‘ભગવાન પણ જો કોઈને ત્યાં રહી આવેલી પોતાની પત્નીને સ્વીકારતાં અચકાય તો તમારી
દીકરી તો એની મરજીથી આખી રાત કોઈને ત્યાં રહી આવી. ઝેર પીને મરી ગઈ હોત તો પૂરા માન-
સન્માનથી ઘરની વહુ તરીકે અગ્નિદાહ દીધો હોત અમે… પણ, એને તો આ બધું ગમતું જ હશે બાકી
કોઈ જાય?’ કહીને સવિતાબેને પૂરી તાકાતથી હથોડો માર્યો, ‘મને તો ખબર જ હતી કે, ઊંચા અને
પૈસાવાળા કહેવાતા ઘરોમાં આવા બધા ગોટાળા હોય જ! અમે ભલે મધ્યમવર્ગના, ગરીબ રહ્યા પણ
ઘરની વહુ-દીકરીઓના સોદા નથી કરતા.’
સામે છેડે મયૂરભાઈ અવાક્ હતા. એમનો અહંકાર અને માધવ માટેનો તિરસ્કાર એમની જ
દીકરીને આવી સ્થિતિમાં મૂકી દેશે એવી કલ્પના સુધ્ધાં નહોતી એમને. એમણે વિચાર્યું હતું કે, ઈકબાલે
સાત દિવસની મહોલત આપી છે. બે-ચાર દિવસ હાથપગ મારીને અંતે પગે પડતા આવશે, બેઉ
જણાં! પરંતુ, પરિસ્થિતિએ અંધાર્યો વળાંક લીધો-કબીર નરોલાએ એની બાંયમાં સંતાડી રાખેલું પત્તુ
એવી રીતે કાઢ્યું જેનાથી એમની પોતાની દીકરીની જિંદગી બરબાદ થઈ ગઈ. ક્ષણભર માટે એ
હચમચી ગયા. એમણે સંધ્યાબેનને આ વાત કરવી કે નહીં, એના વિશે વિચાર્યું, પછી એમણે કશું નહીં
જણાવવાનો નિર્ણય કર્યો, વૈશ્નવી સાથે જે કંઈ થયું એને કારણે એમની ભીતર રહેલા પિતાને ભયંકર
અપમાનની લાગણી અને પીડા થયાં. પરંતુ મયૂર પારેખમાં રહેલો વેપારી થોડી જ ક્ષણોમાં સ્વસ્થ થઈ
ગયો. એ કબીર નરોલાની શાલીનતા અને સંસ્કારથી અજાણ નહોતા. એમને ખાતરી હતી કે, વૈશ્નવી
ભલે રાત્રે કબીર પાસે ગઈ હોય, પરંતુ કબીર એની મજબૂરીનો ફાયદો ઊઠાવે એટલો નીચ કે નકામો
માણસ નહોતો જ! રાધેશ્યામ નરોલાના સંસ્કાર અને ઉછેરથી પ્રભાવિત થઈને તો એમણે દીકરી માટે
કબીરની પસંદગી કરી હતી…
લાંબું વિચારતા મયૂરભાઈને સમજાયું કે, આ તો બગાસું ખાતા પતાસું મોઢામાં પડ્યું હતું.
સવિતાબેને ભલે એમનું અપમાન કરવા માટે કે એમને નીચા દેખાડવા માટે આ ફોન કર્યો હોય, પરંતુ
માધવે પોતાની પત્નીને કબીર પાસે પાંચ કરોડના બદલામાં એક રાત વિતાવવા મોકલી એ ઘટના હવે
મયૂરભાઈ માટે હુકમનો એક્કો બની શકે એમ હતી.
