બે રાતના ઉજાગરા પછી માંડ પથારીમાં પડેલો માધવ લગભગ 12 કલાક ઊંઘ્યો. એની ઊંઘ
ઊડી ત્યારે અમરેલી ગામના રસ્તાઓ પર અંધારું ઉતરી ચૂક્યું હતું. એ ઉપરથી નીચે ઉતર્યો ત્યારે
રમણભાઈ ચોકમાં બેસીને માળા કરી રહ્યા હતા. સવિતાબેને તુલસી ક્યારે પ્રગટાવેલો દીવો આછો
આછો ટમટમતો હતો. ઘરના મંદિરમાં કરેલી અગરબત્તીની સુગંધ છેક ચોક સુધી આવતી હતી. માધવ
આવીને પિતાની બાજુમાં બેઠો, ‘પપ્પા!’ એનો અવાજ સાવ મંદ હતો.
રમણભાઈએ એના હાથ ઉપર હાથ મૂક્યો, ‘બેટા!’ એમના અવાજમાં આશ્વાસન હતું, ‘જો!
આ તારું જ ઘર છે. હું તને અહીંથી જવાનુ નથી કહેતો, પણ…’
‘મારે મુંબઈ જતા રહેવું જોઈએ…’ માધવે લગભગ સ્વગત કહ્યું.
‘હંમમ્.’ રમણભાઈએ ડોકું ધૂણાવ્યું, એ આમ પણ ઓછું બોલતા. સૌમ્ય પ્રકૃતિના, શાંત અને
સમજદાર વ્યક્તિ હતા. એ જાણતા હતા કે, જેની સાથેના લગ્ન છોડીને વૈશ્નવી ભાગી એ બીજું કોઈ
નહીં, પણ કબીર નરોલા હતો. એમના શેઠ મયૂરભાઈ જ્યારે રાધેશ્યામ નરોલાને મળવા ગયા ત્યારે
રમણભાઈ એમની સાથે હતા. આછી-પાતળી, અડધી-પડધી સાંભળેલી વાતોથી રમણભાઈ જે
સમજી શક્યા હતા એમાં કબીર, લગ્ન, જામનગર જેવા શબ્દો પકડીને એમણે કડીઓ જોડી લીધી
હતી. ગઈકાલે જ્યારે માધવે એમને જે કંઈ કહ્યું, ત્યારે જમાનો જોઈ ચૂકેલા રમણભાઈને બાકીની
કડીઓ જોડતાં વાર નહોતી લાગી. મયૂરભાઈની જીદ, સામે વૈશ્નવીનો પ્રેમ અને રાધેશ્યામ નરોલાના
પાવરનો આ ત્રિકોણ આવી ભયાનક સ્થિતિ ઊભી કરશે એવું એમણે સ્વપ્નેય નહોતું વિચાર્યું. આજે
જ્યારે એ બધું જ સમજી ચૂક્યા હતા ત્યારે પોતાના એકના એક દીકરાને આ અપમાન અને
નિરાશામાંથી કઈ રીતે બહાર કાઢવો એનો વિચાર કરતાં કરતાં એમને બસ એક જ ઉપાય સૂઝ્યો હતો,
‘માધવ ગમે તેટલું રખડી લે, પણ અંતે તારી પત્ની અને તારા સંસાર સિવાય બીજે ક્યાં જઈશ?’
‘કયા મોઢે જાઉં એની સામે? મારો પગ નથી ઉપડતો. ઘરે જઈને કરીશ શું? કબીરની નોકરી
કરવી પડશે. ઓફિસમાં એને રોજ જોવો પડશે. એણે મારી પત્ની સાથે એક રાત વિતાવી છે એ
વાતનો અહેસાસ મને દરેક મિનિટે અપમાનિત કરતો રહેશે. ઘરમાં મારી નજર સામે હરતી-ફરતી,
પલંગમાં મારી બાજુમાં સૂતેલી મારી પત્ની, કોઈની સાથે રાત વિતાવી આવી છે એ વાત મારો પીછો
નહીં છોડે…’ એણે નાના બાળકની જેમ પિતાના ખોળામાં માથું મૂકી દીધું, ‘નથી જવું મારે…’
‘તો?’ રમણભાઈએ દીકરાના માથા પર વાત્સલ્યથી હાથ ફેરવતા પૂછ્યું, ‘ક્યાં સુધી ભાગતો
ફરીશ?’ આમ તો, આ જ સવાલ માધવને પણ મૂંઝવી રહ્યો હતો. રમણભાઈએ એને સમજાવ્યો, ‘જે
થયું એમાં તારો વાંક નથી.’
