મયૂરભાઈએ ફોન પર જે કહ્યું એનાથી વૈશ્નવી ડઘાઈ ગઈ. જે વાતની ત્રણ જણ સિવાય
કોઈને ખબર નહોતી એ ડીલ, એ ઘટના, એ રાતના સમાચાર મયૂરભાઈ પાસે કઈ રીતે પહોંચ્યા એ
વૈશ્નવીને સમજાતું નહોતું છતાં, માધવની ‘ઓકાત’ પર મયૂરભાઈએ કરેલી કમેન્ટના જવાબમાં
વૈશ્નવીએ કહી જ નાખ્યું, ‘ઔકાત તો બંનેની સમજાઈ ગઈ, પપ્પા.’ વૈશ્નવી પણ એમની જ દીકરી
હતી, ‘માધવ એની જાત પર ગયો, માન્યું! પણ તમારો પસંદ કરેલો મોસ્ટ એલિજિબલ બેચલર પણ
જાત પર જ ગયો ને? સીધી રીતે નહીં તો ખરીદીને બોલાવી એના ઘરમાં… ફેર શું રહ્યો બંનેમાં?’
મયૂરભાઈ આ સાંભળીને હતપ્રભ થઈ ગયા. એમની પાસે જવાબ નહોતો. ‘તારા બાપની
બાપ નથી, તું. થવાની કોશિશ પણ નહીં કરતી.’ કહીને એમણે ફોન ડિસકનેક્ટ કરી નાખ્યો. ફોન
ડિસકનેક્ટ થયા પછી મયૂરભાઈ સખત બેચેન થઈ ગયા. એમના ઈગો કે જીદને કારણે એમની
દીકરીની જે હાલત થઈ હતી એ માટે એ પોતે જ જવાબદાર હતા એ વાત વૈશ્નવીના છેલ્લા વાક્યએ
થપ્પડ મારીને એમને સમજાવી હતી! થોડીક ક્ષણો સુધી એ એમ જ, અવાક્, હતપ્રભ બેસી રહ્યા,
પછી અચાનક જ નાના બાળકની જેમ રડી પડ્યા. મયૂરભાઈનો અહંકાર એમને વૈશ્નવીની માફી
માગવાની છૂટ આપે એ શક્ય નહોતું, પરંતુ એ ભીતરથી વલોવાઈ ગયા હતા. એમના હૃદયનો ટુકડો,
રાજકુમારીની જેમ ઉછરેલી એમની દીકરી જે ક્ષણે કબીર નરોલાના ઘરમાં દાખલ થઈ હશે ત્યારે
એના પર શું વિતી હશે એ વિચારે મયૂરભાઈ શરમ અને અપમાનથી તૂટી ગયા હતા. જેટલો ગુસ્સો
એમને પોતાની જાત પર આવ્યો એટલો જ ગુસ્સો કબીર નરોલા પર પણ આવ્યો… વેર લેવાની આ
કઈ રીત હતી! એકવાર તો એમને થયું કે, એમની લાઈસનસ્ડ ગનથી કબીરને પોઈન્ટ બ્લેન્ક વિંધી
નાખે, પરંતુ કબીરનું ખૂન કરવાથી એમની દીકરીનું ખોવાયેલું સ્વમાન એમને પાછું મળશે? જો ના,
તો…
સંધ્યાબેન દૂરથી મયૂરભાઈની આ વિહવળતા, બેચેની જોઈ શકતા હતા. એમણે આટલાં
વર્ષોમાં કદી મયૂરભાઈને આવી રીતે રડતા જોયા નહોતા. એમને ફાળ પડી, પરંતુ પતિ-પત્ની વચ્ચે
એવો સ્નેહ સંબંધ નહોતો કે સંધ્યાબેન એમને કંઈ પૂછી શકે. બે દિવસ પહેલાં વૈશ્નવીનો ફોન આવ્યો
હતો, એણે પૈસા માગ્યા હતા ને મયૂરભાઈએ ચોખ્ખી ના પાડી હતી ત્યાં સુધીની હકીકતથી એ વાકેફ
હતા, પરંતુ એ પછી શું થયું એવું પૂછવાની એમની હિંમત નહોતી. આજે પહેલાં સવિતાબેનનો ફોન
આવ્યો… એમના ફોનથી મયૂરભાઈ ઉશ્કેરાઈ ગયા, એમણે વૈશ્નવીને ફોન કર્યો… એ પછી મયૂરભાઈ
જે રીતે બેચેન, વિહવળ થઈ રહ્યા હતા એ જોઈને સંધ્યાબેનને એટલું ચોક્કસ સમજાઈ ગયું કે, કોઈક
મોટી ગરબડ થઈ ગઈ છે.
