વાત એક રાતની । પ્રકરણ – 7

એમણે જે કંઈ પ્લાનિંગ કર્યું હતું એ મુજબ આજે તો જાન આવવાની હતી. મયૂરભાઈએ
‘સાદાઈ’ના નામે આટલા પૈસાવાળા પરિવારને માત્ર ૧૦૦ માણસ લઈને આવવાનું કહ્યું હતું. પછીથી
મોટી પાર્ટી અને ત્રણ-ચાર દિવસનું ફંક્શન કરવાનું વચન આપીને આ લગ્ન જેમ-તેમ નિપટાવી
દેવાનો એમનો મનસૂબો મનમાં જ રહી ગયો હતો, એનો અફસોસ તો હતો હવે એમને શું જવાબ
આપવો એ વિશે મનોમન ધૂંધવાતા મયૂરભાઈએ પોતાની ઘવાયેલી પ્રતિષ્ઠા અને આટલા મોટા
માણસો સામે થનારી ફજેતી માટે દીકરીને જવાબદાર ગણીને એની સાથેનો સંબંધ તોડી નાખવાનું
નક્કી કરી લીધું. અત્યારે એમના મનમાં કડવાશ, ધિક્કાર અને તિરસ્કાર સિવાય પોતાની એકની એક
દીકરી માટે બીજી કોઈ લાગણી જ નહોતી. અંતે દાંત ભીંસીને, શ્વાસ રુંધીને એમણે કહી નાખ્યું હતું,
“મારે માટે તું મરી ગઈ…”
દીકરીનો ફોન મૂકીને મયૂરભાઈ છૂટ્ટા મોઢે રડી પડ્યા હતા. જે સાંભળવા વૈશ્નવી હાજર
નહોતી.
બીજી તરફ પિતાનો ફોન ડિસકનેક્ટ થયા પછી વૈશ્નવીના સેંથામાં સિંદુર પુરાયું ત્યારે
દીકરીની આંખોમાંથી સતત વહેતા રહેલા આંસુ જોવા મયૂરભાઈ પહોંચી શક્યા નહોતા.

*

જે સંજોગોમાં લગ્ન થયાં એ સંજોગો માટે કોને જવાબદાર ગણવા એનો નિર્ણય માધવ
આજ સુધી કરી શક્યો નહોતો. એ વૈશ્નવીને ચાહતો હતો, એની સાથે લગ્ન કરવા માગતો હતો, પણ
આવી રીતે નહીં. એને વિશ્વાસ હતો કે આઈ.આઈ.એમ.માંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી
સોફ્ટવેર એન્જિનિયરિંગનો ગોલ્ડ મેડલ અને આઈ.આઈ.એમ.ની કેમ્પસ ઈન્ટરવ્યૂમાં મળી ગયેલી
નોકરી એને એટલું ગૌરવ આપશે કે એ મયૂરભાઈની સામે ઊભો રહીને વૈશ્નવીનો હાથ માગી શકશે.
એણે બધું ગોઠવી રાખ્યું હતું. હતું. છેલ્લા સેમેસ્ટર પહેલાંના કેમ્પસ ઈન્ટરવ્યૂમાં એને ‘એપલ’માંથી
નોકરીની ઓફર હતી. એને લાગતું હતું કે હવે છ જ મહિનામાં નસીબના પાસાં પલટાઈ જશે. એક
ઉજ્જવળ ભવિષ્ય એની પ્રતીક્ષા કરી રહ્યું હતું, એવા વિશ્વાસ સાથે એ દિવસો ગણી રહ્યો હતો
એમાં વૈશ્નવીએ આવી રીતે આવીને બધું ગૂંચવી નાખ્યું હતું…
માધવ માટે અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિ ગૂંચવનારી અને અકળાવનારી બંને પૂરવાર
થઈ હતી.
વૈશ્નવીએ આખી પરિસ્થિતિને સહજતાથી અને હિંમતથી પાર પાડવા માટે એનાથી થઈ શકે
તે બધું કર્યું હતું. લગ્ન પછી એણે કોલાબામાં આવેલી એક વર્કિંગ વિમેન હોસ્ટેલમાં એડમિશન લઈને
ત્યાં રહેવાનું શરૂ કર્યું હતું. એની એક બહેનપણી કોલસેન્ટરમાં કામ કરતી હતી. એની મદદથી રાતના
કોલસેન્ટરની નોકરી અને અડધો દિવસ એક જગ્યાએ નેની (આયા)ની જોબ સ્વીકારી હતી. માધવ
માટે એનું છેલ્લું સેમિસ્ટર અને સબમિશન્સ અગત્યના હતા. એ સમય કાઢી શક્યો નહીં, પણ કોઈ
ફરિયાદ કર્યા વગર એ ફક્ત રવિવારે સવારે ત્રણ-ચાર કલાક માધવને મળતી. આમ પણ, કોલાબાથી
નવી અમદાવાદનું અંતર એટલું હતું કે વારંવાર જવું સમય અને આર્થિક રીતે પોષાય એમ નહોતું.