‘એટલે?’ માધવે પૂછ્યું.
રમણભાઈ તરત જ સાવધ થઈ ગયા. કબીર નરોલા સાથેના લગ્ન વિશે, જામનગરમાં જે કંઈ
બન્યું એ વિશે માધવને અત્યારે કહેવું કે નહીં એનો નિર્ણય એ ન કરી શક્યા. એમણે વાત બદલી
નાખી, ‘એક સારી નોકરી છે, ઘર છે, ને સાચું કહું તો વૈશ્નવીબેન જેવી પ્રેમાળ અને તારા દુઃખમાં
સાથે ઊભી રહેનારી પત્ની છે તારી પાસે! ભૂલી જા એ રાતને, એ વાતને… જિંદગી નવેસરથી શરૂ
કર.’
‘પપ્પા… તમને લાગે છે કે નવેસરથી શરૂ થઈ શકશે?’ માધવના અવાજમાં અત્યંત નિરાશા
અને હારી ગયેલા માણસની પીડા હતી, ‘એમ ભૂલી શકાય બધું?’
‘જો બેટા, આપણે મરી ગયેલા માણસનો એક વાર અગ્નિસંસ્કાર કરીએ, દફનાવી દઈએ પછી
ધીમે ધીમે એની હાજરી વગર જીવતાં ટેવાઈ જઈએ છીએ ને? જિંદગીનું પણ એવું જ છે.
અણગમતી વાતો, ભયાનક ઘટનાઓનો અગ્નિસંસ્કાર કરી દેવાનો… ધીરે ધીરે એની હાજરી ભૂંસાઈ
જશે.’
‘વૈશ્નવી મને માફ કરશે?’ માધવથી પૂછાઈ ગયું.
‘એમણે તો તને ક્યારનો માફ કરી દીધો દીકરા! તારી ચિંતા કરે છે… તને શોધવા અહીં ફોન
કર્યો હતો એમણે.’ રમણભાઈનો વાત્સલ્યભર્યો હાથ દીકરાના માથે ફરી રહ્યો હતો, ‘સાત જનમના
પુણ્ય પછી આવી પત્ની મળે, બેટા જે, પોતાના સ્વમાનને ગિરવે મૂકીને પતિનું માન સાચવે. એમને
અત્યારે તારી જરૂર છે… એક બાપ તરીકે નહીં, એક દોસ્ત તરીકે કહું છું તને, જેમ વધારે સમય દૂર
રહીશ એમ તારો સંબંધ પણ તારાથી દૂર થતો જશે. આ સાથે રહેવાની ઘડી છે, બેટા! પરીક્ષા છે
તમારી, તમારા પ્રેમની. હાથ પકડી રાખવાથી-એકમેકનો સધિયારો બનવાથી બેઉ આ પરીક્ષાને સારી
રીતે પાર કરી શકશો.’ એમની આંખમાંથી આંસુ ટપકીને માધવના ગાલ પર પડ્યાં, ‘વૈશ્નવીબેન પાસે
પહોંચી જા બેટા. બે જણાં છૂટાં છૂટાં રહીને ઝૂરે એના કરતાં સાથે રહીને લડે-ઝઘડે તો લગન નભી
જાય.’
‘આ બધું થયા પછી પણ એનો પ્રેમ ટકી રહેશે?’ માધવના મનમાં રહી રહીને આ શંકા કોઈ
સાપની જેમ ફેણ ઊંચકતી હતી, એણે પિતાને પૂછી નાખ્યું, ‘મારે લીધે એણે જે સહન કર્યું એ
પછી…’
‘એ તને પ્રેમ ન કરતાં હોત, તો આવી રીતે રાત માથે લઈને જામનગરથી અમદાવાદ આવત?
તું કહે છે કે, શેઠ સાહેબે તો એમને પાછા આવવાનું કહી દીધું હતું તેમ છતાં તારો જીવ બચાવવા માટે
એમણે પોતાની જાતને દાવ પર લગાડી, એ પ્રેમ નથી?’ રમણભાઈએ કહ્યું, ‘બેટા, પત્નીનો પ્રેમ
સમજવા માટે પુરુષ નહીં, પતિ થઈને વિચારવું પડે. તું અત્યારે એક સ્ત્રીના મન વિશે વિચારે છે.
સ્ત્રીને માન, અપમાન, ગમા-અણગમા, તિરસ્કાર, ધિક્કાર… ઘણું બધું હોય, પરંતુ એક વાર પત્ની
બને ને પછી, સપ્તપદીના સાત વચન એના ગળામાં મંગળસૂત્ર બનીને એવી રીતે લપેટાય જેમ
નિલકંઠ પોતાના ગળામાં વિષને રોકી રાખે છે. જાણે છે, કે હળાહળ નીચે ઉતરી જશે તો મૃત્યુ થશે, ને
સાથે જ એ પણ જાણે છે કે જો આ વિષ પોતે પોતાના ગળામાં નહીં સંઘરે તો એ જગતનો વિનાશ
કરશે… દરેક પત્ની પોતાના ગળામાં આવું જ હળાહળ રોકીને જીવતી હોય છે. જ્યાં સુધી એ શેઠ
સાહેબની દીકરી હતા ત્યાં સુધી વાત અલગ હતી, હવે એ તારી પત્ની છે… એમણે તને માફ કરી દીધું
કારણ કે, એ સ્ત્રી બનીને નહીં, તારી પત્ની બનીને વિચારે છે.’
‘હું કાલે સવારે જ નીકળી જઈશ…’ પોતાના ગાલ અને માથા ઉપર ફરી રહેલા પિતાના
કરચલીવાળા, ખરબચડા હાથને માધવે પકડી લીધો, ‘થેન્ક યુ, પપ્પા.’ એણે કહ્યું, ‘જે સવાલનો
જવાબ હું 48 કલાકથી શોધી રહ્યો હતો એ જવાબ આપી તમે આપી દીધો.’ એ ખોળામાંથી ઊભો
થયો, એણે પિતાની સામે જોયું, ‘શું કરશે! લડશે, ઝઘડશે, રડશે… જે થયું એ વિશે બે-ચાર વાતો
મ્હેણાં મારશે, પણ અંતે માફ કરી દેશે… હવે, એવો વિશ્વાસ છે મને.’
માધવના શબ્દોની જાણે પુષ્ટિ થતી હોય એમ, ઘરની નજીકના મંદિરમાં શરૂ થયેલી આરતીના
ઘંટ અને નગારાનો અવાજ આખાય ચોકમાં ગૂંજવા લાગ્યો. પિતાએ આપેલી શિખામણ પછી, આ
ઘંટના ગૂંજારવમાં માધવનો આત્મવિશ્વાસ ફરી એક વાર દ્રઢ થઈ ગયો.
*
‘અમે જ્યારે એકબીજાને સાથે રહેવાનું વચન આપ્યું ત્યારે માત્ર સુખ જ સુખ હશે એવું તો
ધાર્યું જ નહોતું ને?’ વૈશ્નવીએ કહ્યું, ‘કબીર નરોલા! તેં ઊભું કરેલું આ તોફાન તો શમી ગયું છે, એ
તોફાનમાં વિખરાયેલા માળાના તણખલાને ફરી ગોઠવવાના છે, બસ! હું બધું બરાબર કરી દઈશ.’ કહીને
વૈશ્નવી આગળ નીકળી ગઈ.
કબીરે બરાબર જ વિચાર્યું હતું, વૈશ્નવી આ જ કહેશે! વૈશ્નવી એક વાર સત્ય જાણશે, પછી
માધવને માફ કરી દેશે એ વાતની ખાતરી હોવા છતાં કબીરે એને પૂરેપૂરું સત્ય જણાવ્યું હતું. એક વાર
મયૂર પારેખના જૂઠને કારણે એ વૈશ્નવીને ખોઈ ચૂક્યો હતો, હવે એના જીવનમાં ફરીથી પ્રવેશેલી
વૈશ્નવી બધું જ જાણે… સાચેસાચું આખેઆખું સત્ય જાણ્યા પછી જો પોતાની સાથે દોસ્તી, પ્રેમ કે
બીજો કોઈપણ સંબંધ રાખવા તૈયાર થાય તો જ એ સંબંધ ટકી શકશે એ વાત કબીરને બરાબર
સમજાઈ ગઈ હતી… એટલે જ, હવે આ નવી શરૂઆત સત્યના પાયા પર જ કરવી હતી કબીરને.
