડો અને બહારની સ્વતંત્રતા, પસંદગી કરવી પડશે અને પરિણામ ભોગવવા પડશે.