ડ્રોઈંગરૂમમાં ઊભેલી વૈશ્નવી થોડીક ક્ષણો માટે જમીન પર પડેલા માધવ સામે જોતી રહી,
પછી અચાનક કોઈક કપાયેલા વૃક્ષનું થડ તૂટી પડે એમ એ જમીન પર પછડાઈ. એને મોટા અવાજે
રડતી સાંભળીને નારાયણ એની પાસે જઈને ઊભો રહ્યો. દીદીને હાથ લગાડીને આશ્વાસન આપવું કે
નહીં, એનો નિર્ણય કરવામાં એને બે-ચાર ક્ષણ લાગી. એણે વૈશ્નવીને થોડીવાર રડીને હૈયું હળવું કરી
લેવા દીધું, પછી આગળ વધીને વૈશ્નવીના ખભે હાથ મૂક્યો, “દીદી! ડરીયે મત. સબ ઠીક હો
જાયેગા.” રડતી વૈશ્નવીએ માથું ઉંચકીને નારાયણ સામે જોયું. એની આંખોમાં ગજબની હિંમત જોઈ
એણે.
આંસુ લૂછીને વૈશ્નવી બેઠી થઈ ગઈ, “હાં બેટા.” એણે જાતને સંભાળી લીધી, “પાની પિલા
દે.” એણે બને એટલા સહજ થવાનો પ્રયત્ન કર્યો. નારાયણ એનો પ્રયત્ન સમજી ગયો. એણે એની
‘દીદી’ના બંને હાથ પકડી લીધા. સહેજ દબાવ્યા. એની એ ભીંસમાં અબોલ સધિયારો હતો. આજના
માધવના વર્તન પછી નારાયણના મનમાં એના માટેનું સન્માન ઘટી ગયું હતું. જમીન પર પડેલો
માધવ જાણે હાજર જ ન હોય એમ, નારાયણ અને વૈશ્નવી એકબીજાની સામે જોઈ રહ્યા. બંને
એકબીજાને અબોલ સંદેશો આપી રહ્યા હોય એમ એમણે કોઈપણ પરિસ્થિતિમાં એકબીજાનો સાથ
આપવાનું વચન એક પણ શબ્દ બોલ્યા વગર એકબીજાને આપ્યું.
ઈકબાલના માણસો ગયા એ પછી વૈશ્નવી આખીયે પરિસ્થિતિને થોડી શાંતિથી અને સમજી-
વિચારીને જોવાનો પ્રયત્ન કરવા લાગી.
માધવ શેરબજારનો માણસ જ નહોતો! એક ડ્રાઈવરનો દીકરો લાંબા સંઘર્ષ પછી માંડ માંડ
કમાતો થયો હોય ત્યારે આવડી મોટી રકમનો સટ્ટો કરવાનું એનું ગજું નહોતું, એ વાત મયૂર પારેખની
દીકરીને બરાબર સમજાતી હતી. વૈશ્નવી મોઢામાં ચાંદીના ચમચા સાથે જન્મી હતી. એણે પિતાને
કરોડોની હેરફેર કરતાં જોયા હતા. આટલા મોટા પૈસાનું રિસ્ક લેવા માટે જે કાળજું જોઈએ-જે
પ્રકારનું બેકઅપ જોઈએ એ માધવ પાસે નહોતું જ, એ વાત વિશે વૈશ્નવીને દ્રઢ વિશ્વાસ હતો. તો
પછી? આ કેમ થયું? માધવે આવું કેમ કર્યું… આ સવાલનો જવાબ મળે તો જ પરિસ્થિતિનો છેડો
જડે, ને છેડો જડે તો જ આ ગૂંચ ઊકેલી શકાય એટલી વાત વૈશ્નવીને બરાબર સમજાઈ ગઈ.
સ્વસ્થ થયેલો માધવ પોતાની પાંસળીને ગરમ પાણીની કોથળીનો શેક કરતો સોફા પર બેઠો
હતો. વૈશ્નવી ડ્રોઈંગરૂમમાં લગાડેલા એક સિંગલ હિંચકાની ખુરશી પર બેસીને વિચારી રહી હતી.
