કબીર જાગ્યો ત્યારે રૂમમાં ડાર્ક કર્ટન્સને કારણે અંધારું હતું. એને સમયની ખબર ન પડી.
બાજુમાં પડેલો સેલફોન ઊઠાવીને એમાં ઘડિયાળ જોઈ ત્યારે સાંજના ચાર વાગ્યા હતા. એ.સી. બંધ
કરીને એણે કર્ટન ખોલ્યા, સાંજના નમતા તડકાનું અજવાળું રૂમમાં ધસી આવ્યું. રાતનો હેન્ગઓવર
હજી કદાચ ઉતર્યો નહોતો, સૂરજના કિરણ આંખમાં પડતાં જ એને માથું દુઃખવા લાગ્યું. કાચની મોટી
ફ્રેન્ચ વિન્ડોઝ પાસે મૂકેલા કાર્બૂ ચેર પર બેસીને એણે સામેના ટેબલ પરથી ઉપાડીને બેલ વગાડ્યો.
સફેદ યુનિફોર્મમાં સજ્જ સ્ટાફનો એક માણસ તરત જ હાજર થયો, ‘મેડમ… ગ્યાં?’ કહેતાં જ એને
યાદ આવ્યું કે, ગઈકાલે એણે બધા જ સ્ટાફને છુટ્ટી આપી હતી. વૈશ્નવીની હાજરી વિશે કોઈ જાણતું
નહોતું. એણે વાત અટકાવીને કહ્યું, ‘સ્ટ્રોંગ કોફી.’ યુનિફોર્મમાં સજ્જ સ્ટાફનો માણસ ડોકું ધૂણાવીને
ત્યાંથી ચાલી ગયો.
બારીની બહાર દેખાતા મોટા મોટા એરિકા પામના પટ્ટીવાળા પાંદડાઓ પવનમાં લહેરાઈ
રહ્યાં હતાં. હજી હમણાં જ માળીએ બગીચામાં પાણી છાંટ્યું હતું. પાંદડા ઉપર અટકી ગયેલા નાના
નાના બિંદુઓ તડકામાં ચમકી રહ્યા હતા. નાનકડી દેવચકલી એક ડાળી પર ઝૂલતી હતી. માળીએ
છાંટેલા પાણીમાં પાંખો ભીંજવતા કાગડા કર્કશ અવાજે એકમેક સાથે સંવાદ કરી રહ્યા હતા. બહારની
દુનિયાને વિસ્મયથી જોતો કબીર વિતી ગયેલી રાત વિશે વિચારતો રહ્યો… વૈશ્નવી સાથે વિતેલી એક
એક પળને કોઈ પિપરમિન્ટની જેમ ચગળતાં કબીર એ પળોને માણતો રહ્યો. કોફી પીને, નાહીને એ
જ્યારે તૈયાર થયો ત્યારે સાંજના છ વાગી ગયા હતા.
પિતાના મૃત્યુ પછી વર્કોહોલિક થઈ ગયેલા કબીરે એક પણ દિવસ ઓફિસમાં રજા નહોતી
પાડી. એ રવિવારે પણ ઓફિસ જતો, ને એના સ્ટાફને પણ હાજર રહેવું પડતું! આજે કબીર ઓફિસ
ન આવ્યો એ વાતે આખો સ્ટાફ આશ્ચર્યચકિત હતો. 5-6 વર્ષમાં કદાચ, આ એની પહેલી રજા હતી!
કબીરની સાથે સાથે માધવ પણ આજે ઓફિસમાં નહોતો…
આખી ઓફિસમાં માધવે કરેલા સટ્ટાની, એણે ગૂમાવેલા પાંચ કરોડની વાત ચર્ચાઈ રહી
હતી. લગભગ બધા માનતા હતા કે, માધવ શહેર છોડીને ભાગી જશે, તો કેટલાકને ભય હતો કે, એ
આત્મહત્યા કરશે. તો વળી, બે-ચાર જણાંનું માનવું હતું કે, માધવ અને કબીરની દોસ્તીને કારણે કબીર
એની મદદ કરશે… એ આખો દિવસ માધવની પરિસ્થિતિ અને કબીરની ગેરહાજરી વિશે જાતભાતની
અટકળો થતી રહી.