એમણે તરત જ દીકરીને ફોન લગાવ્યો… એમણે ધાર્યું હતું કે, કબીરને ત્યાંથી આવીને વૈશ્નવી
નિરાશ, અપમાનિત પરિસ્થિતિમાં હશે, પરંતુ એ ખોટા પડ્યા. વૈશ્નવીએ પિતાને ફરિયાદ કરવા કે
રડવાને બદલે કહી નાખ્યું, ‘ઓકાત તો બંનેની સમજાઈ ગઈ, પપ્પા.’ વૈશ્નવી પણ એમની જ દીકરી
હતી, ‘માધવ એની જાત પર ગયો, માન્યું! પણ તમારો પસંદ કરેલો મોસ્ટ એલિજિબલ બેચલર પણ
જાત પર જ ગયો ને? સીધી રીતે નહીં તો ખરીદીને બોલાવી એના ઘરમાં… ફેર શું રહ્યો બંનેમાં?’
હવે, મયૂરભાઈ પાસે કોઈ જવાબ નહોતો. વૈશ્નવીની વાત એકદમ સાચી હતી. એ
વૈશ્નવીની નજરમાં એના પતિને નીચો કે નાનો દેખાડવા ગયા, પરંતુ જેણે વેચી એના કરતાં પણ
જેણે આ પરિસ્થિતિ ઊભી કરીને, પાંચ કરોડ રૂપિયા આપીને વૈશ્નવીને પોતાને ઘેર આવવા મજબૂર
કરી એ કબીર નરોલા વૈશ્નવીની નજરમાં વિલન બની ગયો. વૈશ્નવીના મનમાં અત્યાર સુધી કબીર
વિશે કોઈ માહિતી કે ઈમ્પ્રેશન જ નહોતી, એ કબીરથી પ્રભાવિત થવાને બદલે હવે વૈશ્નવી એને
પોતાના ‘ખરીદનાર’ કે અપમાન કરનાર તરીકે જોઈ રહી હતી. પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ
બગડી એ વાત મયૂરભાઈને હવે સમજાઈ!
*
‘મયૂર પારેખ વારેવારે કહેતા હતા ને, માધવ એની જાત પર જશે… હવે એમને સમજાયું કે, તું
પણ અંતે તો તારી જાત પર જ ગયો.’ કહીને વૈશ્નવીએ ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. હાથમાં સેલફોન
પકડીને ઊભેલા કબીરને એવું લાગ્યું કે, જાણે કોઈએ વાંક વગર એને અચાનક એક થપ્પડ મારી દીધી
હોય!
ડઘાયેલો કબીર વિચારમાં પડી ગયો, મયૂર પારેખને આ ડીલ વિશે કોણે કહ્યું હશે!? એનું મન
એ રહસ્ય ઉકેલવા માટે બેચેન થઈ ગયું. માધવ ઓફિસમાં નહોતો, વૈશ્નવીએ ગુસ્સામાં ફોન કાપી
નાખ્યો… હવે, આ પ્રશ્ન સીધો મયૂર પારેખને જ પૂછવો જોઈએ એવો એણે વિચાર તો કર્યો પછી,
મન મનાવી લીધું, ‘હશે! સો બી ઈટ… વૈશ્નવીએ મારા વિશે ખોટું વિચારવાનું નક્કી કરી જ લીધું છે
તો હવે એ પરિસ્થિતિને હું બદલી નહીં શકું…’
એણે કામમાં મન પરોવવાનો પ્રયાસ તો કર્યો, પણ રહી રહીને વૈશ્નવીનો અવાજ એના
કાનમાં પડઘાતો હતો, ‘તું પણ અંતે તો તારી જાત પર જ ગયો…’
ગમે તેટલું મન મનાવવા છતાં, વૈશ્નવી પોતાના વિશે ખોટું વિચારે કે એના મનમાં પોતાના
વિશે ખોટી ઈમ્પ્રેશન ઊભી થાય એ વાત કબીરને કોઈ રીતે મંજૂર નહોતી… આ વાત વિશે વૈશ્નવી
સાથે સ્પષ્ટતા કરવી જ જોઈએ એવું એનું મન એને વારંવાર કહી રહ્યું હતું. અંતે, એ રહી ન શક્યો.
