મમ્મીના કંટાળાનો રંગ… ઘૂંટાઈને ઘેરો થયો છે

“હું તમારા બધાથી કંટાળી ગઈ છું. બધું આમનું આમ મૂકીને જતાં રહેવાનું મન થાય છે.” આ વાક્ય લગભગ દરેક ટીનએજર સંતાનથી શરૂ કરીને આજે પાંત્રીસના થઈ ગયેલા દીકરા કે દીકરીએ સાંભળ્યું જ હશે. મમ્મી, મા, અમ્મા, મોમ… સતત જિંદગીના જુદા જુદા રંગોમાંથી પસાર થાય છે. દીકરી તરીકે ખુશીના, આનંદના ગુલાબી રંગમાંથી, પછી લગ્નનો લાલ રંગ, પછી માતૃત્વનો વ્હાલસોયો આકાશ જેવો ભુરો રંગ, ક્યારેક સમર્પણનો સફેદ તો ક્યારેક પીડાનો પીળો રંગ ! ક્યારેક એકલતાનો કાલો અંધારો રંગ !

મેઘધનુષની જેમ સતત રંગ બદલતી, ઘરની દરેક વ્યક્તિ માટે જુદા રંગમાં ઢળી જતી આપણી મા એક સ્ત્રી છે, એ વાત આપણે ઓલમોસ્ટ ભુલી ગયા છીએ. વુમન્સ ડેના દિવસે મમ્મીને મેસેજ મોકલીએ છીએ, પણ એના સ્ત્રીત્વને મુક્તિ કે મરજી મુજબ જીવવાની થોડીક ક્ષણો આપી શકતા નથી. દરેક મા, એક સ્ત્રી હોય છે… એ પોતાની ભિતરના સ્ત્રીત્વને પાછળ ધકેલીને માતૃત્વને આગળ લઈ આવે છે. આમાં એને કોઈ ફરિયાદ નથી હોતી, પરંતુ જ્યારે એનું સ્ત્રીત્વ સાવ જ ભૂલી જવામાં આવે, વ્યક્તિત્વને વિસારે પાડી દેવામાં આવે ત્યારે એ કંટાળે છે. એના પોતાના અસ્તિત્વનો, એનો આગવો કયો રંગ ? જે રંગમાં એનું સ્ત્રીત્વ ખીલી ઉઠે એ કયો રંગ?

બીજા અનેક રંગમાં ઢળતી મમ્મીની જિંદગીમાં બીજો એક રંગ ઉમેરાયો છે, પ્રોફેશનલ અથવા વ્યવસાયનો રંગ. આ રંગ ખરેખર “બેરંગ” છે. ઘરમાં આવતા પૈસા બાળકો માટે સારું શિક્ષણ અથવા સારી લાઈફસ્ટાઈલ લઈને આવે છે. ગમે કે ન ગમે, અર્બન જીવનધોરણ હવે સ્ત્રીની જિંદગીમાં આટલા બધા રંગની સાથે એક નવો રંગ, આર્થિક જવાબદારીનો પણ ઉમેરે છે. કમાવાની જવાબદારી ન હોય તો પણ, મોટાભાગના ઘરમાં બેન્કના કામ, ગ્રોસરી, છોકરાઓને ટ્યુશનમાં અને ક્લાસીસમાં મૂકવાની-લેવાની જવાબદારી મમ્મીની છે. પપ્પા રિઝલ્ટ જુએ છે, પણ ભણવા તો માએ જ બેસાડવા પડે છે. છોકરાઓને ના પાડવાની હોય, તો માએ પાડવી પડે… ટ્રોફી મળે, પહેલો નંબર આવે તો ‘મારો દીકરો’ અને તોફાન કરે, સ્કૂલમાં પકડાય, રિઝલ્ટ ખરાબ આવે કે મળવા જવું પડે તો ‘તારો દીકરો’. અહીં આવે છે, સ્વીકારનો રંગ ! અધિકારનો રંગ એણે હંમેશા છોડ્યો છે. એની ઝાઝી અપેક્ષા નથી. એ ઇચ્છે છે કે ઘરના સહુ એક સમય સાથે જમે, સંતાનો એની સાથે સારી રીતે વાત કરે, પતિ ક્યારેક એની ‘નક્કામી’ લાગતી વાતો પણ સાંભળે. આ એની જરૂરિયાતનો રંગ છે, સાવ નાનકડી પણ પરિવારની એકતાની ઝંખનાનો રંગ ! આ રંગ લગભગ દરેક મમ્મીની જિંદગીમાં સૌથી મહત્ત્વનો રંગ છે, એ ઝાંખો થવા લાગે ત્યારે એની અકળામણ એના ગુસ્સામાં, શબ્દોમાં ને ક્યારેક કોઈ કારણ વગરની ચીડમાં અભિવ્યક્ત થઈ જાય છે. એને વુમન્સ ડેના કે મધર્સ ડેના કાર્ડ અથવા ગિફ્ટની જરૂર નથી. એને જરૂર હોય છે એક નાનકડા બ્રેકની. રોજ સવારે સહુને જગાડવા સહુથી વહેલી ઊઠતી, સહુના ટુવાલો બાથરૂમમાં લટકાવવાથી શરૂ કરીને સહુ પાછા આવે ત્યારે ગરમ ગરમ ભોજન તૈયાર રાખતી મા પણ ઇચ્છે છે એક નાનકડો બ્રેક ! રાહતનો રંગ ! નિરાંતનો રંગ…