બીજી તરફ મયૂર પારેખે માધવને હેરાન કરવામાં કંઈ બાકી રાખ્યું નહોતું.
આઈ.આઈ.એમ.માંથી એનું એડમિશન કેન્સલ કરાવવાના પ્રયત્નથી શરૂ કરીને એ પરીક્ષા ન આપી
શકે એ માટે એના પર પોલીસ કેસ કરવા સુધી બધા જ સાચા-ખોટા હથિયાર એમણે ઉગામી જોયા
હતા. અંતે, વૈશ્નવીએ એક વાર ફોન કરીને પિતાને કહ્યું હતું, “હું મરી ગઈ છું, ને? તો મરેલી માનીને
શ્રાદ્ધ કરી નાખો… માધવને હેરાન કરશો તો સાચે મરી જઈશ ને સ્યૂસાઈડ નોટમાં તમારું નામ
લખીશ.” દીકરીને હજીયે પ્રેમ કરતા મયૂર પારેખના હાથ હેઠા પડ્યા હતા પણ એમના મગજમાંથી
દીકરીએ કરેલા આ ભયાનક દગાનું દુઃખ ક્યારેય ઘટ્યું નહોતું…
વૈશ્નવીના નીકળી ગયા પછી જામનગરમાં જે કંઈ થયું એ વિશે અજાણ વૈશ્નવીને એની
માહિતી આપવાનું પણ મયૂરભાઈને જરૂરી નહોતું લાગ્યું. એમણે મન વાળી લીધું હતું. કદાચ,
મયૂરભાઈ આવા જ કોઈ પ્રસંગની રાહ જોતા હતા. એક એવો દિવસ આવે, જ્યારે એમની પીડા-
અપમાન અને દીકરી તરફથી મળેલા દગાનું દુઃખ એ વૈશ્નવીને સમજાવી શકે… એ દિવસ કદાચ
આવી ગયો હતો!

