‘હું જ્યાં છું ત્યાં જ બરાબર છું. મારે આગળ નથી વધવું… મારે એવું કંઈ નથી કરવું જેનાથી મારા પરિવારને હાનિ પહોંચે.’ 23 વર્ષનો એક છોકરો રડતો રડતો હાથ જોડીને પોતાના પરિવારને હેરાન નહીં કરવાની વિનંતી કરે છે. આ છોકરાના પરિવારને એના ગામના સરપંચે પોતાના ઘરમાં પૂરી દીધો હતો, એ જૂના મકાનને સળગાવી દઈને આખા પરિવારને અંદર બાળી નાખવાની ધમકી આપીને સરપંચે એ છોકરાએ ભરેલું ચૂંટણી ફોર્મ પાછું ખેંચાવડાવ્યું… હવે, આ છોકરો અમદાવાદ શહેરમાં ઘરકામ કરે છે. બી.એ. પાસ થયેલા આ છોકરાને મજબૂરીમાં ગામ છોડવું પડ્યું છે. અમદાવાદ આવ્યા પછી લગભગ એક વર્ષ નોકરી માટે પ્રયત્ન કરવા છતાં નોકરી ન મળી એટલે અંતે ઘરકામ કરવાનું શરુ કરવું પડ્યું.
આ કથા માત્ર રાજસ્થાનના કોઈ એક ગામ પૂરતી નથી. દેશના અનેક નાના ગામોમાં આવી કથા ક્યાંકને ક્યાંક બની ચૂકી છે, બની રહી છે. માતા-પિતા પોતાના સંતાનને, દીકરાને ભણાવી-ગણાવીને આગળ વધારવાના સપનાં જુએ છે. પોતે જે મજૂરી કરી કે, જે ગરીબી અને તકલીફ ભોગવી એ પોતાનું સંતાન ન ભોગવે એવું સ્વપ્ન દરેક માતા-પિતાનું હોય એ સ્વાભાવિક છે. આપણે ગમે તેટલો પ્રચાર અને પ્રસાર કરીએ, દરેક ટ્રકની પાછળ ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ લખાય, પરંતુ સાચા અર્થમાં નાના ગામમાં દીકરીનું ભણવું કેટલું અઘરું છે એ સત્ય એને જ સમજાય જે આવા નાના ગામો સાથે સંબંધ ધરાવે છે.
આપણને સૌને લાગે છે કે ભારત આગળ વધી રહ્યું છે, ટેકનોલોજીનો વિકાસ થયો છે, જેનાથી ગરીબોનું, ખેડૂતોનું ભલું થાય એવી અનેક યોજનાઓ સરકાર અમલમાં મૂકી રહી છે. મેડિકલ, એજ્યુકેશન અને સુરક્ષાના ક્ષેત્રે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે એવું શહેરમાં બેઠેલી વ્યક્તિઓને લાગે છે અથવા લગાડવામાં આવે છે. સત્ય એ છે કે જે લોકો આજ સુધી ગામના લોકોને દબાવતા, ડરાવતા આવ્યા છે એ લોકો આજે પણ ગામના લોકોને આગળ વધવા દેવા માગતા નથી. આપણે ફિલ્મોમાં કે ટેલિવિઝન સીરિયલ, વેબસીરિઝમાં જે જોઈએ છીએ એ તદ્દન ખોટું નથી. ચાર-છ મુઠ્ઠીભર લોકો આખા ગામ ઉપર પોતાની ધોંસ જમાવે છે. પોલીસ અને સરકારી અધિકારીઓ પણ ક્યારેક એને મદદ કરે છે.
આઝાદીના સાડા સાત દાયકા પછી આપણે જે સ્વતંત્રતાની વાત કરીએ છીએ એ સ્વતંત્રતા હજી સુધી છેવાડાના ગામોમાં પહોંચી નથી. દીકરીને વધુ ભણાવવામાં આવતી નથી કારણ કે, નાના ગામમાં પ્રાથમિક શાળાથી વધુ શિક્ષણ ઉપલબ્ધ નથી. હાઈસ્કૂલમાં ભણવા માટે સાઈકલ પર જતી દીકરી સુરક્ષિત નથી, ભણેલી દીકરી ગામમાં પરણવા યોગ્ય મુરતિયો મેળવી શકતી નથી. આપણને કદાચ આ વાત માન્યામાં ન આવે, પરંતુ સત્ય એ છે કે શહેરમાં આપણા પાકા મકાનોમાં રહેતા આપણે, શાવરમાં નહાતા અને એસીમાં બેસતા આપણને ખબર જ નથી કે ભારતના 70 ટકા ગામડાઓની પરિસ્થિતિ શું છે ! નવાઈની વાત એ છે કે આપણને એ જાણવામાં રસ પણ નથી. એ ગામડાઓ આ દેશનો હિસ્સો છે, આપણે જે અનાજ ખાઈએ છીએ એ આ ગામોમાં પાકે છે. આપણા ઘરોમાં કામ કરનારા, ટ્રક ડ્રાઈવર્સ, મીલ મજૂરો અને બીજા મહેનતનું કામ કરનારા અનેક લોકો આ ગામોમાંથી આવે છે તેમ છતાં, આપણે જાણતા નથી કે આ બધા આપણા જીવનને કેટલું સરળ અને સગવડભર્યું બનાવે છે !