આ બ્રેક, અથવા રાહતનો રંગ એટલે પાંચ દિવસની ‘હોલી’ (ડે) નહીં. આવા બ્રેકમાં તો એણે સંતાનોનું ને પપ્પાનું ધ્યાન રાખવાનું હોય. બીજાને ગમતું જમવું પડે… આપણે લઈ જઈએ ત્યાં જવું પડે. આ બ્રેક નથી, એક વધારાની જવાબદારી છે. અહીંથી શરૂ થાય છે પોતાનો રંગ શોધવાની એક એવી શોધ જે એના કંટાળાના રંગને ઘાટો કરે છે. બીજાના રંગમાં સતત રંગાતી રહેતી મમ્મી પોતાની ઇચ્છા ભાગ્યે જ પ્રગટ કરે છે. એ પોતાની મરજી કે ઇચ્છા પ્રગટ કરે ત્યારે પણ આપણે એને તોડી પાડતાં, ઉતારી પાડતાં કે ક્યારેક અપમાનિત કરતાં અચકાતા નથી. એ ચૂપચાપ પી જાય છે, આપણી અવગણનાનો, અપમાનનો રંગ ! રાહ જોતી માને ‘આવું છું’ કહીને ફોન કાપી નાખતા આપણને વિચાર નથી આવતો. ઘરે પાછા ફરીએ અને મા પ્રશ્નો પૂછે, તો આપણને ઈરીટેશન થાય છે-કંટાળો આવે છે, પણ એના કંટાળા વિશે આપણે વિચારતા નથી.

જો એ કામ કરતી હોય તો એની પાસે ઓફિસ છે, પણ એ ઓફિસ ક્યારે પૂરી થશે એની ચિંતામાં એનો દિવસ નીકળી જાય છે. એને માટે એની ઓફિસ પૈસા કમાવાની જગ્યાથી વધારે કંઈ જ નથી અને એ પૈસા પણ સંતાન માટે, ઘર માટે, પરિવારના નાનાં નાનાં સુખો માટે ખર્ચી નાખતાં એ અચકાતી નથી. આ એના વ્હાલનો રંગ છે. એની ઇચ્છા એની સૌથી છેલ્લી પ્રાયોરીટી છે. એ પોતાની જરૂરિયાતો માટે સમાધાન કરે છે, પરંતુ સંતાનની લગભગ દરેક ઇચ્છા પૂરી કરવી એ જાણે એનો ધર્મ હોય એમ નિભાવે છે, એ એની નિષ્ઠાનો રંગ છે.