એના વિચારની સાથે સાથે એનો ઝુલો હલતો હતો. માધવ ઘડીકમાં એની તરફ જોતો, તો ઘડીકમાં
પોતાના દુઃખતા શરીરને શેક કરતો બેસી રહ્યો હતો. લગભગ એક કલાકથી બંને જણા ચૂપચાપ આ
જ રીતે બેઠા હતા. નારાયણે બનાવેલી ચા માધવે પી લીધી, વૈશ્નવીની ચા સાવ ઠરી ગઈ હતી. “શું
વિચારે છે?” માધવે અંતે મૌન તોડ્યું.
“હંમ્!?” વૈશ્નવીએ છેલ્લા કલાકમાં પહેલી વાર માધવ સામે જોયું, “ખાસ કંઈ નહીં.
પૈસાની વ્યવસ્થા કઈ રીતે કરીશું એ વિચારી રહી છું.”
“સાડા પાંચ કરોડ રૂપિયા?” માધવે નિરાશાથી ડોકું ધૂણાવ્યું, “બેન્ક બેલેન્સ ખાલી કરી
નાખીએ, ગાડી વેચી દઈએ અને તારા જેટલા છે એટલા દાગીના પણ કાઢી નાખીએ તો સવા કરોડ
રૂપિયાથી વધારે નહીં આવે.”
“એવું કશું કર્યા વગર પણ પૈસાની વ્યવસ્થા થઈ શકે.” વૈશ્નવીએ લગભગ સ્વગત, માધવ
સામે જોયા વગર જ કહ્યું, “કોઈક પાસે માગી શકાય. આ માણસ દસ ટકા વ્યાજ લે છે, કોઈ બાર
ટકે, અઢાર ટકે આપશે આપણને.” વૈશ્નવીનો વ્યાપારી ઉછેર કામે લાગ્યો હતો.
“કોઈ નહીં આપે.” માધવ તદ્દન નિરાશ, હતાશ થઈ ગયો હતો, “બજારમાં વાત ફેલાઈ ગઈ
હશે.” માધવે વધુ હતાશ અવાજે કહ્યું, “ને કદાચ આપે તો પાછા કેવી રીતે આપીશું?”
“પૈસા પાછા ન આપવા પડે, છતાં આપણને મદદ કરે એવો એક માણસ છે.” વૈશ્નવી હજી
પણ સ્વગત જ બોલી રહી હોય એવું લાગતું હતું, “એ કદાચ પૈસા આપશે, પણ આપણું અપમાન
કરીને, બરાબર પાઠ ભણાવીને, પગે પાડીને…”
“કોણ?” માધવ સમજી ગયો હતો, છતાં એણે પૂછ્યું.
“બીજું કોણ? મયૂર પારેખ.” વૈશ્નવીએ કહ્યું, “એ વિનંતીઓ કરાવશે, ગરીબડા કરી નાખશે,
પગના તળિયા ચટાવશે…”
માધવને હજી ભરોસો નહોતો, “એ શું કામ આપે?”
“પોતાની ઈજ્જત બચાવવા.” વૈશ્નવીનો અવાજ સહેજ તરડાયો, “એમની દીકરીને કોઈ
ઉપાડી જાય, રેપ કરે, મીડિયામાં ચગે એવું મયૂર પારેખ કદાચ ન પણ ઇચ્છે.” એણે ઊંડો શ્વાસ લઈને
ઉમેર્યું, “એમનો ઈગો એમના પ્રેમ કરતાં મોટો છે” વૈશ્નવીએ કહ્યું. હજી એને એવું લાગતું હતું કે એના
પિતા એને પ્રેમ કરે છે. દીકરીની ઈજ્જત બજારમાં રગદોળાશે એ એક પિતાથી સહન નહીં થાય એમ
માનીને એણે છેલ્લો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું, “એમને મારા માટે પ્રેમ છે તો ખરો એટલે આકરી શર્તો
મૂકશે, ટળવળાવશે, અપમાન કરશે, પણ આપશે ખરા.” વૈશ્નવીએ બાજુમાં પડેલો સેલ ફોન
ઉપાડ્યો, “હું ફોન કરું છું.” એણે કહ્યું.
“એક મિનિટ.” માધવે એને રોકી.
“કેમ?” વૈશ્નવીએ પૂછ્યું.