વૈશ્નવીના ફોનના સ્ક્રીન પર ‘કબીર નરોલા’ વંચાઈ રહ્યું હતું. સામે જ બેઠેલી વૈશ્નવીને એ
નામ વાંચવા છતાં ફોન ઉપાડવાની જરૂર ન લાગી. એક-બે-ત્રણ-ચાર… કબીર પ્રયાસ કરતો રહ્યો,
પરંતુ વૈશ્નવીએ ફોન રિસિવ ન કર્યો. અંતે, હારીને કબીરે સેલફોન ટેબલ પર મૂક્યો. એની આંખોમાં
ઝળઝળિયાં આવી ગયાં. માંડ ઓછું થયેલું મન-દુઃખ અને શરૂ થયેલી મિત્રતા પહેલાં જ પગથિયે તૂટી
પડી-એ વાતથી કબીર ખૂબ નિરાશ થયો.
લગભગ સાંજ પડવા આવી ત્યાં સુધી એણે પોતાની જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો,
વૈશ્નવી ફોન નહીં ઉપાડે… પોતાની સાથે વાત નહીં કરે એ સત્ય કબીરનું મન સ્વીકારવા તૈયાર જ
નહોતું.
વૈશ્નવી પણ સાંજ સુધીમાં બેચેન થઈ ગઈ. એને પણ માધવનો ફોન સતત બંધ મળતો
હતો… એણે કંઈ કરી તો નહીં નાખ્યું હોય ને એ વિચારે વૈશ્નવીનો જીવ ગભરાવવા લાગ્યો. માધવના
માતા-પિતાને પૂછવું કે નહીં એ વિશે વૈશ્નવી અસમંજસમાં હતી. સાથે જ એને નવાઈ પણ લાગી કે,
પરિસ્થિતિ વિશે જાણતા હોવા છતાં એના માતા-પિતાએ ‘પછી શું થયું’ એવું પૂછવા માટે માતા-
પિતાએ ફોન સુધ્ધાં નહોતો કર્યો. મયૂર પારેખ પાસેથી એને ફોનની આશા નહોતી, પણ માધવના
માતા-પિતા ફોન ન કરે એ વાતે વૈશ્નવીને નવાઈ લાગી. એના ચતુર મગજમાં તરત જ ગણતરી થવા
લાગી… એને સમજાઈ ગયું કે, માધવ અમરેલી ગયો હશે. એણે રમણભાઈના ફોન પર ફોન લગાવ્યો.
રમણભાઈએ તરત જ ફોન ઉપાડ્યો, ‘રમણકાકા, માધવ…’
‘અહીં છે, અમારી પાસે.’ રમણભાઈએ આશ્વાસન અને આદર સાથે કહ્યું, ‘આજે સવારે જ
આવ્યો. બહુ થાકેલો છે. આવીને તરત ઊંઘી ગયો છે. અમે જગાડ્યો નથી.’
‘કંઈ વાંધો નહીં.’ વૈશ્નવીને રાહત થઈ. એણે સહેજ નિરાંતનો શ્વાસ લઈને કહ્યું, ‘એ શાંત ન
થાય ત્યાં સુધી એને ત્યાં જ રાખજો.’
‘હા, બેન.’ રમણભાઈએ કહ્યું. સસરા અને પુત્રવધૂનો સંબંધ હોવા છતાં રમણભાઈ હજીયે વૈશ્નવીને
શેઠની દીકરીની જેમ જ સંબોધન કરતા ને બાળપણની આદતથી ટેવાયેલી વૈશ્નવી પણ એમને પપ્પા
કે બાપુજીને બદલે રમણકાકા જ કહેતી… એમની ટૂંકી વાતચીતમાં બીજી કોઈ ચર્ચા થઈ નહીં, પરંતુ
રમણભાઈના અવાજ પરથી વૈશ્નવીને લાગ્યું કે, માધવે અમરેલી પહોંચીને એના માતા-પિતાને
આખી વાત જણાવી દીધી હશે. વૈશ્નવીને સહેજ સંકોચ થયો. પછી એણે મનોમન પોતાની જાતને
કહ્યું, ‘મારે શા માટે શરમાવવું જોઈએ. આ પરિસ્થિતિ મેં ઊભી નથી કરી!’ બે દિવસમાં બની ગયેલી
આટલી બધી ઘટનાઓની વચ્ચે માધવની ગેરહાજરીથી હવે વૈશ્નવીને આ ઘરની એકલતા સાલવા
લાગી. એ ઊભી થઈને બાથરૂમમાં ગઈ. નાહીને તૈયાર થઈ. સામાન્ય રીતે ઈન્ડિયન કોસ્ચ્યુમ પહેરતી
વૈશ્નવીએ આજે જીન્સ અને ટોપ પહેર્યા. વોકિંગ શૂઝ પહેરીને સામે મરીન ડ્રાઈવની ખુલ્લી હવામાં
થોડા ડગલાં ચાલવાના વિચાર સાથે એ ઘરની બહાર નીકળી.
એના ભયાનક આશ્ચર્ય સાથે એણે પોતાના ઘરની સામેની ફૂટપાટની પાળી પર કબીર
નરોલાને બેઠેલો જોયો. એક અબજોપતિ, હેન્ડસમ-આ દેશનો એલિજિબલ બેચલર, જેનો ફોટો
‘ફોર્બ્સ’ મેગેઝિનના કવર પેજ પર છપાયો છે, જેની પાસે પ્રાઈવેટ જેટ છે અને આ દેશના
શેરબજારના ભાવ જેના ઈશારે ઉંચકાય છે-પછડાય છે એ માણસ પોતાના ઘરની બહાર એક સામાન્ય
વ્યક્તિની જેમ પોતાની પ્રતીક્ષા કરતો બેઠો હતો એ જોઈને વૈશ્નવીનું હૃદય એક થડકારો ચૂકી ગયું.
એકવાર વૈશ્નવીને પાછા ફરી જવાની ઈચ્છા થઈ ગઈ, પણ… આજે નહીં તો કાલે, એણે આ
પરિસ્થિતિનો સામનો કરવાનો જ છે એ વિચાર કરીને વૈશ્નવી આગળ વધી.
રસ્તો ક્રોસ કરીને સામેની ફૂટપાટ પર પહોંચી ત્યારે એને જોઈને કબીરની આંખોમાં જે ચમક
આવી, એનાથી વૈશ્નવી થોડી અસ્વસ્થ થઈ ગઈ.
‘હાય! હું તારી જ રાહ જોતો હતો.’ કબીરે કશુંય છુપાવ્યા વગર સીધું જ કહી દીધું.
‘તને કેમ ખબર કે, હું આવીશ?’ વૈશ્નવીએ પૂછ્યું.
‘રાહ જોનારને એટલી તો ખાતરી હોવી જ જોઈએ કે, એની પ્રતીક્ષા સામેની વ્યક્તિને ખેંચી
લાવશે.’ કબીરે કહ્યું.
‘આ લાઈન જરા ચીઝી નથી?’ વૈશ્નવીથી હસી પડાયું. એને હસતી જોઈને કબીરના ચહેરા
પર સ્મિત આવી ગયું, ‘શું કામ રાહ જુએ છે, કબીર?’ ફરી ગંભીર થઈને વૈશ્નવીએ પૂછ્યું.
‘હું ક્યાં કોઈ વચન માગું છું? બસ, રાહ જોઉ છું!’ કબીરે કહ્યું. એના ચહેરા પર કોઈ બાળક
જેવો નિર્દોષ તલસાટ હતો.
‘ક્યાં સુધી રાહ જોઈશ?’ વૈશ્નવીને એની દયા આવી ગઈ, ‘કેમ સમજતો નથી, કબીર? હું
માધવની પત્ની છું. એને નહીં છોડું…’ વૈશ્નવીએ જરા કડક થવાનો પ્રયાસ કર્યો, ‘મજબૂરીમાં તારે
ત્યાં આવી, પણ મનથી ક્યારેય નહીં આવું.’
‘આવીશ.’ કબીરની આંખોમાં રહેલો વિશ્વાસ વૈશ્નવીને હચમચાવી મૂકે એ હદે દ્રઢ હતો,
‘તું… ચોક્કસ આવીશ, વૈશ્નવી. તારા મનથી, તારી ઈચ્છાથી.’
‘ફોલ્સ હોપ છે. ખોટી આશા.’ વૈશ્નવીએ કહ્યું.
‘આશા રાખવાનો હક્ક તો દરેકને છે.’ કબીરે કહ્યું. એની આંખોમાં જે તરસ હતી એ જોઈને
વૈશ્નવીની આંખો ઝૂકી ગઈ. એ ચાલવા લાગી, કબીર એની સાથે સાથે ચાલવા લાગ્યો. બંને જણાં
સો-દોઢસો મીટર જેટલું ચાલ્યા હશે, પણ કોઈ કશું બોલ્યું નહીં.
‘માધવ ક્યાં છે?’ કબીરે મૌન તોડ્યું.
‘અમરેલી.’ વૈશ્નવીને કંઈ છુપાવવા જેવું ન લાગ્યું, ‘એના મમ્મી-પપ્પા પાસે ગયો છે.’
‘તને એકલી મૂકીને?’ કબીરથી પૂછાઈ ગયું, ‘ફોન આવ્યો એનો?’ વૈશ્નવીએ જવાબ ન
આપ્યો, ‘એક સાદો સવાલ પૂછવો છે તને. જવાબ આપીશ?’ કબીર કહેતો રહ્યો, ‘આ ભાગી જવાનો
સમય છે? જે કંઈ બન્યું એ પછી તારી પાસે હોવું જોઈએ.’
‘એ અપસેટ છે.’ વૈશ્નવીએ પાંગળો બચાવ કરવાનો પ્રયાસ કર્યો.
કબીર ખડખડાટ હસી પડ્યો. એણે બે હાથ ઊંચા કરીને વૈશ્નવી પાસે ક્ષમા માગવાનો ઈશારો
કર્યો, ‘પ્લીઝ, હું તને ચડાવતો નથી કે, માધવ વિરુધ્ધ કંઈ કહેવાનો પ્રયાસ પણ કરતો નથી, પણ
સૌથી વધારે અપસેટ એ હોય તો તું છે… આ ક્ષણે જો ખરેખર કોઈને સંભાળવાની જરૂરિયાત હોય
તો એ પણ તું જ છે. તારો ગુસ્સો, અકડામણ, ચીજ, તિરસ્કાર બધું સાચું! અમે બંને ગુનેગાર છીએ.
તું તો પરિસ્થિતિનો શિકાર છે-તદ્દન નિર્દોષ!’ વૈશ્નવી એની સામે જોઈ રહી. જે સહજતાથી કબીરે
સત્ય સ્વીકાર્યું એ સાંભળીને વૈશ્નવીની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. કબીરે કહ્યું, ‘આ ક્ષણે એણે
તારો હાથ પકડીને એકવાર કહ્યું હોત, મને માફ કરી દે. હું તને પ્રેમ કરું છું. તો કદાચ, એ તારી
ભીતરની વૈશ્નવીને પૂર્ણપણે પામી શક્યો હોત.’ વૈશ્નવી ચૂપચાપ ચાલી રહી હતી. એની સાથે ડગલાં
ભરતો કબીર પોતાની વાત કહી રહ્યો હતો, પણ એના શબ્દો વૈશ્નવીના હૃદયમાં કોઈ શારડીની જેમ
ઊંડે ને ઊંડે ઉતરી રહ્યા હતા! આ માણસ જે કંઈ કહી રહ્યો હતો એ સત્યને નકારી શકાય એમ તો
નહોતું જ, ‘તેં જે કંઈ કર્યું એ એના માટે કર્યું. હવે એણે તારા માટે એક ચટ્ટાનની જેમ ઊભા રહેવું
જોઈએ. તમારી જિંદગીમાં કબીર નરોલા તોફાન લઈ આવ્યો, એ સમયે એકબીજાનો હાથ પકડી
રાખવાને બદલે માધવ તને મૂકીને ભાગી ગયો-કાયર… ભાગેડુ કહેવાય કે નહીં?’