*

પાંચ કરોડના દેવાં સાથે વૈશ્નવી અને માધવ એવી ભયાનક પરિસ્થિતિના ક્રોસ રોડ પર
ઊભાં હતાં. અહીંથી બે જ રસ્તા આગળ જતા હતા પહેલો, હિંમતથી પરિસ્થિતિનો સામનો કરવો
અને બહાદુરીથી યુધ્ધ કરીને બહાર નીકળવું… બીજો, ડરીને-રડીને પણ એ જ પરિસ્થિતિનો સામનો
કરવો જ પડે, ટૂંકમાં જે બન્યું હતું એ બદલી શકાય એમ નહોતું. હવે, જે પરિસ્થિતિ હતી એમાં શું
થઈ શકે એનો વિચાર કરી શકાય એટલી સ્વસ્થ થઈ હતી વૈશ્નવી! એણે આપેલી હિંમત અને
સધિયારાથી માધવ પણ થોડો સ્વસ્થ થયો હતો. મયૂરભાઈના ફોન પછી એના મનમાં અનેક સવાલો
ઊઠ્યા હતા. એણે વૈશ્નવીને પૂછ્યું, “હું તને પરણું કે તું મને પરણે… શું ફરક છે?”
આ પરિસ્થિતિમાં પણ વૈશ્નવીને હસવું આવી ગયું, “છે ફરક.” એણે કહ્યું, “એમનો ઝઘડો,
વેર, મનદુઃખ, એમની દીકરી સાથે છે” સહેજ અચકાઈને એણે ઉમેર્યું, “તારી સાથે, ડ્રાઈવરના દીકરા સાથે
લડવું એમના માટે બિલોડિગ્નિટી છે. તું તો આવું જ કરે અને આવો જ હોય… એવું માનવામાં એમને તકલીફ
નથી. એમની દીકરીએ જે કર્યું એની એમને તકલીફ છે. એમનો ઝઘડો, યુધ્ધ, ઈગો પ્રોબ્લેમ મારી સાથે છે.”
વૈશ્નવીએ કહ્યું, “એ મને હરાવવા માગે છે. મને પાઠ ભણાવવા માગે છે.” વૈશ્નવીએ ઊંડો શ્વાસ
લીધો. કોઈ અધ્યાત્મિક સત્ય ઉચ્ચારતી હોય એવી નિશ્ચલતાથી એણે કહ્યું, “જો હું એવું સ્વીકારી
લઉં કે તારી સાથેનાં લગ્ન એ મારી ભૂલ હતી. ઘેર પાછી જતી રહું તો એમને સંતોષ થશે. એમનું વેર
શાંત થશે.” એણે શૂન્યમાં જોઈને કહ્યું, “તો એ તરત તારી મદદ કરશે.”

“તો સ્વીકારી લે.” માધવ એટલો બધો નિરાશ થઈ ગયો હતો કે એને પોતાને પણ નહોતું
સમજાતું કે એ શું કહી રહ્યો છે, “આમ પણ, એ સાચું જ છે ને? અંતે તો એ જ સાચા પડ્યા. હું ન
સાચવી શક્યો, મયૂર પારેખની દીકરીને!” એની આંખમાં ફરી આંસુ ઊભરાયાં, “તું જતી રહે પાછી
એમની પાસે. હવે અહીં દેવું, ડર અને બરબાદી સિવાય બીજું કંઈ નથી બચ્યું.” એણે પોતાના પગ
પાસે બેઠેલી વૈશ્નવીના બે ગાલ પર હાથ મૂક્યા, “હું મારું પાપ ભોગવીશ, તું શું કામ…” કહેતાં કહેતાં
