“મા. આ એક જ શબ્દ બધું જ કહી જાય છે. લવ યુ મા, હેપ્પી બર્થ ડે.” 9 એપ્રિલ, 2019ના દિવસે અભિષેક બચ્ચને પોતાના ટ્વિટર પર જયા બચ્ચનને એમના 71મા જન્મદિવસે અભિનંદન આપતા આ ટ્વિટ કર્યું હતું. આ પહેલાં પણ પોતાના ઈન્ટરવ્યૂઝમાં અને ખાસ કરીને “કોફી વીથ કરણ”માં અભિષેક બચ્ચને પોતાની મમ્મી સાથે સ્પેશિયલ રિલેશનશીપ વિશે અનેકવાર વાતો કરી છે. અભિષેક બચ્ચન એમના પિતા જેવા દેખાય છે, અવાજ અને શરીરસૌષ્ઠવ પણ એમના પિતા જેવું છે. એ પોતે એવું સ્વીકારે છે કે ભીતરથી એ એની મમ્મી જેવા સંવેદનશીલ અને ઋજુ, હોવાની સાથે સાથે સ્ટબન અથવા જક્કી કે દ્રઢ નિશ્ચયી છે. બચ્ચન પરિવાર આજે બોલિવુડનો જ નહીં, દેશનો આદર્શ પરિવાર માનવામાં આવે છે. અનેક અફવાઓ અને જાત-જાતની દંતકથાઓ વહેતી રહી હોવા છતાં આજે આખો પરિવાર એક સાથે છે અને અવાર-નવાર જાહેરમાં એમના એ બોન્ડ, ઈમોશન્સ કે એકબીજા પરત્વેની જવાબદારી અને સન્માન દેખાયા વિના રહેતા નથી.
બચ્ચન સાહેબનો રેખા સાથેનો અફેર હતો કે નહીં, આજે પણ છે કે નહીં એ વિશેની ચર્ચાઓ હજી શમી નથી. આજે પણ એ સનસનાટીપૂર્ણ સંબંધ વિશે ચર્ચા કરવામાં ઘણા લોકોને સ્પાઈસ મળે છે ! રેખાજીએ વચ્ચે મૂકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા જેમણે ચાર જ દિવસમાં આત્મહત્યા કરી લીધી… આ બધાનો અભિષેક સાથે સંબંધ છે કે નહીં એની આ ચર્ચા જ નથી, મહત્વની વાત એ છે કે પિતાને આદર્શ માનીને એમની આજ્ઞાનું પાલન કરવાની ભારતીય પરંપરા છે. પિતા સાચા છે કે ખોટા એની ચર્ચા પુત્ર ન કરે એ ભારતીય સંસ્કાર છે… રામ પોતાના પિતા દશરથની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં જાય છે. પરશુરામ એમના પિતા જમદગ્નિ ઋષિની આજ્ઞાથી માનું માથુ વાઢી નાખે છે, પછી પિતા વરદાન આપવા તત્પર થાય છે ત્યારે એ માને સજીવન કરવાનું જ વરદાન માગે છે ! જે પિતા પોતાને છોડીને ચાલી ગયા છે એને યુદ્ધ સમયે મદદ કરવા આવી પહોંચેલા ઈરાવાન અને બબ્રુવાહન, અર્જુનના પુત્રો છે. તો એવો જ ત્યજાયેલો પુત્ર ઘટોત્કચ ભીમની મદદે આવે છે. પુરુ પોતાના પિતા યયાતિને પોતાની યુવાની આપે છે તો ભીષ્મ પિતાની ઈચ્છા પૂરી કરવા માટે આજીવન બ્રહ્મચારી રહેવાનો નિર્ણય કરે છે. નચિકેતા પિતાના વચન પર યમને દ્વાર જાય છે તો અષ્ટાવક્રની કથા પણ આવી જ પિતાના સન્માનની અને એમના શબ્દની કથા છે…
અભિષેક બચ્ચન કામ નથી કરતા, એમને એમની પત્ની સાથે નથી બનતું… થી શરૂ કરીને એમના વિશે કહેવાતી અનેક દંતકથાઓમાંથી કોઈ પણ વાતનું એમણે સમર્થન કે વિરોધ નથી કર્યો. એમને અનુકૂળ પડે તે રીતે એ પોતાની જિંદગી જીવે છે એટલું જ નહીં એમના કામ નહીં કરવા વિશે આટલા સારા અભિનેતા હોવા છતાં જે કંઈ કહેવાય કે સંભળાય છે એ બાબતે એમણે પ્રતિભાવ આપવાનું કાયમ ટાળ્યું છે, પરંતુ જયાજી કે બચ્ચન સાહેબ વિશે ક્યાંય પણ, કશું પણ સહેજ પણ ઘસાતું સંભળાય કે એમના સન્માનને જરાક પણ હાની પહોંચે એવું લાગે તો અભિષેક એ વિશે ક્યારેય ચૂપ નથી રહ્યા, છતાં અગત્યનું એ છે કે એમણે હંમેશા પોતાની મા વિશે જેટલી સંવેદનશીલતા અને લાગણીથી વાત કરી છે કે લખ્યું છે એટલું એમણે પિતા વિશે નથી લખ્યું, કદાચ !
