સ્વતંત્રતા… બહુ લોભામણો અને ગૂંચવનારો શબ્દ છે. દરેક વ્યક્તિની આ શબ્દની સમજ અને અભિવ્યક્તિ અલગ હોય છે. છેલ્લા દોઢ દાયકામાં આપણે સ્વતંત્રતાને તોડી-મરોડીને અંગત સગવડ, ઉપયોગમાં લેવાની વસ્તુ બનાવી દીધી છે.
આમ જોવા જઈએ તો બાળક જન્મથી જ સ્વતંત્ર હોય છે. એ પોતાની આગવી ફિંગરપ્રિન્ટ્સ અને આગવો ચહેરો લઈને જન્મે છે. કદાચ માતા-પિતાની કે પરિવારની કોઈ વ્યક્તિની ઝલક મળે તો પણ દરેક નવા જન્મનાર બાળક પાસે એક વ્યક્તિત્વ અને એક ચહેરો હોય છે, જે એના પોતાનાં છે. દરેક વ્યક્તિ પાસે પોતાના વિચાર હોવા જોઈએ, એવું માનતો આખો સમાજ, સ્વતંત્ર વિચારોથી ડરે છે. જે નવી વાત છે, એમની સમજણ કે સ્વીકારની બહાર છે, એ દરેક વાતને નકારી દઈને સમાજ સલામતી અનુભવે છે.
મા-બાપ વૃદ્ધ થાય અને સંતાન યુવાન થાય એટલે જવાબદારીઓના પલડાં ઉપર-નીચે થાય, એ પરંપરા હતી. બદલાતા સમય સાથે આ પરંપરા અને અપેક્ષા બદલાયાં. વિદેશ જનારા સંતાનો હવે પાછા ફરવાનું ટાળે છે. વૃદ્ધ માતા-પિતાને વિદેશમાં ગમતું નથી, એટલે એ એકલાં રહેવાનું પસંદ કરે છે. એક સમય એવો આવે છે કે જ્યારે માતા-પિતા અને સંતાનને પણ એકબીજાની સાથે રહેવાનું અનુકૂળ નથી આવતું. ટેલિવિઝન અને સોશિયલ મિડિયાના વધતા જતા વ્યાપથી હવે દરેક વ્યક્તિ પાસે જરૂર કરતાં વધુ માહિતી છે. હવે પતિ-પત્ની પણ એકબીજાથી સ્વતંત્ર વિચારતાં અને જીવતાં થયાં છે.
એમના ફોન, બેન્કના ખાતાં અને ઈન્વેસ્ટમેન્ટ હવે એકબીજાથી સ્વતંત્ર છે ! એવી જ રીતે માતા-પિતા પણ દીકરાના લગ્ન પછી એ સાથે રહે એવો આગ્રહ છોડતા જાય છે. પરણીને આવેલી પુત્રવધૂ પતિનો પૂરો સમય ઈચ્છે છે, એને પરંપરાઓમાં કે પારિવારિક સંબંધોમાં બંધાઈને રહેવું ફાવતું નથી… એક નવી સમજણ અને વ્યાખ્યા ઊભી થઈ છે કે, “ઘર જુદાં હોય તો મન ભેગા રહી શકે.” આ વ્યાખ્યા કેટલી સાચી છે, એ તો દરેક વ્યક્તિએ જાતે નક્કી કરવાનું છે, પરંતુ નવી પેઢીની સ્વતંત્રતા ઘણા-ખરા અંશે એમના નિર્ણયથી શરૂ કરીને જીવનશૈલી સુધી કોઈને અનુકૂળ ન થવાની સ્વતંત્રતા છે. 20-22 વર્ષના સંતાન જ્યારે ઘરમાં સાથે રહેતાં હોય ત્યારે મોટાભાગના માતા-પિતાની ફરિયાદ હોય છે કે ભોજન, સવારના જાગવાનો સમય, કે ઘરના કામની જરૂરિયાતોમાં એ પેઢી ‘પોતાની રીતે’ જ જીવવા માગે છે, પરંતુ એમની આ સ્વતંત્રતા ‘આર્થિક’ નથી, માનસિક છે. માતા-પિતાની સંપત્તિ અને પોતાને મળેલી બધી જ સગવડોનો લાભ લઈને આ પેઢીને સ્વતંત્રતા માણવી છે. એમાં કોને, કેટલી તકલીફ પડે છે એ વાત એમને સમજાતી નથી, ને કદાચ સમજાતી હોય તો પણ એમને એમાં કશું બદલવામાં બહુ રસ નથી.
એની સામે એમના જ માતા-પિતા, જે 60ના દાયકાની આસપાસ જન્મેલા, આજે જિંદગીના પાંચ દાયકા વટાવીને સેટલ થયેલા, થોડા પૈસા અને પ્રોપર્ટી ઊભી કરી શક્યા હોય તેવા ઘણા બધા લોકો હવે પોતાની સ્વતંત્રતા ઈચ્છે છે. એમને સંતાનની આસપાસ પોતાની જિંદગી ગોઠવવામાં રસ નથી, તેમ છતાં એ ઈચ્છે છે કે એમના સંતાનો એમના કન્ટ્રોલમાં રહે. એમણે જે સ્વતંત્રતા આપી એનો એમના સંતાનોએ દુરુપયોગ કર્યો, ગેરલાભ ઉઠાવ્યો એવી ફરિયાદ ઘણા પરિવારોમાં સાંભળવા મળે છે. પરસ્પર સ્વતંત્રતા ઝંખતી આ બંને પેઢીઓ સ્વતંત્રતા આપી શકતી નથી, અહીંથી સંઘર્ષ શરૂ થાય છે. સત્ય એ છે કે આ સંઘર્ષ સ્વતંત્રતાનો નહીં, જીવનશૈલીનો છે. આપણે એને ‘સ્વતંત્રતા’નું લેબલ લગાવીને કારણ વગર મોટો પ્રશ્ન બનાવ્યો છે.
અહીં અગત્યની બાબત એ છે કે પ્રાઈવસી (અંગતતા) અને સ્વતંત્રતા જુદા શબ્દો છે. આપણે સ્વતંત્રતાને સંકુચિત બનાવી દીધી છે. શું ખાવું, શું પહેરવું, કોની સાથે સંબંધ રાખવો અને કોને પરણવું જેવા વિચારોને સ્વતંત્રતા સાથે કોઈ સંબંધ જ નથી. એ અંગત ‘પસંદગી’ છે, ગમા-અણગમા છે. સ્વતંત્રતા અભિવ્યક્તિની હોઈ શકે. વિચારોની, વ્યવહારની અને સિદ્ધાંતોની હોઈ શકે. એમાં આપણે કોઈને તસુભાર ચસકવા દેતા નથી !
પ્રધાનમંત્રીથી શરૂ કરીને ઈશ્વર, ધર્મ જેવા વિષય પર વ્યક્તિને પોતાના વિચાર હોઈ શકે એવી સ્વતંત્રતા હવે આ સમાજ આપતો નથી. સોશિયલ મિડિયા ઉપર પોતાના એફ.બી. કે ઈન્સ્ટાગ્રામ જેવા અંગત પ્લેટફોર્મ પરથી જો કોઈ પોતાનો વિચાર વ્યક્ત કરે તો એને તરત જ ટ્રોલ કરવામાં આવે છે. પાકિસ્તાન મોકલી દેવાની ધમકી સાથે અથવા એના અંગત જીવનની વાતોને બજારમાં લાવીને એને અપમાનિત કરવા સુધી બધું જ કરી છૂટવામાં આવે છે, એની સ્વતંત્રતાને છીનવી લેવા માટે ! ટૂંકમાં, “હું જે માનું છું તે જ તમારે માનવું પડે, સ્વીકારવું પડે.” એવા હઠાગ્રહ, દુરાગ્રહ સાથે આખો સમાજ વ્યક્તિની સ્વતંત્રતાને છિન્ન-ભિન્ન કરી દેવા તત્પર છે.
અંગત પસંદગી અથવા નિર્ણય વ્યક્તિને પોતાને અને એની સાથે જોડાયેલા થોડાક લોકોને અસર કરે છે, પરંતુ સ્વતંત્રતા આખા સમાજને અસર કરે છે.
જે સમાજ વિકાસ ઝંખતો હોય, પ્રગતિ માટે પ્રયત્નશીલ હોય એ સમાજમાં સ્વતંત્રતા તો પહેલી શર્ત હોવી જોઈએ. જો આપણે વ્યક્તિને સ્વતંત્ર રીતે વિચારવા કે અભિવ્યક્ત થવા જ નહીં દઈએ તો બધા એક સરખું વિચારતા અને વર્તતા થઈ જશે. અપમાનિત કે ટ્રોલ થવાનો ભય બતાવીને જો અભિવ્યક્તિની સ્વતંત્રતા ખૂંચવી લેવામાં આવશે તો માણસ ડરી-ડરીને જીવતો થઈ જશે. જો, નવો વિચાર કે અભિવ્યક્તિ આવશે જ નહીં તો પ્રગતિ કે વિકાસ ક્યાંથી થશે ? ભય એને ક્યારેય ‘સાચું’ કહેવા નહીં દે. જે સાચું નહીં બોલે, એ બધા જ બનાવટી થઈ જશે. દરેકનું સત્ય વ્યક્તિના અનુભવ અને માન્યતા પર આધારીત છે. મને જે સત્ય લાગતું હોય એ દરેકને ન લાગે એ વાત આપણે સ્વીકારવી પડશે, એને જ સ્વતંત્રતા કહેવાય !
સમજદાર હોવાની નિરર્થકતા ધીમે ધીમે આપણા બધાના માનસને ગ્રસી રહી છે. “જુદા પડીશું તો ટોળું ચૂંથી નાખશે.” એ ભય સહુને ડરાવી-દબાવી રહ્યો છે. કોઈ નવું કહેવા, કે હિંમતથી ખોટી બાબત તરફ ધ્યાન દોરવા હવે આગળ નથી આવતા, કારણ કે સામે ઊભેલું ટોળું એમના અવાજને દબાવવા કંઈ પણ કરી છૂટશે એની સૌને ખબર છે.
ધ્યાનથી જોઈશું તો અરીસો કહેશે કે આપણે જ છીએ આ ટોળું, આપણે જ છીએ આ બંધ કૂવા જેવી માનસિકતાના શિકાર…
સ્વતંત્રતા તો માણસમાત્રના અસ્તિત્વનો આધાર છે. જે સમાજ વિકાસ ઝંખે, આગળ વધવા માગે, એ અભિવ્યક્તિ અટકાવીને પોતાની જ પાંખો કાપી રહ્યો છે.