સ્ટીયરીંગ વ્હીલ પર માથું પછાડતો, ધ્રૂસકે ધ્રૂસકે રડતો માધવ બેબાકળો થઈ ગયો હતો. એણે ગાડી
સ્ટાર્ટ કરી પણ જાણે પોતાના જ ઘરનો રસ્તો એને યાદ આવતો નહોતો…
માધવમાં હિંમત નહોતી કે એ વૈશ્નવીને સત્ય કહી શકે અને કબીરે આપેલી થોડા કલાકની
મહોલત પહેલાં જો એ ર્નિણય ન કરે તો એની છેલ્લી આશા, કબીર પણ એને પાંચ કરોડ રૂપિયા નહીં
આપે એવું નક્કી થઈ ચૂક્યું હતું. જો પાંચ કરોડ રૂપિયા પાછા ન આપી શકાય તો ઈકબાલના માણસો
શું કરી શકે, એ એણે નજરે જોઈ જ લીધું હતું… ગુંચવાયેલો, ગભરાયેલો, અકળાયેલો માધવ જાણે
કાંટામાં ભરાયેલી માછલી તરફડે એમ તરફડી રહ્યો હતો. એની પાસે કોઈ જ ઉપાય નહોતો, એવું
સમજાઈ ગયા પછી એ વધુ બેચેન અને ભયભીત થઈ ગયો હતો.
“માધુ, બેટા!” એણે પોતાના ફોનના સ્ક્રીન પર મમ્મીનું નામ વાંચ્યું. અનિચ્છાએ ફોન
ઉપાડ્યો, “બેટા! શું થયું?” એના મમ્મી સવિતાબહેને પૂછ્યું. જવાબની રાહ જોયા વગર જ એમણે
કહેવા માંડ્યું, “મને તો ખબર જ હતી કે આ છોકરી તારી જિંદગી બરબાદ કરશે. જે એના બાપની ના
થઈ, એ તારી શું થશે!” માધવ એક પણ અક્ષર બોલ્યા વગર માની વાત સાંભળતો રહ્યો, “એણે કહ્યું
મને, એનો બાપ પાછી બોલાવે છે… જો એ જશે તો તને પૈસા આપશે. હું તો કહું છું, જવા દે એને.
એક કહેતાં એકવીસ મળશે…” સવિતાબહેન કોણ જાણે શું બોલતાં રહ્યાં. માધવને બે-ત્રણ વાર માનો
ફોન કાપી નાખવાની ઇચ્છા થઈ, પરંતુ એ કમને, ચૂપચાપ સાંભળતો રહ્યો. આવા ઘરમાં દીકરો પરણે
તો એનું જીવન સુધરી જશે એવી કલ્પના સાથે સવિતાબહેને શરૂઆતમાં માધવને સાથ આપ્યો હતો.
વૈશ્નવી ભાગીને મુંબઈ ગઈ, એ બંને જણા પરણ્યા અને મયૂરભાઈએ સંબંધ તોડી નાખ્યો, એ પછી
સવિતાબહેન માટે વૈશ્નવી ઝેર જેવી થઈ ગઈ હતી. એમની ભીતર ક્યાંક એ પૂરા દિલથી ઇચ્છતા
હતા કે માધવ અને વૈશ્નવી છૂટાં પડી જાય… એમની કલ્પનામાં હવે એક કહ્યાગરી, ઓછું ભણેલી
અને એમની સેવા કરે એવી વહુ આકાર લેતી રહી. આજે ફરી એકવાર, બે જણાં છૂટાં પડે એવી તક-
શક્યતા ઊભી થઈ હતી, સવિતાબેને એનો લાભ લીધો, “છોડી દે એને! એ આવી ત્યારથી મુશ્કેલીઓ
લઈને આવી છે” એમણે કહ્યું. માધવે અચાનક ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો.
માધવને લાગ્યું કે એ ચારે તરફથી ઘેરાઈ ચૂક્યો છે. ગાડીમાં એ.સી. ફુલ ચાલતું હોવા છતાં,
એના કપાળ પર પરસેવાના રેલા ઉતરી રહ્યા હતા.