આપણે ક્યારેય એને પૂછ્યું છે કે એને શું જોઈએ છે ? આ રૂટિનમાંથી બહાર નીકળીને એને કદાચ વરસતો વરસાદ જોવો હોય, જાતને આળસના રંગે રંગી નાખવી હોય ! સાવ કોલેજમાં હતી ત્યારે વાંચેલી એક ચોપડી બારી પાસે બેસીને એને ફરી વાંચવી હોય, વાંચ્યા જ કરવી હોય, એના ભૂતકાળના રંગમાં ડૂબવું હોય. સ્કૂલની એક બહેનપણી સાથે આખી બપોર બેસીને ગાંડા જેવી વાતો કરવી હોય,  ખડખડાટ હસવું હોય, એના બાળપણનો રંગ પાછો મેળવવો હોય. કોઈને કહેવું હોય કે “એક કપ ચા બનાવી આપો.” એના અધિકારનો રંગ… ક્યારેક કહેવું હોય, “આજે મને કોઈ બોલાવતા નહીં. મારે મારી જાત સાથે રહેવું છે.” એના મૌનનો, એના એકાંતનો રંગ, જોયો છે આપણે ? ક્યારેક કશુંક ગમતું કરવું હોય, ને ક્યારેક એને સાવ કશું જ ના કરવું હોય ! એની ઇચ્છાનો-મરજીનો રંગ. ક્યારેક બિલકુલ આપણી જેમ રવિવારે મોડા ઊઠવું હોય, હાથમાં રિમોટ લઈને ટેલિવિઝનની ચેનલ્સ બદલવી હોય અથવા સવારના પહોરમાં એકલા ચાલવા નીકળી જવું હોય ને ફોન ઘેર જ મૂકી જવો હોય. ક્યારેક એને નાહ્યા-ધોયા વિના પડ્યા પડ્યા છાપું જ વાંચ્યાં કરવું હોય. (જેમ પપ્પા અથવા આપણે રવિવારે કરીએ છીએ તેમ…)

સોમથી શની કામ કરતી મા રવિવારે વધારે બીઝી થઈ જાય છે. આવું કેમ થાય છે ? કારણ કે એ પોતાની ઇચ્છાના રંગને આપણી સગવડના ડબ્બામાં મૂકીને ઢાંકણું ટાઈટ બંધ કરી દે છે. આપણો બ્રેકફાસ્ટ બનાવવામાં, રવિવારે ખાસ લન્ચ બનાવવામાં, મહેમાનોને પણ રવિવારે જ ફાવે એટલે, કે પછી દાદા-દાદીને મળવાનું પણ રવિવારે જ અનુકૂળ આવે એટલે કે પછી લગ્નના, એન્ગેજમેન્ટના, બેસણાના તમામ સંબંધો સાચવવાનું કામ એણે જ કરવાનું હોય, એટલે… મમ્મી પાસે રવિવારે પણ સમય નથી હોતો. પપ્પા આરામથી કહી દે છે, “હું આખું અઠવાડિયું બીઝી હોઉં છું, મારે નથી આવવું.” મમ્મી આવું કહી શકતી નથી અથવા એને કહેવાની છૂટ નથી ! કારણ કે એણે પત્નીત્વના રંગને અકબંધ રાખવાનો છે, પુત્રવધૂના રંગને આંચ નથી આવવા દેવાની. કોઈ સગાંના મરણ પ્રસંગે સફેદ સાડી પહેરીને જતી મા કે કોઈના લગ્નપ્રસંગે ઠઠારો કરીને જતી માચ કદાચ ફરજના ભાગરૂપે આ બધું કરે છે.

આપણે ક્યારેય આપણી મમ્મીને એવું પૂછ્યું છે કે, “આજે તારો રવિવાર છે- બોલ, તારે શું ખાવું છે ? બોલ, તારે કોને મળવું છે ? બોલ, આજે તારી શું ઇચ્છા છે ?” કદાચ પૂછીએ તો ભીની આંખે એ માત્ર એટલો જ જવાબ આપે, “તમને જે ગમે તે…” પણ આ સવાલથી એને મળેલો સ્નેહ અને સન્માનનો રંગ કદાચ આવનારા અનેક રવિવાર રંગીન બનાવી શકે.

