માધવ દેસાઈની ગાડી જ્યારે કબીર નરોલાના બંગલાના ગેટમાંથી અંદર દાખલ થઈ. નાનકડો
ડ્રાઈવ-વે અને સાઈડમાં ઊભેલી અનેક દેશી-વિદેશી ગાડીઓને વટાવીને માધવની ગાડી છેક ઘરના
દરવાજા પાસે આવીને ઊભી રહી. કબીરનું હૃદય ધક્ધક્ કરવા લાગ્યું. એના ઘરના મુખ્ય દરવાજાની
સાઈડમાં લાગેલા મોનિટરમાં લગભગ 32 જેટલા જુદા જુદા કેમેરાની ગ્રીડ હતી. દરેક કેમેરો કોઈક
રૂમ, કોઈક પેસેજ, બહારનો કે અંદરનો ભાગ, રસોડું વગેરે સાથે જોડાયેલો હતો.
કબીરે દરવાજા પાસે ઊભેલી ગાડીમાંથી વૈશ્નવીને ઉતરતી જોઈ. એને હથેળીમાં પરસેવો
થવા લાગ્યો, પગ પાણી પાણી થઈ ગયા. આછા ભૂરા રંગની આસમાની જેવી સિલ્કની સાડીની સાથે
મોરનું ભરતકામ કરેલા સફેદ બ્લાઉઝમાં વૈશ્નવી પવિત્રતાની સાક્ષાત્ મૂર્તિ દેખાતી હતી. એણે એના
વાળને ગોળ લપેટીને ઢીલો અંબોડો લીધો હતો. કાનમાં નાની સફેદ મોતીની બુટ્ટીઓ અને ગળામાં
મંગળસૂત્ર સાથે કપાળમાં લાલ રંગનો કોરા કંકુનો ચાંદલો કરીને જ્યારે એ દરવાજા પાસે આવીને
ઊભી ત્યારે ગાડીમાંથી પરાણે ઉતરતો હોય એમ, માધવ પણ એની પાછળ આવીને ઊભો રહ્યો.
ઝીણી ઝીણી લાઈટો, ડ્રાઈવ-વેમાં કરેલી સજાવટ અને દરવાજા ઉપર લગાડેલી વેલકમની
સાઈન જોઈને વૈશ્નવીની આંખો ભરાઈ આવી. એણે નીચું જોઈને આંસુ લૂછી નાખ્યાં. માધવ બેલ
વગાડે અને પોતે દરવાજો ખોલે ત્યાં સુધી ધીરજ રાખ્યા વગર કબીરનો છુટકો નહોતો.
એ કેમેરામાં જોઈ શકતો હતો. માધવે હળવેથી વૈશ્નવીનો હાથ પકડ્યો. બંને હાથ પોતાના
હાથમાં લઈને એણે ધીમેથી કંઈક કહ્યું. વૈશ્નવી કશું બોલી નહીં, એણે હળવેથી માધવના હાથમાં
પકડેલો પોતાનો હાથ સરકાવી લીધો. સાડીનો પાલવ સંભાળ્યો, હાથ લંબાવીને બેલ વગાડ્યો.
ક્યારના પ્રતીક્ષા કરી રહેલા કબીરના તરફડાટે સહેજ શ્વાસ લીધો, એણે દરવાજો ખોલ્યો, “વેલકમ!”
કબીરે કહ્યું.
