2020નું વર્ષ શરૂ થયું ત્યારથી જ એક યા બીજી રીતે સમસ્યાપૂર્ણ વર્ષ રહ્યું છે. માર્ચની 22મીએ જનતા કરફ્યુ પછી આપણો દેશ લોકડાઉનની સમસ્યામાં સપડાયો. હવે યુદ્ધના પડઘમ વાગી રહ્યા છે. અઢી મહિનાના લોકડાઉન પછી આર્થિક રીતે જે માર પડ્યો છે એ પછી ભારત માટે યુદ્ધ કેટલું ખર્ચાળ અને આર્થિક, માનસિક રીતે કેટલી બધી સમસ્યાઓનું કારણ બનશે એનો આપણને હજી અંદાજ નથી, કદાચ. ચીન હોય કે પાકિસ્તાન, સીમાઓ ઓળંગવાની જુર્રત એ અવાર-નવાર કરતા રહ્યા છે. ભારતે આ બંને દેશોને દરેક વખતે પાઠ ભણાવીને મારી ભગાડ્યા છે, પરંતુ અત્યારે જે સ્થિતિ છે એમાં જો સાચે જ યુદ્ધ કરવાનું આવે તો આપણે કેવી અને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે એ વિશે હજી આપણે બધા જ અજ્ઞાત છીએ.
કોરોનાથી શરૂ કરીને જીડીપી સુધીના આંકડા, સેન્સેક્સથી શરૂ કરીને સાજા થઈ રહેલા લોકોના આંકડા રોજ બદલાય છે. કેટલા સાચા, કેટલા ખોટા એ વિશે શંકા-કુશંકા થતી રહે છે ત્યારે યુદ્ધની આપણી તૈયારી છે ખરી? ભારત અનેક વર્ષોથી આક્રમણકારીઓની નજરમાં રહ્યું છે. રેશમ, મસાલા, મલમલથી શરૂ કરીને ભારતીય બંદરો ઉપર લાંગરતા વિશ્વભરના જહાજોની કથા આપણે ઈતિહાસમાં વાંચી છે. ઈતિહાસ લખવાનો અને વાંચવાનો ઉદ્દેશ એ છે કે ઈતિહાસમાંથી બોધપાઠ લઈને જીવનઘડતર અને રાષ્ટ્રઘડતર થવું જોઈએ. જે પેઢી એ ઈતિહાસની સાક્ષી નથી બની શકી એ પેઢીને એટલું સમજાવું જોઈએ કે એમને મળેલી સ્વતંત્રતા અને સગવડો માટે કંઈ કેટલીયે પેઢીઓએ પોતાનું બલિદાન આપ્યું છે.
ઈરાનના હખામની વંશના રાજા કુરુષ (ઈ.સ. પૂર્વે 558-530) એક વિશાળ સેના સાથે ભારત પર આક્રમણ કરે છે. ગોરબંદ અને કાબૂલના ઉત્તર પૂર્વમાં આવેલા પંચશીર નદીઓના સંગમ પાસે કાપીશ નામની નગરીને નષ્ટ કરીને સિંધુ નદીના પશ્ચિમ તરફના ભાગને પોતાના તાબા હેઠળ લે છે, પરંતુ સિંધના વીર રાજા સાથેના યુદ્ધમાં એનો પરાજય થાય છે અને ફક્ત સાત માણસો સાથે એ બચીને ઈરાન પાછો જાય છે. એ પછી હખામની વંશનો રાજા દારા ધસી આવે છે. યુનાન, મકદુનિયાના રાજા ફિલિપ્સનો પુત્ર એલેક્ઝાન્ડર 28 વર્ષની ઉંમરે (ઈ.સ. પૂર્વે 327માં) ભારતના સીમાડે આવે છે, પરંતુ ઝેલમ નદીના કાંઠે પોરશ સાથે યુદ્ધ કરે છે. ઘણા બધા મૂલ્ક જીત્યા પછી તાવની બીમારીમાં ઈરાકમાં બેબીલોનમાં એનું મૃત્યુ થાય છે, ત્યારે એ 33 વર્ષનો હતો !
એ પછી ચંદ્રગુપ્ત મૌર્યનો સમય આવે છે. ઈ.સ. પૂર્વે 322માં ચંદ્રગુપ્ત મગધના સિંહાસન પર બેસે છે. તક્ષશિલા જેવી વિદ્યાપીઠને અમર બનાવે છે અને ગ્રીક સેનાપતિ સેલ્યુકસ નિકેટર સાથે યુદ્ધ કરે છે, પરંતુ સેલ્યુકસ હારે છે. પાટલીપુત્રમાં રાજદૂત મેગસ્થનિસ ‘ઈન્ડિકા’ નામના ગ્રંથમાં ભારતના ઈતિહાસને મદદરૂપ થાય એવી કેટલીયે સામગ્રી છોડી જાય છે.