એ જ વખતે એના ફોનની રીંગ વાગી, “માધવ…” વૈશ્નવીનો અવાજ સાંભળીને રડતા
માધવે પોક મૂકી.
“વૈશુઉઉઉઉ…” માધવના અવાજમાં ન સમજાય તેવો ભય, મૃત્યુના આરે પહોંચેલા કોઈ
નિરાશ માણસનો ખાલીપો હતો, “બધું ખતમ થઈ ગયું. આઈ લોસ્ટ…” એ કહેતો રહ્યો, “હું શું કરું?
ક્યાં જાઉં?”
“ઘરે આવ માધવ… બીજે ક્યાં જવાનું?” વૈશ્નવીએ કહ્યું.
“હું ઘરે નહીં આવું.” માધવનો અવાજ સાંભળીને વૈશ્નવીને ફાળ પડી, “મેં બધું બરબાદ કરી
નાખ્યું. હવે તને મોઢું નહીં બતાવી શકું. તારા પપ્પા સાચા હતા. હું તારે લાયક નથી… હું તદ્દન
નકામો, બેજવાબદાર, હરામખોર છું.” એ છૂટ્ટા મોઢે રડી રહ્યો હતો, “મારે મરી જવું છે.”
વૈશ્નવીએ લગભગ રાડ પાડી, “તું ક્યાં છે? સીધો ઘરે આવ…” “હેં?” માધવ તદ્દન
અન્યમનસ્ક થઈ ગયો હતો, “હું ક્યાં છું?” એણે વૈશ્નવીને પૂછ્યું.
“આજુબાજુ જો… કંઈ દેખાય છે? દુકાનનું નામ, જગ્યાની આસપાસ કોઈ બોર્ડ? કંઈ વંચાય
છે?” વૈશ્નવીએ હંમેશની જેમ પોતાની સ્વસ્થતા જાળવીને માધવને સંભાળ્યો. વૈશ્નવીએ પૂછ્યું,
“કબીરે પૈસા આપવાની ના પાડી?”
માધવ સહેજ અચકાયો, “ના નથી પાડી.”
“તો?” વૈશ્નવી વધુ ગૂંચવાઈ, “તો શું પ્રોબ્લેમ છે? કેમ આટલો ડરી ગયો છે તું?”
“હું આવું છું.” કહીને માધવે ફોન ડીસકનેક્ટ કરી નાખ્યો. આ થોડીક ક્ષણો દરમિયાન એણે વિચારી લીધું
હતું. હવે મારી જિંદગીનો અંત કર્યા સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી.
જાણે કોઈ અદૃશ્ય શક્તિ દોરી રહી હોય એમ એ ગાડી લઈને મેકર ટાવરની ઓફિસમાંથી બહાર નીકળ્યો.
એણે મરવાના તમામ રસ્તા ચકાસી જોયા. ટ્રેન નીચે કપાઈને મરી જવાની એને બીક લાગી. પગ કપાઈ જાય ને
જીવતા રહીએ તો! એને વિચાર આવ્યો, આ ભીડ ભરેલા શહેરમાં દરિયામાં ડૂબીને મરવું સહેલું નથી. એનું મગજ
ઝડપથી કામ કરવા લાગ્યું હતું, ગાડી અથડાવીને મરી શકાય, પણ ક્યાં? મારા લીધે કોઈને નુકસાન થાય તો?