અત્યારે અહીં, મરીનડ્રાઈવ પર ચાલતાં ચાલતાં એણે જે કંઈ કહ્યું એમાં કોઈ જૂઠ, આડંબર કે
શબ્દોની રમત નહોતી. વૈશ્નવીએ એને જે જવાબ આપ્યો, એ પણ અપેક્ષિત જ હતો-એટલે
કબીરના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. એ ઊભો રહી ગયો, એણે વૈશ્નવીને જવા દીધી.
વૈશ્નવીને ખબર પડી ગઈ કે, કબીર ઊભો રહી ગયો છે, પણ એણે પાછળ ફરીને જોયું સુધ્ધાં નહીં.
ઝડપભેર ડગલાં ભરતી એ એકલી જ ચાલતી રહી. એના મનમાં ચાલતા વિચારોની ઝડપ એના
ડગલાં કરતાં અનેકગણી વધુ હતી… એના કાનમાં ફરી ફરીને કબીરનો અવાજ પડઘાતો હતો, ‘આ
ક્ષણે એણે તારો હાથ પકડીને એકવાર કહ્યું હોત, મને માફ કરી દે. હું તને પ્રેમ કરું છું. તો કદાચ, એ
તારી ભીતરની વૈશ્નવીને પૂર્ણપણે પામી શક્યો હોત.’
કબીર સાચો હતો… વૈશ્નવી વિચારતી રહી, જિંદગી જોઈ ચૂકેલો, દુનિયા ફરી ચૂકેલો કબીર
કદાચ, માણસના મનને-સ્ત્રીના મનને બરાબર સમજતો હતો! વૈશ્નવી પોતાની જાત સાથે જ સંવાદ
કરી રહી હતી.
ખરેખર એ સંવાદ નહોતો-વૈશ્નવીની અંદર વસતી એક બીજી વૈશ્નવી સાથે દલીલો, વિવાદ
હતો એ! મોટાં મોટાં ડગલાં ભરતી વૈશ્નવી પરસેવે રેબઝેબ હતી. એનું મન એના શરીર કરતાં ય વધુ
ઝડપથી દોડતું હતું. એની ભીતર વસતી એક વૈશ્નવીએ એને પૂછ્યું, ‘એક સ્ત્રીને શું જોઈએ? પ્રેમ,
રોમાન્સ, કાળજી કે સ્વીકાર, સલામતી કે સંપત્તિ?’ બીજી વૈશ્નવીએ જવાબ આપ્યો, ‘એ બધા કરતાં
પણ વધુ સન્માન!’ સવાલ પૂછી રહેલી વૈશ્નવીએ ઉશ્કેરાઈને કહ્યું, ‘આજે જ્યારે તારું આત્મસન્માન
ઘવાયું છે ત્યારે એના પર સ્નેહનો, સમજદારીનો મલમ લગાડવાને બદલે માધવ પોતાનું દુઃખ,
પોતાની પીડા લઈને ભાગી છુટ્યો… આ સ્વાર્થ નથી તો શું છે? બસ એનું જ દુઃખ? એનું જ
આત્મસન્માન? ને તું? કંઈ નહીં? કોઈ નહીં? પાંચ કરોડ રૂપિયા માટે તને કબીર સામે ધરી દીધી,
પછી પોતાની ભૂલનો ગુસ્સો તારા પર ઉતાર્યો, હાથ ઉપાડ્યો… ને એટલું ઓછું હોય એમ હવે તને
એકલી મૂકીને ચાલી ગયો…’ એની ભીતરની ઘવાયેલી-પીડાયેલી-ઉશ્કેરાયેલી વૈશ્નવી સતત કહી રહી
હતી, ‘સારા-ખરાબ સમયમાં, સુખ-દુઃખમાં સાથ આપવાના સોગંદ તેં એકલીએ નથી લીધા. બેમાંથી
કોઈ નબળું પડે તો એને સહારો આપવાનું, એની હિંમત બનવાનું કામ તેં તો કરી બતાવ્યું, હવે એનો
વારો આવ્યો ત્યારે એ તો ભાગી છૂટ્યો…’ નીચું જોઈને ચાલી રહેલી વૈશ્નવી, પોતાની ભીતરની આ
વૈશ્નવીની વાતને નકારી શકે એમ તો નહોતી જ, છતાં એણે પોતાની જ ભીતરથી પૂછાતા આ
સવાલો સામે પોકળ દલીલો કરી જોઈ, ‘એ બિચારો કશું નથી જાણતો. આ તો કબીરનો ટ્રેપ છે.