વૈશ્નવી હળવેથી ઘરમાં દાખલ થઈ. એ જે રીતે ડગલાં ભરતી હતી એનાથી કબીરને એવો
આભાસ થયો કે, જાણે હવા પર કોઈ પરી ચાલતી હોય! એ વૈશ્નવીને પોતાના ઘરમાં પ્રવેશતી જોઈ
રહ્યો! કઈ રીતે લાવવા માગતો હતો પોતે એને આ ઘરમાં, અને આજે કઈ સ્થિતિમાં વૈશ્નવી એના
ઘરમાં દાખલ થઈ રહી હતી એ વિચારે કબીર ભીતરથી હચમચી ગયો. એકવાર તો એને થયું કે, એ
વૈશ્નવીને અહીંથી જ પાછી વાળી લે. એના આત્મસન્માનને સહેજ પણ ઉઝરડો પાડ્યા વગર જેવી
આવી હતી એવી જ અકબંધ અને સુરક્ષિત વૈશ્નવીનો હાથ માધવના હાથમાં આપીને એને પાછી
લઈ જવાનું કહી દે… પણ, એ એવું કરી ન શક્યો. સામે લટકતો પિતાનો ચહેરો જોઈને કબીરની
અંદર ફરી એકવાર એ પીડા અને અપમાનની યાદો તાજી થઈ ગઈ. એણે કહ્યું, “ગુડ! તો તું તારી
પત્નીને આખરે લઈ આવ્યો.” એને હતું કે, આ સાંભળીને વૈશ્નવી પાછળ જોશે, પરંતુ એ જે રીતે
દાખલ થઈ હતી એવી જ, ઉંધી ફરીને ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ કોઈ પૂતળાની જેમ ઊભી રહી, “તેં
આપણી ડીલ પૂરી કરી છે. હવે આ બેગ તું લઈ જઈ શકે છે.” લક્ઝુરીયસ ઈટાલિયન સોફાની સામે
બેલ્જિયમ ગ્લાસના સેન્ટર ટેબલ પર પડેલી બેગ તરફ કબીરે ઈશારો કર્યો, “ને સવારે તારી પત્નીને
પણ લઈ જજે.” કબીર હસ્યો, “જેવી મૂકી જાય છે એવી જ ડેમેજ વગર વન પીસમાં પાછી આપીશ.
ખાલી એમાંથી એક અદભૂત રાતની સ્મૃતિ રાખી લઈશ મારી પાસે.” કહેતાં કહેતાં એ બાર પાસે
ગયો, “ડ્રીંક?” એણે માધવને પૂછ્યું. માધવે ડોકું ધૂણાવીને ના પાડી. એ કશું જ બોલી શકે એવી
મનઃસ્થિતિમાં નહોતો. શરમ, અપમાન અને સ્વયં પ્રત્યેના અપરાધભાવથી એ ઊંચું પણ જોઈ શકતો
નહોતો.
“યસ, આઈ વીલ.” વૈશ્નવીનો અવાજ સાંભળીને માધવે ઊંચું જોયું. એની આંખો
આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. માધવ સામે જોયા વગર વૈશ્નવીએ કહ્યું, “સિંગલ મોલ્ટ વિથ લોટ્સ
ઓફ આઈસ.” આશ્ચર્યચકિત થઈ ગયેલો કબીર થોડીક ક્ષણો માટે તો કોઈ પ્રતિભાવ જ ન આપી
શક્યો. એણે તો માધવને સવાલ પૂછેલો. એનો જવાબ વૈશ્નવી પાસેથી મળશે અને એ પણ આવો એ
એની કલ્પનામાં ક્યાંય નહોતું!
કબીરે બકાર્ટેના ક્રિસ્ટલ ગ્લાસમાં બ્લ્યૂ લેબલનો એક સ્મોલ પેગ બનાવ્યો, બરફના બે ટુકડા
નાખ્યા. કાચના ગ્લાસ સાથે એ ટુકડા ટકરાયા જેનો મીઠો રણકાર થયો. વૈશ્નવીએ માધવ તરફ જોયા
વગર જ બાર પાસે જઈને ગ્લાસ ઉઠાવ્યો, કબીરના હાથમાં પકડેલા ગ્લાસ સાથે પોતાનો ગ્લાસ
ટકરાવી એણે કહ્યું, “ચિયર્સ!” કબીર કશું જ બોલ્યા વગર એની સામે જોતો રહ્યો. એની માછલી જેવી
કથ્થાઈ આંખો, લાંબી પાંપણ, નમણું નાક, એક પણ ડાઘ વગરની ત્વચા અને ચહેરા ઉપરની
ગરિમા… આ જોઈને તો કબીર દિલ હારી બેઠો હતો!
કબીરે અચકાઈને કહ્યું, “ચિયર્સ!”
માધવને પોતાના કાન પર, પોતાની આંખો પર ભરોસો ન બેઠો. એને લાગ્યું કે, આ વૈશ્નવીને
તો એ ઓળખતો જ નથી. એણે કશું કહ્યા વગર જ મુખ્ય દરવાજા તરફ ચાલવા માંડ્યું. જતાં જતાં
એક ક્ષણ માટે દરવાજાની વચ્ચે ઊભા રહીને એણે કહ્યું, “વૈશ્નવી! આઈ એમ સોરી!”
