વેસ્ટ ફેસિંગ બાલ્કનીમાં મૂકેલા બધાં કૂંડાના પાંદડાં તડકામાં તગતગવા લાગ્યાં હતાં. દરિયા કિનારાના પવનને
કારણે બધા છોડ ડોલી રહ્યા હતા. બાલ્કનીના પડદા ઉડી રહ્યા હતા.
બાલ્કનીમાં બેઠેલા માધવની વાત સાંભળી રહેલી વૈશ્નવી પિસ્તાલીસ મિનિટ દરમિયાન વૈશ્નવી એક પણ
શબ્દ બોલી નહોતી. એની ભાવવિહીન, સ્થિર આંખોમાં ધીમે ધીમે માધવ માટેનો સ્નેહ પાછો ફરી રહ્યો હતો. એને
સમજાયું હતું કે આ સટ્ટો કરવા માટે માધવને ઉશ્કેરવામાં આવ્યો હતો. એનો જ મિત્ર, જે અત્યાર સુધી સાચી ટીપ
આપીને માધવને શેરબજારમાં મબલખ કમાણી કરાવી રહ્યો હતો એ, કબીર નરોલાએ જાણી જોઈને માધવને ખોટી
ટીપ આપીને પૈસા રોકવા ઉશ્કેર્યો હતો…
માધવ ક્યારનો એકની એક વાત કહી રહ્યો હતો,”ટ્રસ્ટ મી!” વૈશ્નવી સ્થિર ચિત્ત અને શાંત મન રાખીને એની
વાત સાંભળી રહી હતી, “હું આમાં પડત જ નહીં. તું તો મને ઓળખે છે. પૈસાની બાબતમાં હું કેટલો કેરફુલ છું. હું
આવો જુગાર રમું કોઈ દિવસ? કોણ જાણે કેમ…” એ બોલ્યે જતો હતો, “કબીરે કહ્યું કે લગાવી દે… મેં ઈસ્માઈલભાઈ
પાસેથી પૈસા લઈને…” માધવ લગભગ સ્વગત જ બોલતો હોય એમ બોલતો રહ્યો.
વૈશ્નવીને સાંભળીને નવાઈ લાગી કે કબીરે બજારમાંથી વ્યાજે પૈસા લઈને માધવને સટ્ટો રમવાની સલાહ
આપી હતી! પાંચ કરોડ રૂપિયા કંઈ એવી મોટી રકમ નહોતી જે કબીર ન આપી શકે, તેમ છતાં એણે બહારથી પૈસા
લઈને સટ્ટો કરવાની સલાહ આપી એટલું જ નહીં, એ પૈસા જેની પાસેથી લેવડાવ્યા એ અન્ડરવર્લ્ડનો કિંગ હતો.
પઠાણ. મૂડી તો ઠીક વ્યાજ માટે લોકોના ખૂન કર્યાના, એમની પત્નીને ઊઠાવી ગયાના કિસ્સા મીડિયામાં પણ ચગ્યા
હતા.
આખી વાત સાંભળ્યા પછી વૈશ્નવીને સમજાયું કે આ કોઈ ભૂલ કે ગેરસમજણ નહોતી. એક પછી એક પ્યાદાં
ગોઠવીને, જાળ બિછાવીને માધવને આ રમતમાં ધીરે ધીરે ખેંચવામાં આવ્યો હતો. એ જેમ જેમ સાંભળતી ગઈ તેમ
તેમ એને સમજાતું ગયું. વૈશ્નવી વેપારીની દીકરી હતી. ત્રણ પેઢીથી પૈસો એમના પરિવારને પચી ગયો હતો.
શેરમાર્કેટની ઉથલ-પાથલ કેવી રીતે થાય, કોણ કરે, ત્યાંથી શરૂ કરીને બીજી ઘણી વાતો સાવ ટીનએજમાં હતી ત્યારથી
જ વૈશ્નવીને સમજાવા લાગી હતી. અત્યારે માધવની બધી વાત સાંભળ્યા પછી એને સમજાયું કે માધવનો શિકાર
કરવામાં આવ્યો હતો. વૈશ્નવીને જે સવાલનો જવાબ ન મળ્યો, એ હતો… શું કામ? શા માટે માધવ જેવા સીધાસાદા
કોઈને ય ન નડે એવા માણસને આવી રીતે ફસાવવામાં આવ્યો હતો… એ વિચારતી રહી, પણ એને જવાબ ન જ
મળ્યો.
અંદર બેડરૂમમાં માધવનો સેલફોન રણકતો હતો, “નહીં ઉપાડતી.” માધવે ચોંકીને કહ્યું, “એ લોકો જ હશે.” એ
ધ્રૂજવા લાગ્યો. એની આંખોમાં ભયનો આતંક ઉતરી આવ્યો.
વૈશ્નવીએ એનો હાથ પકડ્યો, “એમ ભાગવાથી શું થશે.” એણે કહ્યું, “જોવા તો દે.” કહીને વૈશ્નવી બેડરૂમમાં
ગઈ. ફોનની રીંગ પૂરી થઈ ગઈ હતી. વૈશ્નવીએ મિસ્ડ કોલ ચેક કર્યો, “તારા મમ્મીનો ફોન છે.” એણે માધવને કહ્યું.
“નથી વાત કરવી.” માધવે પોતાના બે હાથની હથેળીમાં મોઢું ઢાંકી દીધું, “એમને પણ ખબર પડી ગઈ છે. કોણ
જાણે એ લોકો શું વિચારશે…” એ લગભગ રડવા લાગ્યો.
“એમને કેવી રીતે ખબર પડી?” વૈશ્નવીએ પૂછ્યું.
માધવના માતા-પિતા હવે અમરેલી રહેતા હતા. માધવ અને વૈશ્નવી જે રીતે પરણ્યા અને જે કંઈ થયું, એ
પછી વૈશ્નવીના પિતાના ડ્રાઈવર તરીકે માધવના પિતાની નોકરી શક્ય નહોતી. વેવાઈને ત્યાં ડ્રાઈવર રહી શકાય નહીં
અને વૈશ્નવીના પિતાએ એમને અમદાવાદમાં બીજે ક્યાંય પણ નોકરી ન મળે એની પાકી વ્યવસ્થા કરી નાખી હતી.
અંતે, માધવના માતા-પિતા એમના મૂળ ઘેર, અમરેલી રહેવા ચાલી ગયાં હતાં. મુંબઈ આવ્યા પછી એમને સાથે
રહેવાનો ઘણો આગ્રહ કર્યા છતાં હવે એ લોકો ક્યાંય જવા માગતા નહોતા…
“એમને કોણે જણાવ્યું હશે?” વૈશ્નવીએ ફરી પૂછ્યું.
“મેં.” માધવે ધીમા અવાજે, ઉતરી ગયેલા ચહેરે કહ્યું, “મેં કહ્યું, પપ્પાને.” વૈશ્નવીનો બદલાયેલો ચહેરો જોઈને
ડરી ગયેલા માધવે આગળ કહ્યું, “કદાચ પૈસાની જરૂર પડે તો…” જોકે, આ છેલ્લું વાક્ય કેટલું પોકળ અને અર્થહીન
હતું એ માધવને પોતાને પણ સમજાઈ ગયું, એટલે એણે વાક્ય અધૂરું જ છોડી દીધું. અમરેલીનું ઘર વેચી પણ નાખે તો
25-30 લાખ રૂપિયા આવે. બચત અને સોનાના ઘરેણાં મળીને પણ એના પિતા પાસે 70-80 લાખ રૂપિયાથી વધુ
કંઈ ન મળે એ વાતની માધવને ખબર જ હતી તેમ છતાં એણે પિતાને જણાવીને ભૂલ કરી હતી, એ વાત એને હવે
સમજાઈ.
વૈશ્નવી એક ક્ષણ માટે માધવ સામે જોઈ રહી, “એમને ખોટા ચિંતામાં નાખ્યા. એ બિચારા શું કરી શકવાના?”
વૈશ્નવીએ તો સહજ રીતે જ કહ્યું હતું, પણ માધવ એકદમ ભડક્યો.
“હાસ્તો! એ બિચારા શું કરવાના? ડ્રાઈવર હતો મારો બાપ. અંતે તો તારા બાપના પગારદાર નોકર હતા ને…
એ શું કરવાના?”
એ હજી આગળ બોલ્યો હોત, પણ વૈશ્નવીની આંખો જોઈને ચૂપ થઈ ગયો. “જો! પરિસ્થિતિ ખરાબ છે.
આપણે ફસાયા છીએ, મુશ્કેલીમાં છીએ એ સ્વીકારી લે. સામસામે એકબીજા પર આક્ષેપ કરવાથી, ગુસ્સો કરવાથી,
મગજ ગુમાવવાથી કે ફ્રસ્ટ્રેટ થવાથી આનો ઉપાય નહીં મળે.” વૈશ્નવીએ મેચ્યોરિટીથી કહ્યું.
“આઈ એમ સોરી.” માધવે તરત જ સ્વીકારી લીધું. એને સમજાયું કે જો ઉકેલ શોધવો હશે તો બે જણાએ
સાથે મળીને શાંત ચિત્તે પ્રયાસ કરવો પડશે, “શું કરીશું?” એણે વૈશ્નવીને પૂછ્યું.
“પહેલાં તારી મમ્મી સાથે વાત કરી લે. એમને ચિંતા થતી હશે.” પોતાના માતા-પિતા સાથે સંબંધ તૂટી ગયા
પછી વૈશ્નવી માટે સાસુ-સસરા જ માતા-પિતાની જગ્યાએ હતાં. જોકે, માધવના મમ્મી હજી વૈશ્નવીને સ્વીકારી
શક્યાં નહોતાં. એમને વૈશ્નવીના પિતા પાસેથી મોટી રકમની અપેક્ષા હતી, કદાચ! એમણે આ લગ્નને એટલે જ સપોર્ટ
કર્યો હતો. માધવ પર દબાણ કરીને એના અધૂરા અભ્યાસે આ લગ્ન કરવા એને લગભગ મજબૂર કર્યો હતો ત્યારે
માધવના મમ્મીને આશા હતી કે એકવાર લગ્ન થઈ ગયા પછી મયૂર પારેખ દીકરીના પ્રેમને ખાતર આ લગ્ન સ્વીકારી
લેશે, પરંતુ વૈશ્નવીના પિતા મયૂરભાઈએ એક પણ પૈસો આપ્યા વિના કાઢી મૂક્યા અને સંબંધ તોડી નાખ્યો એ પછી
માધવના મમ્મીનો વર્તાવ તદ્દન બદલાઈ બદલાઈ ગયો હતો.
જ્યારે તક મળે ત્યારે એ વૈશ્નવીને સંભળાવતા, “તારા બાપનું દિલ તો પથ્થરનું નીકળ્યું. એકની એક સગી
દીકરીને કોઈ આમ પહેરેલે કપડે કાઢી મૂકે? ભાઈ! મોટા લોકોની મોટી વાત…” જોકે, વૈશ્નવી ક્યારેય જવાબ ન
આપતી. એ સમજતી હતી કે માધવના મમ્મી ઓછું ભણેલા, નાના ગામના અને અભાવમાં જીવેલ વ્યક્તિ હતાં.
એમની અપેક્ષા અને એમની માનસિકતા બંને પોતાની જગ્યાએ ખોટાં નહોતાં, એ વાતને સ્વીકારીને વૈશ્નવી એમની
સાથે સારી રીતે વર્તવા પ્રયાસ કરતી.
માધવના પિતા માટે વૈશ્નવી હજી પણ ‘માલિકની દીકરી’ જ રહી. એને પુત્રવધૂ તરીકે જોઈ શક્યા જ નહીં.
એ વૈશ્નવી સાથે વિવેકથી વર્તતા, ‘તમે’ કહીને સંબોધતા. વૈશ્નવી કંઈ કામ કરે કે એમના માટે કંઈ રાંધે, ચા બનાવે તો
એ સંકોચાઈ જતા. માધવના પરિવારમાં વૈશ્નવી હજીયે ‘બહારની વ્યક્તિ’ જ હતી, પરંતુ વૈશ્નવીએ સાસરાના
પરિવારમાં ભળી જવાનો પ્રયત્ન છોડ્યો નહોતો.
“મમ્મી સાથે વાત કરી લે.” વૈશ્નવીએ કહ્યું, એણે નંબર ડાયલ કરીને માધવના હાથમાં મૂક્યો, “રીંગ વાગે છે.”
બંને જણા નિરાંતે વાત કરી શકે એ માટે વૈશ્નવી બહાર નીકળી ગઈ.
“મમ્મી! હું બરબાદ થઈ ગયો.” બેડરૂમની બહાર નીકળતી વૈશ્નવીએ જુવાનજોધ પતિનું ડુસકું સાંભળ્યું.
સામેથી શું જવાબ મળ્યો એની એને ખબર ન પડી, પણ માધવે કહ્યું, “દરેક વાતમાં એને નહીં ઘસડ. એનો કંઈ વાંક
નથી…” આગળ સાંભળવાની વૈશ્નવીની તૈયારી નહોતી, એટલે એ સડસડાટ રસોડામાં જતી રહી.
પૌંઆ અને ચાની ટ્રે લઈને એ બેડરૂમમાં આવી ત્યારે વાત થઈ ચૂકી હતી. બેડરૂમમાં મૂકેલા સિંગલ સીટર
સોફામાં માથું પકડીને, આંખ મીંચીને માધવ એકદમ નિરાશ થઈને બેઠો હતો.
વૈશ્નવીએ નજીક આવીને એના બંને હાથ પકડીને ચહેરા પરથી ખસેડ્યા, “થોડું ખાઈ લે. ચા પી… આપણે
વાત કરીએ છીએ.” એણે કહ્યું. માધવે ચાનો કપ હાથમાં લીધો. ડીંગડોંગ… ડોરબેલ સાંભળીને માધવ ચોંક્યો, એના
હાથ ધ્રૂજવા લાગ્યા.
એણે ડરીને વૈશ્નવીના બંને હાથ પકડી લીધા, “એ લોકો જ હશે… પૈસા લેવા આવ્યા હશે… બારણું નહીં
ખોલતી.”
વૈશ્નવીએ પોતાના હાથ ધીમે રહીને એના હાથમાંથી છોડાવ્યા. એના બંને ખભા એણે દૃઢતાથી પકડ્યા,
સહેજ ભીંસ આપી, “કોઈ પણ હોય. બારણું તો ખોલવું પડશે ને?” મા પોતાના નાનકડા બાળકને ફોસલાવતી હોય
એવા સમજાવટભર્યા સૂરમાં એણે કહ્યું, “દરવાજા બંધ કરીને ઘરમાં ક્યાં સુધી છુપાઈ રહીશું?” એ દરવાજો ખોલવા
બેડરૂમમાંથી બહાર નીકળ્યો.
“એ લોકો મારી નાખશે.” માધવ બૂમો પાડવા લાગ્યો, એણે હાથ જોડ્યા, “પ્લીઝ! બારણું નહીં ખોલ…”
“અત્યારે નહીં ખોલું તો ફરી આવશે.” વૈશ્નવીએ બેડરૂમના દરવાજા પાસે ઊભા રહીને ધીરજપૂર્વક પતિને
સમજાવ્યો, “ફરી નહીં ખોલીએ તો ફરી આવશે…” એણે દૃઢતાથી કહ્યું, “ધારો કે, એ નહીં આવે, છતાં આપણે બહાર
તો નીકળવું પડશે ને? એમ ભાગવાથી આનો ઉકેલ નહીં આવે.” એનામાં કોઈ અપૂર્વ શક્તિનો સંચાર થયો હોય એમ
એણે માધવની આંખો સાથે આંખો મિલાવી, “વી હેવ ટુ ફાઈટ ધીસ. આપણને ગમે કે ન ગમે આનો સામનો તો કરવો
જ પડશે.” એ દૃઢતાથી ડગલાં ભરતી બેડરૂમમાંથી બહાર નીકળીને ડ્રોઈંગરૂમમાં પહોંચી. જોકે, બહારનું દ્રશ્ય જોઈને
એ સહેજ ડરી ગઈ, ડઘાઈ ગઈ.
નારાયણે દરવાજો ખોલી નાખ્યો હતો. એમાંથી દાખલ થયેલા છ માણસો એના ડ્રોઈંગરૂમમાં ગોઠવાઈ ગયા
હતા. એ બધા એવી રીતે બેઠા હતા જાણે આ ઘરના માલિક હોય. એમાંના એકે નારાયણને કહ્યું, “પાની પીલા, બે!”
છએના દેખાવ પરથી સમજી શકાય એમ હતું કે આ વસુલીનું કામ કરતા ભાડાના ગુંડા હતા. કડક ચહેરા અને ક્રૂર
આંખો સાથે કોઈકની વધેલી દાઢી તો કોઈકના લાંબા વાળ ચાડી ખાતા હતા કે આ લોકોને બીજાની તો શું જાતનીયે
નહોતી પડી.
નારાયણ ટ્રેમાં છ ગ્લાસ મૂકીને પાણી લઈ આવ્યો. બધાએ પાણી પી લીધું. વૈશ્નવી ત્યાં જ ઊભી રહીને
આખો ખેલ જોઈ રહી હતી. ભીતરથી ડરેલી હતી, પણ એણે ચહેરા પર એવા કોઈ ભાવ આવવા દીધા નહીં. પાણી
પીને એક જણે ગ્લાસ ટ્રેમાં મૂકવાને બદલે નીચે ફોડી નાખ્યો. બધા હસ્યા. વૈશ્નવીને ફાળ પડી, છતાં એ શાંત ઊભી
રહી.
માધવ એની પાછળ પાછળ બેડરૂમમાંથી બહાર આવ્યો, ડરેલો અને હેબતાયેલો. એની હિંમત નહોતી કે એ
ડ્રોઈંગરૂમ સુધી આવે એટલે એ બેડરૂમ અને ડ્રોઈંગરૂમની વચ્ચેના સ્લાઈડર દરવાજાની આડશ લઈને ઊભો રહી ગયો.
નારાયણની નજર એ તરફ ગઈ. એને સંતાયેલો જોઈને એ છોકરાની આંખોમાં સહેજ તિરસ્કાર છલકાયો. પોતાની
મેડમ, જે રીતે આ માણસોની સામે આવીને ઊભી રહી એ જોઈને નારાયણે પણ મનોમન આ પરિસ્થિતિમાં જરૂર પડે
તો લડી લેવાની તૈયારી કરી લીધી.
ફૂટી ગયેલા ગ્લાસ સામે નારાયણ ક્ષણભર માટે જોતો રહ્યો, પછી નીચા નમીને એણે મોટા ટૂકડા ટ્રેમાં ઉપાડી
લીધા. એ ટ્રે લઈને અંદર ચાલ્યો ગયો. જતાં જતાં એની નજર વૈશ્નવી સાથે ટકરાઈ. એની આંખોમાં હિંમત અને
સધિયારો વૈશ્નવીને વંચાયો એ પછી, વૈશ્નવીની ભીતર રહેલો થોડોક ભય પણ જતો રહ્યો.
વૈશ્નવી ત્યાં જ ઊભી રહીને એક પછી એક, ડ્રોઈંગરૂમમાં બેઠેલા એ ભયાનક, વિચિત્ર માણસો સામે જોતી
રહી. હવે એની આંખોમાં ભય નહોતો. સોફા પર પગ મૂકીને, ત્યાં પડેલી વસ્તુઓને અડતા, વિચિત્ર રીતે વર્તી રહેલા
એ માણસો માટે એનું મૌન આશ્ચર્યજનક હતું. એ બધા જ ગુંડા જેવા માણસો ડરી ગયેલા, સંતાતા અને ગરીબડા
થઈને પગમાં પડી જતા લેણદારોથી ટેવાયેલા હતા. ભલભલા પુરુષો એમની હાજરીથી થથરી જતા, અહીં તો એક
સ્ત્રી એમની હાજરીથી અકળાયા વગર તદ્દન નિર્ભય થઈને ઊભી હતી એટલું જ નહીં, એમની સામે વીંધી નાખતી
નજરોથી જોઈ રહી હતી. હવે અકળાવાનો વારો એમનો હતો. થોડીવાર એક ઑકવર્ડ સાયલન્સ ડ્રોઈંગરૂમમાં ઘુમરાતું
રહ્યું. પછી એમાંના એક માણસે મૌનની આ મજબૂત દીવાલ તોડવા માટે વાત શરૂ કરી. એણે હિન્દીમાં પૂછ્યું. એની
બોલી ઉત્તર પ્રદેશ તરફની લાગી, “ક્યાં ગયો તારો મરદ? જોરુ કો આગે કરકે ખુદ ક્યા સાડી પહેન રહા હૈ?” એ
બોલ્યો. બધા હસ્યા. એણે ઉમેર્યું, “ઉસકો બોલ, હમ ઉસકા મુજરા દેખને નહીં આયે, પૈસા લેને આયે હૈં.”
“કીતને પૈસે હૈં?” વૈશ્નવીએ હિંમતભેર પૂછ્યું.
“સાડે પાંચ ખોખે.” બીજા એક માણસે જવાબ આપ્યો. એ આ ટોળાંના લીડર જેવો લાગતો હતો. એણે
પૂછ્યું, “રેડી હૈં ક્યા?” બધા હસ્યા, “હૈ, તો દે દો.” એણે કહ્યું.
“અગર નહીં હૈ તો…” પહેલાં જેણે હિન્દીમાં પૂછ્યું હતું એ બોલ્યો. બધા ફરી હસ્યા.
“તો?” વૈશ્નવીએ અદબ વાળી. ત્યાં ઊભેલા પાંચ-છ જણાં વૈશ્નવીના આ તોનો જવાબ આપવાને બદલે
સહેજ ઝંખવાઈ ગયા.
સ્લાઈડરની પાછળ સંતાયેલો માધવ આ બધું સાંભળી રહ્યો હતો. એણે બે વાર બહાર જવાનો વિચાર કર્યો,
પણ એને એટલો બધો ડર લાગતો હતો કે એ બહાર નીકળવાની હિંમત જ કરી શક્યો નહીં. નારાયણ બહાર આવ્યો.
એણે ઝાડુ અને સૂપડીથી તૂટેલા ગ્લાસના ઝીણા કટકા ભરી લીધા. અંદર જતાં જતાં એણે ફરી એક નજર સ્લાઈડર
તરફ નાખી, એની આંખોમાં માધવને બહાર નીકળીને પત્નીની બાજુમાં ઊભા રહેવાનો આગ્રહ હતો. સોફામાં બેઠેલા
છએ જણાએ આ નજર નોંધી લીધી. કોઈ કંઈ બોલ્યું નહીં, પણ સ્લાઈડરની પાછળ મોટેભાગે માધવ જ હોવો
જોઈએ એવું બધા સમજી ગયા.
“તો?” એમનો લીડર ઊભો થયો. વૈશ્નવીની એકદમ નજીક આવીને એણે પોતાના એક હાથમાં એનું જડબું
પકડી લીધું, “તો તુઝે લે જાયેંગેં. વૈસે તુ સાડે પાંચ ખોખે સે કાફી સસ્તી હૈ લેકિન ક્યા કરેં જો મિલા વોહી સહી…”
એની સાથેના માણસો હસવા લાગ્યા. એ ઊંચા-પહોળા માણસની પકડ જડબા પર એટલી સખત હતી કે, વૈશ્નવીની
આંખોમાંથી પાણી ટપકી ગયું. નારાયણ રસોડામાંથી બહાર નીકળીને ઊભો રહ્યો. એણે ફરી સ્લાઈડર તરફ જોયું, પણ
માધવ બહાર નીકળવાની હિંમત ન કરી શક્યો.
“તું આતી હૈ કિ તેરા મરદ બહાર નીકલેગા?” પેલા માણસના પરસેવાની વાસથી વૈશ્નવી મોઢું ફેરવી ગઈ, એ
માણસે ફરી જોરથી એનો ચહેરો પોતાના તરફ ફેરવ્યો, “અગર મરદ બહાર નહીં આતા હૈ, તો ચલ મેરે સાથ,
ઈકબાલભાઈ કો તેરે જૈસી આઈટમ પસંદ આયેગી.” વૈશ્નવીએ જડબું છોડાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ છ ફૂટથી
ઊંચા માણસના મજબૂત હાથમાંથી પોતાનું જડબું છોડાવવું સહેલું નહોતું એવું વૈશ્નવીને સમજાઈ ગયું, “ચલ.” એણે
જડબું છોડીને વૈશ્નવીનો હાથ ખેંચવા માંડ્યો. વૈશ્નવીએ હતું એટલું જોર લગાવીને હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો,
પણ એ માણસે વૈશ્નવીને ઢસડવા માંડી. બાકીના પાંચ જણા ઊભા થઈ ગયા.
જેણે હિન્દીમાં વાત શરૂ કરી હતી એણે જોરથી આખા ઘરમાં સંભળાય એવી રીતે કહ્યું, “તેરી જોરુ કો લે જા
રહે હૈં. ચોબીસ ઘંટે મેં પૈસે દેકર છૂડા લેના.” પછી બિભત્સ હસીને એણે કહ્યું, “અગર તુ નહીં આયા તો ઈસીસે વસુલ
કર લેંગે.” છએ જણા ફરી હસ્યા.
હવે નારાયણથી ન રહેવાયું. એણે જોરથી બૂમ પાડી, “ભાઈ, હવે તો બહાર આવો… આ લોકો દીદીને…”
“તો હમારા હીરો ઘર મેં હી હૈ.” કહેતો આ ગેંગનો લીડર વૈશ્નવીનો હાથ છોડીને સ્લાઈડર તરફ ગયો. એણે
સ્લાઈડરની પાછળ હાથ નાખીને માધવને ખેંચી કાઢ્યો. બંનેની ઉંચાઈ લગભગ સરખી હતી. માધવનું શરીર પણ
વેલબિલ્ટ કહી શકાય એવું હતું, પણ એ કમરથી ઝૂકીને, સ્લાઈડરની ફ્રેમ પકડીને પેલા લીડર સાથે ખેંચાવાનો વિરોધ
કરી રહ્યો હતો. એ જોઈને લીડર હસ્યો, “અરે! યે બોડી કિસ લીયે બનાઈ હૈ? તુજસે તો તેરી ઔરત બહાદૂર હૈ.”
માધવનો વિરોધ બહુ ટક્યો નહીં. લીડર માધવને ઘસડીને ડ્રોઈંગરૂમની વચ્ચે લઈ આવ્યો, એને જમીન પર પટકી
દીધો. જમીન પર પડેલા માધવની છાતી પર એણે પગ મૂકી દીધો. માધવથી ચીસ પડાઈ ગઈ. વૈશ્નવી આ દૃશ્ય
સ્થિતપ્રજ્ઞની જેમ જોતી રહી. એનું જડબું ભયાનક દર્દ કરી રહ્યું હતું. હાથના કાંડા ઉપર પેલા રાક્ષસ જેવા માણસના
આંગળાં ઉપસી આવ્યાં હતાં. એણે પોતાના બીજા હાથની હથેળીથી કાંડું પસવાર્યું.
“ચલ, પૈસા દે.” લીડરે માધવની છાતી પર મૂકેલા પગનું વજન વધાર્યું. એ તરફડવા લાગ્યો.
“ન… ન… નહીં હૈ.” માધવથી માંડ બોલાયું.
“અરે! નહીં હૈ, બોલે તો?” પેલા લીડરે હવે છાતી પર મૂકેલો પગ ઘુમાવવા માંડ્યો. માધવ વધુ તરફડવા
લાગ્યો. એણે વૈશ્નવી સામે જોયું. એ હજી અદબ વાળીને શાંત ઊભી હતી. માધવની આંખમાંથી આંસુ સરકીને એના
કાનની પાછળના વાળને ભીના કરી રહ્યાં હતાં, “લિયે હૈં તો દેને પડેંગેં.” પેલા માણસે પગનું વજન વધારતા કહ્યું.
“દે… દે… દેને કો… કહાં મના કર રહા હૂં?” માધવનો અવાજ તરડાઈ-તરડાઈને નીકળતો હતો, “અભી નહીં
હૈ…” એણે શ્વાસ ભરીને એક સાથે કહી નાખ્યું, “દે દૂંગા.”
“કબ?” એ માણસ છોડે એમ નહોતો.
“દસ દિન.” માધવે કહ્યું. એણે તરત પગ ઉપાડી લીધો. માધવની પાંસળીઓમાં ભયાનક દુઃખાવો થવા લાગ્યો
હતો. કોઈકે હૃદય ઉપર ધૂંસો મારી દીધો હોય એમ છેક ઉંડે, હૃદયમાં દુઃખાવો થવા લાગ્યો હતો. એ જમીન પર જ
પડી રહ્યો. ઊભો થઈ શકે એટલી તાકાત એકઠી કરતાં સમય લાગ્યો એને.
“દસ દિન?” એ લીડરે વૈશ્નવી સામે જોઈને માધવના શબ્દો દોહરાવ્યા, “દસ દિન કે બાદ આયેંગે…” એણે
જમીન પર પડેલા માધવના પડખામાં પોતાના સ્પાઈકવાળા ફૂટબોલ શૂથી લાત મારી. માધવથી રાડ પડાઈ ગઈ, “દસ
દિન કે બાદ મોહલત નહીં મિલેગી.” એ માણસે કહ્યું, “ભાઈ કે હિસાબ મેં એક બાર મોહલત ઔર દૂસરી બાર
જન્નત…” એણે જતાં જતાં વૈશ્નવીના ગાલ પર હળવી ટપલી મારી, “યે અગર પૈસા નહીં ચૂકાયેગા તો મરેગા.” એક
ક્ષણ અટકીને એણે સ્મિત કર્યું, “ઈકબાલભાઈ અચ્છે સે રખ્ખેંગે તુજે.” એણે પોતાના માણસોને નજરથી જ બહાર
નીકળવાનો આદેશ કરી દીધો. એક પછી એક બધા બહાર નીકળી ગયા… નારાયણે દોડીને દરવાજો બંધ કરી દીધો.
નારાયણ સ્તબ્ધ ઊભો હતો. માધવ જમીન પર પડ્યો હતો. એ બેની વચ્ચે ઊભેલી વૈશ્નવી આવનારી
પરિસ્થિતિના ભયને માપી શકતી હતી. ઈકબાલના માણસો જે કહીને ગયા હતા એ માત્ર ધમકી નહોતી…
દસ દિવસમાં પાંચ કરોડ રૂપિયા! ક્યાંથી, કેવી રીતે આવશે એ સવાલ વૈશ્નવીની સામે કોઈ નાગની જેમ ફેણ
ઊઠાવીને ડોલતો હતો.
…ને જો પૈસા નહીં આપી શકાય તો શું થશે? એ સવાલના જવાબની કલ્પના પણ વૈશ્નવીના મન, મગજ
અને શરીરને હજારો સાપના ડંખની જેમ છિન્ન-વિછિન્ન કરી રહી હતી.
(ક્રમશઃ)