‘તારે જ જાણવું હતું ને?’ થપ્પડ ખાધા પછી ગાલ પંપાળી રહેલી વૈશ્નવીની આંખનો એક
ખૂણો પણ સૂઝી ગયો હતો, બંને આંખોમાંથી આંસુ વહીને ગાલ પરથી સરકી ગયાં, પરંતુ એની
આંખોમાંથી આક્રોશનું તેજ સહેજ પણ ઝાંખું પડ્યું નહીં, ‘તું મને અહીં મૂકીને ગયો, એ પછીની ક્ષણે
ક્ષણની, રજેરજ વિગત આપું તને. સિનેમાની જેમ બધું તું લગભગ જોઈ શકે એવી રીતે કહું તને…’
‘ચૂપ થઈ જા.’ માધવે બંને હાથ કાન પર મૂકી દીધા, ‘શરમ નથી આવતી તને?’
‘મને?’ પાણીથી છલોછલ ભરેલી માછલી જેવી બે આંખોમાં માધવ માટે ક્ષણભર માટે
નફરતની એક વિજળી ચમકી અને અદ્રશ્ય થઈ ગઈ, ‘મને શરમ આવવી જોઈએ?’ વૈશ્નવીએ પૂછ્યું,
‘મેં એક બીજા પુરુષ સાથે રાત વિતાવી એ માટે મને શરમ આવવી જોઈએ કે તું તારી પત્નીને પાંચ
કરોડ રૂપિયા માટે બીજા પુરુષ પાસે મૂકી આવ્યો એ માટે… તને?’ એ બારીની બહાર જોવા લાગી.
થોડીક ક્ષણો માટે બંને જણાં સ્તબ્ધ થઈ ગયાં હતાં, માધવ સાથે આંખો મેળવ્યા વગર વૈશ્નવીએ કહી
નાખ્યું, ‘આપણા પ્રેમની, આપણા સંઘર્ષની, મારા પિતાને દગો દઈને તારી સાથે લગ્ન કરવાની મારી
હિંમત અને તારા માટેની મારી વફાદારીની, આપણે સાથે જીવેલાં વર્ષોની, આપણા સુખ-દુઃખની
અને સાત જનમના બંધનની કિંમત તેં થોડી ઓછી આંકી એવું નથી લાગતું તને?’
માધવે એક પણ અક્ષર બોલ્યા વગર ગાડીને સેલ આપ્યો. ઘર સુધી વૈશ્નવી બારીની બહાર
જોતી રહી, અને માધવ સામેના ખાલી રસ્તા પર શૂન્ય આંખે જોતો રોબોની જેમ ગાડી ચલાવતો
રહ્યો. હજી વહેલી સવાર હતી એટલે મુંબઈના રસ્તાઓ સૂમસામ હતા. મલબાર હિલથી મરીન ડ્રાઈવ
સુધીના રસ્તા પર ગાડીઓની આછી અવરજવર અને મરીન ડ્રાઈવ પર ચાલવા નીકળેલા લોકોની
થોડી ભીડ સિવાય કોઈ ખાસ ચહેલપહેલ નહોતી. બિલ્ડિંગના પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને માધવ
ઉતરી ગયો. વૈશ્નવી પણ ઉતરી. લિફ્ટમાં પણ બંને જણાં એકબીજા સાથે એક અક્ષર બોલ્યા વગર
એકબીજાથી વિરુધ્ધ દિશામાં જોતાં રહ્યાં.
ઘરમાં દાખલ થતાંની સાથે વૈશ્નવી બેડરૂમ તરફ જવા લાગી, ‘નારાયણ…’ એણે બૂમ પાડી.
ગઈકાલે સાંજે તૈયાર થઈને બહાર ગયેલા પતિ-પત્ની આજે સવારે પાછાં ફર્યાં હતાં. મેમસા’બના
કપડાં બદલાઈ ગયેલાં હતાં અને સાહેબના કપડાં ચૂંથાઈ ગયેલાં હતાં. નારાયણ કશું પૂછવાની
સ્થિતિમાં નહોતો, પણ એણે આ બધું નોંધ્યું, ‘હું સૂઈ જાઉં છું. મને ઉઠાડતો નહીં. સાહેબને પૂછીને
લંચ બનાવી દેજે.’ કહીને વૈશ્નવી બેડરૂમ તરફ આગળ વધી, ‘આખી રાતનો ઉજાગરો છે મને.’ છેલ્લું
વાક્ય એણે નારાયણને નહીં, માધવને કહ્યું હતું. એણે જે ડામ દીધો, એનાથી માધવનું મન, મગજ
અને બુધ્ધિ ચચરી ઊઠ્યાં, પણ એ કશું બોલ્યો નહીં.
