એક તરફ વૈશ્નવી પોતાના મુંબઈના ઘરમાં માધવની ચિંતા કરતી ગેલેરીમાં આંટા મારી રહી
હતી.
બીજી તરફ, કબીર નરોલાની ઓફિસમાંથી નીકળેલો માધવ હતપ્રભ હતો… કબીરે એને જે
કહ્યું હતું એ પછી માધવનું મગજ બહેર મારી ગયું હતું. ઓફિસના બિલ્ડિંગ નીચે ઊભેલા માધવને
પોતાના જ ઘરનો રસ્તો કેમે ય કર્યો યાદ નહોતો આવતો.
“એક પણ શબ્દ બોલીશ તો એનું પરિણામ ભયાનક આવશે.” કબીરના અવાજની ધ્રૂજારીમાં
માધવને જાણે મૃત્યુઘંટ સંભળાયો, “બધા બરબાદ થઈ જશો. બધું રાખ થઈ જશે. કંઈ નહીં બચે, હું
કહી દઉં છું તને…” કબીર ઊંધો ફરીને બોલી રહ્યો હતો, પણ એના અવાજમાં એક એવી પીડા હતી
જે માધવે પહેલાં ક્યારેય સાંભળી નહોતી.
અગાસીમાં ઊભેલા બંને જણા એકબીજાની સામે જોવાનું ટાળી રહ્યા હતા. માધવ જાણતો
હતો કે કબીર જ્યારે પણ કોઈની સામે વેર લેવાનું નક્કી કરતો ત્યારે એ માણસને બરબાદ કરી
નાખવાનું એને માટે જરાય અઘરું નહોતું. એટલું જ નહીં, એને ક્યારેય કોઈને બરબાદ કર્યાનું ગીલ્ટ કે
અપરાધભાવ થતાં જ નહીં. એકવાર એ ગાંઠ વાળી લે પછી, એની તમામ નેગેટીવ એનર્જી, આવડત,
અક્કલ, ગણતરીઓ અને એની ભીતર રહેલી એ રાક્ષસી શક્તિઓને કબીર કામે લગાડી દેતો…
આજે પણ માધવને રહી રહીને લાગતું હતું કે જે કંઈ થયું છે એ બધું કબીરે સમજી-
વિચારીને, ગણતરીપૂર્વક કર્યું છે.
આમ જોવા જાવ તો માધવ ખોટો નહોતો. એ બંને જણા પહેલી વાર મળ્યા ત્યારથી શરૂ
કરીને આજ સુધીના સમયગાળામાં માધવની જિંદગીને કોઈ ‘સિન્ડ્રેલાની પરીકથા’ની જેમ બદલી
હતી, આ કબીર નરોલા નામના માણસે!
આજે માધવ સફળતાના જે પ્લેટફોર્મ ઉપર, જ્યાં ઊભો હતો ત્યાં એને લઈ આવનાર પણ
કબીર જ હતો, પણ કબીરે કોઈ દિવસ જતાવ્યું નહોતું. આજ સુધી માધવની સાથે કબીરે ઊંચા
અવાજે વાત પણ નહોતી કરી. એની ભૂલ હોય તો પણ બીજા લોકોની સામે એનો બચાવ કર્યો હતો.
એની નાનામાં નાની જરૂરિયાત કે લાગણીને કબીરે મહત્વ આપ્યું હતું. માધવનું ઘર, એની ગાડી
કબીરની ભેટ હતી.
કબીરના કહેવાથી જ માધવે આ સટ્ટો કર્યો. કબીર પાસે ટીપ્સ હતી જ. આ સટ્ટામાં
માધવ પૈસા ગુમાવશે એવી ખબર હોવા છતાં કબીરે એને રોક્યો નહીં, બલ્કે ઉશ્કેરીને મોટી રકમનો
સટ્ટો કરવા ધકેલ્યો… કબીરને તો દસ મિનિટમાં જ ખબર પડી ગઈ હતી કે, માધવે પૈસા ગુમાવ્યા
છે, તેમ છતાં એણે આટલા બધા કલાક માધવને નરક જેવી માનસિક યાતનામાંથી પસાર થવા દીધો
અને હવે પાંચ કરોડ રૂપિયા આપવાની વાત આસાનીથી કરી રહ્યો હતો. આ બધી ઘટનાઓ એકબીજા
સાથે એવી રીતે જોડાતી હતી કે અંતે માત્ર પ્રશ્નાર્થ ચિન્હ સુધી પહોંચતી હતી. માધવને કોઈપણ
ભોગે જાણવું હતું કે, એકમેકનો હાથ પકડીને જીવી રહેલા બે મિત્રો કરતાં ય વધુ સ્નેહ ધરાવતા આ બે
જણાં આજે સામસામે કેમ ઊભા હતા? પોતે ખોટો હતો? કબીરે એની કોઈ ભૂલની સજા આપી
હતી? કે પછી, આ કબીરનો સ્વભાવ હતો, શોખ હતો, માણસ સાથે રમવાનો… જવાબ ન મળે ત્યાં
સુધી પોતાને ચેન નહીં પડે એ માધવ જાણી ગયો હતો.
“મને કહે…” માધવ હજી જીદ કરી રહ્યો હતો, “અહીંથી જતાં પહેલાં એટલું તો સમજી લઉં કે
મારો વાંક શું છે? કયા ગુનાની સજા આપી તેં મને? જો તું મને સાચે જ ભાઈ જેવો માને છે, મિત્ર
માને છે તો એવી કઈ ભૂલ છે જેનો બદલો લેવા માટે તેં મારી સાથે આવી રમત કરી. કાળજું મજબૂત
છે, મારું. સત્ય સાંભળી શકીશ, પચાવી પણ જઈશ. કહી જ નાખ, કબીર.” માધવનો અવાજ ધીમે
ધીમે ઊંચો થતો જતો હતો. બોલતાં બોલતાં એની આંખોમાંથી આંસુ વહેતા હતા, “હું તને ઓળખું
છું. તું આજે માફ કરી દઈશ તો કાલે, નહીં તો પરમ દિવસે, નહીં તો વર્ષો પછી પણ હિસાબ કર્યા
વગર રહી નહીં શકે. બહેતર છે કે આપણે આજે જ હિસાબ કરી લઈએ. કાઢી નાખ તારા મનમાંથી,
એ કડવાશ, એ ધિક્કાર… જો હોય તો.” કબીર સ્થિર નજરે આકાશ તરફ જોઈ રહ્યો હતો, અને
માધવ રડતાં રડતાં લગાતાર બોલી રહ્યો હતો, “આ બે વર્ષમાં મેં જોયો છે, તને! લોકોને બરબાદ
કરતો, એમને રસ્તા પર લાવી દેતો… તને જે વાંધો પડ્યો હોય એ આજે નહીં તો કાલે…” એ રડી
રહ્યો હતો.
ઊંધો ફરીને ઊભેલો કબીર પણ પોતાના આંસુ રોકી શક્યો નહોતો. એ સમજી શકતો હતો કે
જે કંઈ થયું એને માટે કદાચ, માધવ જવાબદાર નથી, તેમ છતાં એના વેરને જ્યાં પહોંચવું હતું ત્યાં
પહોંચવાનો રસ્તો માધવની બરબાદીમાંથી જ પસાર થાય એમ હતો. સત્ય તો એ હતું કે, કબીરે ઘણો
પ્રયાસ કર્યો હતો, માધવને આમાંથી બહાર રાખવાનો… પણ, એવું થઈ શક્યું નહોતું. માધવ તો એક
મોહરું, એક પ્યાદું હતો. કબીરે ચેસની આ રમત ખરેખર માધવ સાથે નહીં કોઈ બીજા સાથે જ માંડી
હતી.
“તું જા યાર…” કબીરે જોરથી કહ્યું, “જા અહીંથી! પૈસા તૈયાર પડ્યા છે, લઈ જા, ને ચૂકવી દે
ઈકબાલને.” એનો અવાજ ભીનો થઈ ગયો હતો, “તું ય છૂટો ને હું ય છૂટો.” એની ભીતર રહેલો એક
સારો માણસ હજીયે મર્યો નહોતો એ વાત એના અવાજમાં સાંભળ્યા પછી માધવ વધુ વિચલિત થઈ
ગયો હતો.
કબીર પણ પોતાની ભીતર ચાલતી આ સારા-ખરાબ માણસની લડાઈથી ગૂંગળાઈ રહ્યો હતો.
એને સમજાતું હતું કે જે થઈ રહ્યું છે તે બરાબર નથી, સાચું શું છે એ કબીરને સમજાતું હતું, પણ સાચું
કરી શકતો નહોતો! ખોટું શું છે, એ પણ એની સમજની બહાર નહોતું, છતાં ખોટું રોકી શકતો
નહોતો. આ બધાની વચ્ચે હાલમડોલમ થતું એનું મન ઘડીકમાં એને કઠોર બનાવતું હતું તો ઘડીકમાં
એની લાગણીઓ ધોધમાર વરસીને આ કઠોર મનને માખણ જેવું કરી નાખતી હતી. કબીરને ડર
લાગ્યો કે જો હવે માધવ અહીં લાંબો સમય રહેશે તો એ પોતાની જાત પરનો કાબૂ ખોઈ બેસશે.
માધવ ગોળ ફરીને, કબીરની સામે જઈને ઊભો. એણે કબીરના બંને ખભા પકડીને એને
હચમચાવી નાખ્યો, “વ્હાય ડીડ યુ ડુ ધીસ? એ સવાલનો જવાબ નહીં મળે ત્યાં સુધી નથી જોઈતા
તારા પૈસા.” એણે કહ્યું. એના અવાજમાં કોઈ ઘવાયેલા હરણની પીડા હતી.
કબીરે એને બાવડેથી પકડ્યો. એને ઢસડીને પોતાની ચેમ્બરમાં લઈ ગયો. ત્યાં પડેલી લેધરની
ડફલ બેગ ઉઠાવીને એણે માધવના હાથમાં પકડાવી દીધી, “બસ! એક રમત હતી આ. તને ફસાવીને
પાછો બહાર કાઢી શકું છું કે નહીં એ જોવું હતું મારે.” એણે માધવ સાથે આંખ મેળવવાનું ટાળ્યું,
“ચેકિંગ માય પાવર…” આ કહેતાં કહેતાં એણે પોતાનો ચહેરો માધવ તરફથી ફેરવી લીધો.
*
ત્રીજી તરફ, દીકરીને ફોન પર રડતી સાંભળીને મયૂરભાઈ હચમચી ગયા હતા. થોડી મિનિટો
પહેલાં ફોન પર રડી રહેલી વૈશ્નવીની મદદ કરવી જોઈએ કે નહીં એ વિશે વિચારવા એમનું પિતૃત્વ
એમને મજબૂર કરી રહ્યું હતું, પણ એમની ભીતર રહેલો માણસ, પુરુષ, વ્યાપારી એટલું સમજતો
હતો કે જે માણસ વૈશ્નવીને બરબાદ કરવાની પૂરેપૂરી તૈયારી સાથે નીકળ્યો છે એ હવે પોતાનું ધાર્યું
કર્યા વિના રહેવાનો નથી. એક પિતા તરીકે અત્યારે એ પાંચ કરોડ રૂપિયા ચૂકવી પણ દે તો ય પણ
આવનારા દિવસોમાં વૈશ્નવીના માથે એક નવી ઘાત તોળાવાની હતી, એટલું એમને બરાબર સમજાતું
હતું.
મયૂરભાઈ મજબૂર હતા… એ વૈશ્નવીને સત્ય કહી શકે એમ નહોતા અને જે માણસે
વૈશ્નવીને બરબાદ કરી નાખવાની કસમ ખાધી હતી એને સમજાવી કે રોકી શકે એમ નહોતા.
થોડાં વર્ષો પહેલાંની એ બધી જ ઘટનાઓ એમની નજર સામે કોઈ ફિલ્મની પટ્ટીની જેમ
પસાર થઈ રહી હતી… વાંક કોનો હતો? પોતાની ઉતાવળ કે જોહુકમીનો? વૈશ્નવીની બેવકૂફીનો કે
પછી નસીબનો?
*
“તને એક શુભ સમાચાર આપવાના છે.” પાર્ટી પૂરી થયા પછી ફાર્મહાઉસના માસ્ટર
બેડરૂમમાં વહેલી પરોઢે પત્નીની બાજુમાં લંબાવતી વખતે પણ, મયૂરભાઈની આંખમાં જરાય ઉંઘ
નહોતી.
“આપી દો.” સંધ્યાબહેને એમની સામે જોઈને કહ્યું હતું, “કેટલા કરોડ બનાવ્યા, આ
પાર્ટીમાં?” એ પતિને બરાબર ઓળખતા હતાં, દર વર્ષે થતી આ પાર્ટી માત્ર વૈશ્નવીના જન્મદિવસની
ઉજવણી જ નહોતી, એક ગેટ ટુ ગેધર હતું, જેમાં બિઝનેસ એસોસીએટ્સ સાથેના સંબંધો મજબૂત
થતા, નવા સંબંધો બંધાતા. એવા ઘણા લોકોને આમંત્રિત કરવામાં આવતા, જેમની સામે મયૂરભાઈની
પહોંચ અને પૈસાનું પ્રદર્શન સામાન્ય રીતે શક્ય નહોતું. સૌને એક સ્મૃતિ ભેટ આપવામાં આવતી,
મોંઘી અને વર્ષો સુધી યાદ રહે તેવી! મયૂરભાઈની દિલદારી અને હોસ્પિટાલિટીના વખાણ આવતા
વર્ષ સુધી ચાલતા રહે એટલે જ્યારે જ્યારે બિઝનેસના કામે એ કોઈને મળે ત્યારે વાત શરૂ કરવા માટે
એમને એક બહાનુ મળી રહેતું.
પથારીમાં સૂતેલા મયૂરભાઈ છત તરફ જોઈને લગભગ સ્વગત જ બોલી રહ્યા હતા, “તારી
દીકરીનું ભાગ્ય ખુલી ગયું છે. જે ઘેરથી માગું આવ્યું છે એનું નામ સાંભળીશ ને, તો ઊભી થઈને
નાચવા માંડીશ.” આટલું સાંભળતાં જ સંધ્યાબહેનને ફાળ પડી હતી.
માધવ દેસાઈ માટે દીકરીની આંખોમાં છલકાતો પ્રેમ સંધ્યાબહેનની ચકોર આંખોએ યુવાન
થઈ રહેલી દીકરીની આંખોમાં વાંચી લીધો હતો. સાચું પૂછો તો સંધ્યાબહેનને પણ માધવ ગમતો. એ
પોતે મયૂરભાઈથી જરા જુદા મતના હતા. પૈસા તો એમની પોતાની પાસે પણ ઓછા નહોતા.
એકની એક દીકરીને જો કોઈ આવો, આર્થિક રીતે સહેજ નબળો છોકરો મળે તો દીકરી જીવનભર
એમની નજર સામે રહી શકે એવા કોઈક જુદા જ વિચારથી, સંધ્યાબહેન ખુશ થયાં હતાં. એમણે તો
માધવને ઘરજમાઈ બનાવવાની મનોમન તૈયારી કરી લીધી હતી. સમય આવ્યે મયૂરભાઈને સમજાવી
લેવાની ગણતરી સાથે એમણે બધું જાણતા હોવા છતાં વૈશ્નવીને મુક્તપણે વહેવા દીધી હતી!
“એ બધું સાચું! પણ તમે વૈશ્નવીને પૂછીને પછી જ નક્કી કરજો, પ્લીઝ.” સંધ્યાબહેને નરો
વા કુંજરો વા ની જેમ વાતને ત્યાં જ પૂરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
“એને શું પૂછવાનું? એને ક્યાં અક્કલ છે? એ તો હજી ચોકલેટ ખાય છે. મારા ખોળામાં બેસે
છે, બચ્ચું છે નાનું, આપણે એના માટે જે નક્કી કરીએ એમાં એનું સુખ જ હોય ને!” મયૂરભાઈ
આંખો મીંચીને બોલતા હતા. એ દીકરીના અદ્ભુત ભવિષ્યના સ્વપ્નો જોઈ રહ્યા હતા.
“તો પણ…” સંધ્યાબહેને જરાક દૃઢતાથી કહ્યું હતું, “દીકરી તમારી છે. જિદ્દી, મોઢે ચઢાવેલી
ને લાડકી છે. તમે એક બાજુ કંઈ નક્કી કરો ને એણે બીજી બાજુ પોતાના મનમાં કંઈ નક્કી કરી રાખ્યું
હોય એવું ના થાય…”
આટલું સાંભળતાં જ વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ મયૂરભાઈ પલંગમાં બેઠા થઈ ગયા
હતા. અત્યાર સુધી સૌમ્ય, આનંદિત લાગતો એમનો ચહેરો અચાનક બદલાઈ ગયો હતો, “એ કોઈના
પ્રેમમાં છે? તને કહ્યું છે?” પૂછતાં પૂછતાં તો મયૂરભાઈને લાગ્યું કે, એમને હાર્ટએટેક આવી જશે.
“ના.” સંધ્યાબહેને આ પ્રતિભાવ જોઈને અર્ધસત્ય ઉચ્ચાર્યું હતું, “મને કશું કહ્યું નથી. આ તો
મને લાગ્યું કે…” વાત પૂરી કરવી કે નહીં એની અસમંજસમાં સંધ્યાબહેને વાક્ય અધૂરું મૂકી દીધું હતું.
“એણે કંઈ કહ્યું નથી ને?” મયૂરભાઈને હાશ થઈ, “તો તારી બુધ્ધિ તારી પાસે રહેવા દે.”
મયૂરભાઈ બગડ્યા હતા, “કંઈ હોય તો આપણને ખબર પડે જ.” પછી એમને ફરી એકવાર દીકરીનો
ફોટો પેજ થ્રી પર દેખાવા લાગ્યો, “આવું માગું ફરી નહીં આવે. લીગ બદલાઈ જશે, જિંદગી બદલાઈ
જશે, તારી દીકરીની.”
“હા. સારું.” સંધ્યાબહેને વાત પર પૂર્ણવિરામ મૂક્યું હતું, “તમે સવારે વાત કરજો એને.”
એમણે સ્નેહથી ઉમેર્યું તો ખરું જ, “મારા કરતાં વધારે તમને જ ખબર છે, એના વિશે. ને એ પણ,
મન ખોલીને તમારી જ જોડે વાત કરશે.” કહીને સંધ્યાબહેન પડખું ફરી ગયાં, “એને પૂછ્યા વગર
નક્કી નહીં કરતા, બસ!”
જોકે, એકબીજા તરફ પીઠ કરીને સૂતેલાં બંને જણા એ આખી રાત ઉંઘી શક્યા નહોતા. માને
ચિંતા હતી કે સવારે જ્યારે આ વાત વૈશ્નવીની સામે મૂકવામાં આવશે ત્યારે મોઢે ચઢાવેલી લાડકી
દીકરી જે જવાબ આપશે એ પછી ઘરમાં શું થશે!
ને પિતાને ચિંતા હતી કે, ન કરે નારાયણ, પણ જો આ મૂરખ છોકરી એના ભોળપણમાં
કો’કના ચક્કરમાં ફસાઈ હશે તો એને બહાર કેમ કરીને કાઢીશું!
મયૂરભાઈ કોઈ રીતે આ માગું હાથમાંથી જવા દેવા માગતા નહોતા. એમણે આખી રાત
વિચારીને છેવટે ગાંઠ વાળી, જે કરવું પડે તે કરીશ, પણ વૈશ્નવીના લગ્ન તો હવે એ ઘરમાં જ થશે.
*
“વૈશુ, માય જાન… કમ હીયર.” મયૂરભાઈ ડાઈનિંગ ટેબલ પર બેઠા હતા. મોડી સવારે
ઉંઘરેટી આંખે, શોટ્ર્સ અને ટીશર્ટમાં વિખરાયેલા વાળ સાથે બહાર આવીને ડાઈનિંગ ટેબલ પર
ગોઠવાઈ ગયેલી વૈશ્નવીને એમણે વહાલથી નજીક બોલાવી હતી. વૈશ્નવી ખુરશી પરથી ઉઠીને
લાડમાં અને વહાલમાં પિતાના ખોળામાં બેસી ગઈ હતી. અંદરથી એની ઠંડી કોફીનો મગ લઈને
બહાર આવી રહેલાં સંધ્યાબહેનના મનમાં ઉથલ-પાથલ શરૂ થઈ ગઈ હતી.
“કેવડી મોટી થઈ, પણ પપ્પાના ખોળામાંથી ઉઠતી નથી.” એમણે ભીતર ચાલતા ધરતીકંપ
ઉપર સ્મિતનું મોહરું પહેરાવીને કહ્યું હતું, “આ છોકરી પરણીને પારકે ઘેર જશે? લાડ કરીને તદ્દન
બગાડી મૂકી છે, તમે.” એમણે ધીમે રહીને પોતાનો મમરો મૂક્યો, “આવી બગડેલી છોકરી માટે તો
ઘરજમાઈ જ લાવવો પડશે.” કોફીનો કપ વૈશ્નવીના હાથમાં પકડાવતાં એમણે દીકરીના ગાલ પર
હળવી ટપલી મારી હતી.
“મને વાંધો નથી.” વૈશ્નવીએ પપ્પાના ખોળામાં ઝૂલતાં આરામથી કોફીનો કપ મોઢે માંડ્યો
હતો, “તમે કહો તો હું શોધી આપું ઘરજમાઈ?”
“શું બોલે છે તું?” મયૂરભાઈ અચાનક સાવધ થઈ ગયા હતા. એમણે વહાલથી વૈશ્નવીના
માથે હાથ ફેરવ્યો હતો, “તારા માટે જે ઘેરથી માગું આવ્યું છે એ કોઈ રાજા-મહારાજાથી ઓછું નથી.”
મયૂરભાઈને બહુ ગોળ-ગોળ વાત કરતાં આવડતી નહીં. એ સીધા મુદ્દા પર આવી ગયા હતા, “બેબી!
પેજ થ્રી પર ફોટા છપાશે તારા એન્ગેજમેન્ટના. તારા લગ્નના ફોટા દરેક મેગેઝિનનું કવર બનશે…
છોકરાનું નામ સાંભળીશ તો ખુશીથી પાગલ થઈ જઈશ.” એ આગળ બોલવા જતા હતા, પરંતુ
વૈશ્નવીનો ચહેરો બદલાઈ ગયો. એ જોઈને એમને ફાળ પડી.
“મારે નથી સાંભળવું નામ.” અત્યાર સુધી લાડથી પિતાના ખોળામાં બેઠેલી વૈશ્નવી અચાનક
જ ગંભીર થઈને ઊભી થઈ ગઈ, “મારે નથી પરણવું તમારા રાજા-મહારાજાને ત્યાં, પપ્પા!” વૈશ્નવીએ
પોતાના પિતાની જેમ જ સીધા મુદ્દા પર આવીને ચોખવટ કરી નાખી, “તમારી દુનિયામાં બેન્ક
બેલેન્સ જોઈને થતાં લગ્નમાં મને કોઈ ઈન્ટરેસ્ટ નથી. હું તો જેને ચાહું છું, એની સાથે જ પરણીશ.”
મયૂરભાઈની આંખો ઝીણી થઈ, ભ્રમર સંકોચાઈ. એમનો આ બદલાયેલો સખત ચહેરો
એમની પત્ની માટે એક નોટિસ, એક ચેતવણી હતો, “ચાહું છું? કોને ચાહે છે?” એમણે સવાલ
દીકરીને પૂછ્યો પણ જોયું પત્ની સામે, “તને ખબર છે?” મા-દીકરી બંને એકબીજાની સામે જોઈને
નજરો ઝુકાવી દીધી. શાર્પ અને ઈન્ટેલિજન્ટ મયૂરભાઈને એટલું ચોક્કસ સમજાયું કે, આ બંને જણાં
વચ્ચે એક સમજણ, એક સિક્રેટ સચવાયેલી હોવી જોઈએ.
“નક્કી? જાતે જ કરી લીધું?” મયૂરભાઈ હવે કશું જ બાકી રાખવા માગતા નહોતા, “મને
પૂછ્યા વગર કોની સાથે લગ્ન કરવાનું નક્કી કરવાની હિંમત કરી, તેં?”
હવે થોડીક ક્ષણોમાં અહીં બાપ-દીકરી વચ્ચે જે તણખા ઝરવાના હતા એનો અંદેશો
સંધ્યાબહેનને આવી ગયો હતો. અસહાય અને ચિંતીત થઈને એમણે વચ્ચે બોલવાનો પ્રયાસ કર્યો,
પણ મયૂરભાઈએ આંખો પહોળી કરીને જ એમને ચૂપ કરી દીધા. વૈશ્નવી હવે આગમાં કૂદી પડવા
તૈયાર હતી, એણે મરણિયા થઈને કહી નાખ્યું, “જિંદગી મારી છે, લગ્ન મારાં છે… નક્કી કરતાં પહેલાં
તમને પૂછવાનું ન હોય, નક્કી કરીને તમને કહેવાનું હોય.” આ વાક્ય પૂરું થાય એ પહેલાં વૈશ્નવીના
ચહેરા પર થાડ કરતો એક તમાચો પડ્યો હતો.
*
અત્યારે બેડરૂમમાં ઊભેલા મયૂરભાઈની હથેળી આજે પણ એ તમાચાની ગરમીથી તમતમી
ઊઠી. હજી હમણાં જ કાચની ફ્રેમને સ્પર્શેલી એમની આંગળીઓના ટેરવાં દીકરીના ગાલ પર આંસુ
લૂછવા તરફડી ઉઠ્યાં. એ દિવસે શાંતિથી વાત કરવાથી કદાચ કંઈક બદલી શકાયું હોત! એમણે
ઉતાવળમાં અને ઉશ્કેરાટમાં અઢાર વર્ષની દીકરીના ગાલ પર તમાચો મારીને એ પળે બધું ગુંચવી
નાખ્યું હતું, એવું અત્યારે એમને સમજાયું.
(ક્રમશઃ)