અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ થયો ને બીજી તરફ સુશાંતસિંગ રાજપૂતની આત્મહત્યા વિશેની તપાસ સીબીઆઈને સોંપાઈ છે. પ્રધાનમંત્રી બન્યા પછી અને બનતા પહેલાં નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અવાર-નવાર મંદિર બનાવવાનું વચન આપ્યું હતું, એ વચન પૂરું થયું છે. શિલાન્યાસના થોડાક જ દિવસમાં પ્લાન પાસ કરાવી પાયા ખોદવાની શરૂઆત થશે. દેશના જુદા જુદા ભાગમાંથી ચાંદીની ઈંટો મંદિર માટે મોકલવામાં આવી રહી છે ત્યારે એમની સરકારનો એક ક્રાંતિકારી નિર્ણય સાચે જ બિરદાવવા યોગ્ય છે !
પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવામાં આવશે એ નિર્ણયથી આખા દેશની અનેક માતૃભાષાઓની આવરદા ત્રણ-ચાર દાયકા વધશે એમ કહીએ તો ખોટું નથી. ગુજરાતી વાંચતી છેલ્લી પેઢી હવે પચાસ-સાઈઠની નજીક પહોંચી છે. એમના પછી કોઈ ગુજરાતી નહીં વાંચે એવી ચિંતા કરતા ઘણા લોકો માટે આ નિર્ણય મોટો સધિયારો લઈને આવ્યો છે. ગુજરાતી પુસ્તકો વેચાતા નથી, ગુજરાતી મેગેઝિનના વાચક ઘટતા જાય છે, એવી ફરિયાદ કોરોના પ્રવેશ્યો એ પહેલાંથી આપણે સાંભળતા રહ્યા છીએ. બચુભાઈ રાવતનું મેગેઝિન ‘કુમાર’ અને ઉમાશંકર જોષીનું ‘સંસ્કૃતિ’, ભારતીય વિદ્યાભવનનું ‘નવનીત સમર્પણ’ નવી પેઢી નથી વાંચતી… ગુજરાતી ટેલિવિઝન અને ફિલ્મોનું ભવિષ્ય ડામાડોળ છે. નવી પેઢીના ગુજરાતી એક્ટર્સ રોમન ગુજરાતી વાંચે છે, તો ગુજરાતી બોલતી વખતે પણ શુદ્ધ ઉચ્ચારો વિશે સમસ્યા ઊભી થાય છે. રેડિયો જોકી અને ટીવી એન્કરનું ગુજરાતી પણ કાબિલે-દાદ હોય છે.
કોઈપણ ભાષામાં બહારની ભાષાના શબ્દો ઉમેરાય, તો જ ભાષાનો વિકાસ થાય. હવે આપણે ‘મેજ’ નથી કહેતા ‘ટેબલ’ કહીએ છીએ. એવા ઘણા શબ્દો છે કે જે હવે અંગ્રેજીમાં જ પ્રચલિત છે, પરંતુ એની સામે એવા કેટલા બધા ગુજરાતી શબ્દો છે, જે ધીમે ધીમે સાવ ભુલાતા જાય છે. પ્રાથમિક શિક્ષણ જો ગુજરાતી ભાષામાં શરૂ થશે તો એ બધા જ શબ્દો કદાચ પુનઃજીવિત થઈ શકે. આખો કક્કો મોઢે બોલી શકવાની હરીફાઈ કરવી પડે, એ આપણી માતૃભાષા માટે શરમજનક નથી ?
ગુજરાતી ભાષામાં 31 વ્યંજનો છે. એમાંથી 23 વ્યંજનો ગુજરાતી અને હિન્દીમાં સમાન છે. ફક્ત આઠ છૂટા પડે છે – ક, ખ, ચ, જ, ઝ, ફ, બ અને ળ. આ ભાષા દેવનાગરીમાંથી જન્મી છે. સંસ્કૃતમાં અલ્પવિરામ માટે એક અને પૂર્ણવિરામ માટે બે ઊભી લીટીઓ હતી. ગુજરાતી વ્યવહારની જબાન બની ગઈ એટલે પૂર્ણવિરામ, અલ્પવિરામ અપનાવીને શિરોરેખા કાઢી નાખવામાં આવી. ગુજરાતીમાં શબ્દોના ઉચ્ચારમાં પૂરો નહીં, પણ અડધો જ ઉચ્ચાર કરવામાં આવે છે. નાન્યતર જાતિ માત્ર ગુજરાતી પાસે છે. નગીનદાસ સંઘવીએ નોંધ્યું છે કે, અઢારમી સદીના અંત સુધી માલાયાના સુલતાનનું અધિકારીપણું ભોગવવા માટે ચાર ભાષાઓ જાણવી ફરજિયાત હતી. મલય, અરબી, પોર્ટુગીઝ અને ગુજરાતી. પાકિસ્તાનમાં, લંડનમાં, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ન્યૂઝીલેન્ડ, પૂર્વ દક્ષિણ આફ્રિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સુધી ગુજરાતી અખબારો-સામયિકો નીકળે છે… લેખકો છે, લખે છે અને હજી તો વંચાય છે !
ગુજરાતી ભાષા જેટલી મીઠાશ અને બોલીની વિવિધતા ભાગ્યે જ કોઈ ભાષામાં મળે. દક્ષિણ ગુજરાતના ડાંગથી સૌરાષ્ટ્રનો લચકદાર લહેકો, મહેસાણા-ઉત્તર ગુજરાતની બોલીના પોતિકા બરછટપણાથી શરૂ કરીને નાગરોની મીઠી-ચોખ્ખી ભાષા સુધી ગુજરાતી વિસ્તરી છે, વિસ્તરે છે.
ડિઝનીએ મિકીમાઉસ આલેખ્યા એ પહેલાં ગુજરાતી પાસે બકોર પટેલ હતા. હિન્દુ બ્રાહ્મણ-મુસલમાન મિત્રતાનો ઉદ્દાત નમૂનો જીવરામ જોશીના મિયાં ફૂસકી અને તભા ભટ્ટ ગુજરાતીમાં ચિતરાયા છે, પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે એમાં કોઈ અપગ્રેડેશન થયું નથી. આજના બાળકને ‘એ’ મિયાં ફૂસકી કે ‘એ’ બકોર પટેલ રસપ્રદ લાગતા નથી, કારણ કે આપણે એમાં કોઈ ફેરફાર કર્યો નથી. સ્પાઈડરમેન અને સુપરમેન પણ લેટેસ્ટ વર્ઝન સાથે બદલાતા રહે છે, કારણ કે વાચકની પેઢીઓ બદલાય છે.
ગુજરાતીઓ ઈતિહાસને ખભે લઈને ફરે છે અને ભૂતકાળને પંપાળતા પોતાના અહમને પણ થપકીઓ લગાવતા રહે છે. એમને કશું બદલવું નથી, ને જે છે તે ચાલે તેમ નથી. આવી પરિસ્થિતિ તમામ રિજનલ ભાષાઓ સાથે નથી, તો ગુજરાતી સાથે કેમ છે ? સૌથી મોટો પ્રશ્ન જો ગુજરાતી ભાષાને નડતો હોય તો એ એના પોતાના વાચકોનો છે. ગ્રાહક નવું માગે છે, પણ લેખક હજી ત્યાં જ અટકી ગયા છે. સાહિત્ય અને લોકપ્રિયના બે વિભાગોમાં ગ્રાહક લોકપ્રિય માગે છે અને આપણે એને ધરાર સાહિત્ય પહોંચાડવા ઝઝુમીએ છીએ. જેમ દરેક બાબતમાં ‘કન્ઝ્યુમરીઝમ’ – ગ્રાહકવાદ અમલમાં આવ્યો છે એમ ગુજરાતી ભાષાએ પણ નવા કલેવરમાં સજ્જ થઈને આવવું પડશે. મર્સિડિસની ગાડીમાંથી ઉતરતી હીરા પહેરેલી ગુજરાતી શેઠાણી પણ કોથમીર મફત માગે છે, આ ગુજરાતી માનસિકતાને નહીં સમજીએ તો ગુજરાતી વાચક સુધી નહીં પહોંચી શકીએ. ન્યૂ નોર્મલમાં હવે કાગળના પુસ્તકો કે મેગેઝિનને બદલે ફોન અને કિન્ડલ સાથે બાળકોની દોસ્તી થઈ ગઈ છે. એમને એ માધ્યમમાં ગુજરાતી પીરસવું પડશે.
અંગ્રેજી વિશ્વભાષા છે, પરંતુ આપણા દેશમાં અંગ્રેજીનું ચલણ પ્રમાણમાં ઓછું છે. અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ હિન્દી બોલાય છે. મોટાભાગના માતા-પિતા અંગ્રેજી બોલી શકતા નથી, એટલે ઘરમાં ગુજરાતી બોલાય છે. જોઈન્ટ ફેમિલીમાં દાદા-દાદી સાથે હોય તો ગુજરાતી પ્રાથમિક ભાષા બની રહે છે. મધ્યમ વર્ગના બાળકો જે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણે છે એમાં અંગ્રેજી ભણાવતા ઘણા શિક્ષકો પણ સાચું અને સારું અંગ્રેજી બોલી શકતા નથી, ત્યારે પ્રાથમિક શિક્ષણ લઈ રહેલાં નાનકડાં ભૂલકાંઓના મગજમાં ભાષાઓનો ખિચડો થઈ જાય છે.
બાળકની ગ્રહણશક્તિ પાંચ વર્ષ સુધી ઘણી વધારે હોય છે, એ સાચું પરંતુ ભાષા શીખતી વખતે જો એક જ ભાષા એના લખાણ, વાંચન અને શબ્દકોષમાં એકસાથે કામ કરે તો એની વિચારવાની દિશા પણ એ જ ભાષા સાથે જોડાય. આપણે ત્યાં ગુજરાતી ભાષા ખોટી બોલે તો અફસોસ નથી થતો, પરંતુ અંગ્રેજી ન આવડવાની લઘુતાગ્રંથિએ આખા દેશને ભરડામાં લઈ લીધો છે. આવા સમયે પ્રાથમિક ભાષા જો માતૃભાષા હોય તો બાળક પોતાની ભાષામાં વિચારતાં શીખે, જેનાથી દુનિયાની કોઈપણ ભાષામાં વિચારોનો અનુવાદ એને માટે સરળ બની જાય. રામમંદિરના પુનઃસ્થાપનની સાથે ધર્મની પુનઃસ્થાપના થઈ છે, એવું માનીએ તો પ્રાથમિક શિક્ષણ ગુજરાતી ભાષામાં શરૂ કરીને સભ્યતા અને સંસ્કૃતિ પણ પુનઃજીવિત થશે, એવી આશા તો રાખી જ શકાય.