વૈશ્નવી બપોર સુધી ઊંઘતી રહી, અથવા આંખ મીંચીને પડી રહી… ગઈકાલે બની ગયેલી
એક એક ઘટના, વિતેલી એકેએક ક્ષણ એની નજર સામે કોઈ ફિલ્મની પટ્ટીની જેમ ફરી ફરીને
ભજવાઈ રહી હતી.
*
‘બેમાંથી એકેયને ગુનેગાર ઠેરવી શકું એમ નથી, ને બેમાંથી એકેયને માફ કરી શકું એમ પણ
નથી…’ કહીને વૈશ્નવી સ્વિમિંગ પુલ પાસેથી અંદરની તરફ ચાલી ગઈ. ત્યાં ઊભેલો કબીર એની
પીડા સમજી શકતો હતો, પરંતુ હવે કશું થઈ શકે એમ નહોતું. વૈશ્નવીને મળવાનો કોઈ બીજો રસ્તો
પણ શોધી શકાયો હોત, એવું કબીરને અત્યારે લાગ્યું-પરંતુ, હવે બધું બરબાદ થઈ ચૂક્યું હતું.
કબીર અંદર ગયો ત્યારે વૈશ્નવી ફરી એકવાર બાર પાસે બેઠી હતી. કબીરે ફેંકેલી બ્લ્યૂ લેબલની
બોટલ એણે જમીન પરથી ઉપાડી ને બારના કાઉન્ટર પર મૂકી હતી. પોતાને માટે એક પેગ બનાવીને
એ જે રીતે ધીમે ધીમે ચૂસકી ભરી રહી હતી એ જોઈને કોઈ માનવા તૈયાર ન થાય, કે વૈશ્નવીએ
પહેલાં ક્યારેય શરાબ નથી પીધી!
‘હું તારી માફી માગું છું.’ કબીરે કહ્યું, ‘તારા સુધી પહોંચવાનો જે રસ્તો મેં અપનાવ્યો એ
વાહિયાત અને બેવકૂફી ભરેલો હતો. હું વેરમાં આંધળો થઈ ગયો હતો, વૈશ્નવી! સામાન્ય માણસાઈ
ભૂલી ગયો, મારા સંસ્કાર ભૂલી ગયો.’ એની આંખોના ઝળઝળિયાંમાં બાર ઉપર લટકતા ઝુમ્મરના
પીળા પ્રકાશનું પ્રતિબિંબ પાડતું હતું, ‘યુ નો વ્હોટ? જે માણસના મૃત્યુનો બદલો લેવા માટે મેં આ
બધું કર્યું એ આજે જીવતા હોત તો આજે એમણે મને આવું ભયાનક કૃત્ય કરવા બદલ એક થપ્પડ
મારી હોત!’ કહીને એણે દિવાનખંડમાં લટકતા પિતાના મોટા ફોટા તરફ જોઈને કહ્યું, ‘આઈ એમ
સોરી, ડેડ!’ ઝળઝળિયાં હવે આંસુ બનીને વહી રહ્યાં હતાં.
‘કબીર!’ વૈશ્નવી બાર સ્ટુલ પરથી નીચે ઉતરીને ત્રણ ડગલાં ચાલીને કબીરની નજીક આવી,
એણે કબીરનો હાથ પકડ્યો. વિજળીના લાઈવ વાયરને હાથ અડી ગયો હોય એમ કબીરના આખા
શરીરમાંથી ઝણઝણાટી પસાર થઈ ગઈ. આ એ સ્પર્શ હતો જેની કલ્પના કબીરે સૂતા-જાગતા અને
પ્રત્યેક શ્વાસમાં કરી હતી. વૈશ્નવીના મુલાયમ હાથનો સ્પર્શ થતાં જ કબીરના રોમરોમમાં કોઈ
વિચિત્ર પ્રકારની શાંતિ, એક સુકુન વ્યાપી ગયું. એણે ક્ષણભર માટે આંખો મીંચી દીધી.
‘હું તારી જગ્યાએ હોત તો કદાચ, હું પણ આટલી જ ગુસ્સામાં હોત. હું પણ વેરમાં આંધળી
થઈ ગઈ હોત.’ કબીરે આંખો ઉઘાડી. સામે ઊભેલી વૈશ્નવીના ચહેરો હવે શાંત અને ક્ષમાશીલ
દેખાતો હતો, ‘તું ખોટો નથી.’ એણે પોતાનો બીજો હાથ પણ કબીરના જોડાયેલા હાથની બીજી તરફ
મૂક્યો.
‘મારો પ્રેમ જ મારી મોટી ભૂલ હતી…’ કબીરે કોઈ વિક્ષિપ્તની જેમ હોઠ ફફડાવ્યા.
‘પ્રેમમાં ભૂલ થઈ જાય, પ્રેમ પોતે કદી ભૂલ ન હોઈ શકે.’ વૈશ્નવીએ પૂરી સહાનુભૂતિ અને
સ્નેહ સાથે કબીરને સમજાવવાનો પ્રયાસ કર્યો, ‘આપણે બંને પોતપોતાની જગ્યાએ સાચા છીએ.
બસ! દરેક વખતે સમય ખોટો હતો. તું મારા પ્રેમમાં પડ્યો એ ખોટો સમય, કારણ કે હું માધવના
પ્રેમમાં હતી… મારા પિતા મને સુખી જોવા માગતા હતા, એમણે હા પાડી એ ખોટો સમય. તમે જાન
લઈને આવ્યા, ને હું ભાગી છૂટી-એ ખોટો સમય… તેં માધવને સટ્ટો કરવા ઉશ્કેર્યો, દેવામાં ધકેલ્યો
એ પણ ખોટો સમય જ…’ એણે ખૂબ વહાલથી કહ્યું, ‘મારા મનમાં તારે માટે જે ગુસ્સો અને
તિરસ્કાર હતા, એ બધું તારી વાત સાંભળ્યા પછી ધોવાઈ ગયું. હવે મારું મન સાફ છે. તું પણ કોઈ
બોજ ના રાખીશ.’
‘બોજ તો રહેશે.’ કબીરે પોતાનો હાથ છોડાવવાનો પ્રયાસ પણ ન કર્યો. એ આ સ્પર્શને, આ
ક્ષણને જાણે અહીં જ ફ્રીઝ કરી દેવા માગતો હતો, ‘હું જેને પ્રેમ કરતો હતો એ સ્ત્રીને અપમાનિત કરી
એનો બોજ રહેશે મારા મન પર… મેં ભૂલ નહીં ગુનો કર્યો છે.’
‘આમ તો આપણે બધા જ એક યા બીજા ગુનાહની સજા ભોગવતા હોઈએ છીએ… જેણે
ઉછેરી, પ્રેમ કર્યો, લાડ કર્યા એ પિતાને છોડ્યા, એમનું અપમાન કર્યું એ ગુનાની સજા મળી છે મને,
આજે! જે સંતાનો માતા-પિતાની વાત નથી માનતા એમણે પસ્તાવું પડે છે, ક્યારેક તો પસ્તાવું જ
પડે છે…’
‘યુ આર રાઈટ! મારા ડેડનો બહુ આગ્રહ હતો કે, લગ્ન નક્કી થાય એ પહેલાં હું તને એકવાર
મળી લઉં તો સારું… એમણે વારંવાર કહ્યું, પણ હું તને સરપ્રાઈઝ આપવા માગતો હતો! એમનું કહ્યું
માનીને મારે તને એકવાર મળી લેવું જોઈતું હતું, કદાચ તું મને સાચું કહી દેત તો…’ કબીર પોતાની
પૂરી સચ્ચાઈથી વૈશ્નવીની આંખોમાં જોઈ રહ્યો હતો, ‘તો કદાચ, આપણે આજે અહીં, આમ ન
ઊભા હોત!’
વૈશ્નવી વધુ ઈમોશનલ થઈ ગઈ. એણે ઊંડો નિઃશ્વાસ નાખ્યો, ‘હા! એટલિસ્ટ આપણે સારા
મિત્રો થઈ શક્યાં હોત…’
‘મિત્રતામાંથી પ્રેમ થઈ શકે વૈશ્નવી, પણ એકવાર પ્રેમ થઈ ગયા પછી દોસ્તી તરફ પાછા જવું
અઘરું હોય છે.’ કબીરે કહ્યું, ‘મને તો પ્રેમ થઈ ગયો છે. હું તારો દોસ્ત નહીં બની શકું, ક્યારેય!’
‘હવે તો…’ વૈશ્નવી કશું કહેવા માગતી હતી, પણ એ વાક્ય એણે અધૂરું જ છોડી દીધું.
એકમેકના હાથ પકડીને બંને જણાં થોડીવાર એમ જ ઊભા રહ્યાં. સહાનુભૂતિ અને સ્નેહમાં વૈશ્નવી
કબીરનો હાથ પંપાળતી રહી. એને સાચે જ દુઃખ થયું હતું. એણે જામનગરથી ભાગી છુટવાનો જે
નિર્ણય કર્યો એમાં કબીરનું બહું મોટું નુકસાન થયું હતું એ વાત સમજ્યા પછી વૈશ્નવીને કબીર માટે
ઊંડી સહાનુભૂતિ થવા લાગી હતી.
‘મારી એક વાત માનીશ? વાત નહીં, વિનંતી… રિક્વેસ્ટ, અરજ…’ કબીરના અવાજમાં સાચે
જ આજીજી હતી.
‘મારાથી થઈ શકે એ ચોક્કસ કરીશ.’ અપરાધી હોવાની લાગણીએ વૈશ્નવીને એવી બાંધી
હતી કે, એ કબીરની કોઈપણ વાત નકારતા અચકાવા લાગી હતી.
‘હું ક્યારેક તને મળવા ઈચ્છું તો…’
વૈશ્નવીએ વચ્ચે જ વાત કાપી નાખી, ‘એ વિશે વાત થઈ ચૂકી છે. આપણે ન મળીએ એમાં
સૌની ભલાઈ છે.’ એણે કબીરનો હાથ છોડી દીધો.
‘વૈશ્નવી! હું તારા જીવનમાં ક્યારેય દખલ નહીં કરું. તારી પાસેથી કોઈ અપેક્ષા નહીં રાખું.
આગ્રહ નહીં કરું કે મારી લાગણીના પ્રતિસાદની પણ ઈચ્છા નહીં રાખું…’ કબીર એકદમ અસહાય,
એકલો, અટૂલો, જંગલમાં ખોવાઈ ગયેલા એક બાળકની જેમ બેબાકળો થઈને વિનવી રહ્યો હતો,
‘બસ, કોઈક દિવસ તારો ચહેરો જોઈ શકું, તારો અવાજ સાંભળી શકું, થોડી મિનિટ હું તારી સાથે
વિતાવી શકું, તો જીવવાનું કારણ મળી રહેશે મને. પ્લીઝ!’
કબીર એનો હાથ પકડવા ગયો, પણ વૈશ્નવી બે ડગલાં દૂર ખસી ગઈ, ‘માધવને નહીં ગમે,
કબીર…’ વૈશ્નવીએ કહ્યું, ‘કોઈપણ પતિ એવું કેવી રીતે સ્વીકારે કે જેની સાથે એની પત્ની રાત
વિતાવી આવી છે એ…’
‘તારી મરજીથી નથી આવી તું! એ મૂકી ગયો છે, એના સ્વાર્થ માટે.’ કબીરના અવાજમાં
કડવાશ ઊભરાઈ, ‘એ કયા અધિકારથી કંટ્રોલ કરશે તને?’ એણે ઉશ્કેરાઈને કહ્યું, ‘એના ગમા-
અણગમાનો વિચાર કરે છે તું, પણ તને કેવું લાગશે એનો વિચાર કર્યો એણે?’
‘દરેક બુધ્ધિશાળી માણસ પાસે પોતાનું આગવું સત્ય હોય છે, કબીર! હું તને મળું, મળતી રહું
એ માટે તું તારા પક્ષની દલીલ કરી રહ્યો છે.’ વૈશ્નવીના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, ‘હું તને ન
મળું, મારે તને ન મળવું જોઈએ એ માટે માધવ પણ પોતાના પક્ષની દલીલો કરશે…’
‘રાઈટ. નિર્ણય તારે કરવાનો છે.’ કબીરે કહ્યું, ‘સવાલો માત્ર મને મળવા કે નહીં મળવાથી પૂરા
નહીં થાય, હવે!’ એ સહેજ અટક્યો, ‘હવે તો તારે દરેક વાતમાં ખુલાસા કરવા પડશે. તારી દરેક વાત,
વર્તન… વિચારમાં પણ પ્રવેશીને માધવ મને શોધવાનો પ્રયત્ન કરશે એટલું યાદ રાખજે.’
‘એટલે?’ વૈશ્નવીએ પૂછ્યું.
‘એટલે…’ કબીરના ચહેરા પર સ્મિત આવી ગયું. આટલા કલાકોમાં પહેલીવાર એ થોડો
સહજ લાગ્યો, ‘એટલે, એમ કે માધવ જાણે છે કે મને એકવાર મળેલી સ્ત્રી મારા આકર્ષણમાં લપેટાયા
વિના રહેતી નથી.’ કબીરની આંખોમાં ‘કબીર નરોલા’ હોવાનું ગૌરવ, ખુમારી અને ગર્વ વાંચી શકી
વૈશ્નવી! એ કંઈ બોલી નહીં, કબીરે આગળ કહ્યું, ‘એવા કેટલાય પ્રસંગોનો એ સાક્ષી રહ્યો છે.’
કબીરના ચહેરા પર એ દિવસોની યાદથી એક વિચિત્ર સ્મિત આવી ગયું, ‘એ ભૂલી નહીં શકે કે એની
પત્ની કોઈ સામાન્ય માણસ સાથે નહીં, કબીર નરોલા સાથે રાત વિતાવી આવી છે…’
‘એ જ તો તું ઈચ્છે છે.’ વૈશ્નવીએ કહ્યું, ‘માધવ ક્યારેય ન ભૂલે, કે મેં તારી સાથે રાત વિતાવી
છે.’
‘રિઅલી?’ કબીરના ચહેરા પર હજી સ્મિત હતું, ‘હું એવું ઈચ્છું છું?’ એ હસી પડ્યો, ‘મને જ
ખબર નથી?’ એણે હિંમતથી આગળ વધીને વૈશ્નવીને બંને ખભે હાથ મૂક્યા, ‘મને એટલી ચોક્કસ
ખબર છે કે, હું જે ઈચ્છું છું એ કરું જ છું.’ કહીને એણે વૈશ્નવીને સહેજ નજીક ખેંચવાનો પ્રયાસ
કર્યો, જોકે વૈશ્નવી પોતાની જગ્યાએથી એક તસુ પણ ખસી નહીં. કબીર હસતો રહ્યો, ‘આ વાત
તારા પતિથી વધારે કોઈ નથી જાણતું, વૈશ્નવી…’ એના અવાજમાં ફરી એકવાર એ જ કબીર નરોલા
આળસ મરડી રહ્યો હતો, ‘જો હું એવું ઈચ્છતો હોઈશ કે માધવ મને ન ભૂલે, ન ભૂલી શકે તો એમ જ
થશે… આઈ વિલ સી ટુ ઈટ!’
‘કેમ?’ વૈશ્નવીનો અવાજ સહેજ વિલાઈ ગયો, ‘એનો તો કોઈ વાંક નથી… હું ભાગી. જે થયું
એ મારે લીધે થયું. તું એને કેમ સજા કરવા માગે છે? એ તો બિચારો…’
‘રાઈટ! એ તો બિચારો છે! તારી ને મારી વચ્ચે સપડાયેલો, બિચારો…’ કબીરનો અવાજ ઠંડો
અને ધારદાર થઈ ગયો, ‘તારા જેવી સ્ત્રી પોતાની આખી જિંદગી જીવી શકશે એ બિચારા સાથે?’
