અનલોક-4ની જાહેરાત થઈ ચૂકી છે. કોરોનાની આસપાસ જીવાતી જિંદગી હજી એ જ સ્થિતિમાં છે. કેસીસ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે ? આપણી પાસે કોઈ સ્પષ્ટ માહિતી નથી… દરેક પાસે સલાહ છે, ગોસિપ છે, અભિપ્રાય છે અને પોતે ઊભા કરેલા આંકડા છે. આપણી આસપાસ અત્યાર સુધી જે લોકો સલામત અને સ્વસ્થ હતા એવા નિકટના સ્વજનો પણ ‘પોઝિટીવ’ના લિસ્ટમાં ઉમેરાવા લાગ્યા છે. આપણે બધા સતત સ્વસ્થ રહેવાની સ્ટ્રગલ કરી રહ્યા છીએ. આ સ્વસ્થતા માત્ર કોરોનાથી બચવા પૂરતી સિમિત છે ?
એવું નથી… સત્ય તો એ છે કે કોરોનાથી મોટી બિમારી અત્યારે માણસોના મનમાં, મગજમાં અને માનસિકતામાં ફેલાવા લાગી છે. જીવન બદલાયું છે, ન્યૂ નોર્મલ આપણી સામે વધુ ને વધુ નિયમો ઉભા કરતું જાય છે, ત્યારે બહુ મહત્વની એક વાત આપણે બધાએ સમજી લેવા જેવી છે. સવાલ બિમારી કે મહામારીનો નથી, સવાલ ભયનો છે. હવેનો ભય માત્ર કોરોનાનો નથી, આવનારા સમયનો ભય છે. આર્થિક પરિસ્થિતિ હજી વધુ બગડશે એ સત્ય સ્વીકારવું પડશે. આપણે બધાએ ઘરમાં રહેવું પડશે. એ પરિસ્થિતિને અનુકૂળ થવું પડશે. પાર્ટીઝ, સિનેમા-થિયેટર્સ, મોલ, રેસ્ટોરાંસ જે આપણા રોજિંદા જીવનનો હિસ્સો હતા એ હવે એટલી સહજતાથી ઉપલબ્ધ નથી થવાના. સતત બહાર રહેવાની, બહારના લોકો સાથે ઈન્ટરેક્ટ કરવાની પ્રવૃત્તિને જ આપણે મનોરંજન માનતા રહ્યા છીએ. પૈસા ખર્ચવાથી જ ખુશ થઈ શકાય, એવું આપણે કેટલાંય વર્ષોમાં કંડીશન લર્નિંગથી શીખ્યા છીએ. ખરીદી કરવાથી, બહાર ખાવાથી, પિક્ચર જોવાથી, પ્રવાસ કરવાથી આનંદ મળે એવું આપણે માનીએ છીએ, અથવા સમય સાથે એવું માનવા લાગ્યા છીએ. આ બદલાયેલી પરિસ્થિતિમાં જેને આપણે મનોરંજન માનતા હતા એ ઉપલબ્ધ નથી, એટલે કંટાળો આવે છે.
પૈસા છે, પરંતુ ખર્ચી નહીં શકાય એ સ્થિતિ આપણને ફ્રસ્ટ્રેટ કરે છે. કપડાં છે, પણ પહેરીને જવું ક્યાં ? ગાડી છે, પણ ચલાવીને પહોંચવું ક્યાં ? પ્રવાસના સ્થળો પહેલાં જેટલાં ભીડ ભરેલાં નથી, પણ આપણને જતાં ભય લાગે છે…
આ ‘ન્યૂ નોર્મલ’ એ ભયગ્રસ્ત, ડરાવનારું વાતાવરણ છે. ભય એ છે કે આ વાતાવરણ નહીં બદલાય તો શું થશે ? જો પરિસ્થિતિ લાંબો વખત સુધી આ જ રહી તો શું થશે ? આપણે જે રીતે મજા કરતાં શીખ્યા છીએ, જેને આપણે મનોરંજન કહેતા રહ્યા છીએ એ નહીં મળે તો ?
માણસ માત્રને કંઈ પણ બદલતાં ભય લાગે છે. નવા સમયમાં, જે કંઈ નવું સ્વીકારવું પડશે એને માટે કદાચ હજી આપણે તૈયાર નથી. હજી આવનારા છ મહિના સુધી ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નહીં થઈ શકે તો ? આ સવાલ ડરાવે છે, આપણને ! ફ્લાઈટમાં પ્રવાસ કે વેકેશન નહીં થઈ શકે, તો ફસાઈ જઈશું, આ વિચાર ડરાવે છે, આપણને.
સત્ય તો એ છે કે આપણે આગળ નથી જઈ રહ્યા, પાછળ જઈ રહ્યા છીએ. આજથી સાત-આઠ દાયકા પહેલાં આપણા માતા-પિતા જેવી રીતે જીવ્યા એવી રીતે જીવવું પડે છે, કદાચ ! આપણે ‘વિકાસ’ અથવા પ્રગતિને જીવનની રીત બનાવી લીધી. આગળ જ જવું, દોડતા જ રહેવું, નવી શોધ, યંત્રો, મોડર્નાઈઝેશન આપણે માટે જિંદગીનો પર્યાય બની ગયો હતો. હવે, અચાનક બધું સ્થગિત થઈ ગયું છે. સડસડાટ દોડતા વાહનને અચાનક બ્રેક લાગે અને જે ઝટકો વાગે એવો ઝટકો વાગ્યો છે, આપણને. માથું ભટકાયું છે, આગળની તરફ…
આ ઘટી ગયેલી ઝડપે આપણને બેચેન કર્યા છે. શાંત, ધીમી અને સતત પ્રવૃત્તિ વગરની જિંદગી આપણને અકળાવી રહી છે, ત્યારે આપણે આ ‘ન્યૂ નોર્મલ’ને સ્વીકારવા માટે શું કરી શકીએ ?
(1) ફરિયાદ કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય એ સત્યને સ્વીકારી લઈએ. જે છે, એમાં જ જીવવાનું હોય તો એને માણતા, એ જ પરિસ્થિતિમાં મજા શોધતા શીખવું પડશે.
(2) “બધું હતું એવું ક્યારે થશે ?” આ સવાલ વાહિયાત છે, પૂછવો નહીં. એનો જવાબ નથી. “હતું એવું” નહીં થાય, એ સત્ય પણ સ્વીકારીએ. એનાથી બહેતર થશે, કારણ કે હવે આપણે સ્વસ્થ રહેવા માટે વધુ સજાગ થયા છીએ. ચોખ્ખાઈ વિશે જાગૃત છીએ અને ભીડ ન થાય, લાઈનમાં ઊભા રહેવું પડે, પ્રતિક્ષા કરવી પડે એવી બાબતો શીખી રહ્યા છીએ.
(3) આર્થિક પરિસ્થિતિને બહુ જ મોટો ધક્કો વાગ્યો છે. મંદી આવી છે, હજી વધુ આવશે… એ સત્ય પણ સ્વીકારી લઈએ. કોઈક બીજો વિચાર કરીએ. આપણા સ્કીલ-આવડતને તપાસીએ. જે કરતા હતા એ જ કરવું એવો આગ્રહ છોડીને, નવો બિઝનેસ-નવા પ્રકારનું કામ શોધવાનો અને ડેવલપ કરવાનો પ્રયાસ કરીએ.
(4) પરિવાર જ અંતિમ સત્ય છે, આ વાત હવે સહુને સમજાઈ છે. કોઈને કોઈ બહાને સતત બહાર રહેવા માગતા કેટલાય લોકો માટે હવે ઘરમાં રહેવું ફરજિયાત થવા લાગ્યું છે, ત્યારે ઘરના લોકો સાથે સંબંધ સુધારીએ. કોણ શું નથી કરતું, કોણ કેટલું વિચિત્ર છે, કોણ ખરાબ વર્તે છે, ખરાબ બોલે છે, એના ઉપર ફોકસ કરવાને બદલે આપણી નિકટની વ્યક્તિ, સ્વજન સાથે થોડીક સહનશીલતાથી વર્તતા શીખવું પડશે. દુઃખી થઈને, માથા પછાડીને સાથે રહેવું એના કરતા આનંદથી, મજાથી સાથે રહેતા શીખીએ તો કેવું ?
(5) તકલીફ સહુને છે. જ્યારે કોઈને મળીએ કે ફોન પર વાત કરીએ ત્યારે એ તકલીફની જ ચર્ચા કર્યા કરવાથી મનમાં એ જ વિચાર ઘૂંટાયા કરશે. આર્થિક પરિસ્થિતિ સારી નથી, તો નથી… હવે એ જ વિશે વિચાર્યા કરવાથી તકલીફ વધશે. પૈસા કમાવાનો પ્રયત્ન ચોક્કસ કરીએ, પણ સાથે સાથે કરકસર કે ખર્ચ ઘટાડવાના પ્રયાસ પણ આપણને નાના કે નીચા નહીં બનાવે. થોડું કામ જાતે કરી લેવું, ફોર વ્હીલરને બદલે ટુ વ્હીલર વાપરવું, રોજ અવનવી વાનગીનો શોખ સહેજ ટાળવો કે બિનજરૂરી ઈલેક્ટ્રિસિટી ના વાપરવી… આવા ઘણા વિચારો જાતે જ કરવા પડશે. આપણા ઘરમાં કે ઓફિસમાં શેના વગર ચાલે એ તો આપણે જ નક્કી કરી શકીએ ને !
(6) છેલ્લી, સૌથી મહત્વની વાત… આપણું સ્વાસ્થ્ય બીજાની જવાબદારી નથી. આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણી ઈમ્યુનિટી આપણે જ વધારવી પડશે. મમ્મી કે પત્ની દવા આપે, સંતાનો વૃદ્ધ મા-બાપને ઘરમાં રહેવા માટે ફરજ પાડે… આવી પરિસ્થિતિ લાંબો સમય નહીં ચાલે. ખરાબ સમય છે, એને આપણે જાતે જ પસાર કરવાનો છે. એકબીજાનો સાથ કે સહકાર મળી શકે, પણ આપણી જવાબદારી બીજાના ખભે નાખીને તો આપણે સમસ્યા જ ઊભી કરીશું. આખી દુનિયા એક જ સમયે, એક જ સમસ્યામાંથી પસાર થાય એ ઐતિહાસિક અને ભયાનક સમયના આપણે સાક્ષી છીએ. આ સમયને રડી ને હસીને, ઝઘડીને કે ફરિયાદ કરીને પસાર તો કરવાનો જ છે, એ સત્ય પણ સ્વીકારી જ લઈએ ને !