એને એક સાથે અનેક વિચારો આવી રહ્યા હતા, મારા ઘરની બાલ્કનીમાંથી છલાંગ લગાવી દઉં, એનાથી સરળ
અને સચોટ રસ્તો બીજો કોઈ નથી. નક્કી મરી જ જવાય. એના ચહેરા પર આ વિચારથી સ્મિત આવી ગયું અને
આંખોમાં પાણી, જતાં પહેલાં વૈશ્નવીને એક વાર જોઈ લઉં, એને વ્હાલ કરી લઉં. માધવે ર્નિણય પર
આવવાની કોશીશ કરી, એક ચિઠ્ઠી પણ લખી જવી જોઈએ. મારા ડાઈંગડેક્લેરેશનનો વિડિયો બનાવવો, જેમાં
મારા મૃત્યુ માટે હરામખોર કબીરને જવાબદાર ઠેરવી દઉં… બાલ્કનીમાંથી છલાંગ મારવાનો વિચાર કરતા માધવને
ખોપરી ફાટેલું, લોહી-લુહાણ પોતાનું જ શરીર દેખાયું. એને કમકમા આવી ગયાં. એણે ડોકું ધૂણાવ્યું, નો! ઉંઘની
ગોળી લઈ લેવી જોઈએ. સૌથી સરળ રસ્તો. એને લાગ્યું કે જાણે ફાઈનલ રસ્તો મળી ગયો છે. એણે નીચલો હોઠ
પોતાના ઉપરના દાંતની નીચે દબાવ્યો. ર્નિણય દૃઢ કરીને ડોકું ધૂણાવ્યું, એક વાર હું મરી જઈશ પછી મયૂર
પારેખને પણ કોઈ પ્રોબ્લેમ નહીં રહે. એ એની દીકરીને ઈકબાલથી બચાવી લેશે. માધવે રાહતનો શ્વાસ લીધો,
એનો પ્રોબ્લેમ મારી સાથે છે, હું જ નહીં હોઉં તો એ આવીને વૈશ્નવીને લઈ જશે. આઈ એમ સ્યોર. એનો પગ
એક્સલરેટર પર જરા વધારે દબાયો, ઘરે જવાની ઉતાવળ આવી ગઈ હોય એમ એ વધુ સ્પિડમાં મરીન ડ્રાઈવ
પહોંચ્યો.
ઘરના દરવાજે પહોંચીને માધવે બેચેનીથી કોલબેલ દબાવવા માંડ્યો. વૈશ્નવી આવીને
દરવાજો ખોલે એ પહેલાં તો માધવે ચાર-પાંચ વાર બેલ વગાડી દીધા. દરવાજો ખુલતાં જ ઉંબરે
ઊભેલી વૈશ્નવીને બેચેન માધવે પોતાના બાહુપાશમાં લઈ લીધી. એવી ભીંસી દીધી કે વૈશ્નવીને
શ્વાસ લેવામાં પણ તકલીફ પડી. માધવે એને ક્યાંય સુધી ભીંસી રાખી, પોતાની બંને કોણીથી બળ
કરીને વૈશ્નવીએ મહામહેનતે માધવના બાહુપાશને સહેજ ઢીલો કર્યો. ઊંડો શ્વાસ લઈને એણે
માધવની છાતી પર હાથ મૂકી સહેજ ધક્કો માર્યો, “શું કરે છે!” આ પ્રેમ હતો કે બેચેની, એ વૈશ્નવીને
સ્પષ્ટ કળાયું નહીં.
“તને વહાલ કરું છું.” માધવે કહ્યું, પછી વૈશ્નવીને સંભળાય નહીં એવી રીતે એ સ્વગત
બબડ્યો, “કદાચ, છેલ્લી વાર.”
“ચાલ, જમી લે.” માધવ ઓફિસથી ડ્રાઈવ કરીને ઘરે પહોંચે ત્યાં સુધીમાં વૈશ્નવીએ પોતાની
જાતને બને એટલી શાંત અને સ્વસ્થ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓફિસમાં જે થયું હોય તે, કબીરે જે
કહ્યું હોય તે, પૈસા મળવાના હોય કે નહીં… માધવને મારે તરત તો નથી જ પૂછવું. એણે પોતાના
મનને તૈયાર કરી લીધું હતું, “તને ભાવતી રસોઈ બનાવી છે.” વૈશ્નવીએ ઓફિસની કે પૈસાની વાત
કાઢી જ નહીં.
“હા… હા, ચાલ જમી લઈએ.” માધવ પણ અત્યાર સુધીમાં પોતાની જાતને પૂરેપૂરી તૈયાર
કરીને આવ્યો હતો. થોડી મિનિટો પહેલાં જે રડતો હતો, જેને ઘેર આવવાનો રસ્તો યાદ નહોતો
આવતો એ માધવનો આવી રીતે બદલાયેલો મૂડ જોઈને વૈશ્નવીને સહેજ નવાઈ તો લાગી, પણ એણે
અત્યારે કંઈ ન પૂછવાનું નક્કી કર્યું હતું.