છ વાગ્યે નાહી-ધોઈને તૈયાર થયેલો કબીર લગભગ બે વર્ષ પછી એની કન્વર્ટેબલ ટુ સીટર
પોર્શમાં ગોઠવાયો. મલાબાર હિલનો ઢાળ ઉતારીને એણે ગાડી મરીન ડ્રાઈવના રસ્તા પર કાઢી ત્યારે
અનાયાસે જ એનાથી માધવના બિલ્ડિંગમાં ઉપરની તરફ જોવાઈ ગયું. વૈશ્નવી ગેલેરીમાં બેઠી હતી.
કબીરને એક ક્ષણ માટે અટકી જવાનું મન થયું, પરંતુ ટ્રાફિકમાં એ ઊભો રહી શક્યો નહીં. બી રોડ પર
લેફ્ટ ટર્ન મારીને, એ ચોરસ ચક્કર મારીને પાછો આવ્યો… એણે ફરી વૈશ્નવીને જોઈ… ફરી ફરીને,
કદાચ 10-12 વખત એ બી રોડથી લેફ્ટ, લેફ્ટ, લેફ્ટ લઈને મરીન ડ્રાઈવ અને બી રોડના ચક્કર
કાપતો રહ્યો. વૈશ્નવીની એક ઝલક જોવા માટે એણે લગભગ એક કલાક સુધી ગાડીને સાંજના
ટ્રાફિકમાં ગોળ ગોળ ફેરવી.
આ બધાથી સાવ અજાણ વૈશ્નવી, બાલ્કનીમાં બેઠી બેઠી પોતાની જિંદગી અને બદલાઈ
ગયેલા સંબંધ વિશે વિચારતી રહી. સામે દરિયામાં સૂરજ ડૂબી ગયો. મુંબઈ શહેર અંધારાના
આગોશમાં લપેટાઈ ગયું ને ગાડીઓની હેડલાઈટ્સ ઓન થઈ ગઈ ત્યાં સુધી વૈશ્નવી ગેલેરીમાં જ
બેસી રહી. નારાયણે લગભગ સાડા સાત વાગ્યે આવીને ડિનર માટે પૂછ્યું ત્યારે વૈશ્નવીએ કહ્યું,
‘સા’બ સે પૂછ કે જો બનાના હૈ વો બના દો.’
‘સાહબ ઘર મેં નહીં હૈ.’ નારાયણે કહ્યું ત્યારે વૈશ્નવીને ખબર પડી કે માધવ તો ઘરમાં હતો જ
નહીં!
‘કબ ગયે?’
‘વો તો આતે હી નહા કર નીકલ ગયે. આપ સો રહીં થીં, શાયદ ઈસ લિયે જગાયા નહીં…’
નારાયણે કહ્યું, ‘ખાના નહીં ખાઉંગા બોલકે ગયે હૈ…’ એણે સહેજ અચકાઈને પૂછ્યું, ‘આપ?’
‘તુમ્હેં જો ખાના હૈ વો બના દો. મૈં વહી ખા લૂંગી.’ કહીને વૈશ્નવીએ વાત પર પૂર્ણવિરામ
મૂકી દીધું. નારાયણ થોડીક ક્ષણો અસમંજસમાં ઊભો રહ્યો, પછી ત્યાંથી ચાલી ગયો. વૈશ્નવી પણ
ગેલેરીમાંથી ઊભી થઈને અંદર, બેડરૂમમાં જઈને ટેલિવિઝન જોવા લાગી. આમ તો સ્ક્રીન પર કંઈ
ચાલી રહ્યું હતું, પરંતુ વૈશ્નવીના મગજમાં ફરી ફરીને વિતેલી રાતના દ્રશ્યો કોઈ સિનેમાની પટ્ટીની
જેમ ચાલતા રહ્યાં.
વૈશ્નવી બાલકનીમાંથી ચાલી ગઈ એ પછી કબીરને ક્યાં જવું એ સૂઝ્યું નહીં… તાજ
હોટેલનો હાર્બર બાર એની ફેવરિટ જગ્યા હતી. કબીર તાજના વેલે પાર્કિંગમાં ગાડી આપીને, લાંબી
ફોયર વટાવીને હાર્બર બારમાં દાખલ થયો. આછા અંધારામાં સેક્સોફોનના સૂર રેલાઈ રહ્યા હતા.
એણે એક ખૂણાનું ટેબલ શોધી કાઢ્યું, ત્યાંનો સ્ટુઅર્ટ એને જોઈને નજીક આવી ગયો… કબીરનું
ફેવરિટ ડ્રીંક, સ્મોક્ડ સિંગલ મોલ્ટ ઓન ધ રોક્સ હાજર થઈ ગયું.
શરાબનો પહેલો ઘૂંટ ભરતાં જ કબીરને ફરી એકવાર વૈશ્નવી યાદ આવી ગઈ… એનું સ્મિત,
એની ગરિમા, અંબોડામાંથી નીકળી ગયેલા વાળની લટો, માછલી જેવી આંખોમાં કથ્થાઈ કીકીઓ,
એ આંખોમાં બદલાતા ભાવ, છલકાતું પાણી, એની બેદાગ ત્વચા. એના શબ્દોમાં આરપાર વિંધી
નાખતી સચ્ચાઈ, એનો તિરસ્કાર, એનો ઈનકાર, એનો સ્વીકાર… બધું જ ધીમે ધીમે પીગળતા
બરફના ટુકડાઓ સાથે કબીરની ભીતર પીગળતું રહ્યું, ગળામાંથી પસાર થતી સ્મોક્ડ વ્હિસ્કીની
બળતરા એના હૃદય સુધી આગની એક રેખા બનાવતી રહી. એ રેખા કબીર અને વૈશ્નવીની વચ્ચેની
લક્ષ્મણ રેખા હતી, કબીરથી એ ઓળંગી શકાય એમ નહોતી ને વૈશ્નવી એની બહાર પગ મૂકવાની
નહોતી, એ સત્ય આખી સાંજ કબીરની બેચેનીનું કારણ બની રહ્યું! એ વધુને વધુ શરાબ પીતો રહ્યો,
વૈશ્નવી વધુને વધુ યાદ આવતી રહી…
*
વૈશ્નવી બેડરૂમમાં જતી રહી એ પછી માધવ થોડીવાર ત્યાં જ-ડ્રોઈંગ રૂમમાં જ બેસી રહ્યો.
એનું મગજ જાતભાતની કલ્પનાઓ કરી રહ્યું હતું. બંને વચ્ચે શું થયું હશે, એ વિશે માધવની ભીતર
રહેલો પતિ શંકાશીલ બનીને ઉશ્કેરાટ અનુભવતો રહ્યો, જ્યારે માધવની ભીતર રહેલો પ્રેમી, જે
વૈશ્નવીને બરાબર ઓળખતો હતો એ વારંવાર એને સમજાવતો રહ્યો કે ‘એની વૈશ્નવી’ ક્યારેય કશું
એવું ન કરે, થવા ન દે જેના કારણે એમના વિશ્વાસને કે એમના સંબંધને આંચ આવે…
ઘરમાં રહેવાથી મગજ વધુ ખરાબ થશે, વિચારો વધુ હેરાન કરશે એવું લાગ્યું એટલે માધવ
નાહીને ઘરની બહાર નીકળી ગયો. ક્યાં જવું એ સમજાયું નહીં, એટલે પહેલાં બાબુલનાથના મંદિરે
ગયો. ક્યાંય સુધી મંદિરમાં બેસી રહ્યો-શિવલિંગની સામે એ પોતાની ભૂલ, અપરાધની ક્ષમા માગતો
રહ્યો. જે થયું એ માટે પોતે જવાબદાર હતો કે નહીં, એ વિશે કેટલું ય મનોમંથન કર્યું, પણ એને
જવાબ ન મળ્યો. ગઈકાલે રાત્રે વૈશ્નવી અને કબીર વચ્ચે થયેલી વાત જો એણે સાંભળી લીધી હોત
તો કદાચ એના આ મનોમંથનનો જવાબ એને મળી ગયો હોત! માધવને એમ જ લાગતું હતું કે, પૈસા
મેળવવા માટે પોતે બિનજરૂરી સટ્ટો કર્યો, ફસાયો… અને એને કારણે વૈશ્નવીને આવી પરિસ્થિતિમાં
મૂકાવું પડ્યું. એ બધા પછી વૈશ્નવીએ જે કંઈ કર્યું એ માટે એનો આભાર માનવાને બદલે પોતે એના
પર શંકા કરી-ઉશ્કેરાટમાં આવીને થપ્પડ મારી એ વાતે માધવ પસ્તાઈ રહ્યો હતો. જેને પોતે પરમ
મિત્ર માનતો હતો-લગભગ પૂજતો હતો એવા કબીરે આવું શું કામ કર્યું, એ સવાલનો જવાબ પણ
ક્યાંય સુધી શિવલિંગની સામે બેસીને શોધવાનો પ્રયત્ન કરતાં કરતાં ક્યાં સાંજ ઢળી ગઈ એની
માધવને ખબર જ ન પડી. એણે સવારથી કશું ખાધું નહોતું-આમ તો ગઈકાલ રાતથી ભૂખ્યો હતો.
માણસ ગમે એટલો પીડામાં હોય, પણ શરીર પોતાનું કામ કરે છે. મનની પીડાને શરીરની જરૂરિયાતો
સાથે કોઈ સંબંધ નથી, એ કુદરતની કેવી અદભૂત રચના છે! મનની પીડા તો ત્યાં જ હતી, પણ હવે
જઠરાગ્નિ જાગ્યો હતો. ચાર-સાડા ચારે બાબુલનાથના પગથિયાં ઉતરીને માધવ સામે આવેલી
‘સોમ’માં દાખલ થયો. મેન્યૂમાં જે દેખાયું એના પર આંગળી મૂકીને એણે ભોજન ઓર્ડર કર્યું.
અકરાંતિયાની જેમ ખાધું… થોડું સ્ટ્રેસમાં, ને થોડું ભૂખમાં એનાથી વધુ જ ખવાઈ ગયું. રેસ્ટોરાંમાંથી
નીકળીને એ ગાડીમાં બેઠો. ઘરે જવાની એની માનસિક તૈયારી નહોતી. વૈશ્નવી સામે જોતાં જ એને
કબીર, ગઈકાલની રાત અને એની સાથે જોડાયેલી બીજી વાતો યાદ આવ્યા વગર નહીં રહે એ વાતના
ભય સાથે એણે ગાડી ભગાવી.
અદ્યતન મર્સિડિસ ગાડીએ જ્યારે પેટ્રોલ ખૂટવાની સાઈનમાં ‘બિપ બિપ’ કરવાનું શરૂ કર્યું
ત્યારે માધવને ખ્યાલ આવ્યો કે એ મુંબઈ છોડીને, વસઈ, નાલાસોપારા વટાવીને છેક પાલઘરની
આગળ નીકળી ગયો હતો! એણે પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી, વિચાર્યું… એનું મન કોઈ રીતે ઘરે
જવા તૈયાર નહોતું.
આ સ્થિતિમાં ક્યાં જઈ શકાય એ માધવને સમજાતું નહોતું.
ફરી એકવાર આપઘાત કરવાનો વિચાર પણ આવી ગયો, પરંતુ પછી એના જ મનમાંથી એને
જવાબ મળ્યો, ‘મરવું જ હતું, તો આ બધું કરતાં પહેલાં મરી જવું જોઈતું હતું. હવે મરવાનો કોઈ
અર્થ નથી…’ માધવનું મન એના પર ધિક્કાર, ફિટ્કાર વરસાવી રહ્યું હતું. પોતાનો જીવ બચાવવા માટે
એણે વૈશ્નવીને જે રીતે કબીર સામે ધરી દીધી એ વિશે માધવ જેટલીવાર વિચારતો હતો એટલીવાર
એ જાતને વધુ ધિક્કારવા લાગતો. જ્યાં સુધી આ ઉશ્કેરાટ અને ઉકળાટ શમે નહીં, ત્યાં સુધી
વૈશ્નવીની સામે ન જવું જોઈએ, એવું એને લાગતું હતું. વૈશ્નવીની સામે જતાં જ કદાચ એ ફરી
પાછો પ્રશ્નો પૂછવા લાગશે, વૈશ્નવી ફરી એવો કોઈ જવાબ આપશે જેનાથી બંનેની વચ્ચે વધુ ઘર્ષણ,
વધુ કડવાશ થશે… એટલે ઘરે તો ન જ જવું, એવું માધવે નક્કી કર્યું. હવે ક્યાં જવું એ વિશે વિચારતાં
એણે નિર્ણય કર્યો કે, એ માતા-પિતા પાસે અમરેલી, પોતાને ગામ જતો રહેશે. એ જ વખતે એણે
પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દીધો. માધવને વિચાર આવ્યો કે, વૈશ્નવી કદાચ પોતાને શોધે, તપાસ
કરે-પોતાના ખોવાઈ જવા વિશે પોલીસ ફરિયાદ કરે તો પણ એનો ફોન પાલઘર પાસે સ્વીચ ઓફ
થયો એટલી જ માહિતી મળી શકે! માધવ ઈચ્છતો હતો કે, વૈશ્નવી પણ એના વગર થોડું તરફડે,
પોતાને મિસ કરે, શોધે… જોકે, એ વૈશ્નવીને જેટલી ઓળખતો હતો એના ઉપરથી એને એવું પણ
લાગતું હતું કે, વૈશ્નવી ગમે તેટલું તરફડે-માધવને ગમે તેટલો મિસ કરે તો પણ એને શોધવાનો પ્રયાસ
નહીં કરે! આખરે તો એ મયૂર પારેખની દીકરી હતી… એની જીદ, એનું ગૌરવ અને કેટલીક હદે એનો
ઈગો પણ એના પિતા પાસેથી ડીએનએમાં મળ્યો હતો એવું માધવ હંમેશાં માનતો, ને એ વાત એણે
વૈશ્નવીને અનેકવાર કહી હતી. હવે કદાચ, વૈશ્નવી પોતાને નહીં શોધે એવો ભય હોવા છતાં, માધવે
મુંબઈ છોડીને અમરેલી પહોંચવાનું તો નક્કી કરી જ લીધું.
માધવની ગાડી મુંબઈથી તારાપુર, વડોદરા થઈને રાજકોટના રસ્તે એકસરખી દોડતી રહી.
વચ્ચે પાંચ મિનિટનો બ્રેક એણે ભાગ્યે જ લીધો હશે-લગભગ 16-17 કલાક ગાડી ચલાવીને એ
અમરેલી ગામમાં દાખલ થયો ત્યારે ગામના પાદરે કૂકડા બોલતા હતા, મંદિરની ઝાલર વાગતી હતી,
દૂધવાળા અને છાપાવાળા સાઈકલો ઉપર ઘેર ઘેર દૂધ અને છાપા પહોંચાડવા નીકળી પડ્યા હતા!