એની આંખોમાંથી ટપકતાં આંસુ વૈશ્નવીના ચહેરાને ભીંજવી રહ્યાં હતાં, “વધુમાં વધુ શું કરશે એ
લોકો? મારી નાખશે મને…?” એ બોલ્યો, “કંઈ વાંધો નહીં, પણ તને કંઈ થાય એ મારાથી સહન
નહીં થાય.”
“મને કંઈ નહીં થાય.” વૈશ્નવીના અવાજમાં કોણ જાણે ક્યાંથી આત્મવિશ્વાસ પ્રગટ્યો હતો,
“હજી એક માણસ છે આપણી મદદ કરે એવો!” એણે જાણે મનમાં કોઈ ગાંઠ વાળી હોય એમ કહ્યું, “તું
કબીરને ફોન કર.”
“પણ એ…” માધવ હજી પણ ગૂંચવાયેલો હતો, “એ તો… એણે જ…” એનું મન માનતું
નહોતું. કબીર એમની મદદ નહીં કરે એવો ભય હતો માધવને.
વૈશ્નવી ઊભી થઈ, એણે બે હાથથી માધવનો ઝૂકેલો ચહેરો ઉઠાવ્યો, “તું એને ફોન કર…”
એના અવાજમાં છેલ્લાં કેસરિયાં કરવાનો નિર્ભય સૂર હતો, “સમસ્યા એણે ઊભી કરી છે, એટલે
સમસ્યાનો ઉકેલ પણ કબીર નારોલા પાસે જ છે.” એણે ફરી શૂન્યમાં જોઈને કહ્યું, “હોવો જ
જોઈએ.” એણે લગભગ હુકમ કર્યો, “તું કબીરને ફોન કર.”
માધવે કોઈ નિર્દોષ બાળકની જેમ પૂછ્યું, “એણે જ ફસાવ્યો છે મને. એ શું કામ મદદ કરે?”
“એણે મદદ કરવા માટે જ ફસાવ્યો છે.” વૈશ્નવીની આંખો ઝીણી થઈ, ભ્રમર સંકોચાઈ,
“કબીર નારોલા તારી મદદ કરવા માગે છે, પણ એ ઈચ્છે છે કે તું એની પાસે જાય. મદદ માગે.”
વૈશ્નવીની આંખોમાં ભવિષ્ય જોઈ શકતા કોઈ નજૂમી જેવો અકથ્ય ભાવ હતો.
માધવે પૂછ્યું, “એવું એ શા માટે ઇચ્છે?”
“એ જ તો મારે પણ સમજવું છે!!” વૈશ્નવીએ ટેબલ પર પડેલો માધવનો ફોન ઉપાડીને એના
હાથમાં આપ્યો, “લગાવ ફોન.” એના અવાજમાં કોઈ સામ્રાજ્ઞીની સત્તા હતી, “એ તારા ફોનની જ
રાહ જુએ છે.” આગળ ચર્ચા કર્યા વગર માધવે ધ્રૂજતા હાથે, અચકાતાં પોતાના સેલ ફોનના કોન્ટેક્ટ
લિસ્ટમાંથી ‘કબીર’ શોધીને નંબર ડાયલ કર્યો…
વૈશ્નવીએ કહ્યું હતું એમ જ કબીરે પહેલી રીંગમાં ફોન ઉપાડ્યો, “હાય માધવ!” એક ઘેરો,
ઘૂંટાયેલો, હનીસ્મુધ અવાજ ફોનના સ્પિકર પર સંભળાયો, “ફોન સ્પિકર બંધ કર, બડી!” એણે કહ્યું,
“હું નથી ઈચ્છતો કે કોઈ આપણી વાત સાંભળે.” કબીર પોતાના ધાર્યા કરતાં વધુ ચાલાક હતો એવું
વૈશ્નવીને લાગ્યું.