બીજી તરફ, વૈશ્નવી સાથેના છેલ્લા કલાકો સુખમય અને વહાલથી વીતાવવા એવી એણે ગાંઠ
વાળી હતી.
વૈશ્નવી મનોમન માધવના વર્તનને સમજવાનો પ્રયત્ન કરતી રહી. તૈયાર રાખેલા ડાઈનિંગ
ટેબલ પર ગરમ કરેલી વાનગીઓના બાઉલ લાવવામાં એ વ્યસ્ત થઈ. બંને જણાએ જમી લીધું ત્યાં
સુધી એકલો માધવ જ બોલતો રહ્યો. જાત-જાતની ભાત-ભાતની વાતો, જૂના દિવસોને યાદ કરીને
પ્રયત્નપૂર્વક સ્મિત કરતો માધવ, પોતાના ચહેરામાં ઉમેરાયેલી બનાવટ વૈશ્નવીથી છૂપાવી શક્યો
નહીં.
વૈશ્નવીએ હજુ સુધી પૈસા વિશે કે કબીર વિશે એક પણ પ્રશ્ન નહોતો પૂછ્યો, એ વાત
માધવના ધ્યાન બહાર નહોતી. એ પણ સમજતો હતો કે વૈશ્નવી અત્યારે એ વિશે કોઈ પણ ચર્ચા
ટાળવા માગતી હતી. પોતે પણ વૈશ્નવીના પ્રશ્નોના ઉત્તર આપવા માટે તૈયાર તો નહોતો જ, એને
માટે આ સ્થિતિ આશીર્વાદ રૂપ હતી.
માધવે સ્મિત કરીને કહ્યું, “ચેન્જ કરીને આવું.” એ બાથરૂમમાં ગયો. બાથરૂમ સાથે જોડાયેલું
વોક-ઈન વોર્ડરોબ ખોલીને એણે પોતાની શોર્ટ્સ અને ઢીલું ટી-શર્ટ કાઢ્યું. બંને કપડાં હાથમાં પકડીને
એ ઘડી ભર અરીસામાં જોતો રહ્યો. એના ફૂલ સાઈઝ પ્રતિબિંબ અને પાછળના આરીસાને કારણે
રીફ્લેક્ટ થઈને દેખાતાં અનેક પ્રતિબિંબો સામે જોતો માધવ પોતાની જ આંખમાં જોતો રહ્યો.
એના પ્રતિબિંબે અરીસામાંથી એને કહ્યું, “બેશરમ અને ડરપોક છે તું.” માધવ ચોંક્યો.
પ્રતિબિંબ જાણે વાત કરતું હોય એવો આભાસ એને ડરાવી ગયો. એનું પ્રતિબિંબ એને જ કહી રહ્યું
હતું, “જેનો કંઈ વાંક નથી એવી નિર્દોષ સ્ત્રીને તેં ઊભી કરેલી જંજાળમાં ફસાવીને ભાગી જવું છે
તારે? શાબાશ!”
“હું ક્યાં ભાગી જાઉં છું?” માધવે પોતાના જ પ્રતિબિંબ સામે દલીલ કરી, “હું તો મરી જાઉં
છું… આ જગત છોડી જાઉં છું.” કહેતાં કહેતાં એની આંખ ભરાઈ આવી, “મારી મરવાની ઉંમર નથી
કંઈ મારી, તો પણ…”
“કોઈ ઉંમર મરવાની નથી હોતી.” એના પ્રતિબિંબે અટ્ટહાસ્ય કરતાં જવાબ આપ્યો, “તારે
મરવું નથી, છટકવું છે. તેં જ ઊભી કરેલી જાળમાં વૈશ્નવીને ફસાવીને ભાગી છૂટવું છે. તું
બેજવાબદાર છે, નપુંસક.”