‘કબીર, ઈનફ!’ વૈશ્નવીને લાગ્યું કે એ રડી પડશે.
‘નો!’ કબીરનો અવાજ ઊંચો થઈ ગયો, ‘નોટ ઈનફ!’ એણે કહ્યું, ‘મને જાણવાની કે મળવાની
પણ તસ્દી લીધા વગર તું એને પરણી ગઈ. તારો વાંક નથી. મેં પાંચ કરોડ માટે એને ફસાવ્યો, એણે
મારી ડીલ સ્વીકારીને તને મોકલી, તારો વાંક નથી… પણ, ડીલ પૂરી થયા પછી, પાંચ કરોડ મળી ગયા
પછી કશું જ જાણ્યા વગર તેં જે કર્યું એ માટે તારો આભાર માનવાને બદલે એ માણસ પોતાનો દુઃખ
રડે છે? એની તકલીફ મોટી છે કે તારી? બધું જાણવા છતાં એણે પૈસા લગાવ્યા, એટલી તો એની ભૂલ
છે કે નહીં? તેં તો કંઈ નથી કર્યું… મયૂર પારેખ, કબીર નરોલા અને માધવ દેસાઈની વચ્ચે પીસાઈ ગઈ
તું…’ વૈશ્નવીએ સહેજ ઊંચું જોયું, બાજુમાં ચાલી રહેલા કબીરનો ચહેરો આથમતા સૂર્યના પ્રકાશમાં
અને ગુસ્સામાં લાલ થઈ ગયો હતો, એની આંખોમાં ઝળઝળિયાં હતાં, ‘તું એક મિનિટ માટે પણ
મારી હોત ને, તો હું તને એક સેકન્ડ માટે પણ કોઈને ન સોંપુ. પ્રેમ એટલે પ્રિય વ્યક્તિની સલામતી,
એનું સુખ અને એનું સન્માન.’ કબીરે કહ્યું, ‘લવ ઈઝ અબાઉટ ધ પર્સન યુ લવ, નોટ અબાઉટ યુ…’
એણે ઉશ્કેરાટમાં વૈશ્નવીનો હાથ પકડીને એને ઊભી રાખી દીધી, ‘એને માફ કર કે ન કર, એની સાથે
રહે કે ન રહે, એનો સ્વીકાર કર કે ન કર… આઈ ડોન્ટ કેર, એટલિસ્ટ એનો બચાવ નહીં કર.’ કહીને
એણે વૈશ્નવીનો હાથ ઝટકાથી છોડી દીધો, ‘પુરુષ કહેવડાવવું હોય તો પુરુષ થતા શીખવું પડે.’ કહીને
એ વૈશ્નવીની આંખોમાં જોતો રહ્યો, વૈશ્નવીની નજર નીચી થઈ ગઈ.
કબીરનો એક એક શબ્દ સાચો હતો. એ પોતે પણ આવું જ વિચારી રહી હતી, પણ કબીરની
સામે એનો સંબંધ, એના લગ્નની હાર સ્વીકારવાની એની તૈયારી નહોતી. એણે એટલા જ ઉશ્કેરાટથી
કહ્યું, ‘માઈન્ડ યોર બિઝનેસ! ભાગેડુ, કાયર… હશે! ચલો, માની લીધું કે મને જરૂર છે એ સમયે મને
મૂકીને ભાગી ગયો પણ, માધવ મારો પતિ છે. સપ્તપદીના વચન વખતે અમે એકબીજાને કહ્યું હતું કે,
બેમાંથી જે નબળું પડશે એને માટે બીજું મજબૂત થઈને ઊભું રહેશે. આજે જો માધવ કોઈ નબળાઈ,
ડરથી ભાગ્યો હોય તો એને પાછો લાવીને ફરી ઊભો કરવાની-જીવનના સંઘર્ષોમાં ટકાવી રાખવાની
જવાબદારી મારી છે.’ કબીર અભિભૂત થઈને સાંભળતો રહ્યો, ‘મેં મનથી સ્વીકાર્યો છે આ સંબંધ.
એકાદ નાનકડી તકલીફ કે સમસ્યા આવે એટલે તૂટી જાય કે છૂટી જાય એટલો નબળો નથી આ
સંબંધ.’ વૈશ્નવી કહી રહી હતી, પરંતુ એને પોતાના જ શબ્દો કાચા, અધૂરા અને પોકળ લાગતા હતા,
‘અમે સાથે રહેવાનું વચન આપ્યું છે એકબીજાને. સાથે જ રહીશું…’ વૈશ્નવીએ કહ્યું, ‘કબીર નરોલાએ
ઊભું કરેલું આ તોફાન તો શમી ગયું છે, એ તોફાનમાં વિખરાયેલા માળાના તણખલાને ફરી
ગોઠવવાના છે, કબીર! હું બધું બરાબર કરી દઈશ.’ એણે કહ્યું, ને પછી ઝડપથી ડગલાં ભરતી કબીરની
આગળ નીકળી ગઈ. કબીર ત્યાં જ ઊભો રહી ગયો, એ વૈશ્નવીને જતી જોઈ રહ્યો. એના ચહેરા પર
સ્મિત આવી ગયું, તો આ હતી એની પસંદગી! મજબૂત, વફાદાર અને સમર્પિત પત્ની! ભલે, વૈશ્નવી
પોતાની પત્ની નહોતી… પરંતુ, એણે જે કંઈ કહ્યું એ સાંભળ્યા પછી કબીરના મનમાં વૈશ્નવી માટેનું
માન અનેકગણું વધી ગયું. જે છોકરીને ઓળખ્યા વગર પોતે એને દિલ ફાડીને પ્રેમ કરવા લાગ્યો હતો
એ છોકરીને હવે જેમ વધુ ઓળખતો જતો હતો તેમ એના પ્રેમમાં વધુને વધુ ડૂબતો જતો હતો,
કબીર!
દરિયાની પેલી તરફ ડૂબતા સૂર્યને જોઈ રહેલો કબીર પણ ફરી એકવાર વૈશ્નવીના પ્રેમમાં
સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો. ‘આ છોકરી મારી થાય કે નહીં, એ માધવને છોડે કે નહીં… પરંતુ, હવે
એને જાણ્યા પછી, મળ્યા પછી બીજા કોઈને પ્રેમ કરવાની મારી હેસિયત કે હિંમત નથી રહી!’ એણે
પોતાના મનને જ કહ્યું, આ અદભૂત લાગણીને મમરાવતો કબીર ત્યાં જ, પાળી પર બેસીને
વૈશ્નવીના પાછા ફરવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. એ જાણતો હતો કે, પોતે જે કંઈ કહ્યું, એ વૈશ્નવીને
સમજાયું છે-એના મનમાં આ વાત ઊંડી ઉતરી ગઈ છે. કદાચ, હવે એને થોડો સમય એકલી છોડી દેવી
જોઈએ જેનાથી એ પોતે કહેલી વાત પર વિચાર કરી શકે!
(ક્રમશઃ)