દરબારે-વતન મેં જબ એક દિન સબ જાનેવાલે જાયેંગે
કુછ અપની સજા કો પહુંચેંગે, કુછ અપની જઝા (ઈનામ) લે જાયેંગે
કટતે ભી ચલો, બઢતે ભી ચલો, બાઝુ ભી બહોત હૈ, સર ભી બહોત
ચલતે ભી ચલો કી અબ ડેરે મંઝિલ પે હી ડાલે જાયેંગે
ઐ જુલ્મ કે મારોં ! લબ ખોલો, ચૂપ રહેનેવાલોં ચૂપ કબ તક
કુછ હશ્ર (પ્રલય) તો ઈનસે ઉઠ્ઠેગા, કુછ દૂર નાલે જાયેંગે
– ફૈઝ અહેમદ ફૈઝ
ફૈઝ અહેમદ ફૈઝની ઈન્કલાબી કલમમાંથી નીકળેલો આ અવાજ આજ સુધી ગૂંજે છે. સચ્ચાઈનો અવાજ કદાચ થોડા સમય માટે નબળો પાડી શકાય, પરંતુ એ અવાજ અંતે આપણા આત્માથી શરૂ કરીને આખાય અસ્તિત્વને ચીરીને પડઘાય છે…
વિશ્વનો દરેક ધર્મ વ્યક્તિના કર્મના હિસાબની વાત કરે છે. એક દિવસ બધાએ પોતાના કર્મોની સજા અને ઈનામ મેળવવાના છે એ નક્કી છે, પરંતુ એનો નિર્ણય કરનાર-હિસાબ કરનાર આપણામાંનું કોઈ નથી એ પણ નક્કી છે. છેલ્લા થોડા સમયથી આ ધરતી ઉપર કેટલાક લોકો પોતાની જાતને ઈશ્વર માનવા લાગ્યા છે. પાવર, પોઝિશન, પૈસા કે પૂજારી… આ બધું અહીં જ ઊભું થયું છે અને જ્યારે માણસ આ શરીર, આ પૃથ્વી છોડીને જાય છે ત્યારે એ બધું અહીં જ રહી જાય છે. પરમ તત્વનો, ઈશ્વરનો કે ખુદાનો, જીસસનો કે જરથુષ્ટ્રનો, જિનત્વનો કે બૌદ્ધનો… હિસાબ જુદો નથી, ન હોઈ શકે ! છતાં, કેટલાક લોકો પોતે જ આરોપ મુકનાર, પોતે જ પ્રોસીક્યુશન વકીલ અને પોતે જ જજ બની બેઠા છે. એમની ટ્રાયલમાં બચાવ પક્ષના વકીલની કોઈ વ્યવસ્થા જ નથી. હજી આરોપ સાબિત થાય તે પહેલાં વ્યક્તિને ગુનેગાર પુરવાર કરીને એની સજા જાહેર કરી દેવાની સત્તા આ ટોળાંને કોણે અને ક્યારે આપી એ વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી!
આમ જુએ તો, વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે આપણી ઓળખ છે. વાણી, વિચાર કે વ્યક્તિ તરીકે જીવવાની સ્વતંત્રતા આપણું બંધારણ સહુને સમાન હકથી આપે છે. આપણને એ અધિકાર તો જોઈએ છે, પરંતુ સવાલ જ્યારે અન્યની સ્વતંત્રતાનો આવે ત્યારે આપણા જેટલા સંકુચિત, દંભી અને જજમેન્ટલ લોકો વિશ્વમાં કદાચ ક્યાંય નહીં હોય.
ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, ભાષા, જાતિ, જ્ઞાતિ, ભોજન કે વસ્ત્રથી શરૂ કરીને અન્ય વ્યક્તિના વિચારો ઉપર પણ આપણને કાબૂ મેળવવો છે. આપણી ઉદારતા, સમજ કે શાણપણ અન્યની વાત આવે ત્યારે અચાનક જ કુંઠિત અને સંકુચિત કેમ થઈ જાય છે ? શું આપણને ભય લાગે છે કે જો આપણે કોઈને મુક્ત અવાજે પોતાની વાત કહેવાની છૂટ આપીશું તો એ “સાચો અવાજ” એટલો ઉજ્જવળ થઈ જશે કે એમાં આપણું જુઠ, દંભ અને બીમાર માનસિકતા ઉઘાડા પડી જશે ?! એક તરફથી આપણે ભારતીયતા, સંસ્કૃતિ અને દેશપ્રેમની વાતો કરીએ છીએ, તો બીજી તરફ ટ્રોલિંગ, મોબ લિન્ચિંગ અને અન્ય વ્યક્તિઓના ચારિત્ર્ય ઉપર કાદવ ઉછાળતાં અચકાતા નથી.