“બીજો કોઈ રસ્તો પણ નથી.” એણે હતાશ થઈને પ્રતિબિંબને કહ્યું, “વૈશ્નવીને પેલા
હરામખોર પાસે મોકલવા કરતાં તો…”
“બંને હરામખોર છે, ઈકબાલ અને કબીર…” એનું પ્રતિબિંબ, માધવની આંખોમાં જોઈને
ધારદાર સવાલો પૂછી રહ્યું હતું, “તું મરી જઈશ એટલે વૈશ્નવી બચી જશે? ઈકબાલ છોડી દેશે એને,
એવી ખાતરી છે?”
“હા. એનો બાપ આવીને ચૂકવી દેશે પૈસા. લઈ જશે વૈશ્નવીને.” એણે પ્રતિબિંબને જવાબ
આપવાનો પોકળ પ્રયત્ન કર્યો.
“વેલ!” અરીસામાં દેખાતું પ્રતિબિંબ જાણે કોઈ બીજો જ માણસ હોય એમ, એ સ્વતંત્ર રીતે
વર્તી રહ્યું હતું. અરીસાને પેલે પાર ઊભેલા બીજા માધવે ખભા ઊલાળ્યા, “એ ઓપ્શન તો હતો જ.
એણે તો બોલાવી હતી, વૈશ્નવીને. એ ન ગઈ તને મૂકીને. હવે તું ભાગ્યો એને મૂકીને… વાહ!”
અરીસામાં પ્રતિબિંબે તાળીઓ પાડી, “તારો પ્રેમ, તારા વચનો… બધું ફૂસ્સ?”
“તો શું કરું?” અરીસાની આ તરફ ઊભેલા માધવે અકળાઈને પૂછ્યું, “એટલે તો મરી જાઉં છું.
મારી સાથે બધું પૂરું થઈ જશે.”
“પૂરું નહીં શરૂ થશે.” પ્રતિબિંબે કહ્યું, “તારા ગયા પછી વૈશ્નવીનું શું થશે?” પ્રતિબિંબ હસ્યું,
“તારે શું? તારે પરિસ્થિતિનો સામનો નથી કરવો એટલે તો તું ભાગે છે. તેં ઊભા કરેલા સવાલોના
જવાબો કોઈ બીજું આપી જ દેશે એની ખબર છે તને, એટલે ભાગી છૂટવું છે ને તારે? જરા વિચાર
તો કર! આ છોકરી જે એના પિતાને પૂરી ખુમારીથી જવાબ આપીને તારા વિશ્વાસે, તારા આધારે,
તારો હાથ પકડીને ચાલી આવી છે… એનો શો વાંક? એના બાપની સામે નીચે માથે, ગરીબડી થઈને
પાછા જવા માટે છોડીને ભાગી જાય છે તું… આ છોકરીએ તારા સારા-ખરાબ સમયમાં મજબૂત વૃક્ષ
બનીને છાંયો આપ્યો છે, ખડકની જેમ ઊભા રહીને પરિસ્થિતિના મોજાંને ખાળ્યાં છે, ભરપૂર પ્રેમ
અને પૂરી શ્રદ્ધાથી જીવે છે તારી સાથે, એના જ શબ્દોને એના બાપ સામે ખોટા પાડવાની ફરજ
પાડીશ તું? શરમ આવવી જોઈએ તને…” પ્રતિબિંબના ચહેરા પર ભરપૂર તિરસ્કાર હતો.
ભીતરનો માધવ જાણે બહારના માધવ પર ફીટકાર વરસાવી રહ્યો હતો. પોતે કરેલો ર્નિણય
સાચો છે એમ માનીને વોર્ડરોબમાંથી ઉંઘની ગોળીઓ લેવા આવેલો માધવ પોતાના કપડાં હાથમાં
પકડીને, ત્યાં જ કોઈ પૂતળાંની જેમ ઊભો રહીને પોતાને જ જોઈ રહ્યો હતો. એની આંખો મીંચાઈ
ગઈ. એને પોતાના મરવાના ર્નિણય પર શરમ આવી.
માધવ ફરી એક વાર ગૂંચવાઈને, અવાક્ થઈને એના પ્રતિબિંબ સામે જોતો રહ્યો, “તો શું
કરું?” એણે પૂછ્યું.