*
નારાયણે પોતાના માટે બનાવેલા ભોજનમાંથી થોડું ખાઈને વૈશ્નવીએ ઊંઘની 1એમજીની બે
ગોળી લીધી. સાત-આઠ મિનિટમાં એની આંખો ઘેરાવા લાગી. નવ વાગતા સુધીમાં તો એ ઊંઘી ગઈ.
એનો ફોન સવારથી સાયલેન્ટ ઉપર હતો, એટલે સ્વાભાવિક રીતે જ કોઈ રિંગ, કોઈ નોટિફિકેશન
એણે તપાસ્યાં નહોતાં.
એલ્પ્રાઝોલેરેમની અસર નીચે વૈશ્નવી નાના બાળકની જેમ ઘસઘસાટ ઊંઘતી રહી. બીજી
તરફ, એકધારી ગાડી ચલાવતો માધવ અમરેલી પહોંચ્યો ને તાજના હાર્બર બારમાંથી કબીર વહેલી
સવારે નીકળ્યો, એ પણ ઘરે જવા માગતો નહોતો. ક્યાં જવું એ ન સમજતાં, વૈશ્નવીના ઘરની સામે
ગાડી પાર્ક કરીને કબીર ત્યાં જ ઊંઘી ગયો.
સૂર્યોદયની સાથે મરીન ડ્રાઈવ પર ચાલવા નીકળેલા લોકોની ભીડ, ગાડીઓની અવરજવર શરૂ
થઈ, ને નશાની અસર ઓછી થઈ ત્યારે કબીરની આંખો ખૂલી. એણે કાંડે બાંધેલી રોલેક્સમાં સમય
જોયો, છ ને પિસ્તાલીસ થઈ હતી. પરમદિવસ રાતથી સાયલેન્ટ કરેલા ફોનમાં કનુભાઈના 14
મિસ્ડકોલ, બિઝનેસ માટેના અનેક ફોન, કેટલાંય મેસેજીસ અને બસ્સોથી વધારે ઈમેઈલ્સનો ઢગલો
જોઈને એની ઊંઘ પૂરેપૂરી ઊડી ગઈ. જિંદગીના બે દિવસ એણે એક એવી સ્ત્રી માટે ખર્ચી નાખ્યા
હતા, જેના વિચાર માત્રથી કબીરને જિંદગી જીવવાનં કારણ મળતું હતું… કબીરને એ તો હજી યે એ
રાતના હેંગઓવરમાં રહેવું હતું પરંતુ, પોતાના સામ્રાજ્યમાં એ એકલો જ હતો. ઓફિસમાં કબીર
નરોલાની ગેરહાજરી બહુ લાંબો સમય સુધી ચાલી શકે નહીં, એ સત્યનો અહેસાસ પણ એને આ
ક્ષણે થઈ ગયો.
ગાડીને સેલ આપીને, કબીર સડસડાટ મલાબાર હિલનો ઢાળ ચઢી ગયો. એ ઘરે પહોંચ્યો
ત્યારે કનુભાઈ એની પ્રતીક્ષા કરતા લિવિંગ રૂમમાં બેઠા હતા, ‘ક્યાં હતો તું? ફોન ઉપાડતો નથી…’
જવાબ આપવાને બદલે કબીરે બે ક્ષણ એમની સામે જોયું. એની આંખોમાં જે ખાલીપો અને પીડા
હતા એ જોઈને કનુભાઈ ચૂપ થઈ ગયા. ઊભા થઈને કબીરની નજીક આવીને એમણે પોતાના બે હાથ
ફેલાવ્યા. કબીર એમને ભેટી પડ્યો. નાના બાળકની જેમ અચાનક જ કબીરનું ડૂસકું છૂટી ગયું,
કનુભાઈએ કહ્યું, ‘મેં તને પહેલાં જ કહ્યું હતું, એ જ્યાં સુધી આ ઘરમાં નહોતી આવી ત્યાં સુધી એને
માટેનો તિરસ્કાર અને વેર તને જંપવા નહીં દે, પણ એકવાર જો એ આ ઘરમાં આવશે તો એની
ગેરહાજરીનો અહેસાસ હવે તને જીવવા નહીં દે… તેં બહુ મોટી ભૂલ કરી, બેટા!’