વારંવાર ચિડાતી-ગુસ્સો કરતી, અકળાતી મા કે પત્ની ક્યારેક આવી નહોતી. જે પત્ની કે જે મા તમને અત્યારે કંટાળાજનક, સલાહો આપતી કે બડબડ કરતી લાગે છે એનો એક રંગ ખુશબિજાજ હતો ! ગમતું, અણગમતું બધું જ બીજાની ઇચ્છા મુજબ કરીને, પોતાના દિવસને સંતાનો અને પતિના તો ક્યારેક સાસુ-સસરાની મરજીના રંગને આજુબાજુ ગોઠવીને જીવી ગયેલી આ સ્ત્રીનો પોતાનો રંગ ખોવાઈ ગયો છે એટલે કદાચ એ આવી થઈ ગઈ છે. દિવસો, વરસો, મહિનાઓ સુધી રૂટિનમાં જીવીને કદાચ એની આ હાલત થઈ છે ? એને કદાચ આ રોજિંદી, છેલ્લા પાંચ-દસ-પંદર કે પચીસ કે પિસ્તાળીસ વર્ષથી ચાલતી ઘરેડમાંથી નાનકડી મુક્તિનો રંગ જોઈએ છે. એ મુક્તિ એને ફરી પાછી તાજી થઈને જીવનનો રંગ ઉમેરી આપશે. એની ચીડ, એનો કંટાળો, એની અકળામણ, બધું જ એ મુક્તિના રંગમાં ઓગળી જશે.

શું હોઈ શકે આ રંગ ? એને માટે બહાર જવું, પૈસા ખર્ચવા, પાર્ટી કરવી જરૂરી નથી. એ બ્રેક ઘરમાં પણ હોઈ શકે. ઘરમાં આપણે એને એનો એક રવિવાર આપી શકીએ, એ રવિવાર મંગળવારે પણ હોઈ શકે ! આપણે એને એક સાંજ ઘરની બહાર લઈ જઈ શકીએ, એને જે કહેવું છે તે સાંભળી શકીએ. થોડા દિવસ કે થોડા અઠવાડિયાં એને શહેરની બહાર લઈ જઈ શકીએ જ્યાં પપ્પા ધંધા સિવાયની, સંતાનો એમની જીદ અને સ્વાર્થ સિવાયની વાત કરે. અંગત ગમા-અણગમા સિવાયની કોઈ એવી વાત થાય, જેમાં એને રસ પડે. એના બાળપણની, યુવાનીની વાતો સાંભળીએ. ક્યારેક એને જે ગમે, એ જે ઇચ્છે એ કરીને અથવા એને કરવા દઈને એક સાવ જુદા પ્રકારનો રંગ એને આપી શકીએ.

આપણે જાણતા નથી, સમજતા પણ નથી ! એક વ્યક્તિ જ્યારે અનેક વ્યક્તિઓના રંગને સાચવીને, એની આસપાસ વહેંચાઈને, વિખરાઈને જીવ્યા જ કરે ત્યારે એનું પોતાનું અસ્તિત્વ, એનો મૂળ રંગ ઘસાઈ જાય છે, ખોવાઈ જાય. આપણી માગણીઓ પૂરી કરવામાં એની લાગણીઓ ઘવાયા કરે… ને તો પણ એ કંટાળે ત્યારે આપણે એનો વાંક કાઢીએ. મમ્મીનો સાચો રંગ કંટાળાનો નથી… એ તો ઉપર ચઢેલી પરત છે. આ ધૂળેટીએ મમ્મીના કંટાળાના રંગને ખંખેરીને એને મજાનો, આનંદનો, ખુશીનો, મુક્તિનો મૂળ રંગ શોધવામાં મદદ કરીએ ! ધૂળેટી જીવનનો રંગોનો તહેવાર છે, એક રંગ આપણી મમ્મીની જિંદગીમાં આપણા તરફથી પણ ઉમેરીએ, એના પ્રત્યેની આપણી જવાબદારીનો રંગ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *