એક તરફ ઓફિસની બહાર અગાશીમાં કબીરની સામે ઊભેલો માધવ સમજી નહોતો શકતો
કે, એની સાથે શું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે!
તો બીજી તરફ, વૈશ્નવીનો ફોન ડિસકનેક્ટ કર્યા પછી એના પિતા મયૂર પારેખ બેચેન થઈ
ગયા હતા. એ પોતાની દીકરીની ભૂલને માફ કરી શકે એમ નહોતા, તેમ છતાં અત્યારે દીકરી જે
સમસ્યામાં સપડાઈ હતી એમાં એને તરછોડીને, સાવ નિર્દય થઈને નીકળી જઈ શકે એવી પણ
મયૂરભાઈની પ્રકૃતિ નહોતી. એમનો ક્રોધ, દીકરીએ કરેલા વર્તાવ પરત્વેનું દુઃખ એક તરફ અને
વૈશ્નવીની અત્યારની પરિસ્થિતિ બીજી તરફ… મયૂરભાઈ જાણે કે ધર્મસંકટમાં હતા.
એમને બરાબર ખબર હતી કે, સટ્ટામાં લગાડેલા પૈસાની એક-એક પાઈ વસુલ નહીં થાય ત્યાં
સુધી ઈકબાલ જંપીને નહીં બેસે… એમણે એક વાર તો દીકરીને કહી દીધું હતું, “મેં તો તને ગઈકાલે
જ કહ્યું પડતો મૂક એને, આવી જા… હું બધું ભૂલી જઈશ, માફ કરી દઈશ. એનું જે થવાનું હોય તે
થાય. કર્યાં ભોગવશે. તું મારી દીકરી છે ને એક ભૂલ તો ભગવાન પણ માફ કરે છે, પાછી આવી જા,
બેટા…” એમણે કહેતાં તો કહી દીધું, પરંતુ મયૂરભાઈ જે રીતે પોતાની દીકરીને, પોતાના લોહીને,
પોતાના ઉછેરને ઓળખતા હતા એ પછી એમને એટલી ખાતરી હતી કે વૈશ્નવી કોઈ દિવસ, આવી
ખરાબ પરિસ્થિતિમાં માધવને એકલો છોડીને એમની પાસે પાછી નહીં આવે.
મયૂરભાઈને બેચેન થઈને આંટા મારતા જોઈને વૈશ્નવીની મમ્મી, સંધ્યાબહેને ધીમેથી કહ્યું,
“મારું માનો, તમે જઈ આવો.” એમણે પતિની આંખમાં જોઈને જાણે ચેતવણી આપતા હોય એમ
કહ્યું, “એ તમારી જ દીકરી છે, એમ નહીં આવે.” એમનું ગળું ભરાઈ આવ્યું, “છોરુ કછોરુ થાય…”
મયૂરભાઈએ એમની વાત અડધેથી જ કાપી નાખી, “મેં પૂછ્યું તને?” મયૂરભાઈને આમ તો
પોતાની દીકરીની આ ખુમારી પર ગર્વ થતો હતો, પરંતુ સાથે સાથે એમને ગુસ્સો પણ આવતો હતો,
કારણ કે વૈશ્નવીએ એમની ઓફર નહીં સ્વીકારીને ફરી એકવાર એમના અહંકાર પર ચોટ પહોંચાડી
હતી. એમણે ઘેર પાછા આવવાનું કહ્યું, પરંતુ વૈશ્નવીએ ચોખ્ખી ના પાડી દીધી હતી. મયૂરભાઈએ
મન મનાવવાનો પ્રયાસ કરતાં કહ્યું, “એ એની ભૂલની સજા ભોગવી રહી છે. ભલે પડી ત્યાં…”
“કોણ ભૂલો નથી કરતું?” સંધ્યાબહેને ફરીથી શાંત ચિત્તે મયૂરભાઈની આંખોમાં આંખો
નાખીને પૂછ્યું હતું, “તમે કોઈ દિવસ કોઈ ભૂલ નથી કરી, એવું હૃદય પર હાથ મૂકીને કહી શકો?” આ
સવાલની પાછળનો એમનો ઈશારો મયૂરભાઈને બરાબર સમજાયો. વૈશ્નવીને પૂછ્યા વગર, એને
વિશ્વાસમાં લીધા વગર એમણે જે રીતે વૈશ્નવીના લગ્ન નક્કી કરી નાખ્યા એ બરાબર તો નહોતું જ.
મયૂરભાઈ પોતે આ વાત સમજતા હતા, પરંતુ સ્વીકારી શકતા નહોતા.
“મેં?” મયૂરભાઈનો અહંકાર ફૂત્કાર્યો, “મેં કોઈ ભૂલ નથી કરી. એક પિતા પોતાની પુત્રીનું
ભલું ઇચ્છે એને ભૂલ ન કહેવાય.” એમણે ઉમેર્યું, “કયો બાપ પોતાની દીકરીને ડ્રાઈવરના દીકરા જોડે
રાજી ખુશીથી પરણાવે?”
સંધ્યાબહેન થોડીક ક્ષણો મયૂરભાઈ સામે જોઈ રહ્યાં. “ડ્રાઈવરનો દીકરો!” મયૂરભાઈના
ઘરમાં દલીલ કરવાનો રીવાજ જ નહોતો. સંધ્યાબહેન પરણીને આવ્યા ત્યારથી પતિ કહે, તે જ સત્ય
એવું એમને શીખવી દેવામાં આવ્યું હતું. આ ત્રણ દાયકાના લગ્નજીવન દરમિયાન પતિને પ્રશ્ન
પૂછવાની પણ છૂટ નહોતી એમને, પરંતુ આજે… એમણે ત્રીસ વર્ષમાં પહેલીવાર મયૂરભાઈની સામે
જવાબ આપ્યો, “ક્યાં જન્મવું એવી ચોઈસ નહોતી મળી માધવને.”
“તો?” મયૂરભાઈએ ખભા ઊલાળ્યા, જરા ઈરીટેશનથી પત્નીની સામે જોઈને કહ્યું, “માધવ
જ્યાં જન્મ્યો છે ત્યાંથી ઉપર ઊઠી શકે એ માટે મેં સીડી બનાવી આપી એને.” જેણે સીડી આપી
એના જ ઘરમાં એણે ચોરી કરી, મને છેતરીને એણે જે કર્યું છે… એની જ સજા ભોગવી રહ્યો છે.”
એમના કાનમાં હજીયે વૈશ્નવીનો અવાજ ગૂંજી રહ્યો હતો, “પપ્પા, એ લોકો મને ઉપાડી
જશે… પ્લીઝ પપ્પા! પ્લીઝ… અમને બચાવી લો.”
વૈશ્નવીને કારણે જે અપમાન થયું અને જે શરમજનક પરિસ્થિતિમાં પોતે મૂકાવું પડ્યું હતું
એ યાદ આવતાં જ એમની મુઠ્ઠીઓ વળી ગઈ, દાંત ભીંસાઈ ગયા, “જે થઈ રહ્યું છે તે બરાબર છે.
ઘરેથી ભાગી જતી વખતે એણે વિચાર્યું હતું કે પાછળ આપણું શું થશે?” એમણે ઉશ્કેરાટથી
સંધ્યાબહેનને પૂછ્યું.
“સાચું કહેજો, વૈશ્નવીને એ પરિસ્થિતિમાં કોણે મૂકી? ઘરેથી ભાગી જવાની ફરજ કોણે
પાડી?” સંધ્યાબહેને એ જ સ્થિરતા અને દૃઢતાથી પૂછ્યું હતું.
મયૂરભાઈ પાસે આ પ્રશ્નોનો જવાબ નહોતો. સંધ્યાબહેનની સામે બે હાથ જોડીને એમણે
વાત બંધ કરવાની વિનંતી કરી, “મારે આ વિશે વાત નથી કરવી.” એમણે કહ્યું, “આવી રીતે ભાગી
જવાય?”
“ઓહ!” સંધ્યાબહેને એમનું વાક્ય અડધેથી જ કાપી નાખ્યું, “એણે વાત કરવી જોઈતી હતી,
એમ કહેવા માગો છો? હવે? એ વખતે તમે સાંભળી હોત એની વાત?” એના પિતા એની વાત
સમજી શકશે એવી શ્રદ્ધા સાથે વૈશ્નવીએ તમને કહ્યું હતું કે, એ માધવને પ્રેમ કરે છે.” સંધ્યાબહેનનું
ગળું ભરાઈ આવ્યું. ઘણો પ્રયત્ન કરવા છતાં આંખોમાંથી આંસુ સરી પડ્યાં.
“પ્રેમ?” મયૂરભાઈ ચીડથી લગભગ ત્રાડ પાડી, “શું હોય છે એ ઉંમરનો પ્રેમ? ફિલ્મો અને
નવલકથાઓ મગજ બગાડે છે, આ પેઢીનાં.” મયૂરભાઈ પાસે દલીલો ખૂટવા લાગી હતી. એમણે કહ્યું,
“કાલે ઊઠીને કહેશે કે મંદિરની બહાર બેસતા ભિખારીને પ્રેમ કરું છું, તો મારે શું એની સાથે લગ્ન
કરાવવાં?”
“તમારી દીકરીએ ભિખારી નહીં, એક ક્વોલિફાઈડ સોફ્ટવેર એન્જિનિયર,
આઈ.આઈ.એમ.માં ભણી રહેલા છોકરા સાથે પ્રેમ કર્યો હતો.” સંધ્યાબહેને લગભગ અંતિમ વાત
કહેતાં હોય એવી રીતે કહ્યું, “ડ્રાઈવરનો દીકરો છે તો શું થયું, તમારા દિલને પૂછો, તમે પણ આથી વધુ
શું શોધી શક્યા હોત?”
મયૂરભાઈનો ગુસ્સો હદ વટાવી ગયો, “અચ્છા? હું શું શોધી શક્યો હતો, એની ખબર નથી
તને? ભારતના દસ અબજોપતિનું લિસ્ટ બને તો જેનું નામ લેવું પડે એવો પરિવાર હું શોધી લાવ્યો
હતો, મારી દીકરી માટે…” એમણે નફરતથી ડોકું ધૂણાવ્યું, “તારી દીકરી સાથે જે થયું એને માટે એ
પોતે જ જવાબદાર છે.” મયૂરભાઈએ આખરી પત્તું ઉતરી નાખ્યું, “જાન લઈને આવ્યા હતા… તારી
દીકરી ભાગી ગઈ એમાં એ છોકરાના બાપનો જીવ ગયો છે આપણા ઉંબરે. મા-બાપની ઈજ્જત
ઉછાળીને જે દીકરી ઉંબરો ઓળંગે છે એને દુનિયા ઠેબે ચઢાવ્યા વગર રહેતી નથી.” કહીને અત્યંત
પીડા સાથે એમણે ઉમેર્યું, “એણે જે કર્યું એ હું અટકાવી ન શક્યો, ને હવે જે થઈ રહ્યું છે એ
અટકાવવાનું પણ મારા હાથમાં નથી રહ્યું.” એટલું કહીને એ ડ્રોઈંગરૂમમાંથી પગથિયાં ચઢીને ઉપર,
બેડરૂમમાં ચાલી ગયા.
મયૂરભાઈ ગયા ત્યાં સુધી સંધ્યાબહેન એમને જતા જોઈ રહ્યા, પછી પોતાનો ચહેરો બંને
હથેળીની વચ્ચે ઢાંકીને એમણે ક્યારનું રોકી રાખેલું રૂદન વહી જવા દીધું, “મને માફ કરી દે બેટા. હું
તારી મા હોવા છતાં તારી તકલીફમાં કોઈ મદદ કરી શકતી નથી. સોરી બેટા… આઈ એમ વેરી સોરી!”
એ રડતાં રહ્યાં.
એમનો અવાજ છેક ઉપર સુધી પહોંચતો હતો. એમને રડતાં સાંભળીને, એમના શબ્દો
સાંભળીને મયૂરભાઈ પણ રડી પડ્યા. બેડરૂમમાં લગાવેલી ત્રણેય જણની મોટી તસવીર સામે ઊભા
રહીને એમણે પોતાની આંગળીના ટેરવાથી તસવીરમાં ખડખડાટ હસી રહેલી વૈશ્નવીના ચહેરાને
ઋજુતાથી સ્પર્શ કર્યો. ઠંડી, કાચની સપાટી ઉપર એમના ટેરવાં અડ્યાં, આંખોમાંથી વહેતાં આંસુએ
તસવીર ધૂંધળી કરી નાખી. મયૂરભાઈ ત્યાં જ ઊભા રહીને નિઃશબ્દ રડતા રહ્યા.
*
હજી હમણાં જ જેને લાયસન્સ મળ્યું હતું એવી અઢાર વર્ષની દીકરીને મયૂરભાઈ સ્નેહથી
જોઈ રહ્યા, “તું ગમે તેટલી મોટી થઈ જાય, મારે માટે તો બચ્ચું જ રહેશે.” કહેતાં કહેતાં મયૂરભાઈએ
દીકરીના માથે સ્નેહભર્યો હાથ ફેરવ્યો હતો, “પણ હા, તું મોટી તો થઈ ગઈ, એવું મને ગઈકાલે સાંજે
જ સમજાયું.” એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં, “ને નસીબદાર પણ બહુ છે, તું!”
વૈશ્નવીને સમજાયું નહોતું કે પપ્પા કઈ વાતે આટલા ઈમોશનલ થઈ રહ્યા છે.
મયૂરભાઈ કેમ ઈમોશનલ થયા એ વૈશ્નવીને ખબર નહોતી, પરંતુ મયૂરભાઈ માટે આજની
સાંજ બહુ જ ઈમોશનલ હતી, કારણ કે એ સાંજની પાર્ટીમાં મયૂરભાઈએ એક ખાસ મહેમાનને
આમંત્રિત કર્યા હતા. મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટ લઈને એ ‘ખાસ મહેમાન’ ફક્ત વૈશ્નવીની બર્થડે પાર્ટી
એટેન્ડ કરવા આવ્યા હતા! એમને મયૂરભાઈના ફાર્મહાઉસ ઉપર જોઈને પાર્ટીમાં હાજર હતા એ દરેક
માણસની આંખો ચકરાઈ ગઈ. મયૂરભાઈ પોતે ડાયમંડના વેપારી હતા. એ પોતે પણ મોટી પાર્ટી
કહેવાય, પરંતુ આજે જે મહેમાન આવ્યા હતા એ માત્ર ડાયમંડ જ નહીં, પેટ્રોલ, એવિએશન અને
હોટેલ્સના પણ કિંગ કહેવાતા. મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં આવેલા એમના બંગલાની તસવીરો
વિશ્વભરના આર્કિટેક્ટ અને ઈન્ટીરીયર ડિઝાઈનના મેગેઝિન્સમાં પ્રકાશિત થઈ ચૂકી હતી. લગભગ
રોજ એમના વિશે કંઈ ને કંઈ સમાચાર છપાતા રહેતા. ભારતનું શેરબજાર એમના ઈશારે ઉપડતું અને
પછડાતું એવી એક લોકવાયકા હતી. મયૂરભાઈ માટે પણ પોતાની પાર્ટીમાં એમની હાજરી ગર્વની
અને એમની સાથેના સંબંધના પ્રદર્શનની શ્રેષ્ઠ ક્ષણ પુરવાર થઈ હતી. આવી મોભાદાર વ્યક્તિ છેક
મુંબઈથી અમદાવાદ સુધી એમની પાર્ટી એટેન્ડ કરવા આવે એ જોઈને કેટલા લોકો ઈર્ષ્યામાં બળી
મર્યાં હશે એ વિચારે મયૂરભાઈ સવારથી પોરસાતા હતા!
આજે સાંજે શું બનવાનું હતું એની કલ્પનામાં મયૂરભાઈનું એક્સાઈટમેન્ટ આસમાને અડી
રહ્યું હતું… એમનાથી સાંજની રાહ નહોતી જોવાતી!
અંતે સાંજ પડી હતી. નીલગીરીના વનમાં ઢળતો સૂરજ અને મયૂરભાઈની પાર્ટીની
એરેન્જમેન્ટ બંને મળીને એક નશીલું કૉકટેલ સર્જી ચૂકી હતી. સ્કાય બ્લ્યૂ રંગના શીફોનના ઈવનિંગ
ગાઉનમાં લહેરાતી વૈશ્નવી કોઈ પરી જેવી લાગતી હતી. એના કમર સુધીના લાંબા, સીધા વાળ અને
કાનમાં પહેરેલા અનકટ ડાયમંડના ઈયરીંગ એને અજબ જેવી આભા આપી રહ્યા હતા. ઢળતી
સાંજના પવનમાં વૈશ્નવીના વાળ ઉડીને એના ચહેરા પર પથરાઈ જતા હતા.
એ જ વખતે, મયૂરભાઈએ અરમાનીનો સૂટ પહેરેલા એક પ્રભાવશાળી સજ્જનની
વૈશ્નવીને ઓળખાણ કરાવી હતી, “બેટા, આમને તો તું ઓળખતી જ હોઈશ.” વૈશ્નવીએ ફોર્બ્સથી શરૂ
કરીને બિઝનેસ ઈન્ડિયા અને કેટલાંય અખબારોના પેજ થ્રી પર એમની તસવીરો જોઈ હતી. એ
સજ્જન નખશીખ બ્રાન્ડેડ વસ્ત્રો અને એક્સેસરીઝમાં સજ્જ હતા, પરંતુ એમની નમ્રતા અને
કાર્ટિયરના ચશ્મા પાછળથી દેખાતી સ્નેહભરી આંખો એમના વ્યક્તિત્વને જુદી જ આભા આપતી
હતી. વૈશ્નવીએ બે હાથ જોડીને પ્રણામ કર્યા, “નમસ્તે અંકલ.”
“હેપ્પી બર્થ ડે બેટા!” એ સજ્જન પણ વૈશ્નવીને જોઈને અંજાઈ ગયા હતા. એમણે
વૈશ્નવીના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા હતા, “ગોડ બ્લેસ યુ.” વૈશ્નવી માટે લાવેલી રોલેક્સનું
લીમીટેડ એડિશન મોડેલ એમણે વૈશ્નવીના હાથમાં મૂકતા કહ્યું હતું, “હોપ યુ મેક બેસ્ટ ઓફ યોર
ટાઈમ…”
આશીર્વાદ મળતાં જ, શીફોનનું ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી એકદમ મોડર્ન દેખાતી છોકરી
નીચી નમીને પગે લાગી હતી. એના માથે ફરી હાથ મૂકતાં એ સજ્જનની આંખોમાં આવેલો
અહોભાવ મયૂરભાઈથી છૂપો રહી શક્યો નહોતો.
અત્યારે પણ એ પળ યાદ કરીને મયૂરભાઈના ચહેરા પર સ્મિત આવી ગયું. કેવી અદ્ભુત
દેખાતી હતી, મારી દીકરી! કોઈની પણ નજર લાગી જાય એવી! એમને વિચાર આવ્યો, નજર જ
લાગી ગઈ, બીજું શું!
ભારતના અતિ ધનાઢ્ય એવા ગણ્યા-ગાંઠ્યા પરિવારોમાંથી એક, ‘ટાઈમ’ અને ‘ફોર્બ્સ’ના
કવર પેજ ઉપર ચમકી ચૂકેલા લોકપ્રિય, પ્રસિદ્ધ પરિવારમાંથી પધારેલા આ ‘ખાસ મહેમાન’
રાધેશ્યામ નરોલા હતા. ખરેખર તો એ વૈશ્નવીને જોવા જ આવ્યા હતા. એમનો એકનો એક,
હેન્ડસમ, ફ્લેમબોયન્ટ દીકરો ‘અમદાવાદ’માં રહેતી એક છોકરી પાછળ પાગલ થઈ ગયો છે એ જાણ્યા
પછી આવડા મોટા માણસે સામેથી મયૂરભાઈને ફોન કર્યો હતો, “હું તમારી દીકરીને મળવા માગું છું…
મારો દીકરો એને માટે દર અઠવાડિયે અમદાવાદના ધક્કા ખાય છે. એટલું એવિએશન પેટ્રોલ અને
સમય બંને બગાડવાને બદલે તમારી દીકરી મુંબઈ અમારા ઘરમાં જ આવી જાય તો મારા દીકરાનું
ધ્યાન પાછું બિઝનેસમાં લાગે…” એમણે હસતાં હસતાં કહ્યું હતું.
એમની વાત સાચી હતી… એક બિઝનેસ મિટિંગ માટે અમદાવાદ ગયેલા એમના એકના એક
દીકરાએ વૈશ્નવીને એક રેસ્ટોરાંમાં જોઈ હતી. એની બહેનપણીઓ સાથે મજા કરતી-હસતી, તોફાન
કરતી વૈશ્નવીમાં આ “નબીરા”ને રસ પડ્યો હતો. આમ તો એ છોકરો ભારતનો મોસ્ટ એલિજિબલ
બેચલર હતો, પણ કોણ જાણે કેમ આ છોકરી સાથે પહેલી જ નજરમાં એને પ્રેમ થઈ ગયો!
રેસ્ટોરાંમાંથી બહાર નીકળીને ત્યાં ઊભેલા ગરીબ બાળકોના ટોળાંને જમાડતી વૈશ્નવીને જોયા પછી
તો એણે નક્કી કરી લીધું કે, આ જ છોકરી એની જીવનસંગિની બનશે…
એ દિવસથી રાધેશ્યામ નરોલાનો એકનો એક દીકરો પ્રાઈવેટ જેટમાં દર અઠવાડિયે
અમદાવાદ આવતો થઈ ગયો… વૈશ્નવીને જોઈને, એનો પીછો કરીને, એ દરેક વખતે એવું નક્કી
કરતો કે, આ વખતે પ્રપોઝ કરી જ નાખશે પણ, દર વખતે એમ જ… પાછો ફરી જતો. દર અઠવાડિયે
દીકરાની નિયમિત ગેરહાજરી પિતાની નજરમાં આવ્યા વગર રહી નહીં. એમણે એના ડ્રાઈવર,
આસિસ્ટન્ટ સૌની ઉલટ તપાસ કરી ત્યારે ખબર પડી, ને માટે આજે વૈશ્નવીને જોયા પછી એમણે
ગોળગોળ વાત કર્યા વગર મયૂરભાઈ સાથે સીધી, દિલ ખોલીને વાત કરી નાખી હતી, “મને ખૂબ
ગમી, તમારી દીકરી. મને મારા દીકરા માટે આવી જ પુત્રવધૂ જોઈએ છે. મોડર્ન છતાં સંસ્કારી,
ઈન્ટેલિજન્ટ છતાં નમ્ર, સુંદર છતાં નિરાભિમાની… શી ઈઝ એ પરફેક્ટ ચોઈસ ઓફ માય સન.”
એમણે પૂરી નમ્રતા સાથે, પોતાના પૈસા કે પોઝિશનના અહંકાર વગર બે હાથ જોડીને મયૂરભાઈને
કહ્યું હતું, “તમારા ઘરની લક્ષ્મીને અમે અમારા ઘરની ગૃહલક્ષ્મી બનાવવા માગીએ છીએ!”
મયૂરભાઈએ એમના જોડેલા હાથ પકડી લીધા હતા, “શું કરો છો! અમારાં અહોભાગ્ય કે
મારી દીકરી તમારા જેવા પરિવારમાં પસંદગી પામે.” એમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં,
“અમારે માટે તો તમારો શબ્દ એટલે પથ્થર પર દોરેલી રેખા.”
“જુઓ ભ’ઈ, તમે જમાઈ બનાવો એ પહેલાં મારા દીકરાને એકવાર મળી લો. તમને ન ગમે,
યોગ્ય ન લાગે તો ના પાડવાની છૂટ છે.” આટલા મોટા માણસથી નમ્રતાથી મયૂરભાઈ અંજાઈ ગયા
હતા, “મારો દીકરો થોડો બગડેલો છે. મા નહોતી એની, મને જેવું આવડ્યું એવો ઉછેર્યો છે. હવે મોટો
થયો પછી મારાથી પણ સહન નથી થતો, ક્યારેક!”
“અરે હોય!” મયૂરભાઈ ગદ્ગદ્ થઈ ગયા હતા. એમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં,
“કોણ જાણે ગય ભવે શું પુન્ય કર્યા હશે કે, મારી દીકરી તમારા ઘરમાં…”
આનંદ અને સંતોષથી હસી પડ્યા હતા એ રાધેશ્યામજી, “મારો દીકરો એની પાછળ અમદાવાદ
સુધી ધક્કા ખાય છે એવી ખબર પડી એટલે મારે તો છોકરીને જોવી હતી. કદાચ ન ગમી હોત તો મેં પણ ના જ
પાડી હોત…” એમણે પૂરી પ્રામાણિકતાથી કહ્યું હતું, “મારે પૈસામાં પૈસો નથી ઉમેરવો, પરિવારમાં
સંસ્કાર ઉમેરવા છે.” એમણે થોડા ગંભીર થઈને કહ્યું હતું, “પણ એક વાત કહી દઉં. તમારી દીકરીને
પૂછીને, એનું મન સમજીને પછી જ હા પાડજો.” એ સજ્જને પોતાની વાત સ્પષ્ટ કરી હતી, “મારો
દીકરો તો ઘેલો થઈ ગયો છે, તેમ છતાં એકાદવાર બંને મળી લે, તમારી દીકરી એને ઓળખી લે, પછી
ફાઈનલ કરીએ.”
મનોમન એમણે તો વૈશ્નવીને આવા મોટા પરિવારની પુત્રવધૂ સ્વરૂપે કલ્પી જ લીધી હતી,
“તમે જેમ કહો તેમ.” કહેવા ખાતર કહી દીધું, પરંતુ એમના મનમાં તો આજે રાત્રે જ વૈશ્નવીને આ
સંબંધ માટે તૈયાર કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો.
(ક્રમશઃ)