“લડ.” એના પ્રતિબિંબે કહ્યું, “યુદ્ધ કર. પરિસ્થિતિ સામે, પ્રશ્નો સામે અને પ્રેમ માટે…”
“નસીબે હથિયાર લઈ લીધા, હાથ બાંધી દીધા… હવે તું કહે છે, યુદ્ધ કર.” માધવે હતાશ
અવાજે દલીલ કરી.
“સાચું યુદ્ધ એને જ કહેવાય.” એના પ્રતિબિંબે કહ્યું, “પરિણામની પરવાહ કર્યા વગર, જીવ
બચાવવાનો મોહ રાખ્યા વગર, સત્યને માટે, સ્નેહને માટે સમર્પિત થઈ જાય એ જ સાચો યોદ્ધો છે.
હથિયાર તો સાધન છે. ગમે તેટલા મોટા અને મજબૂત હથિયાર હશે, પણ ભીતર જો લડવાનું ઝનૂન
નહીં હોય તો હથિયાર શું કરશે? બહાના છોડ, સાચું હથિયાર તો હિંમત છે. તેં એ જ ખોઈ દીધી છે.
તારા હાથ બંધાયેલા નથી, હામ બંધાઈ ગઈ છે…” પ્રતિબિંબ કોઈ કુરુક્ષેત્રમાં હતાશ થયેલા અર્જુનને
કૃષ્ણની જેમ ગીતા સંભળાવી રહ્યું હતું, “આ જ ક્ષણ છે. હવે, લાભ-અલાભની, જીવતા કે હારવાની
પરવાહ કર્યા વગર યુદ્ધમાં ઉતર. યુદ્ધ કર્યા વગર ભાગી જઈશ તો હારી જ જઈશ, પણ યુદ્ધ કરીશ
તો કદાચ જીતવાની સંભાવના ઊભી રહેશે.”
“પણ…” માધવને સમજાયું નહીં. આ કોણ બોલી રહ્યું હતું. નાનો હતો ત્યારે પિતા ક્યારેક
ગીતા વાંચતા. પિતાના મોઢે સાંભળેલો એ શ્લોક એને યાદ આવી ગયો, “સુખે દુઃખે સમે કૃત્વા,
લાભાલાભો, જયા જયો…” માધવ ઘૂંટણિયે બેસી પડ્યો.
ડ્રેસરમાં ઊભેલા માધવના પડવાનો અવાજ સાંભળીને વૈશ્નવી ચોંકી, “શું થયું?” એણે
બહારથી જ પૂછ્યું.
“કંઈ નહીં, શૂઝ પડ્યા.” માધવે જવાબ આપ્યો.
વૈશ્નવીના સવાલથી એનો પોતાના પ્રતિબિંબ સાથેનો સંવાદ તૂટી ગયો, પરંતુ પ્રતિબિંબે
કહેલી આખરી વાત એના મગજમાં પડઘાઈ રહી, “ભૂલ તારી છે, તારે જ સુધારવી જોઈએ. તારે
હથિયાર જોઈએ છે? વૈશ્નવી તારું હથિયાર બની શકે… મોક્ષમાં સ્ત્રીને આગળ રહેવાનું કહ્યું છે,
કારણ કે પુરુષ ધર્મ, અર્થ અને કામમાં કદાચ આગળ હોય, પરંતુ અંતે જ્યારે મુક્તિના દ્વાર
ખોલવાનો વારો આવે ત્યારે સ્ત્રી જ એ કરી શકે છે. તું તારો ધર્મ ભૂલ્યો, અર્થમાં અટવાયો અને
કામનાએ, વધુ મેળવવાની વાસનાએ તને ભટકાવી દીધો. હવે, તારા જીવનની સાચી રાહ કદાચ તને
વૈશ્નવી જ બતાવી શકશે…” પ્રતિબિંબે કહ્યું, “જે થયું છે એ એને કહી દે. નિર્ણય એના પર છોડ.”
માધવ ધીમે રહીને વૈશ્નવીની બાજુમાં ગોઠવાઈ ગયો. વૈશ્નવીએ પોતાનો હાથ લંબાવીને
પતિને નજીક ખેંચ્યો. એની પાતળી, લાંબી આંગળીઓ માધવના હોઠ પર થઈને એના ચહેરા પર,
વાળમાં, કાનની બૂટ પર થઈને ગળા પર ને છાતીના વાળમાં અદૃશ્ય રેખાઓ દોરવા લાગી…
માધવમાં રહેલો પુરુષ આળસ મરડીને જાગી રહ્યો હતો. એની બધી ચિંતાઓ, ગૂંચવણો, પ્રશ્નાર્થ
ચિન્હો, અકળામણ અને ભયનો અંધકાર વૈશ્નવીના સ્પર્શમાં ધોવાઈને ઉજળો થવા લાગ્યો હતો.
વૈશ્નવીએ પોતાનામાં રહેલી સ્ત્રીની તમામ શક્તિઓને કામે લગાડી હતી. આજે જાણે માધવને
પોતાની કામકળાનો પરચો બતાવી દેવો હોય એમ વૈશ્નવી પતિને રીઝવવાના પ્રયાસમાં તન અને
મનથી બેફામ વહી રહી હતી…
અચાનક માધવનું શરીર સાવ ઠંડુગાર થઈ ગયું. પોતાના પર ઝૂકેલી વૈશ્નવીને એણે ધક્કો
મારીને હટાવી, વૈશ્નવી જમીન પર પછડાઈ. માધવ બેઠો થઈ ગયો. એણે પોતાના બંને હાથ વચ્ચે
માથું પકડી લીધું-એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો. રૂમમાં અચાનક મૌન પથરાઈ ગયું. પહેલાં કોણ બોલે,
એવી હરીફાઈ હોય એમ બંને જણા સાવ ચૂપ, ડઘાયેલા અને ચેતન હણાઈ ગયું હોય એમ
પોતપોતાની જગ્યાએ સ્થિર થઈ ગયાં.
“શું થયું છે?” વૈશ્નવીની આંખોમાં દુર્ગાની મૂર્તિ જેવી ચમક હતી. એના ચહેરા પર એણે કરી
લીધેલા કોઈ નિર્ણયનો અજવાસ હતો. એણે આગળ વધીને, માધવનો હાથ પકડીને પોતાના માથે
મૂક્યો, “તને મારા સોગંદ છે.”
“શું કરીશ જાણીને?” માધવે હાથ છોડાવી લીધો, “કોઈ કાળે એની શર્ત માની શકાય એમ
નથી.” એ ફ્રસ્ટ્રેટ થઈ ગયો. એણે સામેની દીવાલમાં મુક્કો માર્યો, “એને ખબર છે કે હું એની શર્ત નહીં
માનું, એટલે જ એણે આવી વાત કરી છે. એને પૈસા નથી આપવા… એટલે શર્ત જ એવી મૂકી કે હું
જ ના પાડી દઉં.” માધવે ફરી ભીંતમાં મુક્કો પછાડ્યો, “બ્લડી રાસ્કલ!”
“મને એક્ઝેક્ટલી કહે, એણે શું કહ્યું તે…” વૈશ્નવીની આંખો કોઈ દીવાની જ્યોત જેવી
ઝગમગી રહી હતી. માધવ એ આંખોનો સામનો ન કરી શક્યો, એણે મોઢું ફેરવી લીધું. વૈશ્નવીએ
એના કોલર પકડ્યા, “ડીવોર્સ આપવાનું કહ્યું? કાઢી મૂકવાનું કહ્યું? તું મારાથી છૂટો પડી જાય તો પૈસા
આપશે એમ કહ્યું?” વૈશ્નવીએ નિઃશ્વાસ નાખ્યો, “મયૂર પારેખ પાસે બીજી શું આશા રાખી શકાય? આ
બધું એમણે જ…”
“ડીવોર્સની શર્ત હોત તો હું પેપર્સ તૈયાર કરાવીને જ આવ્યો હોત…” એણે કહ્યું, “મયૂર પારેખ
નથી કદાચ, આ રમતમાં… કંઈ વધારે ઊંડું, વધારે ખતરનાક છે.” એણે વૈશ્નવીને સત્ય કહેવાનો
નિર્ણય કરી લીધો.
(ક્રમશઃ)