કબીરે આ સવાલ પૂછતી વખતે વૈશ્નવીની આંખોમાં જે રીતે જોયું એ નજર વૈશ્નવી સહી શકી
નહીં, ‘નક્કી કરી લે, તું એને પ્રેમ કરે છે કે તને એની દયા આવે છે…’ એણે હસતાં હસતાં પોતાનો
પેગ બનાવ્યો, ‘આખી જિંદગી એની દયા ખાધા કરીશ તો પ્રેમ કોને કરીશ? બિચારા પુરુષ સાથે એક
પથારીમાં રોજ રાત્રે સૂઈ શકીશ? બિચારાના બાળકની મા બની શકીશ, તું?’ શરાબનો ગ્લાસ લઈને
હસતો હસતો કબીર બાર સ્ટુલ પર બેસી ગયો, ‘એક અદભૂત ગૌરવશીલ, ગરિમાપૂર્ણ, બેશુમાર સુંદર
છોકરી… ને એક બિચારો પુરુષ! વાઉ! વ્હોટ એ કોમ્બિનેશન! ગ્રેપ એન્ડ ગ્રેઈન’
‘ડોન્ટ સે ધેટ…’ વૈશ્નવીએ કહ્યું તો ખરું, પણ એના મનમાં સાચે જ આ વાત ઊંડે સુધી
ઉતરી ગઈ. મયૂર પારેખ અને કબીર નરોલા એક જ ભાષા બોલી રહ્યા હતા! કદાચ, એ બંને એક જ
ક્લાસ-એક જ વર્ગમાંથી આવતા હતા માટે કે પછી એ બંને ક્યાંક સાચા હતા! વર્ગ-ક્લાસ, અમીરી-
ગરીબી, માત્ર માણસના બનાવેલા માપ-ધોરણો નથી, કદાચ. એક ઉછેર, જીવનશૈલી, સંસ્કાર અને
વ્યક્તિત્વ છે. પોતાની સામે ઉભેલો સંપન્ન, સંભ્રાંત પરિવારનો કબીર અને ડ્રાઈવરના દીકરા માધવ
વચ્ચે ફેર છે, રહેશે… એ વાત વૈશ્નવીને સમજાવા લાગી હતી. વૈશ્નવી સહેજ ઝંખવાઈ ગઈ, ‘એને
આ સ્થિતિમાં તેં મૂક્યો છે. આજે જો એ બિચારો હોય તો તારે કારણે છે.’ એણે પાંગળી દલીલ કરી,
‘આજ પછી આપણી લડાઈમાં એને વચ્ચે નહીં નાખતો. પ્રોમિસ મી. હું ગુનેગાર છું તારી. મને સજા
કર…’
‘ઓકે!’ કબીરે ખભા ઊંચક્યા, ‘આજ પછી માધવ દેસાઈ આપણી વચ્ચે નહીં રહે, મંજૂર
છે?’ એણે હાથ લંબાવ્યો.
‘મંજૂર!’ વૈશ્નવીએ હેન્ડશેક કર્યાં, ‘હવે આ ઝઘડો, લડાઈ, યુધ્ધ, વેર તારી ને મારી વચ્ચે છે.’
‘મૂર્ખ છોકરી!’ કબીર ફરી એકવાર વહાલથી હસ્યો, ‘લડવા અને પ્રેમ કરવા માટે મળવું તો પડે
જ… માણસ કોઈને ધિક્કારી શકે, ચાહી શકે, પણ લડવા માટે, યુધ્ધ કરવા માટે તો સામસામે જ
આવવું પડે… તો હવે, મારી સામે આવ્યા વગર તારો છુટકો નથી.’
વૈશ્નવી હસી પડી, ‘તું સાચે જ ક્લેવર છે. વેરી ક્લેવર.’ એણે નિખાલસતાથી સ્વીકારી લીધું,
‘તારી સામે જીતવું અઘરું છે.’