આની પાછળ એક કારણ કદાચ એ હોઈ શકે કે અભિષેક બચ્ચન જેવા અનેક સફળ માતા-પિતાના સંતાનો જ્યારે ઉછરતા હોય છે ત્યારે એમના માતા, કે ખાસ કરીને પિતા પોતાની કારકિર્દી અને પરિવાર માટે સુખ, સગવડ અને સલામતી ઊભા કરવામાં એટલા વ્યસ્ત હોય છે કે પોતાના સંતાનને સમય આપી શકતા નથી. જમનાબાઈ નરસી, બોમ્બે સ્કોટીશ અને દિલ્હીની મોડર્ન સ્કૂલ જેવી શાળામાં શિક્ષણ પામવું, સ્વિત્ઝરલેન્ડ અને બોસ્ટનમાં કોલેજ કે આજે બિલકુલ કામ નહીં કરીને પણ એક પરિકથા જેવું જીવન જીવવાની સગવડ મળવી એ એમનું નસીબ નથી, એમના પિતાની મહેનત છે. ‘પિતાએ સમય નથી આપ્યો એવું કહેનાર દરેક સંતાન પિતાએ આપેલી સગવડ ભોગવીને, એમના પૈસે મજા કરીને પછી આ કહેતાં હોય છે, એ કેટલી નવાઈની વાત છે ! જો ખરેખર પિતા સામે વિરોધ હોય તો એણે આપેલી સગવડ અને સલામતીને લાત મારવી જોઈએ, ખરું કે નહીં ? જયાજીએ પોતાની કારકિર્દીને તિલાંજલી આપીને સંતાનોને ઉછેર્યાં, એ વિશે એમને જરૂર પ્રણામ કરવા જોઈએ, પરંતુ એમને ઘેર રહેવાનું પોષાયું કારણ કે એમના પતિ એમને લાઈફસ્ટાઈલ આપી શકે એટલું કમાતા હતા. જો અમિતાભ બચ્ચન નિષ્ફળ કલાકાર હોત કે એમણે આટલા પૈસા ન કમાયા હોત તો શું એમનું લગ્નજીવન અને પરિવાર આટલા જ સુખી હોત ?
‘ડીયર જિંદગી’ નામની ફિલ્મમાં શાહરૂખ ખાન એક સાઈક્યાટ્રીસ્ટ તરીકે એની પેશન્ટ આલિયા ભટ્ટને કહે છે, “આપણે આપણા મા-બાપને જજ કરીએ છીએ. આપણી સાથે એમણે કેવી રીતે વર્તવું જોઈતું હતું એનો નિર્ણય આપણે ત્યારે કરીએ છીએ જ્યારે આપણે સમજણા થઈ ગયા હોઈએ છીએ. મૂળ વાત એ છે કે એમણે જે કંઈ વર્તન કર્યું, એ વખતે એ એમની સમજ, સમય અને શક્તિ અનુસાર એકદમ પરફેક્ટ હતું. આપણે એ સમયે અણસમજુ હતા, એટલે એમના એ વર્તનને જજ કરવાનો અધિકાર આજે આપણી પાસે નથી…” આ વાતમાં ઉંડા ઉતરવાનો પ્રયત્ન કરીએ તો સમજાય કે આપણે બધા જ જાણીને કે અજાણતા, આપણા માતા-પિતા વિશે એક અભિપ્રાય બાંધીએ છીએ. એમણે આપણા ઉછેર વખતે શું કરવું જોઈતું હતું અને કઈ રીતે ઉછેરવા જોઈતા હતા એ વિશે આપણે આપણો અભિપ્રાય ત્યારે રજૂ કરીએ છીએ જ્યારે આપણે ‘ઉછેર’ની વ્યાખ્યામાંથી બહાર નીકળી ગયા હોઈએ છીએ. વિતી ગયેલા સમય વિશે સહુને કંઈ કહેવાનું હોય છે, કારણ કે એ સમયમાં કંઈ બદલી શકાવાનું નથી એવી સહુને ખબર છે. હવે અભિપ્રાય આપવો સેફ છે અથવા એ વિશેની કડવાશ, તિરસ્કાર, અણગમો કે પીડાને વ્યક્ત કરવાનો આ એવો સમય છે જ્યારે આપણી પાસે કરવા માટે તર્કબદ્ધ દલીલો છે. અગત્યની વાત એ છે કે ઘણા મોટી ઉંમરના વ્યક્તિને લાગે છે કે એમના મા-બાપને બાળકો ઉછેરતા નથી આવડતું ! પોતાના ઉછેરના પ્રશ્નો અને પીડા લગભગ દરેક માણસ માટે પોતાના ખરાબ વ્યવહારનું કે પોતાના ખોટા નિર્ણયોનું કારણ બની જાય છે…
પોતાના મા-બાપને મૂલવવાનો આપણને અધિકાર નથી. એમના સમયમાં અને એમના પેર ઓફ શૂઝમાં જઈને વિચારીએ તો ‘કદાચ’ એમને સમજી શકાય, પરંતુ જો આપણે એમના સમયને, એ સમયના પ્રશ્નોને આપણા ઉછેરના સમયની એમની આર્થિક, માનસિક અને સામાજિક પરિસ્થિતિને સમજ્યા વગર એમના ઉપર આક્ષેપો કરીએ કે ન્યાયાધીશ બનીને એમના ઉછેર વિશે જજમેન્ટ લેવા માંડીએ તો મા-પિતા પરત્વે એ સરાસર અન્યાય છે. આપણને કોઈ અધિકાર નથી કે આપણા જન્મદાતા અથવા ઉછેર કરનાર વ્યક્તિના વ્યક્તિત્વ, નિર્ણય કે એ સમયની એની સંવેદનશીલતા વિશે કોઈ અભિપ્રાય આપીએ, ફરિયાદનો તો પ્રશ્ન જ નથી આવતો.
આ એ વ્યક્તિ છે જેણે આપણને દલીલ અને આક્ષેપ કરવાને લાયક બનાવ્યા છે. આ એ વ્યક્તિ છે જેણે આપણને એને સમજાય તેવી, એને પોષાય તેવી કારકિર્દી આપી છે. આ એ વ્યક્તિ છે જેણે આપણા બાળપણને બાળમજૂરી કે ચાઈલ્ડ એબ્યુઝથી સુરક્ષિત રાખીને એક (એને આવડ્યો તેવો, સમજાયો તેવો) સારો ઉછેર આપ્યો છે. માતા-પિતાએ શું નથી કર્યું એનું લિસ્ટ તો દરેક પાસે લાંબુ હોય જ છે. એ શું કરી શક્યા હોત, એ વિશે પણ લગભગ દરેક સંતાન પાસે એક અભિપ્રાય હોય છે, પરંતુ એમણે શું કર્યું છે અને શું આપ્યું છે એના ઉપર આપણે ભાગ્યે જ ફોકસ કરીએ છીએ !
માતા-પિતા પોતાની રીતે અને પોતાની સમજણ પ્રમાણે સંતાનને શ્રેષ્ઠ ઉછેર આપવાનો પ્રયાસ કરતા જ હોય છે, કોઈપણ ક્લાસના, કોઈપણ આર્થિક કે સામાજિક પરિસ્થિતિના માતા-પિતા આ કરે જ છે. સંતાનો માતા-પિતાના ન્યાયાધીશ ન જ હોઈ શકે. એ અધિકાર કોઈ સંતાન પાસે નથી, ને નથી જ…