“રિયલી?” વૈશ્નવીએ શરાબનો પહેલો ઘૂંટ પીને જે સૂરમાં પૂછ્યું એ પછી માધવ ત્યાં ઊભો
રહી શકે એમ નહોતો. એ સડસડાટ ઘરની બહાર નીકળી ગયો. વૈશ્નવીએ એક ઘૂંટડામાં ગ્લાસ પૂરો
કર્યો, બારના કાઉન્ટર પર એણે ગ્લાસ મૂક્યો, “રિફીલ પ્લીઝ!” કબીરે સહેજ અચકાઈને બીજો પેગ
બનાવ્યો. એ ગ્લાસમાં શરાબ ભરતો હતો ત્યાં સુધી વૈશ્નવી અપલક નજરે એની સામે જોતી રહી.
વૈશ્નવીની એ ખૂંપી જાય એવી, આરપાર વીંધી નાખે એવી નજરથી કબીર સહેજ અસહજ થઈ
ગયો. એનો હાથ ધ્રૂજ્યો, શરાબ સહેજ ઢોળાઈ, વૈશ્નવી હસી…”વેલડન, મિસ્ટર કબીર નરોલા. હું
અત્યાર સુધી એમ માનતી હતી કે, દુનિયાની કેટલીક વસ્તુઓ પૈસાથી ન ખરીદી શકાય, પણ તમે
આજે મને ખોટી પાડી. તમે વૈશ્નવીને ખરીદી લીધી. અને એ પણ માત્ર પાંચ કરોડ રૂપિયામાં!” એણે
શરાબનો ગ્લાસ ઉપાડીને ફરી એકવાર એક જ ઘૂંટડામાં પૂરો કર્યો. ફરી બારના કાઉન્ટર પર ગ્લાસ
મૂકીને એણે કહ્યું, “રિફીલ?”
“તું તો શરાબ નહોતી પીતી…” કબીરથી રહેવાયું નહીં.
“હંમમ્.” વૈશ્નવીએ ડોકું ધૂણાવ્યું, “જ્યાં સુધી મયૂર પારેખની દીકરી અને માધવ દેસાઈની
પત્ની હતી ત્યાં સુધી નહોતી પીતી. હવે તો બજારું વસ્તુ થઈ ગઈ છું. એકે વેચી, એકે ખરીદી…”
કહીને એણે ફરી ગ્લાસ ઉઠાવીને કાઉન્ટર પર જરા જોરથી મૂક્યો, “રિફીલ… પ્લીઝ!”
“ગો સ્લો… આટલી બધી શરાબ એકસામટી… તું પાસઆઉટ થઈ જઈશ.” કબીરે સહેજ
ચિંતા અને લાગણી સાથે કહ્યું.
“એ જ તો આઈડિયા છે. એકવાર બેહોશ થઈ જાઉં પછી તારે મારી સાથે જે કરવું હોય એ
કરી લે કારણ કે, હોશમાં હોઈશ ત્યાં સુધી તો હું તને અડવા પણ નહીં દઉં… પાંચ કરોડ રૂપિયાની
વસ્તુ પૂરેપૂરી વસૂલ તો કરવી પડશે ને? તારા જેવા વેપારીને ખોટનો સોદો તો પોસાશે નહીં…” કબીર
સાંભળતો રહ્યો, “કે પછી હું મારી મરજીથી, ઈચ્છાથી એક પછી એક વસ્ત્રો ઉતારું, તને રિઝાવું, તારી
એક એક ફેન્ટસી પૂરી કરું એ માટે પૈસા ખર્ચ્યા છે… એમ હોય તો…” વૈશ્નવીએ સાડીનો પાલવ કાઢી
નાખ્યો.
એના શરીરના કમનીય વળાંકો, પાતળી કમર અને બ્લાઉઝમાંથી દેખાતા હળવા ક્લિવેજથી
કબીર એક ક્ષણ માટે મોહિત થઈ ગયો. પછી તરત એણે નજર ફેરવી લીધી, “સ્ટોપ ધીસ નોનસેન્સ.”
એનાથી ઊંચા અવાજે કહેવાઈ ગયું, “તું એક સારા ઘરની, કલ્ચર્ડ છોકરી છે.”
“એમ?” ફટાફટ પીવાઈ ગયેલા બે પેગે અસર કરવા માંડી હતી. વૈશ્નવીનો અવાજ સહેજ
લસર્યો, “સારા ઘરની છોકરીઓ પાંચ કરોડમાં વેચાતી નથી ને સારા ઘરના છોકરાઓ છોકરીઓને
ખરીદતા પણ નથી.” એ હસી, “તો હું સારા ઘરની નથી ને તું પણ…” એણે કાઢી નાખેલો પાલવ
જમીન પર જ રહેવા દીધો. સાડીની પાટલી ખોલવાની તૈયારી કરવા માંડી. કબીર બારની પાછળથી
આગળ આવી ગયો. એણે વૈશ્નવીના હાથ ત્યાં જ રોકી દીધા, “ઓહ! તારે ખોલવી છે?” વૈશ્નવીએ
બંને હાથ ઊંચા કરી દીધા.
“શું કરે છે?” કબીરે ચહેરો ફેરવી લીધો. નીચે પડેલો પાલવ વૈશ્નવીના ખભે નાખ્યો, “વ્હાય
આર યુ મેકિંગ ઈટ સો ડર્ટી?”
“બીકોઝ ઈટ ઈઝ ડર્ટી… આનાથી ગંદુ કશું હોઈ શકે જ નહીં, કબીર નરોલા.” વૈશ્નવીની
આંખો કબીરને આરપાર વીંધી રહી હતી, “મેં શું બગાડ્યું હતું તારું કે માધવે પણ તને ક્યાં નુકસાન
કર્યું? એ તો તારા વખાણ કરતાં થાકતો નહોતો. માધવ તો ભગવાન સમજતો હતો તને.” વૈશ્નવીને
ડૂમો ભરાઈ ગયો હતો.
“નથી, હું ભગવાન…” કબીરનો અવાજ એટલો ઊંચો થઈ ગયો કે, વૈશ્નવી હબકી ગઈ, “મારે
ભગવાન બનવું પણ નથી. એક સીધો સાદો માણસ હતો હું. પ્રેમ કરતો હતો તને.” હવે કબીરના
અવાજમાં પણ એના આંસુની ખારાશ ભળી ગઈ, “લગ્ન કરવાં હતાં તારી સાથે. મારા ફાધર માગું
લઈને આવ્યા હતા. તારા પપ્પાએ હા પાડી, એટલે અમે જાન લઈને આવ્યા હતા, પણ તું તો ભાગી
ગઈ. આ માધવ સાથે, જે તને હમણાં થોડીવાર પહેલાં અહીંયા મૂકી ગયો.” કબીરને લાગ્યું કે એ
સંયમ ખોઈ બેસશે. એનો ગુસ્સો એટલો ઉભરાતો હતો કે, એ વૈશ્નવીને નુકસાન કરી બેસશે એવો
એને પોતાને ભય લાગ્યો. એ વૈશ્નવીથી દૂર ખસી ગયો. એની આંખોમાં ઝળઝળિયાં હતાં. “તેં ના
પાડી હોત તો અમને કોઈ પ્રોબ્લેમ નહોતો. ઈગો પર આવીને કંઈ તને ઉપાડી ના જાત. પણ તેં તો હા
પાડીને છેતર્યા. અમારા સન્માન, પ્રતિષ્ઠા ને મારા પપ્પા બધું ગયું.” કબીરની આંખો ઉભરાઈ. ક્યારનો
રોકી રાખેલો ડૂમો હવે વહી નીકળ્યો, “મારા પપ્પાને ત્યાં જ હાર્ટએટેક આવ્યો. મરી ગયો એ માણસ.
આઈ લોસ્ટ માય ફાધર, એ જ વખતે તું આની સાથે પરણી. આ? જેણે તને પાંચ કરોડ માટે વેચી
નાખી? એક વાત સાંભળી લે, પાંચ કરોડ રૂપિયા ચૂકવ્યા પછી પણ મારે સ્પર્શ પણ નથી કરવો તને.
ફિલ્મની એ ગ્રેડ હિરોઈન કે વિદેશી રોકસ્ટાર, ટોપ મોડેલથી શરૂ કરીને મિસ યુનિવર્સ સુધી હું જેને
બોલાવવા માગું એને બોલાવી શકું એટલી તાકાત છે મારી! માત્ર પૈસાથી નહીં, મારા ચાર્મથી,
પર્સનાલિટીથી અને મારા પૌરુષથી આકર્ષી શકું એમ છું, કોઈપણ સ્ત્રીને! પૈસા વસૂલ કરવામાં રસ
નથી મને… તને તો આજે એટલા માટે બોલાવી છે… સોરી! ખરીદી છે, જેથી તને સમજાવી શકું કે
જેને માટે તેં મારું, મારા પિતાનું, અમારા પરિવારનું અપમાન કર્યું એ માણસ તારું અપમાન કરીને તને
મારી જ પાસે મૂકીને ચાલી ગયો…” કબીર એકસરખું બોલી રહ્યો હતો. વૈશ્નવી થોડી નશામાં હતી,
એ કબીરની વાતોથી હતપ્રભ થઈ ગઈ હતી. ડઘાયેલી વૈશ્નવી પહોળી આંખે એને સાંભળી રહી
હતી. અત્યારે કબીર જે કંઈ કહી રહ્યો હતો એ વિશે એણે કોઈ દિવસ વિચાર્યું જ નહોતું. જે કબીર
એની નજરમાં એક વિલન, એક વુમનાઈઝર, સ્ત્રીને ખરીદી શકતો એક અહંકારી પુરુષ હતો, એ
અત્યારે જે કંઈ કહી રહ્યો હતો એ સાંભળી રહેલી વૈશ્નવીને કબીર પ્રત્યે સહાનુભૂતિ અને પોતાના
પ્રત્યે તિરસ્કાર થઈ આવ્યો. એના એક અવિચારી પગલાંએ કેટલા લોકોની જિંદગી બરબાદ કરી હતી
એ વિચાર વૈશ્નવીને છેક ઊંડે સુધી વિંધી રહ્યો હતો.
કબીરે આગળ કહ્યું, “તને શું લાગે છે? મારે માટે છોકરીઓની કમી હતી? તને અમદાવાદમાં
એક લગ્નમાં જોઈ હતી… ને હું મૂર્ખ હતો કે, તારી પાછળ પાગલ થઈ ગયો. અઠવાડિયામાં બે વાર,
ત્રણ વાર મારું ચાર્ટર્ડ વિમાન લઈને અમદાવાદ આવતો, ફક્ત તને જોવા! તારા સુધી આવીને મારા
દિલની વાત કહેવાની હિંમત નહોતી મારામાં… કદાચ, તું ના પાડી બેસે એ ડરથી કદી તારા સુધી
આવી શક્યો જ નહીં.” એ વૈશ્નવીની નજીક ધસી આવ્યો. અજાણતાં જ ઉશ્કેરાટમાં એણે વૈશ્નવીનો
હાથ પકડી લીધો, “ટ્રસ્ટ મી, મને સહેજ પણ ખબર હોત કે તું માધવના લફરામાં છે તો કોઈ દિવસ
તારી જિંદગીમાં વચ્ચે આવ્યો ન હોત! હું અમદાવાદ જતો હતો એ વાત મારા પપ્પાને ખબર પડી.
એકનો એક દીકરો પ્રેમમાં પાગલ હતો એટલે એમણે માગું નાખ્યું મયૂરભાઈ પાસે… પપ્પાએ તો
આગ્રહ રાખ્યો હતો કે, આપણે બંનેએ મળવું જોઈએ, પણ તારા પપ્પાએ ના પાડી. એમણે કહ્યું કે, તેં
હા પાડી છે… તારા પપ્પાના વર્ડ પર આટલા બધા પ્રતિષ્ઠિત લોકોને લઈને બે ચાર્ટર્ડ વિમાન કરીને
મારા પિતા પોતાનો એકનો એક દીકરો પરણાવવા જામનગર આવ્યા હતા.” કબીર વિક્ષિપ્તની જેમ
હસવા લાગ્યો, “મૂરખ! હું પણ ને એ પણ… અમને તો ત્યાં પહોંચીને ખબર પડી કે, થનારી નવવધૂ તો
ભાગી ગઈ છે. આટલા બધા લોકોને શું કહેવું એ સમજાયું નહીં, એ પ્રેશરમાં એમને હાર્ટએટેક
આવ્યો… હી ડાઈડ.” કબીર જોરજોરથી બૂમો પાડતો રહ્યો, “સમજાય છે તને? મારો બાપ મરી ગયો,
તારે કારણે!” એની આંખોમાંથી આંસુ વહેતાં રહ્યાં, “મીડિયાએ ન્યૂઝ ચગાવ્યા, કંપનીના શેરના ભાવ
પડી ગયા! પાર્ટીમાં, બિઝનેસમાં બધે મજાકનું સાધન બની ગયો, હું. લોકો મને જોઈને હસતા… જે
છોકરીઓને મેં રિજેક્ટ કરી હતી એ બધી છોકરીઓએ એક યા બીજી રીતે મને અહેસાસ કરાવ્યો કે
મારી સાથે જે થયું એ સારું થયું.” અત્યાર સુધી પકડી રાખેલો હાથ કબીરે ઝટકાથી છોડ્યો, “હવે
સમજાય છે અપમાન કોને કહેવાય? અહીં ચાર દિવાલોની વચ્ચે હું ખરીદીને તને બોલાવું ને સવારે
પાછી મોકલી દઉં… એ વાતની જાણ આપણા ત્રણ સિવાય કોઈને નહીં થાય, પણ મારી તો ફજેતી
થઈ ગઈ. આખી દુનિયાને જાણ થઈ ગઈ કે, હું જાન લઈને પરણવા ગયો હતો અને મારી થનારી
પત્ની ભાગી ગઈ…” એણે વૈશ્નવીને ખભેથી પકડીને હચમચાવી નાખી, “અપમાન એને કહેવાય,
મિસિસ વૈશ્નવી માધવ દેસાઈ! એને કહેવાય અપમાન…” કબીરે બાર પર પડેલી બ્લ્યૂ લેબલની
બોટલ ઉઠાવીને મોઢે માંડી, ચાર-પાંચ મોટા ઘૂંટડા ગટગટ પી ગયા પછી એણે વૈશ્નવીના ગ્લાસમાં
શરાબ ભરીને એના હાથમાં ગ્લાસ પકડાવ્યો, “પી! તારે જેટલી શરાબ પીવી હોય એટલી પી. તું
હોશમાં રહે કે બેહોશ થઈ જાય, હું તને હાથ પણ નહીં લગાડું. આઈ પ્રોમિસ.” કહીને એ જમીન પર
બેસી ગયો, પગ લાંબા કરીને મોટા અવાજે રડવા લાગ્યો, “તારે લીધે… બધું તારે લીધે થયું. મારે તને
એટલું જ સમજાવવું હતું… જેને માટે તેં મને તરછોડ્યો, એ… તારો માધવ, તને પાંચ કરોડ રૂપિયા
માટે કોઈ પારકા પુરુષને ત્યાં મૂકીને બેશરમ, નફ્ફટની જેમ ચાલી ગયો… હવે, બેસીને વિચારજે! તેં
જેના માટે બધું છોડ્યું, એણે તને છોડી દીધી… આને કહેવાય કર્મનું ફળ!” હાથમાં પકડેલી બ્લ્યૂ
લેબલની બોટલ કબીરે દિવાલમાં છૂટી ફેંકી. બોટલ દિવાલમાં અથડાઈ, તૂટી નહીં, પણ જમીન પર
શરાબ ઢોળાયો. કબીર કોઈ વિક્ષિપ્ત માણસની જેમ જોરજોરથી હસતો રહ્યો, વચ્ચે વચ્ચે રડતો
રહ્યો…
જામનગરથી ભાગી ગયા પછી શું બન્યું એ વિશે તદ્દન અજાણ વૈશ્નવી આ બધું સાંભળ્યા
પછી પોતે કરેલા ઉતાવળિયા નિર્ણયનો અફસોસ કરતી, હાથમાં શરાબનો ગ્લાસ પકડીને ઊભી હતી.
એની નજર સામે દરવાજાની બહાર જઈ રહેલા માધવની પીઠ કોઈ ફિલ્મના દ્રશ્યની જેમ વારેવારે
દેખાતી રહી ને બીજી તરફ, કબીરનું રૂદન, એનું અટ્હાસ્ય વૈશ્નવીને ભીતરથી વલોવી રહ્યું હતું.
*
વૈશ્નવીને મૂકીને બહાર નીકળેલો માધવ પોતાની ગાડીમાં બેઠો. એનું મન વૈશ્નવીને પાછી
લઈ આવવા તરફડતું હતું. કબીર હવે પોતાની પત્ની સાથે શું કરશે એ સવાલનો જવાબ માધવ
પોતાની જાતને આપતા પણ ડરતો હતો…
એ ગાડી લઈને કબીરના બંગલાના ગેટની બહાર નીકળ્યો… પણ, ઘરે ન જઈ શક્યો. એણે
ગેટની બાજુમાં જ ગાડી પાર્ક કરી દીધી અને સવાર સુધી અહીં જ પ્રતીક્ષા કરવાનું નક્કી કર્યું.
એ આખી રાત વૈશ્નવી, માધવ અને કબીરમાંથી કોઈ એક ક્ષણ માટે પણ ઊંઘી શક્યું નહીં.
એક અપરાધભાવમાં ગ્રસ્ત, બીજો વેરના અગ્નિમાં સળગતો અને ત્રીજો સ્વયંને ધિક્કારતો, જાત માટે
છલોછલ નફરતથી ભરેલો… ત્રણેય જણાં પોતપોતાના મનની પીડામાં તરફડતાં રહ્યાં.
(ક્રમશઃ)