‘મારે એને નહોતું મળવું જોઈતું.’ કબીરે સ્વીકાર્યું, એ હજી રડી રહ્યો હતો.
‘હવે શું કરીશ? એ કોઈ દિવસ એના પતિને છોડીને તારી સાથે રહેવા નહીં આવે. હવે આ ઘર
તારે માટે એક એવી પ્રતીક્ષાનો મકબરો બની જશે જે રોજ તારી પરીક્ષા કરશે… બેટા! આપણે જ
ઊભી કરેલી કેટલીક પરિસ્થિતિઓ આપણી સલામતી અને શાંતિ માટે બહુ મોટું જોખમ લઈને આવે
છે.’
‘કનુભાઈ, વૈશ્નવી માટે હું કોઈપણ જોખમ લેવા તૈયાર છું. એ છોકરી આ ઘરમાં આવી એ
ક્ષણથી, એ પાછી ગઈ ત્યાં સુધીમાં મેં જીવી લીધું! એટલી જ ક્ષણોમાં લીધેલા શ્વાસથી હું આખી
જિંદગી કાઢી નાખીશ.’ કબીરે રડતાં રડતાં કહ્યું, ‘મને ખબર છે એ મારી નહીં થાય, પણ હવે હું એના
સુધી પહોંચી શકીશ એ વાતનો સધિયારો બહુ મોટો છે, મારે માટે!’ કનુભાઈથી છુટા પડીને એણે
બાળક જેવું સ્મિત કર્યું, ‘એણે કહ્યું કે, અમે દોસ્ત છીએ. હું ક્યારેક એને ફોન કરી શકું છું… એનો
અવાજ સાંભળી શકું. એને મળી શકું, એનો ચહેરો જોવા…’ કબીર કહી રહ્યો હતો, ‘એટલું પૂરતું છે
મારા માટે. બિલિવ મી.’
જવાબમાં કનુભાઈએ કબીરનો હાથ પકડીને માત્ર સ્નેહથી પંપાળ્યો. એ સમજતા હતા,
જાણતા હતા કે કબીર પોતાની જાતને જ છેતરી રહ્યો છે!
*
અમરેલીના કેરિયા રોડ વિસ્તારમાં આવેલા નાનકડા બંગલી જેવા મકાનનો દરવાજો
ખખડ્યો. હજી હમણાં જ જાગેલા સવિતાબેને વાસીદું વાળીને ચા મૂકી. ચોકમાં ઊભેલી ગાયનું દૂધ
દોહી રહ્યા હતા ત્યાં જ દરવાજે ખખડાટ સાંભળીને એમણે બારણું ખોલ્યું. ચૂંથાયેલા કપડાં સાથે,
સૂઝેલી આંખો ને આખી રાતના ડ્રાઈવિંગના ઉજાગરા પછી તદ્દન નંખાઈ ગયેલા ચહેરા સાથે એમનો
દીકરો માધવ દરવાજે ઊભો હતો. માધવને જોઈને એમનું મોઢું આશ્ચર્યથી પહોળું થઈ ગયું, ‘તું?
આમ અચાનક?’ એમનાથી પૂછાઈ ગયું. જવાબ આપવાને બદલે બે ડગલાં આગળ વધીને માધવ
એકદમ માના ખભે માથું મૂકીને રડી પડ્યો. દીકરાની પીઠ પર હાથ ફેરવતાં સવિતાબેન બોલ્યાં, ‘મને
તો ખબર જ હતી… એ મયૂર પારેખની દીકરી એક દિવસ તને રાતે પાણીએ રોવડાવશે, પણ એ
દિવસ આટલો જલ્દી આવશે એવું મેં નહોતું ધાર્યું.’
(ક્રમશઃ)