‘સંધ્યા… સંધ્યા…’ મયૂરભાઈની બૂમથી એમના વિચારોની શૃંખલા તૂટી. એ ઝડપથી
મયૂરભાઈ પાસે ગયા, ‘કબાટમાં કેટલી કેશ પડી છે?’
‘હશે! છ-સાત કરોડ… ગણ્યા નથી.’ સંધ્યાબેને કહ્યું.
‘બધા પૈસા એક બેગમાં ભર.’ મયૂરભાઈએ કહ્યું, ‘આપણે વૈશુને ત્યાં જઈએ છીએ. કેશ લઈને
ફ્લાઈટમાં નહીં જવાય, ડ્રાઈવરને કહે, કાલ સવારે પાંચ વાગ્યે નીકળવું છે.’
‘બધું… ઠીક છે ને?’ મયૂરભાઈના મોઢે આટલું સાંભળ્યા પછી સંધ્યાબેને પૂછવાની હિંમત
કરી.
‘ના.’ મયૂરભાઈની આંખોમાં ફરી પાણી આવ્યાં, ‘તું સાચી હતી. મેં મારી દીકરીની જિંદગી
બરબાદ કરી… મારી જીદ અને અહંકારના અગ્નિમાં એનું સ્વમાન બળી ગયું. એ છોકરી…’
મયૂરભાઈએ પોતાનો ચહેરો બંને હાથ વચ્ચે ઢાંકી દીધો. સંધ્યાબેને પતિના ખભે હાથ મૂકીને એમને
આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ હજીયે પ્રશ્ન પૂછવાની હિંમત કરી શક્યા નહીં, ‘પેલા
કબીરે… મારી દીકરીની… સાલો હરામખોર! એણે પાંચ કરોડ માટે વૈશ્નવીને…’ આટલા શબ્દોમાં
સંધ્યાબેન બધું સમજી ગયા. એમના આખા શરીરમાં વિજળીનું લખલખું પસાર થઈ ગયું. મયૂરભાઈ
કહેતા રહ્યા, ‘એનાથી ય નાલાયક, નપુંસક, કાયર પેલો માધવ… મારી દીકરીને બલિ ચડાવી દીધી.’ એ
રડતાં રહ્યા ને સંધ્યાબેન એમને આશ્વાસન આપતા રહ્યા. આવતીકાલે વૈશ્નવીને મળી શકાશે એ
વાતનો આનંદ, પણ જે કંઈ બન્યું છે એ પછી દીકરીની હાલત શું હશે એ વાતની ચિંતાના મિશ્ર ભાવો
સાથે સંધ્યાબેને કબાટમાંથી કેશ કાઢીને બેગમાં ગોઠવવા માંડી.
*
કબીર ક્યાંય સુધી લેન્ડ્ઝ એન્ડના એ ખૂણા પર બેસી રહ્યો. વૈશ્નવી તો ચાલી ગઈ, પણ એણે
જે કહ્યું એ વાત રહી રહીને કબીરના મનમાં પડઘાતી હતી, ‘અમારા સંબંધમાં તું કંઈ બગાડી શક્યો
છે, એ વાતનો અહંકાર નહીં રાખતો. તું કંઈ સુધારી શકે એમ નથી, કારણ કે તેં કંઈ બગાડ્યું જ
નથી…’
મરીન ડ્રાઈવ પર અવરજવર ઓછી થઈ ગઈ ત્યાં સુધી, મોડી રાત સુધી કબીર ત્યાં જ બેસી
રહ્યો, પછી ચાલીને ફરી પાછો એ જ રસ્તે એણે ગાડી પાર્ક કરી હતી ત્યાં જઈને એ ગાડીમાં બેઠો
ત્યારે એને ખ્યાલ આવ્યો કે ઉતાવળમાં એણે ફોન ગાડીમાં જ છોડી દીધો હતો. કનુભાઈના લગભગ
વીસેક જેટલા મિસ્ડકોલ હતા. એ ગાડી ચલાવીને ઘેર પહોંચ્યો ત્યારે કનુભાઈ એની પ્રતીક્ષા કરતા
ઘરમાં જ બેઠા હતા, ‘ક્યાં હતો બેટા?’ કનુભાઈએ પૂછ્યું.
‘હું ખોવાઈ ગયો છું, કનુભાઈ!’ કબીરનો અવાજ ઊંડી ગુફામાંથી આવતો હોય એવો, અંધારો
અને એકલવાયો હતો, ‘મારું વેર મને જ ખાઈ ગયું.’ એની આંખો ભીંજાઈ ગઈ, ‘તમે સાચા હતા.
આપણે જ્યારે વેર લેવા નીકળીએ ત્યારે ભૂલી જઈએ છીએ કે એકવાર તોડી નાખેલું પાંદડું ફરીથી વૃક્ષ
પર ચોંટાડી શકાતું નથી.’ એણે કનુભાઈના હાથ પકડી લીધા, ‘બધું બરબાદ થઈ ગયું. જેને પ્રેમ કરું છું
એની જિંદગી વિખેરી નાખી મેં. માધવ મુંબઈ છોડીને જતો રહ્યો છે. વૈશ્નવી એકલી છે…’ એની
આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં, ‘આ બધું કરી લીધું, પણ ડેડ તો પાછા નહીં આવે ને? મને હતું કે હું
વૈશ્નવીને પાઠ ભણાવી દઈશ… પણ, એક નિર્દોષનો વધ કરી નાખ્યો મેં, ને બીજો અજાણતાં જ
હણાઈ ગયો.’ કબીરે બંને હાથે કનુભાઈના ખભા પકડી લીધા, એમને હચમચાવી નાખ્યા, ‘હું શું
કરું… હું શું કરું, કનુભાઈ?’
‘હશે, બેટા… જે થવાનું હતું એ થઈ ગયું. હવે તું જે સુધારી શકે, એ અને એટલું સુધારવાનો
પ્રયત્ન કર…’ કનુભાઈએ સ્નેહથી કબીરની પીઠ પર હાથ ફેરવ્યો, ‘આપણે બધું નથી બદલી શકતા,
પણ જેટલું બદલી શકાય એટલું બદલવાનો પ્રયત્ન તો કરવો જ જોઈએ.’
‘કેવી રીતે સુધારું? વૈશ્નવી મને ધિક્કારે છે. એને લાગે છે કે મેં એને ખરીદી…’ કબીરે નાના
બાળકની નિર્દોષતાથી કહી રહ્યો હતો.
કનુભાઈને એની દયા આવી ગઈ, એમણે ખૂબ વહાલથી કહ્યું, ‘વૈશ્નવી ગુસ્સામાં છે,
ધિક્કારતી નથી તને! સમય જતાં સમજશે તારી વાત. અત્યારે તો તું માધવને ફોન કર. માફી માગ.
પાછો બોલાવ. એને કહે કે, ઓફિસમાં હજી પણ એની જગ્યા ખાલી જ છે.’ કબીર સાંભળતો રહ્યો.
કનુભાઈએ કહ્યું, ‘માધવ ખરેખર ટેલેન્ટેડ છે, પ્રામાણિક છે. વૈશ્નવીનો પતિ છે-એટલે તારાથી
ગુસ્સામાં જે કંઈ કર્યું… એનાથી સૌનું નુકસાન થયું. માધવ આવ્યો ત્યારે મને સંતોષ હતો કે સાહેબના
ગયા પછી માંડ તને એક દોસ્ત મળ્યો હતો. એને સાચે જ તારે માટે લાગણી છે. એ કદી તારું કંઈ
ખરાબ નહીં કરે.’ કનુભાઈએ નિઃસાસો નાખ્યો, ‘તને સાચું કહું? શરૂઆતમાં ભલે તેં એની સાથે
દોસ્તી કરવા માટે નાટક કર્યું હોય… પણ, ધીરે ધીરે એણે તને ફરી હસતો, જિંદગીમાં રસ લેતો કર્યો
હતો. રાધેશ્યામભાઈના મોતના આઘાત પછી એ છોકરાએ તારી પીડા, તારી તકલીફ ઉપર એની
દોસ્તીનો મલમ લગાડીને તને ખુશ રહેતાં શીખવ્યું.’ આ સાંભળી રહેલા કબીરની આંખોમાંથી આંસુ
વહેતાં રહ્યાં. કનુભાઈ સાચું કહેતા હતા. કબીરે શરૂઆતમાં માધવને ફસાવવા માટે દોસ્તીનું નાટક કર્યું
હતું, પરંતુ ધીરે ધીરે એને પણ માધવ ગમવા લાગ્યો હતો. એની સરળતા, પ્રામાણિકતા અને કબીર
માટેની લાગણીએ કબીરને જીતી લીધો હતો, એ વાત તો કબીર પણ નકારી શકે એમ નહોતો.
કનુભાઈએ ફરી કહ્યું, ‘તારો ગુસ્સો સાચો, પણ એમાં બિચારા માધવનો કોઈ વાંક નહોતો, એટલું તો
માને છે ને?’
‘સાચું પૂછો તો વૈશ્નવીનો ય શું વાંક હતો…’ કબીરે કહ્યું, ‘એ તો કશું જાણતી જ નહોતી.’
એના અવાજમાં નર્યો પશ્ચાતાપ હતો, ‘બ્લેસિંગ્ઝ ઈન ડિસગાઈઝ… કે હું એને મળ્યો. મારો ધિક્કાર,
ગુસ્સો અને વેર બધું, એનું સત્ય જાણીને ઓગળી ગયાં, પણ…’ એની આંખો ફરી ઊભરાઈ, ‘એ મને
ધિક્કારે છે… મારે માટે હજીયે એના વગર જીવવું અઘરું છે, કનુભાઈ.’ એનાથી કહેવાઈ ગયું, ‘જેટલો
પ્રેમ કરતો હતો એનાથી વધુ ધિક્કારવા લાગ્યો હતો… ને એને મળ્યા પછી, જેટલું ધિક્કારતો હતો
એનાથી વધુ પ્રેમ કરું છું એને…’ અસહાય થઈને કબીરે કહ્યું, ‘જે ક્યારેય નહીં મળે એની ઝંખનામાં
બાકીની જિંદગી કેમ જીવાશે, કનુભાઈ?’
‘તું ભલે ન માને, પણ નસીબમાં, ઈશ્વરમાં મને તો બહુ શ્રધ્ધા છે. જેણે તમને બંનેને અહીં
સુધી પહોંચાડ્યા છે, સામસામે ઊભા કરી દીધા છે એ જ તમને નજીક પણ લઈ આવશે.’ કનુભાઈ
જાણતા હતા કે આ સધિયારો કેટલો પોકળ છે, પરંતુ કબીરની અત્યારની હાલત જોતાં આવતીકાલની
આશા આપ્યા વગર ચાલે એમ નહોતું.
‘કનુભાઈ… એ મને માફ નહીં કરે.’ કબીરે કહ્યું, ‘માધવને પણ માફ નહીં કરે.’ એ સોફા પર
ફસડાઈ પડ્યો, ‘એને માટે હવે અમે બંને સરખા છીએ… સોદાબાજ, સ્વાર્થી…’
‘શુભમાં શ્રધ્ધા રાખ, બેટા.’ હવે કનુભાઈ પાસે આગળ શબ્દો ખૂટી પડ્યા હતા, ‘સારો કે
ખરાબ-કોઈ સમય કાયમ રહેતો નથી. બદલાતા સમય સાથે સંબંધો અને સમજણ બંને બદલાય છે.
એ પણ થોડું સમજશે, થોડું બદલાશે… ને કદાચ, તમારા સંબંધો પણ…’ કબીર ઊભો થઈને બાર તરફ
ગયો. એણે પોતાનું ડ્રિન્ક બનાવ્યું. કનુભાઈને લાગ્યું કે હવે એને એકલો છોડી દેવો જોઈએ. એનો
ખભો થપથપાવીને કનુભાઈ ત્યાંથી નીકળ્યા, ‘અડધી રાતે પણ તને જરૂર પડે તો મને ફોન કરજે.’
કહીને એમણે ઉમેર્યું, ‘મન શાંત રાખવાનો પ્રયત્ન કરજે.’ કનુભાઈ ચાલી ગયા. બાર સ્ટુલ પર બેસીને
કબીર વહેલી સવાર સુધી એક પછી એક ડ્રિન્ક બનાવતો રહ્યો, પીતો રહ્યો…
*
વૈશ્નવી ઘરે પહોંચી ત્યારે નારાયણ જમવા માટેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. નારાયણ પણ
માધવની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ વૈશ્નવીને કશું પૂછવાની એની હિંમત નહોતી. વૈશ્નવી ઘરમાં
દાખલ થઈ, ‘તુમ ખાના ખા લો.’ કહીને એ પોતાના બેડરૂમ તરફ ચાલી ગઈ. હતપ્રભ જેવો નારાયણ
છેલ્લા ત્રણ દિવસથી ઘરમાં ચાલી રહેલી ભયાનક ઘટનાઓનો સાક્ષી બનીને મૂંઝાઈ રહ્યો હતો, પરંતુ
એનાથી કશું થઈ શકે એમ નહોતું.
પોતાના રૂમમાં જઈને વૈશ્નવી સીધી બાથરૂમમાં ગઈ. ક્યાંય સુધી ગરમ પાણીના શાવર નીચે
એણે પોતાનું મન અને મગજ શાંત કરવાનો પ્રયાસ કર્યો. બહાર નીકળીને ઢીલું કફતાન પહેર્યું, ભીના
વાળ ઝટકોરીને ખુલ્લા છોડી દીધા. ગેલેરીમાં ગોઠવેલા સુંદર સિટિંગ ઉપર જઈને બેઠી. મરીન ડ્રાઈવ
પરથી પસાર થતી ગાડીઓની લાઈટો અને સામે દેખાતી ક્વિન્સ નેકલેસના બિલ્ડિંગની ધીમે ધીમે
બૂઝાઈ રહેલી લાઈટો જોતી એ ત્યાં જ બેસી રહી. ખાસી વાર સુધી એનો પોતાના મન સાથે સંવાદ
ચાલતો રહ્યો.
રહી રહીને એને એક જ વાત સતાવતી હતી, માધવ પાછો ફરશે એ પછી આ ઘરમાં પોતે
માધવ સાથે રહી શકશે? કબીર હવે પોતાને મળ્યા વગર રહી શકશે? પોતે કબીરને મળશે તો માધવ
એ સ્વીકારી શકશે? સતત ડરી ડરીને જીવવું… કબીરથી ભાગતા ફરવું અને માધવને શું ગમશે, શું નહીં
ગમે એનો વિચાર કરતા રહીને પ્રત્યેક વર્તન કે શબ્દ પહેલાં તોળી તોળીને, ગણી ગણીને બોલવું,
વર્તવુ… આ બધું કેટલું ગૂંગળાવનારું હશે! ભલે એણે અને માધવે નક્કી કર્યું હતું કે, ‘જે થઈ ગયું છે
એને ફરી ક્યારેય યાદ નહીં કરીએ…’ પરંતુ, એ ક્યારેય શક્ય બનવાનું નહોતું. એ એક રાતનો કાળો
પડછાયો એટલો લાંબો હતો કે એના અંધકારમાં હવે બધું કાળું ધબ્બ થઈ જશે એ વાતની વૈશ્નવીને
ખાતરી થઈ ગઈ. આ રીતે તો નહીં જ જીવી શકાય, એવું એનું મન અને મગજ વારંવાર કહેતું રહ્યું.
માધવને છોડી નહીં શકાય… કારણ કે, એમાં તો પિતાની ભવિષ્યવાણી સાચી પડશે. માધવને
છોડી દેશે તો કબીરને આશા બંધાશે! આ લગ્ન હવે તૂટી નહીં શકે, અને સાથે જ આ લગ્ન હવે
પહેલાંની જેમ મજબૂત કે પ્રેમાળ પણ નથી રહ્યા. માધવ અને કબીરની વચ્ચે ફંગોળાવા કરતાં આ
જિંદગીનો અંત કરી નાખવો, જેથી બંને જણાં પોતપોતાની રીતે નવી જિંદગી શરૂ કરી શકે. ‘વૈશ્નવી’
નામની વ્યક્તિને ભૂલીને એક નવી શરૂઆત કરી શકે, બંને જણાં! ખૂબ વિચારતાં એને આ જ રસ્તો
સાચો લાગ્યો.
અંતે, એણે ઊભા થઈને બેડના સાઈટ ટેબલના ડ્રોઅરમાં મૂકેલી ઊંઘની ગોળીઓની સ્ટ્રીપ્સ
બહાર કાઢી. થોડુંક વિચારીને એણે વન એમજીની લગભગ ત્રણ જેટલી સ્ટ્રીપ્સ પોતાની હથેળીમાં
ખાલી કરી. ટેબલની બાજુમાં પડેલા પાણીના જગમાંથી ગ્લાસમાં પાણી કાઢ્યું. ચવાણું ફાકતી હોય
એમ ત્રીસે ત્રીસ ગોળીઓનો ફાકડો માર્યો. ઉપર આખો ગ્લાસ પાણી પી લીધું. શાંતિથી પલંગમાં
જઈને સૂઈ ગઈ. ત્રીજી મિનિટે એની આંખો ઘેરાવા લાગી. એણે આંખો મીંચી, ઈશ્વરને યાદ કર્યા…
નજર સામે મયૂરભાઈનો, માધવનો અને વૈશ્નવીના આશ્ચર્ય વચ્ચે કબીરનો ચહેરો તરવરતા રહ્યા. એ
ક્યારે ઊંઘમાં સરી પડી, ક્યારે બેહોશ થઈ ગઈ એનું એને પોતાને ભાન ન રહ્યું.
સવારના સાડા પાંચ વાગ્યે ઊઠેલો નારાયણ આદુ, તુલસી, લીલી ચા, ફૂદીનો, જીરું અને
વરિયાળીનું પાણી ઉકાળીને રોજની જેમ વૈશ્નવીના રૂમમાં આપવા માટે દાખલ થયો. દરવાજો નૉક
કરવા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં, નારાયણે બે-ચાર વાર દરવાજો નૉક કર્યો પછી
ગભરાયેલા નારાયણે હિંમત કરીને દરવાજો ખોલી નાખ્યો, નસીબ જોગે, વૈશ્નવીએ દરવાજો લૉક
નહોતો કર્યો. ટેબલ પર પડેલી ઊંઘની ગોળીઓની સ્ટ્રીપ્સ અને બેહોશ વૈશ્નવીને જોઈને નારાયણને
પરિસ્થિતિનો ખ્યાલ આવતા વાર ન લાગી. એ ગભરાઈ ગયો. એણે વૈશ્નવીનો ફોન ઊઠાવ્યો. પહેલાં
માધવને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અમરેલીથી નીકળી ગયેલો માધવ ગાડી ચલાવીને થાક્યો
હતો. વહેલી સવારના ઠંડા પહોરે ઝોકું ના આવે એ માટે વસઈ પહેલાં રસ્તામાં એક હાઈવે હોટલ
પાસે ગાડી પાર્ક કરીને એક કલાકની ઊંઘ ખેંચવા માટે એણે ફોન સાયલેન્ટ કર્યો હતો. માધવ
ઘસઘસાટ ઊંઘતો હતો. ડરેલા નારાયણે એ પછી વૈશ્નવીનો ફોન હાથમાં લીધો. વૈશ્નવી પોતાનો
ફોન લૉક નહોતી કરતી. એ માધવને હંમેશાં કહેતી, ‘મારા ફોનમાં લૉક કરવા જેવું કંઈ છે જ નહીં…
જેને જ્યારે જે જોવું હોય એ જોઈ જ શકે!’ નારાયણે લાસ્ટ ડાયલ નંબર ઉપર ફોન કર્યો… એ
કબીરનો ફોન હતો.
આખી રાત શરાબ પીને નશામાં ધૂત બાર ટેબલ પર માથું નાખીને ઊંઘતા કબીરના ફોનની
રિંગ વાગી. એણે સ્ક્રીન પર વૈશ્નવી વાંચીને ફોન બીજી જ રિંગે ઉપાડી લીધો. ડરેલા નારાયણનો
ધ્રૂજતો અવાજ સંભળાયો, ‘સાહેબ… સાહેબ… મેમ સાહેબ બેહોશ હૈ. નીંદ કા ગોલી ખાયા,
શાયદ.’ નારાયણ રડવા લાગ્યો.
‘મૈં આતા હૂં.’ કબીરે ઊભા થઈને બાર ટેબલ પર પડેલી સોડાની બોટલ ઉપાડી. અંગૂઠો
દબાવીને બોટલને હલાવી, ચહેરા પર સોડા છાંટીને એણે ભાનમાં આવવાનો પ્રયાસ કર્યો. આમ પણ
વૈશ્નવી બેહોશ છે એ સાંભળીને એનો નશો ઉતરી જ ગયો હતો. એ દોડતો ગાડીમાં બેઠો. વહેલી
સવારે બિલકુલ ટ્રાફિક નહોતો. મલબાર હીલથી મરીન ડ્રાઈવ પહોંચતા કબીરને પાંચ-સાત મિનિટ
લાગી.
એ ઘરમાં પહોંચ્યો ત્યારે નારાયણ દરવાજો ખુલ્લો રાખીને એની રાહ જોતો ઊભો હતો.
કબીરે સૌથી પહેલાં વૈશ્નવીને બેઠી કરી. એનું મોઢું ખોલીને બે આંગળી એના ગળામાં નાખી. એને
ઉલ્ટી કરાવવાનો પ્રયત્ન કર્યો. વૈશ્નવીને તરત જ ઉલ્ટી થઈ ગઈ. એ સહેજ ભાનમાં આવી, કે કબીરે
નારાયણને જગ ભરીને મીઠાવાળું પાણી લાવવાનું કહ્યું. ખૂબ નમક નાખેલું પાણી વૈશ્નવીના મોઢામાં
આંગળી રાખી, એનું મોઢું ખુલ્લું રાખીને કબીર એને પીવડાવતો રહ્યો. મીઠાવાળા પાણીથી વૈશ્નવીને
ફરી ઉલ્ટી થઈ. કબીરના બધાં કપડાં બગડી ગયાં, પણ ઊંઘની ગોળીઓની અસર 70 ટકા ઓછી થઈ
ગઈ… હવે વૈશ્નવી ડેન્જર સિચ્યુએશનથી બહાર હતી, એટલી કબીરને ખાતરી થઈ. એ હજી
ઊંઘવાની હતી-એટલિસ્ટ 24 કલાક.
કબીરે એના ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો, કનુભાઈને ફોન કર્યો, માધવનો ફોન હજી સાયલેન્ટ
પર હતો. બગડી ગયેલા કપડાં બદલવા કબીરે એમના જ ઘરમાં શાવર લીધો અને માધવના
વોડરોબમાંથી ટ્રેક સુટ કાઢીને પહેરી લીધો… ડૉક્ટર અને કનુભાઈ આવે એની પ્રતીક્ષા કરતો કબીર
બેહોશ વૈશ્નવીની સામે જ બેઠો રહ્યો.
લગભગ દોઢેક કલાક સુધી થોડી થોડી વારે એ વૈશ્નવીને જગાડવાનો પ્રયાસ કરતો રહ્યો.
લસરતા અવાજે, માંડ આંખો ખોલીને વૈશ્નવી તૂટેલા-ફૂટેલા શબ્દોમાં કબીરના પ્રશ્નોના જવાબ
આપવા લાગી… એનાથી, કબીરની ચિંતા ઘટી ગઈ.
બરાબર એ જ વખતે ઘરની બેલ વાગી. નારાયણે દરવાજો ખોલ્યો, માધવ સામે ઊભો હતો.
(ક્રમશઃ)