‘તો?’ કબીર હજી ત્યાં જ અટક્યો હતો, ‘મળીશ મને? ક્યારેક…’ વૈશ્નવીએ હસતાં હસતાં
‘હા’માં ડોકું ધૂણાવી દીધું. કબીર નરોલાના હૃદયમાં ધબકતા વેર, તિરસ્કાર અને ધિક્કારથી શરૂ થયેલી
એક સાંજનો પ્રવાસ અનેક પડાવ પસાર કરીને હવે વૈશ્નવીના સ્મિત, સ્નેહ અને બંને વચ્ચેની દોસ્તી
સુધી પહોંચ્યો હતો.
પ્હો ફાટવાની તૈયારીમાં હતી. આકાશ લાલ થઈ ગયું હતું, સવારનો ઠંડો પવન શીમરના
પડદા ઉડાડતો આખા ઘરમાં પારિજાતની મહેક લઈને ફરી રહ્યો હતો.
‘આપણે થોડીવાર સૂઈ જવું જોઈએ…’ કબીરે કહ્યું.
‘આપણે? સૂઈ જવું જોઈએ?’ વૈશ્નવીના ચહેરા પર શરારતી સ્મિત ધસી આવ્યું.
‘માય પ્લેઝર.’ એની મજાક સમજીને કબીર પણ શરારતી હસ્યો, એના ચહેરા પર એ વિચાર
માત્રથી લાલી ધસી આવી, એનાથી વૈશ્નવી સાથે નજર મેળવી શકાઈ નહીં! એણે કહ્યું, ‘થોડીવાર
આરામ કરી લે. હમણાં માધવ તને લેવા આવી પહોંચશે.’
‘હંમમ.’ વૈશ્નવીએ ડોકું ધૂણાવ્યું, ‘આખી રાતનો ઉજાગરો અને શરાબ! સાચે જ મારી આંખો
મીંચાઈ જાય છે.’
‘ઉપર મારા બેડરૂમમાં જઈને ઊંઘી જા. હું અહીં, નીચે જ ઊંઘી જઈશ.’ કબીરે ફરી શરારતી
સ્મિત કર્યું, ‘કમસે કમ તારી સુગંધ તો રહેશે ચાદરમાં.’ કશું બોલ્યા વગર પોતાની નાનકડી બેગ લઈને
વૈશ્નવી ઉપરની તરફ જવા લાગી. આસમાની સાડીનો પાલવ સંભાળતી, ઉપર ચઢી રહેલી વૈશ્નવીને
હસરતભરી નજરે જોઈ રહેલા કબીરે ઠંડો નિઃસાસો નાખ્યો.
*
વૈશ્નવીએ આંખો ખોલી ત્યારે બપોર ઢળી ચૂકી હતી. એણે ઘડિયાળમાં જોયું. લગભગ ત્રણ
વાગ્યા હતા. એણે નારાયણને બૂમ પાડી, ‘નારાયણ…’ મેમસા’બની એક જ બૂમની પ્રતીક્ષા કરેલો
નારાયણ દોડી આવ્યો, ‘ચાય પીલાઓ, બેટા.’ વૈશ્નવીએ કહ્યું.
સવારના આંખ ઊઘડતાંની સાથે ‘સા’બ કહાં હૈ?’ પૂછતી વૈશ્નવીએ ચા પીધી, સાથે બે
ખાખરા ખાધા. એ નાહી અને આરામથી ગેલેરીમાં બેઠી, પણ એણે નારાયણને એકવાર પણ માધવ
વિશે ન પૂછ્યું એ વાતની નવાઈભરી નોંધ લીધા વગર નારાયણ રહી શક્યો નહીં. માધવ ઘરમાં
નહોતો, ક્યાં ગયો હતો એ વિશે વૈશ્નવીએ તપાસ કરવાની પણ દરકાર ન કરી, એનાથી નારાયણને
એટલું તો સમજાઈ જ ગયું કે પરમદિવસે રાતથી શરૂ કરીને આજ સુધીમાં આ ઘરમાં કશુંક ભયાનક
રીતે બદલાયું છે. આ બદલાવ આવો જ રહેશે કે પછી બધું ફરીથી પહેલાં જેવું થઈ જશે એ સવાલ
માત્ર નારાયણને નહોતો, વૈશ્નવી પણ મનોમન એ જ વિચારી રહી હતી.
(ક્રમશઃ)