કારકિર્દીનો સૂર્ય તપતો હોય ત્યારે એક બુદ્ધિશાળી, ભણેલો અને પ્રમાણમાં સફળ કહી શકાય એવો એક માણસ પોતાનું જીવન ટૂંકાવે છે. અફવાઓનું બજાર ગરમ થાય છે. સુશાંતસિંગને હેરાન કરનારા, ફિલ્મની રિલીઝ અટકાવનારા, એને ડિપ્રેશનમાં ધકેલનારા અનેક લોકો સામે કેસ કરવામાં આવે છે, સહી ઝુંબેશ ઉપાડવામાં આવે છે… સુશાંતનો છેલ્લો કલાક કેવો હતો, એણે કોની સાથે વાત કરી વગેરે વિવાદ એના મૃત્યુ પછી મિડિયાની ટીઆરપી વધારી રહી છે ત્યારે એનો વિષાદ કઈ કક્ષાનો હોઈ શકે એ સમજવું કોઈને જરૂરી નથી લાગતું ?
છેલ્લા થોડા વખતમાં યુવાનોની આત્મહત્યાના અનેક કેસ સામે આવ્યા છે. એવી જ રીતે ડિપ્રેશન, ઈન્સોમ્નિયા કે માનસિક રોગોના કેસીસ વધતા જાય છે. આખું વિશ્વ જાણે નિરાશા અને હતાશાનો સામનો કરી રહ્યું છે ત્યારે વિશ્વસાહિત્યમાં જો કોઈ એક મોટીવેશનલ પુસ્તક વિશે વાત કરવી હોય તો એ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે. સાતમી સદીમાં શંકરાચાર્યે કહ્યું, “તદર્થે વિજ્ઞાતે સમસ્ત પુરુષાર્થસિદ્ધિઃ.” લોકમાન્ય તિલકે કહ્યું, “ગીતા ધર્મ નર્યા આધિભૌતિક જ્ઞાનથી કદી ન હારનારો અને તેથી નિત્ય અને નિર્ભય બન્યો છે.” ઓશો કહે છે, “ગીતા એવું મનોવિજ્ઞાન છે જે મનની પણ પાર લઈ જાય છે.” અરવિંદ ઘોષે એને “જગતનો મહાનમાં મહાન ધર્મગ્રંથ” કહ્યો. ગાંધીજીએ કહ્યું, “ભીડ વખતે ગીતા માતાની પાસે જવાનું હું શીખ્યો છું.”
સ્વામી સચ્ચિદાનંદે લખ્યું છે, “ગીતા અહિંસાવાદી નથી, તેમજ હિંસાવાદી પણ નથી. એ વાસ્તવવાદી છે.” ક.મા. મુન્શીએ લખ્યું છે, “ગીતા એ પરલોકનું, સંસારત્યાગનું કે નિષ્ક્રિયતાનું શાસ્ત્ર નથી. ઊભી થતી પ્રત્યેક પરિસ્થિતિમાં, જીવનસંગ્રામની વચ્ચોવચ ઊભેલા માણસને ગીતા રસ્તો બતાવે છે.” આવા જીવનના અર્ક જેવા પુસ્તકની શરૂઆત ‘અર્જુન વિષાદ યોગ’થી થાય છે. નિરાશાથી, હતાશાથી, જીવન વિમુખ થયેલો એક યોદ્ધો પોતાનું શસ્ત્ર ત્યજીને પોતાના સારથિ, મિત્ર અને અંતે જે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને ઈશ્વર પુરવાર થાય છે એવા કૃષ્ણને પૂછે છે, “સ્મૃત્યોર્વિરોધે ન્યાયસ્તુ બલવાન્વ્યવહારતઃ । અર્થશાસ્ત્રાત્તુ બલવદ્ધર્મશાસ્ત્રમિતિસ્થિતિઃ ।।36।।” જ્યાં બે સ્મૃતિઓમાં પરસ્પર વિરોધ આવતો હોય, ત્યાં વ્યવહારદ્રષ્ટિએ જે ન્યાય હોય તે બળવાન મનાય છે. તેમાં પણ અર્થશાસ્ત્ર કરતાં ધર્મશાસ્ત્ર બળવાન ગણાય છે, આવી મર્યાદા છે. આવા કારણથી જ આ આતતાયીઓને મારવાથી અમને પાપ લાગવાનો સંભવ છે, માટે એ કૌરવો જ અમને મારીને ભલે પાપી થાય, પણ અમે તેમને મારી પાપી થઈશું નહિ…
જે મેળવવા માટે આ આખું યુદ્ધ હતું એની શરૂઆતની ક્ષણે, જેના ખભા પર યુદ્ધનો ભાર છે એ અર્જુન લડવાની ના પાડે છે. આ ‘વિષાદ યોગ’ છે ! જે છે તે નકામું છે, જે કરી રહ્યા છીએ તે અર્થહીન છે એ સમજણ જે ક્ષણે આપણી ભીતર બીજ બનીને પ્રવેશે છે એ ક્ષણે કૃષ્ણ (પરમ તત્વ) સાથેના સંવાદની શરૂઆત થાય છે. ભગવદ્ ગીતામાં વિષાદ જાણે વરદાન બનીને આવે છે. વિષાદ યોગથી શરૂ થયેલો સંવાદ પછીથી સત્તર અધ્યાય સુધી વિસ્તરે છે. અંતે “કરિષ્યે વચનમ્ તવ”ની શરણાગતિ અને સ્વીકાર જન્મે છે, તરફડાટ શમી જાય છે !