“આપણે જાતે જઈએ.” માધવે કહ્યું, “હાથ જોડીએ, પગે લાગીએ, માફી માગીએ.” એનું
ડુસકું છૂટી ગયું, “એ જે કહે તે કરીએ.”
“વેલ!” વૈશ્નવીએ ફરી ઊંડો શ્વાસ લીધો, “એ બધું આપણે પહેલાં કરી ચૂક્યા છીએ.” એણે
શાંતિથી કહ્યું, “ત્યાં જવાથી બહુ ફરક નહીં પડે. મારો બાપ હા કે ના ફોન પર જ કહી દેશે. વેપારી છે.
ડીલમાં ફાયદો દેખાશે તો તૈયાર થશે, ને નુકસાન દેખાશે તો ઘસીને ના પાડશે… આઈ નૉ હિમ.”
એની આંખોમાં પાણી છલકાયાં, “ક્યારેક નવાઈ લાગે એ હદે નિષ્ઠુર થઈ શકે છે મારા પપ્પા.” પછી
આંસુ લૂછીને એણે ઉમેર્યું, “આજે કદાચ એ દીકરીના પ્રેમમાં પલળે પણ ખરા.”
“ઓ.કે.” માધવે કહ્યું અને પોતાના બંને હાથની પહેલી-બીજી આંગળી એકબીજા પર ચઢાવીને
ક્રોસ કરી, “કરી લે ટ્રાય.”
વૈશ્નવીએ ફોન લગાવ્યો. રીંગ વાગતી રહી. એણે ફોન સ્પીકર પર મૂક્યો હતો, જેથી માધવ
પણ વાતચીત સાંભળી શકે. એ ઉચ્ચક જીવે પિતા ફોન ઉપાડે એની પ્રતીક્ષા કરતી રહી…
“બોલો!” મયૂર પારેખનો અવાજ સંભળાયો.
“પપ્પા!” વૈશ્નવીનો અવાજ ધ્રૂજ્યો, એને લાગ્યું કે રડી પડાશે. એણે શ્વાસ ઘૂંટ્યો,
“પપ્પા…” એણે ફરી કહ્યું.
“પૈસા માગવા ફોન કર્યો છે.” મયૂર પારેખના અવાજમાં પ્રશ્ન નહોતો. એક જીતેલા માણસનો
અહંકાર હતો. એમને ખાતરી હતી કે, વૈશ્નવીનો ફોન આવશે જ, એમની જીત અને દીકરીની હાર
એમના અવાજમાં સ્પષ્ટ સંભળાયાં. વૈશ્નવીને સમજાઈ ગયું કે, સામેના છેડે વ્યાપારી મયૂર પારેખ
વાત કરી રહ્યા હતા, ત્યાં પિતાનો પ્રેમ કે કાળજી ગેરહાજર હતાં. એમણે પૂછ્યું, “કેટલા? પાંચ કે
સાડા પાંચ?” વૈશ્નવીથી માધવ સામે જોવાઈ ગયું, માધવની આંખો ઝૂકી ગઈ.
“સાડા ચાર.” વૈશ્નવીએ કહ્યું, “બાકીની વ્યવસ્થા અમે કરી લઈશું.” સાંભળીને માધવની
આંખો મીંચાઈ ગઈ. એની આંખમાંથી આંસુની ધાર ગાલ પર વહી નીકળી.
“હું શું કામ આપું?” મયૂર પારેખે પૂછ્યું, “મારો શું ફાયદો?” માધવે આંખો ઉઘાડીને વૈશ્નવી
સામે જોયું. એને નવાઈ લાગી. વૈશ્નવીના ચહેરા પર સ્મિત ધસી આવ્યું. પોતાના પિતા વિશે પોતે
સાચી પડી એ વાતનું દુઃખદ સ્મિત. એણે જે ધાર્યું હતું એ જ રીતે એના પિતા વર્તી રહ્યા હતા,
“ઈકબાલના માણસો આવ્યા હતા?” વૈશ્નવી આગળ કહે તે પહેલાં મયૂરભાઈએ પૂછ્યું. એ પૂરું
હોમવર્ક કરીને બેઠા હતા, “શું કર્યું? બરાબર માર્યો કે નહીં, એ હરામખોરને?” વૈશ્નવીને લાગ્યું કે હવે
પિતાના ચહેરા પર સ્મિત આવી ગયું હોવું જોઈએ, “એ જ લાગનો છે!” એમણે કહ્યું. સાંભળીને
માધવની મુઠ્ઠીઓ વળી ગઈ. એ ઊભો થઈ ગયો. વૈશ્નવીએ એને બેસવાનો ઈશારો કર્યો. મયૂરભાઈ
આગળ કહી રહ્યા હતા, “કેટલી મહોલત આપી છે?”