“જી.” માધવ આગળ બોલી શક્યો નહીં. એ ફોન સ્પિકર બંધ કરવા જતો હતો, પરંતુ
વૈશ્નવીએ આંખો પહોળી કરીને, ડોકું ધૂણાવીને એને ફોન સ્પિકર બંધ કરવાની ના પાડી, “અમે બે જ
છીએ…” માધવે જરા અચકાઈને, જરા સંકોચાઈને કહ્યું, “હું અને…”
વૈશ્નવીનું નામ માધવ બોલે એ પહેલાં એની વાત કાપીને કબીર હસ્યો, “તમે બે નહીં,
આપણે બે. આ વાત આપણા બે જણની છે. આપણા બે સિવાયની ત્રીજી વ્યક્તિ આ વાત સાંભળે એ
મને મંજૂર નથી.”
“એ મારી પત્ની છે.” માધવે ધીમેથી પણ જરા દૃઢતાથી કહ્યું.
“તો? ત્યાંથી જ પ્રોબ્લેમ શરૂ થયો છે.” માધવ અર્ધ બેહોશ સ્થિતિમાં હતો, એને આ વાક્ય
સમજાયું નહીં, પણ વૈશ્નવીએ આ વાક્યની નોંધ લીધા વગર ન રહી શકી, “મારી સાથે વાત કરવી
હોય તો ફોન સ્પિકર બંધ કરી દે.” કબીરે ફરી કહ્યું, “કિપ હર આઉટ.” એના અવાજમાં તિરસ્કાર કે
ક્રોધ નહોતો, એક વિચિત્ર જાતની મજાક, અપમાનનો સૂર સંભળાયો, વૈશ્નવીને. હવે એ વધુ ધ્યાનથી
સાંભળવા લાગી.
માધવે સ્પિકર બંધ કર્યું, પણ વૈશ્નવીએ પોતાનો કાન ફોનને એકદમ અડાડી દીધો. હવે બંનેના
કાન બે બાજુ સેલ ફોનને અડોઅડ હતા, “એની સાથે શું પ્રોબ્લેમ છે તારો?” માધવે પૂછ્યું, “એ તો
કદી તને મળી પણ નથી.”
“એ મને નથી મળી?” કબીર ફરી હસ્યો, “સોરી! રોન્ગ સ્ટેટમેન્ટ.” કબીરે કહ્યું, “હું એને નથી
મળ્યો…” એ સાંભળીને વૈશ્નવીને વધુ નવાઈ લાગી. એના મગજનું ડેટા પ્રોસેસિંગ શરૂ થઈ ગયું.
કબીરે કહ્યું, “ફોન પર વાત નહીં થઈ શકે.” પછી એણે પૂછ્યું, “તારે પૈસા જોઈએ છે ને?”
“હા… હા…” કોઈ ભૂખ્યો ભીખારી ખાવાના તરફ ઝપટે એમ બેબાકળા થઈને માધવે કહ્યું.
“અહીંયા આવી જા.” કબીરે કહ્યું. જાણે નજર સામે જોઈ રહ્યો હોય એમ સત્તાવાહી અવાજે
એણે માધવને સૂચના આપી, “એની સામે નહીં જો!” માધવ સાચે જ ડઘાઈ ગયો. એણે આજુબાજુ
જોયું. કબીર ફરી હસ્યો, એણે સ્વસ્થતાથી ઉમેર્યું, “મને ખબર છે. ત્યાં શું થઈ રહ્યું હશે તે…”
“કબીર…” કહેતાં કહેતાં માધવનું ગળું ભરાઈ આવ્યું, “પ્લીઝ મારી હેલ્પ કર.”
“તું દોસ્ત છે મારો. પાંચ કરોડ કંઈ બહુ મોટી રકમ નથી.”
“સાચે જ?” માધવના અવાજમાં આશા અને ઉત્સાહ છલકાવા લાગ્યા, “મને ખબર હતી તું
મારી મદદ કરીશ.” વૈશ્નવીના ચહેરા પર એક કડવું સ્મિત છુપાઈ શક્યું નહીં.
“શું કામ ન કરું?” કબીરે કહ્યું, “પૈસા તૈયાર છે. આવીને લઈ જા.”
માધવ ઊભો થયો, “હમણાં જ આવું છું.”

