મયૂર પારેખના ફોન પછી વૈશ્નવી એક ક્ષણ માટે પણ ચેનથી બેસી શકી નહોતી. માધવે પાંચ કરોડનું દેવું કેવી
રીતે કરી નાખ્યું, શેના કારણે થયું… આ સવાલોના જવાબો ન મળે ત્યાં સુધી વૈશ્નવી માટે પ્રત્યેક પળ એક કલાક જેવી
વિતી રહી હતી.
માધવને જ્યાં શોધી શકાય ત્યાં બધે શોધવાનો પ્રયત્ન એ કરી ચૂકી હતી. હવે જ્યાં સુધી એ પાછો ન ફરે ત્યાં
સુધી એની રાહ જોયા સિવાય વૈશ્નવી પાસે બીજો કોઈ ઉપાય નહોતો. બેચેન, અકળાયેલી, ગુસ્સામાં અને ચિંતિત
વૈશ્નવી સતત આંટાફેરા મારતી રહી. બાલ્કનીમાંથી ડ્રોઈંગ રૂમમાં, ડ્રોઈંગ રૂમમાંથી બેડ રૂમમાં ને બેડ રૂમમાંથી પાછી
બાલ્કનીમાં…
સાંજ ઢળી, રાત પડી ગઈ.
માધવનો ફોન બંધ હતો. એનો કોઈ સંપર્ક થઈ શકતો નહોતો.
માધવ પાછો ફર્યો ત્યારે સાતના સાડા ત્રણ થયા હતા. એ શરાબના નશામાં ધૂત્ત હતો…
એ રાત માધવે ડ્રોઈંગરૂમમાં જમીન પર બદહવાસ સ્થિતિમાં અને વૈશ્નવીએ બેડરૂમમાં જાગીને વીતાવી.
સવારે સૂરજ ઊગે એ પહેલાં વૈશ્નવી બાલ્કનીમાં આવીને ઊભી રહી. આળસ મરડીને જાગતું શહેર એની
આંખો સામે ધીમે ધીમે પ્રવૃત્ત થઈ રહ્યું હતું. પૂર્વ દિશામાં સૂરજ હવે પૂરેપૂરો ઊગી ગયો હતો. વેસ્ટ ફેસિંગ બાલ્કનીમાં
કૂણો તડકો આવવા લાગ્યો હતો. આ જ તડકામાં બેસીને વૈશ્નવી અને માધવ સવારે ચા પીતા… વૈશ્નવીની આંખો
ફરી છલકાઈ ગઈ, કોની નજર લાગી ગઈ! એ વિચારોમાં ખોવાયેલી હતી ત્યારે અચાનક એના ખભે માધવનો હાથ
મૂકાયો.
વૈશ્નવીએ હાથ હઠાવ્યો નહીં, પરંતુ એણે પાછળ ફરીને જોયું યે નહીં. માધવે બીજા ખભે બીજો હાથ મૂક્યો.
વૈશ્નવીને ભીતરથી ઈચ્છા થઈ કે એ ઝટકો મારીને એના બંને હાથ હઠાવી લે, પણ એ સ્થિર ઊભી રહી.
માધવે પોતાનું માથું વેશ્નવીની પીઠ પર ટેકવ્યું, “આઈ એમ સોરી.” એણે કહ્યું, “મને માફ કરી દે.” વૈશ્નવી
હજુ પણ એવી જ ભાવવિહીન, સ્થિર ઊભી હતી, “પ્લીઝ! મને સમજવાનો પ્રયત્ન કર…” માધવે કહ્યું. એનો
અવાજ ગળગળો થઈ ગયો. વૈશ્નવી કશું કહે એની પ્રતીક્ષામાં માધવ ચૂપચાપ ઊભો રહ્યો, પણ એ કશું જ બોલી
નહીં. થોડી મિનિટોનું મૌન માધવને અકળાવી ગયું, “મારે તને કંઈ કહેવું છે…”
આ બધી મિનિટો દરમિયાન વૈશ્નવી પોતાની જાત સાથે યુધ્ધ કરી રહી હતી. પોતે આ સંજોગોમાં શું કરવું
જોઈએ એનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરી રહી હતી. અંતે એણે આંખ મીંચીને ઊંડો શ્વાસ લીધો, મનોમન નક્કી કરી
લીધું.
એણે ફરીને પોતાની પાછળ ઊભેલા માધવની આંખોમાં જોયું. પોતાના બંને હાથ માધવના ગાલ પર મૂકીને
એનો ચહેરો પોતાના ચહેરાની નજીક લઈ આવી. એક હાથ ઊંચા માધવના હોઠ પર એણે પોતાનું નમણું નાક ઘસ્યું,
એણે હતો એટલો વિશ્વાસ, સ્નેહ અને હિંમત પોતાના અવાજમાં ઠાલવી દીધા, “થવાનું હતું એ થઈ ગયું. હવે
આપણે સાથે છીએ.”
“વૈશુ.” માધવની આંખમાંથી ટપકતાં આંસુ વૈશ્નવીના ગાલ પર વહેવા લાગ્યાં. એ બીજું કંઈ બોલી ન શક્યો.
“યાદ છે આપણા લગ્ન વખતે આપણે શું વચન આપેલું?” વૈશ્નવીએ પોતાના પંજા પર ઉંચા થઈ માધવના
હોઠ પર ચુંબન કર્યું, “ધર્મે ચ, અર્થે ચ, કામે ચ… નેતિ ચરામિ! ધર્મ, અર્થ અને કામમાં હું ચલિત નહીં થાઉં, હું તારી
સાથે રહીશ.” એની આંખો કોરી હતી, અવાજ સ્થિર, “આવા વચનો બધાં જ આપતાં અને લેતાં હોય છે. પરીક્ષા
આપવાની તક તો કોઈકને જ મળે છે.”
માધવની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. એની સામે ઊભેલી વૈશ્નવી એને ધૂંધળી દેખાતી હતી. એણે બે
હાથ પહોળા કરીને વૈશ્નવીને પોતાના બાહુપાશમાં સમાવી લીધી, એવી રીતે ભીંસી દીધી જાણે વૈશ્નવીને એ પોતાની
ભીતર ઓગાળી દેવા માગતો હોય. એના બાહુપાશમાં સમાઈ ગયેલી વૈશ્નવીએ પોતાની જાતને વચન આપ્યું, મારે જે
કરવું પડે તે કરીશ, પણ માધવને આ સમસ્યામાંથી બહાર કાઢીને રહીશ.
*
સવાર પડી ગઈ હતી. મરિનડ્રાઈવ પર હવે માણસોને બદલે ઓફિસ તરફ જઈ રહેલી ગાડીઓનો ટ્રાફિક વધ્યો
હતો. નશામાં ધૂત્ત માધવ ઘસઘસાટ ઊંઘતો હતો, પણ વૈશ્નવી મટકુંય મારી શકી નહોતી. માધવને આ
પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર કાઢવો એ વિશે એણે ખૂબ વિચાર્યું. પિતા મદદ નહીં કરે એ નક્કી થઈ ચૂક્યું હતું બલ્કે,
ઓળખીતા-પાળખીતા અને સ્વજનો, સગાં-વહાલાંમાંથી કોઈને મદદ કરવા પણ નહીં દે એ પણ વૈશ્નવીના અનુભવે
એ સમજી ગઈ હતી. સંઘર્ષના દિવસોમાં એણે એ બધા દરવાજા ખખડાવી જોયા હતા, પણ કાકા, મામા, ફૂઆ,
કઝીન્સમાંથી કોઈએ મયૂર પારેખની ધમકીના કારણે મદદનો હાથ લંબાવ્યો નહોતો, એટલે હવે કોઈને પૂછવાનો અર્થ
નહોતો!
પોતાની સામે લગભગ બેહોશ હાલતમાં ઘસઘસાટ ઊંઘતા માધવની સામે જોઈ રહેલી વૈશ્નવીએ મનોમન
નક્કી કરી લીધું, ‘હું પપ્પાની ભવિષ્યવાણી સાચી નહીં પડવા દઉ. કોઈપણ રીતે માધવને આ પરિસ્થિતિમાંથી બચાવીશ હું!’
ઘણું વિચાર્યા પછી વૈશ્નવીએ અચકાતાં, અકળાતાં, જાત સાથે અનેક બાંધછોડ કરીને અંતે, માધવના બોસ
અને કંપનીના માલિક કબીર નરોલાનો નંબર ડાયલ કર્યો હતો.
વૈશ્નવી એને ક્યારેય મળી નહોતી, પણ માધવ એના વિશે ખૂબ વાતો કરતો. બિઝનેસ મેગેઝિન્સ અને
અખબારોમાં વૈશ્નવીએ એની તસવીરો જોઈ હતી. ફોર્બ્સના કવર પર જેને સ્થાન મળ્યું હતું એવો આ યુવાન
બિઝનેસ ટાઈકુન હતો. દેખાવડો અને સ્ટાઈલિશ. એક સ્વેગ હતો એના આખા વ્યક્તિત્વમાં. છ ફૂટ બે ઈંચની
ઊંચાઈ, કસરતી ખભા, વિશાળ કપાળ અને તીણું નાક. નાકની બંને તરફ ગોઠવાયેલી શિકારી જેવી આંખો. પળભરમાં
માણસને એવી રીતે સ્કેન કરી લેતો જાણે કપડાંની આરપાર નહીં, ત્વચાની આરપાર જોતો હોય! કબીર નરોલાના
વ્યક્તિત્વમાં કશું ભયાનક ચૂંબકીય હતું. એને મળનાર વ્યક્તિ એક જ સમયે એનાથી ભયંકર આકર્ષાય અને એને ભયંકર
ધિક્કારે એવું કંઈક વિચિત્ર કોમ્બિનેશન હતું એના વ્યક્તિત્વમાં. કદીયે ન ભૂલી શકાય એવું વ્યક્તિત્વ, પરંતુ ફરી
મળવાની ઈચ્છા ન થાય એવો ભય અને તનાવ ઊભો થઈ જતો એની હાજરીમાં.
કબીર અને માધવની દોસ્તી આખા સ્ટાફ માટે માની ન શકાય એવી ઘટના હતી. છેલ્લા બે વર્ષમાં કબીર અને
માધવ જાણે સગા ભાઈઓ હોય એમ એકબીજાની નજીક આવી ગયા હતા. એ બંને ઝીણામાં ઝીણી વાત શેર કરતા.
ઓફિસમાં તો ભેગા હોય જ, વિકએન્ડ્સ પણ બધા પ્લાન સાથે જ બનતા. છેલ્લા બે વર્ષમાં ત્રણ વેકેશન કરવા
વિદેશમાં સાથે ગયા હતા, પણ એ બે જ જણાં!
માધવ માટે ધર્મસંકટ થઈ જતું. એને વૈશ્નવીને મૂકીને જવું ગમતું નહોતું. એટલે માધવ દરેક વખતે વૈશ્નવીને
સાથે લઈ જવાનો પ્રયાસ કરતો, પણ કબીર ટાળી જતો. એ બેચલર હતો, પરણેલો નહોતો, પરણવા માગતો પણ
નહોતો. એ વૈશ્નવીને લઈ જવાની ના પાડે પછી, માધવને પણ લાગતું કે કદાચ એને વૈશ્નવીની હાજરીમાં ઑડ
લાગે, એટલે એ પણ આગ્રહ કરવાનું છોડી દેતો. વૈશ્નવીને મૂકીને જવું એને ગમતું નહીં, પણ કબીરના એટલા ઉપકાર
હતા કે એને ના પાડવાની માધવની હિંમત નહોતી થતી.
સાચું પૂછો તો માધવની આ પ્રગતિ, એની બદલાયેલી જીવનશૈલી અને એની સફળતાનું શ્રેય કબીર નરોલાને
જ આપવું પડે એમ હતું. કબીરના ઉપકારો નીચે દબાઈ ગયેલો માધવ પોતાનાથી બનતી રીતે એને ખુશ રાખવાનો
પ્રયત્ન કરતો રહેતો. સાદી-સીધી મેનેજરની નોકરી કરવા આવેલા માધવમાં રહેલી આવડત અને હોંશિયારી પારખીને
કબીરે એને સડસડાટ પ્રમોશન અને જવાબદારી આપવાનું શરૂ કર્યું હતું. માધવને પોતાને સમજાય એ પહેલાં, બે વર્ષના
ટૂંકા ગાળામાં માધવને કંપનીનો સી.ઈ.ઓ. બનાવીને કબીરે લગભગ બધી જ જવાબદારી એને સોંપી દીધી હતી! હવે
બંને એવા ગાઢ મિત્રો હતા કે, આખી ઓફિસને આટલા ટૂંકાગાળામાં આવી ગાઢ મૈત્રી જોઈને ખૂબ આશ્ચર્ય થતું.
કબીરનું આ દુનિયામાં કોઈ નહોતું. મિત્રો પણ નહીં…
કબીર બાર વર્ષનો હતો ત્યારે એની મમ્મી ગુજરી ગયેલાં. કબીર 25 વર્ષનો હતો ત્યારે એના પિતા એક
‘ટ્રેજેડી’માં ગુજરી ગયેલા એટલું કબીર કહેતો, અથવા ઓફિસમાં પણ એટલી જ જાણ હતી. એ ટ્રેજેડી વિશે કોઈ કશું
જાણતું નહોતું. કબીરને ભાઈ-બહેન નહોતાં. અબજોની સંપત્તિનો એક માત્ર વારસ હતો એ. પચ્ચીસ વર્ષની નાની
ઉંમરે એ અનાથ પણ થયો અને પિતાના અબજો રૂપિયાનો વારસદાર પણ ! વિચિત્ર હતો, ઓછું બોલતો. ઝડપથી
નિર્ણય લેતો અને મોટેભાગે એના નિર્ણયો સાચા પડતા. માણસને નોકરીએ રાખતાં કે કાઢી મૂકતાં અચકાતો નહીં.
આખી ઓફિસના 500થી વધુ સ્ટાફની સામે એ ક્યારેક સ્મિત પણ ન કરતો.
માધવ કંપનીમાં આવ્યા એ પહેલાં કોઈએ કબીરને હસતો જોયો નહોતો. એની પીઠ પાછળ એને ‘હિટલર’,
‘રાક્ષસ’, ‘વિયર્ડો’, ‘રાવણ’ જેવા નામે બોલાવનારાની સંખ્યા મોટી હતી. એણે જે ઝડપે બિઝનેસ વધાર્યો હતો અને
જે ઝડપે એ પૈસા કમાઈ રહ્યો હતો એ પછી એની સાથે બિઝનેસ કરવા સહુ આતુર રહેતા, પરંતુ ધંધામાં એની શરતો
લગભગ અસંભવ જેવી રહેતી. “માય વે ઓર નો વે” એનો સિધ્ધાંત હતો. એની કંપનીઓમાં પગાર અને કારકિર્દીની
તકો ઉજ્જવળ હતી, છતાં બે વર્ષથી વધુ ટકવાનો ભાગ્યે જ કોઈનો રેકોર્ડ હતો. એની નજર બરદાશ્ત કરવી અઘરી
હતી. એ એક નજરમાં માણસને સ્કેન કરી લેતો. વાત કરતી વખતે સામેના માણસને ધારદાર નજરે જોયા કરતો. એની
નજર એવી તીખી હતી કે મોટાભાગના લોકો એની સાથે વાત કરતી વખતે નજર મિલાવવાનું ટાળતા.
કબીર નરોલા નાની ઉંમરે સફળ થઈ ગયેલો એક એવો માણસ હતો જેને ઓળખવા, દોસ્તી કરવા ઘણા લોકો
આતુર હતા, પણ એને એકવાર મળ્યા પછી જો ગરજ ન હોય કે જરૂર ન હોય તો એને બીજી વાર મળવાનું ટાળતા.
કબીર કોઈ પાર્ટીમાં જતો નહીં કે ક્યારેય પાર્ટી આપતો પણ નહીં. કંપનીની મોટી મોટી સફળતાઓ કે અવોર્ડ્સ વખતે
જો પીઆર માટે પાર્ટી યોજાય તો પણ પોતે હાજર ન જ રહેતો.
એ શાર્પ હતો, ચપ્પુની ધાર જેવો. માણસ સહેજ બેધ્યાન થાય તો ઉઝરડો પાડી દે તેવો. ગણતરીબાજ, ક્રૂર
અને રૂથલેસ. શેરબજારમાં અને ધંધામાં એની ટીપ્સ લગભગ અંતિમ સત્ય હતી. કબીર જે બિઝનેસમાં હાથ નાખતો
એ સોનાની ખાણ બની જતી. બીજા લોકો જે ધંધામાં મંદી જોતા એમાંથી કબીર કરોડો ઉપજાવી લેતો. જુની, બંધ
પડેલી કંપનીઝ ખરીદવી, પછી એને સફળ બનાવીને લોકોની આંખો ચકાચોંધ કરી નાખવી એ એનો શોખ, પેશન,
ગાંડપણ હતું. બીજા માણસને પોતાનો અભિપ્રાય આપતાં પહેલાં પરિસ્થિતિને 360 ડિગ્રીથી જોતો. એના અંદાજ કે
ગણતરીમાં એ ભાગ્યે જ ખોટો પડતો. એની કંપનીમાં કામ કરતા બે હજારથી વધુ માણસો કબીર નરોલાથી ફફડતા.
એની ચેમ્બરમાં જતા પહેલાં સ્ટાફના લોકો બાધા લેતા અને જો કબીરે બોલાવ્યા હોય તો બ્લડ પ્રેશર વધી ગયાના
દાખલા ઓફિસમાં મૌજુદ હતા.
માધવના આવ્યા પછી કબીરમાં થોડો ફેરફાર થયો હતો. એ હસીને વાત કરતો થયો હતો. થોડો સહજ અને
પ્રેમાળ પણ થયો હતો. કંપનીમાં કામ કરતા લોકો કબીરમાં આવેલા આ બદલાવ માટે માધવને જવાબદાર ગણતા,
પરંતુ માધવને સતત અહેસાસ હતો કે કબીરે બે જ વર્ષમાં પોતાની જિંદગીને ક્યાંથી ક્યાં પહોંચાડી હતી! નોકરી માટે
ભટકતો, સંઘર્ષ કરતો, આઈઆઈએમની એમબીએની ડિગ્રી ધરાવતો માધવ જિંદગી જીવવાની હામ હારી ચૂક્યો હતો
ત્યારે બીજા લોકો માટે રાક્ષસ, હિટલર, રાવણ જેવો કબીર આ ડ્રાઈવરના છોકરા માધવ માટે દેવદૂત પુરવાર થયો હતો.
વૈશ્નવી પણ ક્યારેય કબીરને મળી નહોતી. એક-બે વાર ફોન પર વાત થઈ હતી, બસ!
કબીર પોતે જ વૈશ્નવીને મળવાનું ટાળતો. આ વાત વૈશ્નવીને બહુ વિચિત્ર લાગતી તેમ છતાં જેટલી વાર
એકબીજાને મળવાનો પ્રસંગ ઊભો થાય એટલી વાર કબીર કોઈક રીતે છટકી જતો. વૈશ્નવીએ એને માત્ર તસવીરોમાં
જોયો હતો. કંપનીની પાર્ટીમાં પણ કબીર ગુમ થઈ જતો! વૈશ્નવીને આ વાતની બહુ નવાઈ લાગતી. એ અવાર-નવાર
માધવને પૂછતી, “એ કેમ ટાળે છે, મને?”
“ટાળતો નથી.” માધવ પાસે પણ આ સવાલનો જવાબ તો નહોતો જ, છતાં એ કબીરનો બચાવ કરી લેતો,
“એ એવો જ છે. એકલવાયો. લૉન રેન્જર. એને ફેમિલી-ફેમિલી રમવું નથી ગમતું.”
જોકે, એકાદવાર માધવે પણ કબીરને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કબીરે આખી વાત જે શિફતથી ઉડાડી
દીધી હતી એ પછી માધવે પણ વૈશ્નવી અને કબીરને એકબીજાની સામે લાવવાનો પ્રયત્ન મૂકી દીધો હતો. બીજી તરફ
પતિ-પત્ની વચ્ચે કબીર વિશે અનેક વાર આ ચર્ચા થયા પછી, વૈશ્નવીએ પણ પોતાના કુતૂહલ પર અલ્પવિરામ મૂકી
દીધું હતું. એના મનમાં આ વિચિત્ર માણસ વિશે અનેક સવાલો થતા. બે વર્ષમાં પોતાના પતિને જમીન પરથી ઉપાડીને
આકાશમાં ઉડવા માટે પાંખો આપનાર આ દેવદૂત પોતાને શા માટે નહીં મળતો હોય? સાવ અજાણ્યા એવા માધવ પર
એ આટલો બધો મહેરબાન કેમ છે, એ વાત વ્યાપારીની દીકરી વૈશ્નવીને ક્યારેક મૂંઝવતી. જે દિવસે આ ‘દેવદૂત’
બગડશે એ દિવસે શું થશે? એવા વૈશ્નવીના સવાલોનો કોઈ અંત નહોતો, ને સાચું પૂછો તો આમાંના એક પણ
સવાલનો માધવ પાસે પણ જવાબ નહોતો.
*
માધવને શોધવાનો પ્રયાસ કરી લીધા પછી અંતે વૈશ્નવીએ કબીર નરોલાને ફોન કરવાનો વિચાર કર્યો.
બીજા કોઈને નહીં હોય તો પણ, કબીરને તો ખબર હશે જ! અંતે થાકીને વૈશ્નવીએ કબીરને ફોન કર્યો.
જાણે એના જ ફોનની પ્રતીક્ષા કરતો હોય એમ કબીરે અડધી જ રીંગમાં ફોન રીસિવ કર્યો, “માધવ મારી સાથે
નથી.” વૈશ્નવીનો પ્રશ્ન પૂછાય એ પહેલાં જ કબીરનો ઉત્તર ઝીંકાયો હતો.
“તો? ક્યાં છે એ?” વૈશ્નવીએ બને એટલા સંયત સ્વરમાં પૂછ્યું હતું, “તમને કહ્યા વગર તો ક્યાંય જતો નથી.”
“આજે તો મને કહ્યા વગર જ જતા રહેવું પડે એવું થયું છે ને? કહેવા ઊભો રહે તો ફસાય.” કબીરના
અવાજમાં એક વિચિત્ર આનંદ અનુભવી શકી, વૈશ્નવી. એને થયું કે કદાચ આ એનો વહેમ હતો! એક પરમ મિત્રને
પાંચ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય, એ ક્યારેય નહીં ચૂકવી શકે એવી મોટી રકમના દેવાંમાં ફસાયો હોય, એ જાણ્યા
પછી બીજા મિત્રના અવાજમાં જે સહાનુભૂતિ કે ચિંતા હોવી જોઈએ વૈશ્નવીને એમાંનો એક અંશ પણ કબીરના
અવાજમાં સંભળાયો નહીં, ઉલ્ટાનું કબીરે ઉમેર્યું, “રાતોરાત પૈસા કમાઈ લેવા છે, સ્ટુપિડ! પૈસા કમાવા જો આટલા
જ સહેલા હોત તો આખી દુનિયા અબજોપતિ હોત.” વૈશ્નવીએ એનો સૂર અને વાત સાંભળીને નવાઈ લાગી, થોડો
આઘાત પણ.
“શેરબજારમાં પૈસા ઈન્વેસ્ટ કરવાનો આઈડિયા તો તમે જ આપ્યો.” વૈશ્નવીથી કહ્યા વિના રહેવાયું નહીં.
વૈશ્નવીને લાગ્યું કે સામેની તરફ કબીર હસી રહ્યો હતો. એણે ઉમેર્યું, “હું તો અમારી ઓફિસના વીસમા
માળેથી કૂદી પડવાનો આઈડિયા આપું” હવે એ સાચે હસ્યો. “તો? કૂદી પડશે માધવ દેસાઈ? એમ.બી.એ. ભણેલો છે.
આઈ.આઈ.એમ.થી… તેમ છતાં સાદી અક્કલ નથી એ તો સાબિત થઈ ગયું” એણે કહ્યું, “મને તો એ નથી સમજાતું કે જે
થવાનું હતું તે થઈ ચૂક્યું, હવે ભાગતો શું કામ ફરે છે?”
“તમે કહેવા શું માગો છો?” વૈશ્નવીને શું બોલવું એ સમજાયું નહીં. એનો અવાજ થરથરી ગયો. જો આ
માણસ પડખેથી ખસી જશે તો મયૂર પારેખનો શ્રાપ સાચો પડશે એટલી સમજણ પડી, “આ… પાંચ કરોડ રૂપિયા…”
બોલતાં બોલતાં એનું ગળું સૂકાઈ ગયું, એણે થૂંક ગળે ઉતાર્યું, “કેવી રીતે ચુકવશે એ?”
“એ તો ગુમાવતાં પહેલાં વ્યવસ્થા કરી જ હશે ને!” કબીરની બેફિકરાઈ અને તોછડાઈથી વૈશ્નવી ચીડાઈ ગઈ,
પણ ચૂપ રહીને સાંભળતી રહી, “નોકરી કરે છે મારે ત્યાં, હું એનો પગાર આપું છું.” આ એ કબીર નહોતો, જેની વાતો
કરતાં માધવ થાકતો નહોતો. વૈશ્નવીને એનો પ્રશ્ન સાંભળીને સાચે જ આઘાત લાગ્યો, “એ જુગારમાં હાર્યો એના
પૈસા કંઈ હું ચુકવું?” એને જવાબ આપવા વૈશ્નવી શબ્દો શોધવા ફાંફાં મારતી રહી. થોડીક ક્ષણોના વજનદાર મૌન
પછી કબીર બોલ્યો, “ખેર! આઈ ફિલ સોરી ફોર યુ.”
“સોરી? ફોર મી?” વૈશ્નવીનો અવાજ ફરી તરડાયો.
કબીર કંઈ બોલ્યો નહીં, માત્ર હસ્યો. એના નહીં બોલાયેલા એના શબ્દોએ વૈશ્નવીના મનને અનેક
આશંકાઓથી ભરી દીધું. એને પિતા મયૂર પારેખની વાત યાદ આવી ગઈ. વૈશ્નવીએ આગળ કશું જ બોલ્યા વગર ફોન
ડિસકનેક્ટ કરી નાખ્યો. બે-એક ક્ષણ આંખ મીંચીને એણે પોતાની જાતને સંયત કરવાનો પ્રયત્ન કર્યો, પણ અંતે એની
હિંમત તૂટી ગઈ. એ મોટા અવાજે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી, “મા… ધવ! માધવ…” એણે પોક મૂકી.
એને રડતી સાંભળીને નારાયણ અંદરથી બહાર દોડી આવ્યો. એણે અત્યાર સુધી કોઈ દિવસ વૈશ્નવીને રડતી
જોઈ નહોતી. આજે આવી રીતે છાતીફાટ રડતી જોઈને, શું કરવું એ એને સમજાયું નહીં. એણે ઝડપથી પાણી આપ્યું.
એ અસહાય જેવો ત્યાં ઊભો રહ્યો. ઘરમાં બીજું કોઈ નહોતું. થોડી વાર એને રડવા દઈને પછી એણે ધીમેથી કહેવાની
હિંમત કરી, “ભાભી! શું થયું? કોઈ ગયું?”
વૈશ્નવીએ જવાબ આપ્યા વગર ‘ના’માં ડોકું ધૂણાવ્યું, એ રડતી રહી. હવે નારાયણ પાસે પણ પૂછવા માટે કોઈ
પ્રશ્નો નહોતા. એ ચૂપચાપ ત્યાં ઊભો રહીને સહાનુભૂતિ ભરી નજરે વૈશ્નવીને રડતી જોઈ રહ્યો.
(ક્રમશઃ)