વિશ્વના તમામ ધર્મગ્રંથો માણસના વર્તમાનમાં વ્યાપી રહેલા વિષાદમાંથી જન્મ્યા છે. અધ્યાત્મનું, વીરતાનું પહેલું પગથિયું વિષાદ છે. ભીતર વિષાદ જાગે, તો કૃષ્ણ ગીતા સંભળાવે ! અહીં મહત્વ ‘વિષાદ’નું નહીં ‘ભીતર’નું છે. દુન્યવી ચીજો, સંબંધો કે કારકિર્દી જેવી બાબતો માટે જાગેલો વિષાદ ગીતા સુધી લઈ જઈ શકતો નથી. પ્રશ્ન તાત્વિક હોવો જોઈએ, અંતઃસ્તલમાંથી ઉદભવવો જોઈએ. જે થઈ રહ્યું છે તે શા માટે, જે કરી રહ્યા છીએ તે શા માટે અને જે મેળવીશું એનાથી શું ? આ ત્રણ સવાલો સાથે અચૂક વિષાદ જાગે છે, પરંતુ આ વિષાદ ઘોંઘાટ નથી, સંગીત છે… ફક્ત સ્વયંને જ સંભળાય એવું, સુધીંગ સંગીત ! મજાની વાત એ છે કે પૂછનારની આસપાસ ઘોંઘાટ છે. ઘોડાની હાવળ, હાથીની ચીંઘાડ, ભાલા-તલવારોના ખણખણાટ, યોદ્ધાઓના પોકાર… એની વચ્ચે વિષાદનું સંગીત જન્મ લે છે. વિષાદના સંગીતમાં ગીતા ગવાય છે, કારણ કે એના સૂર એકમેકમાં ભળે છે. વિષાદ પાનખર નથી, વસંત છે. કારણ કે અહીં કશું નવું જન્મ લે છે વિચારની, વાસ્તવિકતાની કૂંપળ ફૂટે છે.
વાસ્તવિકતા એ છે કે મોટાભાગના લોકો સામાન્ય જીવન જીવીને મૃત્યુ પામે છે. જે અસામાન્ય થવા નીકળે છે એણે અસામાન્ય સ્થિતિનો સામનો કરવો પડે છે. જેણે કશું અસામાન્ય મેળવવું છે, વસ્તુ કે વિચાર… એણે વિશિષ્ટ સ્તર પર જઈને યુદ્ધ કરવું પડે છે. આ યુદ્ધ ફક્ત બહારની વિશાળ સેના સામે નથી, ભીતર વસતા એક વિરાટ સંદેહ સામે પણ છે. જ્યારે એકવાર એવો વિચાર આવે કે, “જે મેળવવા નીકળ્યા છીએ તે નહીં મળે તો ?” અહીંથી એક જજમેન્ટલ મનઃસ્થિતિનો પ્રારંભ થાય છે. આપણે કોઈ હારવા તૈયાર નથી, બીજા સામે નહીં અને જાત સામે તો નહીં જ.
સત્ય સહુને જોઈએ છે, પરંતુ અસત્યને ઓળખ્યા વગર સત્ય કેમ મળશે ? છૂટું તો પાડવું જ પડશે. જે સત્ય નથી તે, અસત્ય છે… જે સાચું નથી તે, ખોટું છે, પરંતુ ખોટાનો સામનો કર્યા વગર સાચા સુધી, સત્ય સુધી કેમ જવાશે ? રસ્તો તો ત્યાંથી જ પસાર થાય છે. કેટલાક લોકો સત્યને પોતાના પક્ષે ઊભું કરે છે જ્યારે કેટલાક લોકો સત્યના પક્ષમાં પોતે ઊભા રહે છે.
કૌરવ અને પાંડવ વચ્ચે, રાવણ અને રામ વચ્ચે બસ આટલો જ ફરક છે !
જે સત્યના પક્ષે ઊભા રહે છે એને અંતે સત્યનો શબ્દ અને સંગીત સંભળાય છે. જે પોતાના પક્ષે સત્યને ઊભું કરવા જાય છે એણે પહેલાં ઘોંઘાટ અને પછી ચિત્કાર સાંભળવા પડે છે.
ગુરુદત્ત, દિવ્યા ભારતી, કુશલ પંજાબી, જીયા ખાન, પ્રત્યુશા બેનરજી અને સુશાંતસિંગ… માણસ મર્ત્ય છે. સહુ મરશે. જ્યારે જન્મ લેવાનો નિર્ણય આપણો નહોતો, તો મૃત્યુનો નિર્ણય લેવાનો અધિકાર આપણી પાસે છે ખરો ? વિષાદનો જન્મ, સહજ છે, પરંતુ વિષાદમાંથી વિચાર તરફ, વિરાટ તરફનો પ્રવાસ એ સાચું ધર્મયુદ્ધ છે.
“વિષાદ” પણ યોગ છે. યુદ્ધના મેદાનમાં પ્રવેશ્યા પછી લડવું છે કે નહીં એવી દ્વિધા ઊભી કરવાનો અધિકાર આપણે ખોઈ બેઠા હોઈએ છીએ માટે વિષાદથી શરૂ થઈ શકે, પરંતુ ત્યાં અટકી નથી જવાનું. ત્યાંથી સાંખ્ય (શુદ્ધ), કર્મ અને જ્ઞાન તરફ આગળ વધવાનું છે…