ભારતે અનેક સંસ્કૃતિઓના આક્રમણો સહ્યાં છે. અનેક ધર્મોના લોકોએ ભારતના હિન્દુ મંદિરોને તોડ્યા છે, પ્રજાને લૂંટી છે, પીડા આપી છે, તેમ છતાં, આજે પણ ભારતની સંસ્કૃતિ વિશ્વમાં પૂજનિય છે. આટ-આટલી તકલીફોએ આપણી સંસ્કૃતિનો કાંકરો પણ ખેરવ્યો નથી, તો આપણને ભય શેનો લાગે છે ? વેજિટેરીયનિઝમ, યોગ, પ્રાણાયામ, આયુર્વેદ, જ્યોતિષ, ખગોળ કે વૈદિક ગણિત જેવી કેટલીયે બાબતો આજે વિશ્વમાં ભારતને અગ્રેસર બનાવે છે. આ બધું આપણે ત્યાં હતું જ. આપણે વ્યક્તિની સામે કદીયે વિરોધ કર્યો નથી. આપણે વિચારનો વિરોધ કરનારા લોકો છીએ, પરંતુ
છેલ્લા થોડા સમયથી પ્રસિદ્ધ કે પૂજનિય વ્યક્તિ વિશે ભૂતકાળનો કોઈપણ મુદ્દો શોધીને એને અપમાનિત કરવાની કે માફી મંગાવવાની એક ફેશન ચાલી છે. ધીરે ધીરે આ પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે જાહેર માફીની માગણી ગલ્લે ચા પીવા જેવી ફાલતુ બાબત બની ગઈ છે. પ્રસિદ્ધ કે પૂજનિય વ્યક્તિ પોતે આવી ગંદકીનો હિસ્સો ન બનવા માગતી હોય એટલે માફી તો માંગી જ લે, પરંતુ એક વિડિયો બનાવવાથી કે ફેસબુકની એક પોસ્ટ લખવાથી જો સંસ્કૃતિ, ધર્મ કે સભ્યતા બચી જશે એવું કોઈ માનતું હોય તો એ ‘માફી’ કેટલી મહત્વની ગણી શકાય ? એક સવાલ એ પણ છે કે જાહેરમાં, ફેસબુક પર, વિડિયો દ્વારા માફી માગવાથી કોઈ વ્યક્તિએ કરેલી ભૂલ ભૂંસાઈ જશે ? ભૂલાઈ જશે ?
કોઈ એક વ્યક્તિએ કાપીકૂપીને, પસંદ કરેલા વાક્યો સાથે વાઈરલ કરેલો વિડિયો જોઈ જોઈને, ફોરવર્ડ કરીને ઘેટાંના ટોળાંની જેમ બધા જ એ મુદ્દા અંગે પોતાના પ્રતિભાવ, ચીડ કે તિરસ્કાર કડવી અને અસભ્ય ભાષામાં જાહેર કરે, એના વિડિયો કરે એનો કોઈ વાંધો નથી આપણને !? હવે તો ભણેલા, બુદ્ધિશાળી મનાતા, સજ્જન કહેવાતા લોકો પણ આ ટોળાંમાં ભળી જાય છે અને તિરસ્કારની વહેતી ધારામાં પોતાના હાથ (પોતાના પર્સનલ ઈસ્યુ) ધોઈ લે છે !
કોણ, કોને ટ્રોલિંગ કરે છે, કોણ, કેવી ગાળો બોલે છે, કોણ, કેટલી હદે ગંદકી ફેલાવી શકે છે એની હરીફાઈ હોય ? હોઈ શકે ?!
આમ તો ન જ હોય, પરંતુ છેલ્લા થોડા સમયથી આવી એક વિચિત્ર હરીફાઈ સોશિયલ મિડિયા પર ચાલે છે. વાણી, વ્યક્તિ કે વિચાર સ્વાતંત્ર્યના નામે આપણે કોઈને પણ, કંઈ પણ કહી કે લખી શકીએ છીએ, પરંતુ અન્ય વ્યક્તિ પાસે એ સ્વતંત્રતા ન હોઈ શકે-એવો નિર્ણય પણ આ ટ્રોલિંગ કે લિન્ચિંગ કરનારા લઈ લે છે ! સવાલ એ છે કે આવું ખરાબ લખવાથી, બોલવાથી સામેની વ્યક્તિના ચારિત્ર્ય પર ડાઘા પડે છે ખરા ? અન્યને બદનામ કરનારા કદાચ એને દુઃખ પહોંચાડી શકે, એની છબી ખરડી શકે, એને અપમાનિત કરી શકે કે માફી મંગાવી શકે, પરંતુ આવું કરીને એ પોતે ક્યારેય પોતાની છબી ઉજ્જવળ નહીં કરી શકે એટલું એમને પોતાને પણ નહીં સમજાતું હોય ?