“આઠ દિવસ.” વૈશ્નવીએ કહ્યું. એ માણસોએ દસ દિવસની મહોલત આપી હોવા છતાં
વૈશ્નવીએ આઠ દિવસ કહ્યું… માધવને પોતાની પત્નીની બુદ્ધિ અને ગણતરી ઉપર માન થઈ ગયું.
મયૂરભાઈએ પૂછ્યું, “તો? હવે?”
“એટલે તો તમને ફોન કર્યો છે.” વૈશ્નવીએ કહ્યું, “પપ્પા!” એણે છૂટું પાડીને ભાર દઈને ઉમેર્યું.
“મેં તો તને ગઈકાલે જ કહ્યું હતું, પડતો મૂક એને.” મયૂરભાઈ હસ્યા, “પાછી આવી જા…
એકલી! હું બધું ભૂલી જઈશ, માફ કરી દઈશ.” મયૂરભાઈએ પણ ભાર દઈને છૂટું પાડીને કહ્યું, “એકલી
જ આવજે.” પછી એમણે ઉમેર્યું, “આ અબજો રૂપિયા તારા છે. તું એને એના હાલ પર છોડી દે. એ
એનાં કર્યાં ભોગવશે.”
“પપ્પા!” વૈશ્નવીએ થૂંક ગળે ઉતારીને સવાલ પૂછ્યો, “ચાર કરોડ ઉધાર આપશો? તમે કહો
તે વ્યાજ.” મયૂરભાઈ જોરથી હસી પડ્યા. વૈશ્નવીની આંખોમાંથી ક્યારનાં રોકી રાખેલાં આંસુ વહી
નીકળ્યાં…
“ઉધાર?” મયૂરભાઈએ હસતાં-હસતાં કહ્યું, “મૂરખ છોકરી, કોને બનાવે છે, મને કે તારી
જાતને?”
“પપ્પા, એ લોકો મને ઉપાડી જશે.” વૈશ્નવીનો સંયમ અને દૃઢતા ઓગળી ગયાં. એ રડી
પડી, “પ્લીઝ પપ્પા… પ્લીઝ… અમને બચાવી લો.” એનાથી કહેવાઈ ગયું, “તમારે પગે પડું. મારી
ભૂલ માફ કરો. હું ગમે તેમ કરીને તમારા પૈસા ચૂકવી દઈશ, પણ આ વખતે બચાવી લો.”
જવાબમાં મયૂરભાઈના અટ્ટહાસ્ય સિવાય બીજું કંઈ સંભળાયું નહીં, “આ તો મારી ઈજ્જતને
દાવ પર લગાડીને ભાગતી વખતે વિચારવાનું હતું… જાન બારણે ઊભી હતી ત્યારે ભાગી ગઈ… મારો વિચાર કર્યો
હતો તેં? હું શું કામ તારો વિચાર કરું?” વૈશ્નવીએ આગળ સાંભળવાને બદલે ફોન ડીસકનેક્ટ કરી
નાખ્યો.
એ ધીમા પગલે માધવ પાસે ગઈ. માધવે પોતાના બંને હાથ વૈશ્નવીની કમ્મર પર વીંટાળી
દીધા અને કોઈ નાનું બાળક માને વળગીને રડે એમ એ રડવા લાગ્યો. બંનેની આંખમાંથી ચોધાર આંસુ
વહેવા લાગ્યાં.
વૈશ્નવીની કમ્મર પર પોતાના બંને હાથ વીંટાળીને માધવ રડી રહ્યો હતો. પોતાને માટે નહીં
બલ્કે એને વૈશ્નવી માટે વધારે ખરાબ લાગી રહ્યું હતું. જે છોકરીને એણે હંમેશા ઈન્ડીપેન્ડન્ટ,
મજબૂત અને માનસિક રીતે દૃઢ રહીને સંજોગોનો સામનો કરતી જોઈ હતી એ છોકરીને આવી રીતે
ભાંગેલી-તૂટી પડેલી જોવી એ માધવ માટે જિંદગીની મોટામાં મોટી હાર હતી. વૈશ્નવી ફક્ત પોતાના
વિશ્વાસે એના પિતાનું ઘર, સુખ-સગવડ છોડીને માધવ સાથે ચાલી નીકળી હતી. આજે એને આ
સ્થિતિમાં મૂકવા બદલ લાચાર, નિરાશ અને અપરાધી અનુભવી રહ્યો હતો એ પોતાની જાતને.
માધવ નાના બાળકની જેમ એને બાઝી પડ્યો, “હું શું કરું? હું શું કરું?…” ધ્રૂસકે ધ્રૂસકે રડતો
માધવ પૂછી રહ્યો હતો. એના વાળમાં પોતાના આંગળાં ફેરવી રહેલી વૈશ્નવી, આ સમસ્યામાંથી કઈ
રીતે નીકળી શકાય એના રસ્તા વિચારી રહી હતી.
ગઈકાલ રાતથી આ ઘરની ભયાનક પરિસ્થિતિ જોઈ રહેલો નારાયણ પણ મનોમન મૂંઝાતો
હતો. શું થયું છે, એની એને બરાબર ખબર નહોતી, એકબીજાને પ્રેમ કરતાં, ખુશખુશાલ અને મજાથી
જીવતાં આ બે જણાં અચાનક જ આટલી ખરાબ સ્થિતિમાં મૂકાઈ ગયાં એટલે કંઈક ભયાનક બન્યું છે
એટલું એને પણ સમજાઈ ગયું હતું. એ રસોડામાંથી ટ્રેમાં બે ગ્લાસ પાણી લઈ આવ્યો. ટ્રે ટેબલ પર
મૂકીને એ થોડે દૂર અસહાય થઈને ઊભો રહ્યો.
વૈશ્નવીએ થોડી ક્ષણો માટે આંખો મીંચી, ઊંડો શ્વાસ લીધો. માધવના માથામાં ફરી રહેલી
આંગળીઓ અટકાવીને પોતાના આંસુ લૂંછી નાખ્યાં. કમર પર બાઝીને નાના બાળકની જેમ લપાઈ
ગયેલા માધવના હાથ છોડાવ્યા, એની હડપચી પકડી ચહેરો ઉંચો કર્યો, આંખોમાં આંખો નાખીને
વૈશ્નવી બોલી, “હજી એક માણસ છે, જે તારી મદદ કરી શકે.”
“કોણ?” માથા ઉપરથી પાણી પસાર થઈ ગયું હોય ને તરતાં ન આવડતું હોય એમ એ માણસ
જેમ બચવા માટે તરફડિયાં મારે એવાં તરફડિયાં મારતા અવાજે માધવે પૂછ્યું, “કોણ છે કહે મને?”
“કબીર.” વૈશ્નવીના અવાજમાં પથ્થર જેવી નિર્જીવ ઠંડક હતી.
“કબીર?” માથું ધૂણાવીને માધવે ના પાડતા કહ્યું, “એ શું કામ મદદ કરે? એ મદદ કરવા
માગતો હોત તો એણે ખોટી ટીપ આપી જ ન હોત.”
“તો આ ટીપ એણે આપી હતી?” વૈશ્નવીના મનમાં આ સવાલ ક્યારનો ઘુમરાઈ રહ્યો હતો.
માધવે ડોકું ધૂણાવીને હા પાડી, “એણે જ મને કહ્યું હતું, સાંજ સુધીમાં ત્રણ ગણા થઈ જશે.
પંદર કરોડ… મળશે.” માધવ ફરી રડી પડ્યો, “એને બદલે… આ તો…” એણે બે હાથ જોડીને
વૈશ્નવીની ક્ષમા માંગી.
બંનેની સામે ઊભેલો નારાયણ નિરાશ વદને આ દૃશ્ય જોઈ રહ્યો હતો. એને લાગ્યું કે પતિ-
પત્નીની વાતમાં અહીં ઊભા રહેવાનો કોઈ અર્થ નથી, એટલે ચિંતા અને સંકોચ સાથે એ અંદર ચાલી
ગયો. વૈશ્નવી નીચી નમીને માધવના પગ પાસે બેસી ગઈ, વેપારીની દીકરીએ કુશાગ્ર બુદ્ધિથી પ્રશ્ન
કર્યો, “એ તો કંઈ પણ કહે, તને બજારની ખબર નથી?”
“હું આટલા બધા પૈસા એમ ને એમ નાખું? મેં જોયું, પણ અફરાતફરી ચાલી રહી હતી. ગયા
અઠવાડિયે આમાંથી એણે પોતે દોઢેક કરોડ રૂપિયા બનાવ્યા, મારી નજર સામે.” માધવ નાના
બાળકના ભોળપણથી કહેતો રહ્યો, “દર અઠવાડિયે એક વાર બજાર પડે ને થોડી વાર માટે સડસડાટ
ચડે…”
વૈશ્નવીની આંખો ઝીણી થઈ ને ભ્રમર સંકોચાઈ, “હંમ્.” એણે કહ્યું, “બધું ગોઠવેલું જ હોય
છે, આ ખાંડવાલા…” એ નામ લેતી અટકી ગઈ. નાની હતી ત્યારે એણે ઘરમાં આવા અનેક પ્રસંગો
જોયા હતા. શેર માર્કેટ કોના ઈશારે ઉપડે છે ને પડે છે એની એને ખબર હતી. શેરમાર્કેટ માત્ર લિસ્ટેડ-
અનલિસ્ટેડ કંપનીની રમત નથી. માત્ર ઈન્વેસ્ટર્સના ફાયદા-નુકસાનની લેવડ-દેવડ નથી આ. એની
સાથે જોડાયેલા છે, રાજનીતિ, અંડરવર્લ્ડ અને વૉટ બેન્કથી શરૂ કરીને પાર્ટીફંડ સુધીના કેટલાય મોટા
આંકડા. એક આખું દેખાય નહીં એવું જગત આ શેરમાર્કેટના ઈશારે ઉથલ-પાથલ થતું રહે છે, એ
વાતની વૈશ્નવીને બરાબર સમજણ હતી. હવે જે થવાનું હતું એ થઈ ચૂક્યું હતું અને માધવને હવે આ
બધું સમજાવવાનો કોઈ અર્થ નહોતો. એ કંઈ બોલ્યા વગર ઊભી થઈ. અંદર જઈને પોતાનું લેપટોપ
લઈ આવી. લેપટોપ ઓન કરીને લગભગ ૨૦ મિનિટ સુધી એ કશુંક તપાસતી ગઈ. એની સામે
બેઠેલો માધવ બે હાથ વચ્ચે માથું પકડીને નિરાશ, અપરાધી થઈને બેસી રહ્યો…
“કરેક્ટ!” વૈશ્નવીએ લેપટોપ બંધ કરતાં માધવ સામે જોયું, “આ બધું પ્લાન કરીને કરવામાં
આવ્યું છે. તને સમજી-વિચારીને ફસાવ્યો છે, કબીરે.” એણે લેપટોપ માધવ તરફ ફેરવ્યું, “જો…” એ
કશું બતાવા જતી હતી, પણ માધવે લેપટોપ બંધ કરી દીધું.
“એ તો હવે હું પણ સમજ્યો!” માધવે મ્લાન અવાજે કહ્યું, “બસ! એણે એવું શું કામ કર્યું એ
સમજાયું નહીં.” એ સ્વગત બોલતો રહ્યો, “મેં તો એનું કંઈ બગાડ્યું નથી.”
“રાઈટ માધવ!” વૈશ્નવીએ એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું, “તેં એનું કંઈ બગાડ્યું નથી.
તારી સાથે એને કોઈ પ્રોબ્લેમ નથી.” એની આંખો ફરી ઝીણી થઈ ને ભ્રમર સંકોચાઈ, “એનો અર્થ એ
થાય કે કબીરે જે કંઈ કર્યું એ કોઈના ઈશારે કર્યું? તને નુકસાન કરવાનો, બરબાદ કરવાનો એને હુકમ
આપ્યો કોઈએ.” એણે થોડીવાર વિચારીને ડોકું ધૂણાવ્યું, “કે પછી એણે કોઈક સાથે હાથ
મિલાવ્યો…પણ કોણ?” એણે થોડી વાર વિચાર્યું અને પછી સ્વગત જ કહ્યું, “મયૂર પારેખ, બીજું
કોણ?”
“એટલે તારા પપ્પા ઈચ્છતા હતા કે હું બરબાદ થઈ જાઉં?” માધવે ગરીબડું મોં કર્યું, “પણ શું
કામ? ફક્ત હું તારી સાથે પરણ્યો એટલે?”
“ના. હું તારી સાથે પરણી એટલે.” વૈશ્નવીએ કહ્યું.
“સેઈમ જ છે બધું.” માધવે કહ્યું, “શું ફરક પડે છે?” એ વૈશ્નવીની વાત સમજ્યો નહોતો,
પણ વૈશ્નવી બરાબર સમજી હતી, અથવા સમજી રહી હતી.
“ફરક પડે છે. તું નહોતો આવ્યો, મને પરણવા. હું આવી હતી. છેક જામનગરથી અમદાવાદ…
એમનું ઘર છોડીને, એમના ઈગોને લાત મારીને!” કહીને વૈશ્નવી શૂન્યમાં તાકી રહી.
એ રાત્રે ત્યાં શું થયું હશે જે વાતે મયૂરભાઈને આટલા કડવા અને આટલા ક્રૂર બનાવી દીધા એ
ઘટના વિશે વિચારતાં પણ વૈશ્નવી ધ્રૂજી ઊઠી. જેણે પોતાના ઈગો માટે કરોડો રૂપિયાના સોદાને પણ
લાત મારી હતી એવા મયૂર પારેખના ઘરના દરવાજે ઊભેલી જાનને પોંખ્યા પછી જ્યારે એમણે એવું
જાહેર કરવું પડ્યું હશે કે એમની દીકરી ભાગી ગઈ છે ત્યારે એમના પર શું વિતી હશે એ વિચાર
માત્રથી આજે વૈશ્નવીને પિતાની પીડાનો અંદાજ આવ્યો…
આજથી પાંચ વર્ષ પહેલાં એક રાત્રે વૈશ્નવી ઘર છોડીને ભાગી હતી…
એ દિવસે એના લગ્ન હતાં. મયૂર પારેખની એકની એક દીકરીના લગ્ન! મુંબઈથી બે ચાર્ટર્ડ
વિમાનમાં જાન આવી હતી. અબજોપતિ પરિવારનો દીકરો વૈશ્નવીના પ્રેમમાં પડી ગયો હતો. એણે
વૈશ્નવીને ક્યાં જોઈ, ક્યારે જોઈ, માગું ક્યારે આવ્યું ને મયૂરભાઈએ વૈશ્નવીને પૂછ્યા વગર “હા” કેમ
પાડી… આ બધી ઘટનાઓથી અજાણ વૈશ્નવીને તો આગલે દિવસે જ ખબર પડી કે એને પરિવારના
કોઈ લગ્નમાં જવાને બહાને જામનગર લઈ આવવામાં આવી છે, પણ લગ્ન એના પોતાના છે!
એને બીજો કોઈ રસ્તો દેખાયો નહીં, ત્યારે એ ઘરેથી ભાગી.
માધવના જ પિતા-એમના પરિવારમાં 20 વર્ષથી ડ્રાઈવરની નોકરી કરતા રમણભાઈ દેસાઈને
એણે આપઘાતની ધમકી આપીને જામનગરથી ગાડીમાં પોતાને અમદાવાદ લઈ આવવા મજબૂર કર્યા
હતા, વૈશ્નવીએ. એમણે ઘણી સમજાવી હતી વૈશ્નવીને… પણ જીદે ચડેલી, પ્રેમમાં પડેલી અને
માધવને પરણવા માટે ઝનૂની થઈ ગયેલી વૈશ્નવીએ એમની કોઈ વાત સાંભળવાનો ઈન્કાર કર્યો હતો.
એક તરફ રમણભાઈ મજબૂરીથી વૈશ્નવીને લઈને અમદાવાદ આવ્યા હતા…
બીજી તરફ, એક જાન અને સાડા ત્રણસો જાનૈયા જામનગર ઉતર્યા હતા!
(ક્રમશઃ)