લોકડાઉન પછી આપણે બધા થોડા બદલાયા છીએ. “સુધર્યા” છીએ નહીં કહું ! સાચું પૂછો તો આવા એકાદ પદાર્થ પાઠની આપણને જરૂર હતી. કુદરત જ નહીં આપણે આપણી આસપાસના કેટલાય લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને જીવતા શીખી ગયા હતા. આપણી આસપાસની દુનિયા જાણે કે આપણી જ સગવડ માટે ઊભી કરવામાં આવી છે એવા કોઈ ભ્રામક ખ્યાલ સાથે આપણે ફક્ત આપણા વિશે વિચારતા માણસો હતા. સાચું પૂછો તો આમાં કોઈ બાકી નથી. પ્રમાણ ઓછું વત્તુ હોઈ શકે, પરંતુ માણસ તરીકે સ્વાર્થની વૃત્તિ જાણે કે આપણા જીવનની સૌથી મહત્વની વૃત્તિ બની ગઈ હતી. ઘરકામ કરવાવાળા, કચરો લેવાવાળા, ઈસ્ત્રી કરનાર, માળી, ચોકીદાર, ડ્રાઈવર, પ્લમ્બર, મિસ્ત્રીથી શરૂ કરીને આપણી દુનિયાને પૂરેપૂરી સગવડ સાથે કમ્ફર્ટેબલ રાખનાર લગભગ તમામ કામદારો વિશે આપણે એમ માનતા રહ્યા કે એ જે કંઈ કરે છે એ એમની ‘ફરજ’ છે. આપણે લગભગ બધા એક વાક્ય અવાર-નવાર બોલ્યા છીએ, “પૈસા લે છે. કંઈ મફત થોડું કરે છે ?” હવે જ્યારે આ 21 દિવસના લોકડાઉન દરમિયાન જાતે કામ કરવું પડ્યું, જાતે બગીચાને પાણી પાવુ પડ્યું, રસોઈ કરવી પડી ત્યારે આપણને એમના કામનું મહત્વ સમજાયું છે. આપણે બધા, હું પણ કદાચ આ મહત્વ એટલે જ સમજી શકી છું, કારણ કે મારી આસપાસની દુનિયા-સપોર્ટ સિસ્ટમ વગર હું પણ મારું કામ આટલી સરળતાથી નહીં કરી શકું એવું મને પણ સમજાયું છે ! આપણે ભાગ્યે જ આપણી સપોર્ટ સિસ્ટમનો આભાર માનીએ છીએ. થોડા વખત પહેલાં ટીવી પર એક એડવર્ટાઈઝમેન્ટ ચાલતી હતી, એક પિતા પોતાના પુત્રને કહે છે, “તુમને રામુ કો થેન્ક યુ કહા ?” દીકરો પૂછે છે, “કિસ લીયે ?” પિતા કહે છે, “વો તુમ્હે નાસ્તા કરાતા હૈ, ઘર સાફ રખતા હૈ, હમ સબ કા ખયાલ રખતા હૈ…” નવેક વર્ષનો દીકરો કહે છે, “યે તો વો રોજ હી કરતા હૈ.” પિતા કહે છે, “તો થેન્ક યુ ભી રોજ હી કહેના ચાહિએ !”
છેલ્લા થોડા દિવસોમાં આપણને સહુને સમજાયું છે કે જો “સપોર્ટ સિસ્ટમ” નહીં હોય તો દુનિયા પ્રગતિ, વિકાસ જેવા શબ્દોની સાથે ભયાનક સંઘર્ષ, ફ્રસ્ટ્રેશન અને અકળામણ જેવા શબ્દો જોડી દેશે. અત્યાર સુધી પત્નીને મદદ નહીં કરતા પતિદેવો એફ.બી. પર ફોટા મુકીને, રસોઈ, વાસણ કે કચરા-પોતુ “પોતે પણ કરે છે” એ વાતના સર્ટિફિકેટ ઉઘરાવતા રહ્યા. મજા એ છે કે આ 21 દિવસના લોકડાઉન દરમિયાન શીખેલી વાતોને આપણે ભૂલીએ નહીં. અત્યાર સુધી કરતા રહ્યા, કારણ કે “છૂટકો નહોતો”, પરંતુ જો આ લોકડાઉન પછી પણ સામાન્ય, રોજિંદી જિંદગી શરૂ થઈ ગયા પછી પણ જો આપણે પત્નીને, મમ્મીને નાનું-મોટું કામ કરાવતા રહીએ તો કદાચ ફરી આવો વારો ન આવે !
આપણે બધા પાઠ શીખવામાં થોડા નબળા છીએ. મુશ્કેલી આવે, સમસ્યા આવે ત્યારે ઝઝૂમીએ છીએ, સંઘર્ષ કરીએ છીએ, એક થઈએ છીએ, પરંતુ જેવી સમસ્યા ટળી જાય એટલે પાછા હતા એવા ને એવા… આ 21 દિવસ દરમિયાન શીખેલી વાતો ખરેખર યાદ રાખવા જેવી છે. ચોખ્ખું આકાશ, શુદ્ધ હવા, ઓછો ટ્રાફિક અને થોડો સમય માટે ખુલતી દુકાનોમાં લાઈનબંધ ઊભા રહીને ડિસીપ્લીનથી કરવી પડતી ખરીદીના આ પાઠ કદાચ આપણને મજબૂત રાષ્ટ્ર બનવામાં મદદ કરશે. ધક્કામુક્કી ન કરવી, જરૂર હોય એટલું જ ખરીદવું…થી શરૂ કરીને આપણી આસપાસ કામ કરનારા લોકોને સન્માન આપવું, એમની સાથે પૈસામાં રકઝક ન કરવી જેવી બાબતો આપણે આ દિવસો દરમિયાન ન છૂટકે શીખ્યા !
ફાઈવ સ્ટાર હોટેલના બિલમાં આપણે કોઈ દિવસ રકઝક કરી શકતા નથી, પરંતુ ઘરના લીક થતા નળ કે બ્લોક થઈ ગયેલો ખાળ સાફ કરવા આવનાર પ્લમ્બર કે સફાઈ કામદાર સાથે સો-પચાસ રૂપિયામાં રકઝક કરીને એના પૈસા કાપીને આપણને જીત્યાનો આનંદ થાય છે… આ છોડી દેવું જોઈએ એવું જો આપણને લોકડાઉન દરમિયાન સમજાયું હોય તો આપણે આપણી જાતને સારા સ્ટુડન્ટ કહી શકીએ.
આ માત્ર કામવાળા, રસોઈવાળા, કચરો લેવાવાળા કે માળી-ડ્રાઈવરની ચર્ચા નથી, કદાચ ! કામ કરતી, વ્યવસાય કરતી પુત્રવધૂઓ ઘણીવાર એવું સમજી શકતી નથી કે એ જ્યારે ઘરે આવે છે ત્યારે એમને મળતી તૈયાર રસોઈ (બધાને નહીં મળતી હોય તેમ છતાં જેને મળે છે એણે તો સમજવું જ પડે.) માટે સાસુનો આભાર માનવો રહ્યો.
આ દિવસો દરમિયાન જે પતિદેવો, પિતા કે સસરા, પુત્ર કે પુત્રવધૂએ ઘરના કામમાં મદદ કરી હોય એ સહુએ આપણા પ્રત્યે લાગણી બતાવીને આપણું કામ ઘટાડ્યું. હવે લોકડાઉન ખુલી ગયા પછી એમને મ્હેણા મારવા કે ‘જરૂર પડે ત્યારે તો બધા કરે… હવે કરો તો સાચા.’ જેવા કડવા શબ્દો બોલવાને બદલે શાંતિથી ઘરની તમામ વ્યક્તિઓને એમની જવાબદારી સોંપી દેવી વધુ યોગ્ય રસ્તો છે. આપણાથી જે ન થતું હોય, થાક લાગતો હોય, પહોંચી ન વળાતું હોય એ વિશે સ્પષ્ટ કહીને એમની મદદ માગવામાં કોઈ નાનમ નથી. સહુ ઘરમાં રહે છે, તો સહુની જવાબદારી સહિયારી છે, એ સાચું, પરંતુ જે ઘરમાં વધુ સમય રહેતું હોય એ થોડી વધુ જવાબદારી લે એમાં કંઈ ખોટુંય નથી.
આપણે બધા ‘સંવાદ’ શબ્દ ભૂલી ગયા હતા. સંવાદના નામે, કાં તો સૂચના અને કાં તો દલીલ આપણી વાતચીતની દિશા બની જતા. સાથે રહેતા રહેતા કદાચ એવું સમજાયું છે કે માત્ર કેટલા વાગે આવીશું, શું ખાઈશું, ક્યાં જવાનું છે અથવા હોમવર્ક કરી લે, જમી લે અને ન્હાઈ લે સિવાય પણ વાતચીતના વિષયો અને સંવાદ હોઈ શકે છે. જે લોકોએ આ છેલ્લા થોડા દિવસોમાં જીવનસાથી સાથે, માતા-પિતા સાથે, સંતાનો સાથે સંવાદ કર્યો હશે એ સહુને સમજાયું હશે કે આ તો ક્યારનું કરવાનું હતું, એટલું જ નહીં સાવ સહેલું પણ હતું. થઈ શક્યું હોત, ક્યારનું !
આપણને બધાને છેલ્લા થોડા દિવસો દરમિયાન પરિવારનું મહત્ત્વ, એકાંતની અગત્યતા સમજાયા છે. બિનજરૂરી બકવાસ કરવાને બદલે ચૂપ રહી શકાય છે, એવું પણ આપણે શીખ્યા, કદાચ ! અર્થ એ થયો કે આ દિવસો દરમિયાન જે કંઈ શીખ્યા તે બહુ મહત્વનું હતું. કુદરતે આપણને આ શીખવા માટે જ કદાચ આ સમય આપ્યો હતો. ધરતીકંપ પછી, સુનામી પછી, બર્ડ ફ્લ્યુ કે સ્વાઈન ફ્લ્યુ પછી આપણે જે નથી શીખ્યા એ… જિંદગીથી વધુ મહત્વનું કંઈ નથી, પૈસા, સત્તા, સગવડ અને સંપત્તિ હશે પરંતુ સંબંધો નહીં હોય તો કંઈ કામનું નથી…. આવી બાબતોને ભૂલી જવાને બદલે યાદ રાખીને હવે પછીના દિવસોમાં એક બહેતર જિંદગી, બહેતર પરિવાર અને બહેતર સ્વાસ્થ્યનો પ્રયાસ કરતા રહીએ તો કદાચ એક બહેતર સમાજ અને બહેતર રાષ્ટ્રનું નિર્માણ અઘરું નહીં પડે.