ચંદ્રગુપ્ત પછી બિંદુસાર, પછી અશોક…
ભારત યુદ્ધથી ટેવાયેલો દેશ છે. શક, હૂણ, યુ.ચી. વગેરે મધ્ય એશિયાથી આવ્યા. અત્યંત નિર્દયી અને બર્બર યુદ્ધો કર્યા. દેશને લૂંટ્યો… ત્યારે (ઈ.સ. 606માં) હર્ષવર્ધન સોળ વર્ષની ઉંમરે ગાદીએ બેઠો. ઈ.સ. 648માં એનું મૃત્યુ થયું ત્યાં સુધી ભારતનું એક શક્તિશાળી રાજ્ય સ્થપાયું. હ્યુ-એન-ત્સિઅંગ એ સમયમાં ભારત આવ્યો. એણે ભારતની જાહોજહાલી અને એ સમયનું વર્ણન પોતાના ગ્રંથમાં કર્યું છે.
એ પછીના રાજપૂતકાળમાં (7મી શતાબ્દી) અને મોહમ્મદ ગઝનવીના આક્રમણો સુધી ભારત હિંમતપૂર્વક સામનો કરતું રહ્યું. આરબોની નજરમાં ભારત આવ્યું, તુર્કીઓએ આક્રમણ કર્યા. ઈ.સ. 998માં મહમૂદ એના ભાઈ ઈસ્માઈલને હરાવીને ગાદીએ બેઠો. પ્રથમ આક્રમણ એણે પંજાબના રાજા જયપાલ પર કર્યું, ઈ.સ. 1001… એ પછી અનેક રાજ્યો, મંદિરો અને માણસોને તહસ-નહસ કરીને 23-04-1030ના દિવસે ભયંકર બીમારીથી 61 વર્ષની ઉંમરે મહમૂદ મૃત્યુ પામ્યો… કહે છે કે મરતી વખતે એ ખૂબ રડ્યો હતો. પોતે કરેલા યુદ્ધોનો એને ભયાનક પસ્તાવો હતો !
એ પછી મોંગોલ આવ્યા, ચંગિઝખાં, તૈમૂર, ગ્યાસુદ્દીન બલબન, અલ્લાઉદ્દીન ખિલજી સુધી (1926-1316) સુધી ભારત સતત યુદ્ધ કરતું રહ્યું છે… અંગ્રેજોને ભગાડ્યા ત્યાં સુધીના સમયમાં દેશને અખંડ અને એકત્રિત રાખવા માટે અનેક યોદ્ધાઓએ પોતાનો જીવ આપી દીધો.
આજે પણ આ ઇતિહાસ તપાસીએ તો સમજાય કે ભારત ઉપર સતત વિદેશીઓની નજર રહી છે. પહેલી અને બીજી વર્લ્ડવોર, 1965, 1967, 1971 અને 1999 સુધી ભારત અનેક યુદ્ધનો સામનો કરતું રહ્યું છે. આપણે આ બધામાંથી પસાર થઈને પણ આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે જીવી રહ્યા છીએ એનું એક કારણ એ છે કે આપણે વોર ઈમ્યુન પ્રજા છીએ. આક્રમણો આપણને ડરાવતા નથી, યુદ્ધો આપણને ભયભીત કરતા નથી. આપણા દેશમાં આજે પણ લશ્કરમાં જવું એક કૌટુંબિક પરંપરા રહી છે.
શહીદની વિધવા પૂરી હિંમત અને દ્રઢતા સાથે પોતાના પતિને વિદાય આપે છે, અને દીકરાને લશ્કરમાં જવા પ્રેરણા આપે છે. જોકે, કોઈપણ યુદ્ધ માત્ર સૈનિકો નથી લડતા. દેશમાં વસતા નાગરિકોએ પણ પોતાના ભાગનું યુદ્ધ લડવું પડે છે. બોર્ડર પર જવું, શસ્ત્રોથી સામનો કરવો કે લોહી વહાવવું એ જ યુદ્ધ નથી. દેશમાં વસતા નાગરિકોએ પોતાની હિંમત અને મજબૂતીથી આવા કટોકટીના સમયમાં દેશની ભીતરથી તાકાત ટકાવી રાખવી એ પણ એક યુદ્ધ જ છે. આપણે કદાચ બોર્ડર પર ન જઈ શકીએ, પરંતુ આપણા દેશને જે અને જેવી મદદ કરી શકીએ તો આપણે પણ એક સૈનિક જેટલી જ જવાબદારી નિભાવી શકીશું.