આપણે માટે ગામડું એટલે કોઈ હરિયાળો વિસ્તાર ! સિનેમામાં દેખાતી એક છલોછલ નદી, એના કાંઠે ખેતરો, રૂપાળી ગાતી છોકરીઓ અને ઝાડની ડાળે બાંધેલા હિંચકા… બળદગાડામાં ભરી ભરીને લઈ જવાતું અનાજ, ઉગતો સૂરજ, ગાતા પંખીઓ, દોહવાતી ગાયો… સત્ય એ છે કે હવે ગામડામાં આ બધું દુર્લભ થતું જાય છે. પાણી અને વીજળીના પ્રશ્નો કેટલીક જગ્યાએ એટલા તીવ્ર છે કે ખેડેલા ખેતરો સૂકાય છે. વાવેલું અનાજ બાત્તલ જાય છે. ગામડાની શાળામાં જે શિક્ષકોને મૂકવામાં આવે છે એ છોકરાઓ પાસે પોતાના ઘરનું કામ કરાવે છે !
ચાર-પાંચ શિક્ષકો નક્કી કરે એ પ્રમાણે દર અઠવાડિયે વારા મુજબ શિક્ષકો ભણાવવા જાય છે. ચારથી પાંચ ધોરણમાં એક જ શિક્ષક હોય અને હાજરી પૂરીને બપોર પછી છોકરાઓને છોડી મૂકવામાં આવે એવું કેટલીયે શાળાઓમાં જોવા મળે છે. કચ્છના શિક્ષકને મહેસાણામાં, સૌરાષ્ટ્રના શિક્ષકને ડાંગના નાનકડા આદિવાસી ગામમાં મૂકવામાં આવે ત્યારે બોલીથી શરૂ કરીને ભોજન અને બાળક સાથેના રેપો સુધીના બધા જ પ્રશ્નો ઊભા થાય છે. તદ્દન જુદી બોલીમાં ભણાવતા શિક્ષક સાથે બાળકો ગોઠવાઈ શકતા નથી ને શિક્ષક માટે પણ આ નવી ચેલેન્જ હેન્ડલ કરવી લગભગ અસંભવ બની જાય છે. દૂરદરાજના ગામોમાં પોસ્ટીંગ થાય ત્યારે અધિકારીઓ એને પનિશમેન્ટ પોસ્ટીંગ તરીકે જુએ છે. ધુંધવાયેલા, અકળાયેલા અધિકારીઓ પોતાની એકલતા અને કંટાળાનો બદલો નાના ગામના અણસમજુ અને ભલા લોકો ઉપર લે છે.
થોડાક લોકો આદિવાસી વિસ્તારોમાં પુસ્તકો કે અનાજ વિતરણ કરીને ગામડાઓમાં ચપ્પલ, ધાબળા, દવાઓ આપીને, મેડિકલ કેમ્પ કરીને પોતાની ફરજ પૂરી થયાનો સંતોષ માની લે છે. સાચું પૂછો તો ગામડાના લોકોને વસ્તુઓની એટલી જરૂર નથી જેટલી સમજણ અને માહિતીની જરૂર છે. એ વિશે આપણે તદ્દન ઉદાસીન છીએ, બલ્કે જો વિચારીએ તો સમજાય કે આપણે ઈચ્છતા જ નથી કે માહિતી અને ટેકનોલોજી ગામડા સુધી પહોંચે. સરકારી અધિકારી જે ગામોમાં પોસ્ટીંગ થાય એ ગામમાં કોઈ બદલાવ લાવવાને બદલે ત્યાંની પ્રજા વધુ અજ્ઞાન અને માહિતીના અભાવ વગર જીવે એવો જ પ્રયાસ કરે છે. બહુ ઓછા અધિકારી એવા છે કે જે સાચા અર્થમાં પોતાની પોસ્ટ અને પોતાને મળેલા અધિકારોનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારને ફાયદો મળે એવો પ્રયાસ કરે.
બીજી તરફ, ગામડાના લોકો પણ હવે મોબાઈલની ક્રાંતિને કારણે કનેક્ટેડ થયા છે. એમની પાસે ટેક્નોલોજી આવી છે પણ સમજણ આવે તે પહેલાં ! ટેક્નોલોજી પાસે જે શીખવું અને સમજવું જોઈએ એને બદલે સિનેમા, વેબસીરિઝ અને પોનોગ્રાફી ગામડામાં વધુને વધુ ફેલાતી જાય છે. મોટાભાગના ગ્રામ્ય યુવાનો પાસે એક્સપોઝર નથી, જીવનને જોવાની દૃષ્ટિ કેળવાય તે પહેલાં જ એમને દુનિયા સાથેનું કનેકશન મળી ગયું છે. માહિતીનો સદઉપયોગ શીખી શકે તો ગામડું ખૂબ વિકાસ સાધી શકે, પરંતુ અત્યારે તો મોબાઈલના મુખ્ય ઉપયોગમાં શહેરની છોકરીઓને ગંદી દૃષ્ટિએ જોવાથી શરૂ કરીને નશાખોરી સુધી બધું જ ગામડાના યુવાનોમાં વધવા લાગ્યું છે.