માધવ તો ભણી રહ્યો હતો. ડિગ્રી લીધા પછી જોબ લઈને પપ્પા પાસે આવ્યો હતો એ! લગ્નની
ઉતાવળ તો મેં કરી, હું ભાગી! પિતાના મોતનો, એના અપમાનનો બદલો લેવા, મારા પર વેર લેવા
કબીરે એને સાધન બનાવ્યો… એ તો… બિચારો…’ જોકે, વૈશ્નવીને આગળ દલીલ સૂઝી નહીં. એની
ભીતર ઉશ્કેરાયેલી વૈશ્નવીએ એને કહ્યું, ‘કંઈ વાંધો નહીં, એ કશું નથી જાણતો… તેમ છતાં, આવી
પરિસ્થિતિમાં તારી સાથે હોવું જોઈએ એટલું જાણી શકે તો ય બસ! ખરું કે નહીં? ક્યાં જાય છે એ
કહ્યા વગર જે માણસ તને એકલી મૂકીને ભાગી ગયો એ તને પ્રેમ કરે છે એવું તારે માનવું હોય તો
માનીને ભ્રમમાં રાચ્યા કર, બાકી એક વાત સમજી લે! આ લગ્ન એણે કરવાં પડ્યાં કારણ કે, તું ઘરેથી
ભાગીને એના ગળે પડી. એ પછી જીવનમાં જે કંઈ સંઘર્ષ થયો-એ માટે માધવ તને જવાબદાર ગણે
જ છે. નોકરી ન મળી, અમદાવાદ છોડવું પડ્યું… એને લાગે જ છે કે, તું ભાગીને ન આવી હોત તો
બધું બરાબર ગોઠવી શકાયું હોત! હજી એને ખબર નથી, કે જેની સાથેના લગ્ન છોડીને તું ભાગી એ
કબીર છે… એને જ્યારે ખબર પડશે, કે આ બધું કબીરે તારા પર વેર લેવા માટે એની સાથે કર્યું છે
ત્યારે!’ એની ભીતર રહેલી કડવી, તિરસ્કૃત, અપમાનિત વૈશ્નવીએ પૂછ્યું, ‘…ત્યારે એ શું કરશે?
વિચારી જો એકવાર…’
મનમાં ગૂંગળાઈ રહેલા આ પ્રશ્ન પછી ઘણો પ્રયત્ન કરવા છતાં વૈશ્નવી પોતાનું રૂદન રોકી
શકી નહીં. આંખોમાંથી ટપકતાં આંસુ છુપાવવાનો પ્રયત્ન કરતી એ ઝડપભેર ચાલતી રહી. છેક
‘લેન્ડ્ઝ એન્ડ’ સુધી પહોંચી ત્યારે ઘોર અંધારું થઈ ચૂક્યું હતું.
એ ત્યાં જ, પગથિયાં પર બેસી ગઈ… બે હાથ વચ્ચે ચહેરો છુપાવીને એ નાના બાળકની જેમ
નિઃશબ્દ રડતી રહી. એની ભીતરથી એક વૈશ્નવીએ પૂછેલો પ્રશ્ન કોઈ અજગરની જેમ એને ભરડો
લઈ રહ્યો હતો. એનું મન, મગજ અને શરીર જાણે એ ભરડામાં ચૂરચૂર થઈ રહ્યું હતું, ‘જ્યારે માધવને
એવી ખબર પડશે કે આ બધું જ કબીરે મને એક રાત એને ત્યાં બોલાવવા માટે કર્યું હતું… ત્યારે એ
મારી કોઈ વાતનો વિશ્વાસ કરી શકશે? શું માધવ માનશે કે એ રાત્રે કશું જ નહોતું થયું…’ મનમાંથી
વારંવાર પૂછાતા આ પ્રશ્નોનો વૈશ્નવી પાસે કોઈ ઉત્તર નહોતો. સાથે સાથે માધવ જે રીતે ચાલી ગયો
એ વાતને વૈશ્નવી નજરઅંદાજ કરી રહી હતી, પરંતુ કબીરે એના મનના શાંત થવા મથી રહેલા
જળમાં સત્યના, પ્રશ્નોના પત્થર મારીને એટલાં વમળ ઊભાં કરી દીધા હતા જેમાં વૈશ્નવી ધીરે ધીરે
ડૂબવા લાગી હતી. હવે એ તરફડિયાં મારી રહી હતી, બહાર નીકળવા, સત્યને નકારવા, કોઈપણ રીતે
માધવને પોતાની જ નજરમાં સાચો સાબિત કરવા… પણ… એની ભીતર બે વૈશ્નવી સામસામે લડી
રહી હતી-એટલું ઓછું હોય એમ, કબીરના પ્રશ્નો, એની વેધક આંખો વૈશ્નવીને આરપાર વીંધતા
હતા, ને પોતે આ બધાની વચ્ચે એવી ભીંસાઈ હતી કે એને બહાર નીકળવું અશક્ય લાગી રહ્યું હતું.
દૂર ક્ષિતિજ પર સૂર્ય ડૂબી ગયો હતો. લેન્ડ ઝેન્ડ પર બેઠેલી વૈશ્નવી અંધારામાં ઝગમગી
રહેલી મુંબઈની સ્કાયલાઈન-ક્વિન્સ નેકલેસની લાઈટો જોતી બેસી રહી… એને ઊભા થવાનું મન જ
નહોતું થતું. કોણ જાણે કેટલો સમય થયો હશે, ને અચાનક એના ખભે એક હાથ મૂકાયો. એણે ધાર્યું
હતું એમ, કબીર જ હતો, ‘મને ચિંતા થઈ…’ એણે કહ્યું, એ વૈશ્નવીની બાજુમાં ગોઠવાઈ ગયો, ‘બહુ
વિચારવાનું છોડી દે. આ બધા માટે હું જવાબદાર છું. હું ફોન કરીશ માધવને. એને પાછો
બોલાવીશ… બધું સાચેસાચું કહી દઈશ… જે સંબંધ મેં ગૂંચવ્યો છે એની ગાંઠો પણ હું જ ઉકેલી
આપીશ, આઈ પ્રોમિસ.’ એણે કહ્યું. આટલા અંધારામાં પણ કબીરની આંખોની સચ્ચાઈ અને
અવાજમાં આત્મવિશ્વાસનો રણકો વૈશ્નવીને સ્પર્શી ગયાં.
‘કોઈ ગૂંચવી શકે ને કોઈ ઉકેલી શકે એને સાચો સંબંધ ન કહેવાય, કબીર.’ આટલું બધું વિચાર્યા
પછી વૈશ્નવીને જે સમજાયું એ સત્ય એણે સાવ સહજતાથી કહી નાખ્યું, ‘તારા મનમાંથી એ અહંકાર
કાઢી નાખ કે તેં અમારા સંબંધમાં તિરાડ પાડી! એ ઊભી થઈ ગઈ, એના ચહેરા પર એક ગૂઢ સ્મિત
આવ્યું, ‘તેં કંઈ બગાડ્યું નથી, ને તું કંઈ સુધારી શકે એમ પણ નથી…’ કહીને એ દૂર ક્ષિતિજ તરફ
જોતી રહી. જીવનની કોઈ રહસ્યમય ફિલોસોફીની જેમ એણે કહ્યું, ‘એકબીજાનો હાથ પકડીને
પ્રવાસમાં નીકળેલા બે જણાંના રસ્તા જ્યારે જુદાં પડે ત્યારે હાથ આપોઆપ છૂટી જ જાય. એમાં
રસ્તાનો કે સહપ્રવાસીનો વાંક કાઢવો નકામો છે. તારું દુર્ભાગ્ય એટલું જ છે કે તું અમને આ છૂટા પડી
રહેલા રસ્તાના વળાંક પર મળી ગયો.’ કબીર આશ્ચર્યથી વૈશ્નવીની સામે જોઈ રહ્યો, એ દૂર ક્ષિતિજ
તરફ જોઈને બોલી રહી હતી, ‘બધો સમયનો ખેલ છે. વર્ષો સુધી સાથે સાથે ચાલતા બે જણાં પણ,
એકબીજાની સાથે નથી હોતા ને ક્યારેક છૂટા પડી ગયેલા બે જણાં પણ આગળના વળાંકે ભેગાં થઈ
જતાં હોય છે… સમય કરશે આ બધો નિર્ણય. જા કબીર, તું આમાં કંઈ કરી શકે એમ નથી.’ વૈશ્નવી
ફરી એકવાર, કબીરને ત્યાં જ છોડીને નીકળી ગઈ. એણે કહેલાં છેલ્લા વાક્યોથી અભિભૂત થઈ
ગયેલો, કબીર અંધારામાં ઓઝલ થતી વૈશ્નવીની આકૃતિને જોઈ રહ્યો. વૈશ્નવી ધીમે ધીમે ભીડમાં
ભળી ગઈ…
(ક્રમશઃ)