“એકલો આવજે.” કબીરે કહ્યું. વૈશ્નવીને આશ્ચર્ય થયું, “એકલો આવીશ તો જ પૈસા
આપીશ.” વૈશ્નવી નવાઈથી સાંભળતી રહી, ત્યારે સામેના છેડેથી કબીરનો અવાજ સંભળાયો, “તારી
પત્નીને જાણવું હશે કે હવે હું તને પૈસા આપવા તૈયાર થયો છું તો પછી મેં તને ખોટી ટીપ આપીને
ફસાવ્યો કેમ? ખરું ને?”
“હેં?” માધવ ફરી ડઘાઈ ગયો. વૈશ્નવીના મગજમાં ચાલતી વાત આ માણસને કેવી રીતે
સમજાઈ હશે! એ માધવને સમજાયું નહીં. એણે કબીરની ચાપલૂસી કરી, “તું મને ખોટી ટીપ આપે જ
નહીં. મેં તો કહેલું એને.” સામે છેડેથી કબીરના હસવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો, “તારો પણ
ગણતરી ફેર હોઈ શકે.” માધવ એક સાથે ઘણું બધું બોલી ગયો.
“ના રે!” કબીરના અવાજમાં ફરી મજાક હતી, “મારો કોઈ ગણતરી ફેર નથી થયો. બલ્કે
ગણતરી સાચી પડી.” એ હસ્યો, “તું ફસાયો… ફરી એકવાર સાબિત થયું કે, કબીર નરોલા ક્યારેય
ખોટો ન હોઈ શકે.” પછી જાણે સ્વગત બોલતો હોય એમ ઉદાસ અવાજે એણે ઉમેર્યું, “એક વાર
ખોટો પડ્યો એની સજા અત્યાર સુધી ભોગવું છું.” જોકે, તરત જ એણે પોતાની જાતને સંભાળી
લીધી. “મેં જાણી જોઈને ખોટી ટીપ આપી હતી.”
“પણ કેમ?” માધવને સમજાતું નહોતું. આ બધું જ સાંભળી રહેલી વૈશ્નવીને પણ સમજાતું
નહોતું કે આ માણસ ઉંદર-બિલાડીની રમત શા માટે રમી રહ્યો છે! એ કંઈ બોલી નહીં, પણ એણે
પોતાની સાથે જોડાયેલા બધા જ લોકોને મનોમન તપાસવા માંડ્યા. એવું કોણ હોઈ શકે, જેને
પોતાની સામે આવું વેર હોય, એટલી નફરત કે જે પોતાને બરબાદ કરવા માટે આટલે દૂર સુધી દાણા
નાખી શકે… વૈશ્નવી પોતાની સ્મૃતિમાં રહેલા બધાં જ નામો તપાસી રહી હતી, પણ કોઈ રીતે એને
મયૂર પારેખથી આગળ કોઈ નામ દેખાતું નહોતું. એને રહી રહીને એટલું જ સમજાતું હતું કે એના
પિતા મયૂર પારેખે એની દીકરી પર વેર લેવા માટે આ આખી રમત રમી નાખી છે… પિતાએ કબીર
નારોલાને સાધ્યો હોય, એમની સાથે મળીને કબીરે બે વર્ષ સુધી ધીમે ધીમે એવી જાળ બિછાવી હોય
જેમાં એનો પતિ માધવ બરાબર ફસાઈ જાય.
“કેમ કર્યું તેં આવું?” માધવ અકળાઈ ગયો, “મેં તને દોસ્ત માન્યો, તારા પર ભરોસો કર્યો, તારું
કંઈ નથી બગાડ્યું, મેં.”
“આઈ નૉ…” કબીરે સાવ નિરાંતે કહ્યું, “સીધે સીધું તેં કંઈ નથી બગાડ્યું મારું” પછી જરા
ઘમંડ સાથે એણે ઉમેર્યું, “મારું કંઈ બગાડી શકવાની તારી ઔકાત પણ નથી.” તરત એણે સજાગ થઈને
વાત ફેરવી નાખી, “ત્રીજી વ્યક્તિ આપણી વાત સાંભળે એ મને નહીં ગમે. વાત આપણા બે જણાંની
છે, તું અહીં આવ, તને બધું જ સમજાવીશ.” કબીરે કહ્યું.
વૈશ્નવીએ ફોન ઝૂંટવી લીધો, “એણે નથી બગાડ્યું તો કોણે બગાડ્યું છે?” હવે વૈશ્નવી ચૂપ
રહી શકે એમ નહોતી, “એક નિર્દોષ ભોળા માણસને ફસાવીને એને ઘૂંટણિયે પાડીને શું મળ્યું તમને?”
કબીર એક અક્ષર બોલ્યો નહીં. વૈશ્નવી કહેતી રહી, “માધવને નહીં સમજાતું હોય, પણ મને સમજાય
છે કે, મયૂર પારેખમાં એટલી પણ હિંમત નથી કે પોતાની સગી દીકરી સાથે સીધે સીધી લડાઈ કરે…

તમને હથિયાર બનાવીને, મારા પતિને ટારગેટ કર્યો…” એનો અવાજ ઊંચો થઈ ગયો, “હું ગુનેગાર છું.
મને સજા આપો. માધવનો કોઈ વાંક નથી.” કહેતાં કહેતાં એનું ગળું ભરાઈ આવ્યું.
“વેલ!” કબીરે બગાસું ખાધું, “હું બે કલાક ઓફિસ બેઠો છું. એ પછી મને કોઈ નહીં શોધી
શકે.”
માધવે ફોન ઝૂંટવી લીધો. ત્રણ જ શબ્દોમાં શરણાગતિ સ્વીકારીને એણે કહ્યું, “હું આવું છું.”
“ગુડ!” કબીરે કહ્યું. ફોન ડિસકનેક્ટ થઈ થઈ ગયો.

(ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *