આપણું મગજ, આપણા શરીરનો હિસ્સો છે…

ઓટીટી પ્લેટફોર્મ ઉપર એક શોર્ટ ફિલ્મ છે, ‘કોપી’. માણસ પોતાના જેવાનો જ બીજો રોબોટ તૈયાર કરી શકે છે અથવા કરી શકાયો છે એવા બાયોસાયન્સની આ ફિક્શન છે. વિક્રાંત મેસી અને સુરવિન ચાવલા, પતિ-પત્ની છે. બંને પોતાના જેવા જ રોબો તૈયાર કરાવે છે, પરંતુ એ રોબો પાસે પોતાના ઈમોશન્સ છે. પોતાના અફેર પત્નીથી છૂપાવવા માટે તૈયાર કરેલો રોબો પત્નીની અચ્છાઈ અને સ્નેહ ઓળખે છે. એના પ્રેમમાં પડે છે. બે માણસો કરતા બે રોબો એકબીજાને વધુ સમજે છે અને પ્રેમ કરવા લાગે છે. બંને પોતપોતાની ઓરીજિનલ માનવ સ્વરૂપને ખતમ કરી નાખે છે અને એકબીજા સાથે જોડાઈ જાય છે. સાચું છે કે ખોટું… આવું થઈ શકે કે નહીં એ સવાલ અસ્થાને છે, કારણ કે આ વાર્તા છે, પરંતુ કદાચ એક સમય એવો પણ આવે કે રોબો અથવા યંત્ર પાસે માણસ કરતા વધારે ઈમોશન્સ અને સમજણ મળી આવે.

આપણે માણસ હોવા છતાં યંત્ર જેવા થતા જઈએ છીએ, કોઈ દિવસ એવો આવશે કે જ્યારે યંત્ર માણસ જેવો થઈ જશે… છેલ્લા કેટલાય સમયથી આપણે બધાએ આ નોંધ્યું છે. બીજા સાથે અને આપણી જાત સાથે. આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં નથી હોતા અને જ્યાં ન હોવું જોઈએ એ બધી જગ્યાએ આપણું મગજ ભમે છે. એક સાથે અનેક વિચારો આપણા મગજનો કાબૂ લઈ લે છે. આપણે જાણતા નથી, તેમ છતાં આપણી ભીતર ચાલતી કોઈક વિચિત્ર પ્રકારની ગુંચવણ આપણને સતત બીઝી રાખે છે. ફિલ્મ કે ટેલિવિઝન જોતી વખતે પણ આપણે પૂરેપૂરા ત્યાં નથી હોતા. નજરની સામે દ્રશ્યો બદલાયા કરે છે, પણ મગજમાં વિચારો સતત ચાલુ રહે છે.

આમ તો મગજનું કામ જ વિચાર કરવાનું છે. સતત કશું નવું વિચારવું, શોધતા રહેવું, સમજતા રહેવું, શીખતા રહેવું એ આપણા જીવતા હોવાની નિશાની છે. જો માનવ મગજ આટલું બધું કાર્યરત ના હોત તો કદાચ આ જગતમાં આટલો બધો વિકાસ ન થયો હોત. અક્કલ, બુદ્ધિ, ચતુરાઈ, પ્રજ્ઞા, ધૃતિ જેવા અનેક શબ્દો આપણા મગજને ડિસ્ક્રાઈબ કરે છે. મૂળ કામ શીખવાનું, શીખેલું યાદ રાખવાનું અને સમય આવે ત્યારે એ યાદશક્તિને કામમાં લાવીને શીખેલી બાબતનો ઉપયોગ કરવાનું છે. મનોવિજ્ઞાન એને, ‘રજિસ્ટર, રિમાન્ડ એન્ડ રિકોલ’ તરીકે સમજાવે છે. જન્મની પહેલાંથી માણસનું મગજ નાની નાની બાબતોને નોંધે છે એવું પણ મનોવિજ્ઞાન કહે છે. દ્રશ્યો, અવાજની સાથે આપણે અનુભવને જોડતા જઈએ છીએ. આ બધું સાથે મળીને આપણામાં સમજણ અથવા આપણા વ્યવહાર અને વર્તાવને ડિઝાઈન કરે છે. વિચારવું અનિવાર્ય છે. મોટાભાગના લોકો ઉંઘમાં પણ વિચારવાનું છોડી શકતા નથી. જે લોકોનું મગજ સતત ચાલે છે એ ક્રિએટીવ છે અથવા જિનિયસ છે, એવો આપણો વહેમ છે. સત્ય એ છે કે મગજ આપણા કાબૂમાં રહેવું જોઈએ. ક્યારે ચલાવવું અને ક્યારે બંધ કરવું એની સ્વિચ માણસે ઓપરેટ કરવાની છે. વિચારો માણસને ઓપરેટ કરવા માંડે ત્યારે ગુસ્સો, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન કે ઈરીટેશન જેવી સમસ્યાઓ સર્જાય છે. સતત ચાલતું મગજ થાકે છે. એને શાંત પડવાની તક મળતી જ નથી એટલે એ ધીમે ધીમે હાઈપર રહેતા શીખી જાય છે. એક એવો સમય આવે છે કે જ્યારે એ મગજને શાંતિમાં, એકાંતમાં કે કશું કર્યા વગરની નિરાંતમાં કંટાળો આવવા માંડે છે. આજના માણસનો પ્રશ્ન કદાચ આ જ છે. બદલાતી પેઢી સાથે આ પ્રોબ્લેકમ વધુ ને વધુ એક્યુટ, તીવ્ર થતો જાય છે. મોટાભાગના માતા-પિતા ફરિયાદ કરે છે કે એમના છોકરાંઓ હાઈપર છે, શાંતિથી બેસી શકતા નથી, એક જ રમકડાંથી લાંબો સમય રમી શકતા નથી… એનું કારણ એ છે કે માતા-પિતાએ એમને શાંત બેસતા શીખવ્યું જ નથી. એકમાંથી બીજા ક્લાસમાં સંતાનને ફેરવતી મા એને હોંશિયાર અને સ્ટેટ ઓફ આર્ટ બનાવવા માગે છે, પરંતુ એની સાઈડ ઈફેક્ટ્સ તરીકે હવે બાળક સાદી રમત, પુસ્તક કે શાંતિથી બેસીને વાર્તા સાંભળવાનું ભુલી ગયું છે.  

હવે એવો સમય છે કે દરેકને દોડવું છે. આમાં કંઈ ખોટું છે, ખરાબ છે એવું કહેવાનો આશય નથી, પરંતુ ફેક્ટરીમાં પણ જેમ મશીનને સ્ટેગરીંગ આપવામાં આવે, થોડોક સમય બંધ રાખવામાં આવે, એનું રીપેરીંગ, મેઈન્ટેનન્સ કરવામાં આવે એવું આપણે આપણા શરીર કે મગજ સાથે કરતા નથી. મગજની જેમ હવે શરીર પણ સતત ચાલે છે. સવારથી સાંજ ઓફિસ ને સાંજથી મોડી રાત સુધી મનોરંજન પણ જાણે આપણી નોકરીની જેમ, જવાબદારીની જેમ કરવું જ પડે… એવી પરિસ્થિતિ આપણે જાતે જ નિર્માણ કરી છે. બીજાની સાથે સરખામણીમાં હવે મનોરંજન કે મજામાં પણ હરીફાઈ શરૂ થઈ ગઈ છે ! કોણ કેટલી વધુ મજા કરી શકે છે, એનો નિર્ણય માણસ પોતે કે એના મજા અને મનોરંજન સાથે જોડાયેલા લોકો નહીં પણ ફેસબુકની લાઈક્સ અને ફોલોઅર્સ નક્કી કરે છે !

લાઈક્સ કે ફોલોઅર્સ ઘટે તો માણસને પોતાના અસ્તિત્વમાં કશુંક તૂટ્યા-ફૂટ્યાનો કે ખૂટ્યાનો અહેસાસ થાય છે… બીજા શું વાંચશે, શું વાંચીને આપણી પ્રશંસા કરશે એ જ આપણો પ્રયાસ બની ગયો છે. આપણા ફેસબુક પેજ ઉપર આપણે શું લખવું એ પણ હવે બીજાના અભિપ્રાય ઉપર આધારીત મુદ્દો બની રહ્યો છે. ધર્મ, જાતિ, જ્ઞાતિ, વસ્ત્ર, ભોજન, ભાષા, વાણી-વર્તન, વ્યવહાર… બધું જ હવે ‘બીજા’ને નજરમાં રાખીને ગોઠવાય છે. આપણે ‘સ્વતંત્ર અભિવ્યક્તિ’ માટે યુદ્ધ કરીએ છીએ, પરંતુ અભિવ્યક્તિ ઉપર મળતી લાઈક્સ જ આપણા વિચારોને કંટ્રોલ કરવા લાગી છે. આ વાતને મોટાભાગના લોકો પ્રોબ્લેમ તરીકે જુએ છે, પરંતુ પોતે પણ આ સમસ્યામાંથી નીકળી શકતા નથી.

આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે આપણા વિચારોને આપણા કાબૂમાં લઈ શકતા નથી. વૈજ્ઞાનિક રીતે છૂટા પાડીએ તો સમજાય કે મગજનું કામ શીખવાનું છે અને મનનું કામ એ શીખેલી બાબતોને છૂટી પાડીને યોગ્ય સમયે પોતાની આવડત અથવા મેમરીને ઉપયોગમાં લઈને વર્તન કરવાનું છે. આપણે ઉંધું કરવા માંડ્યા છીએ. મેમરી અથવા આવડતને ઉપયોગમાં લઈને મગજને શીખવવા માંડ્યા છીએ. જેણે નિર્ણય કરવાનો હતો એ હવે તાબામાં છે, જેણે તાબામાં રહેવાનું હતું એનો નિર્ણય હવે સર્વોપરી થઈ ગયો છે !

આ વાતને સાદી રીતે સમજીએ તો સમજાય કે, મન પોતાની અનુભૂતિને આધારે મગજ પાસે વર્તન કરાવે છે. મન પાસે ઈન્ટરપ્રિટેશન કે અર્થઘટન કરવાની કોઈ ઈન્ડીવિડ્યુઅલ આવડત નથી, એ કામ તો મગજનું છે. આપણું મન ધીમે ધીમે વિચાર કરતા શીખ્યું છે.

મનોવૈજ્ઞાનિકો એવો દાવો કરે છે કે માનવ મગજની કેપેસીટી જેટલી છે એના કરતા 100મા ભાગનો પણ ઉપયોગ આપણને કરતા નથી. માણસ ઘણું કરી શકે છે, જો એના મગજ ઉપર એનો પોતાના કાબૂ હોય તો. આપણી મોટાભાગની લાગણીઓ કે અભિવ્યક્તિ આપણા કન્ટ્રોલ સિવાય જ કામ કરે છે. ‘ગુસ્સો આવી ગયો, રડવું આવી ગયું, બોલાઈ ગયું, કહેવું હતું પણ કહેવાયું નહીં…’ આવું આપણે ઘણીવાર કહ્યું છે અથવા સાંભળ્યું છે. આનો અર્થ એ થાય છે કે, આપણા ઈમોશન ઉપર આપણો કાબૂ નથી. આનું કારણ એ છે કે આપણા વિચારો પર આપણો કાબૂ નથી, ને એનું કારણ એ છે કે આપણે આપણા વિચારોની ઝડપ કે દિશા નક્કી કરી શકતા નથી. ઝંઝાવાતની જેમ વિચાર જે દિશામાં જાય એ દિશામાં આપણે ફંગોળાઈએ છીએ… જે માણસ પોતાના વિચારોની ઝડપ, દિશા અને ગુણવત્તા પોતે નક્કી કરી શકે એ માણસને જગતની કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ હરાવી કે ડરાવી શકતી નથી. આપણી ગાડીના સ્ટીયરીંગ વ્હીલ પર આપણે પોતે બેઠા હોઈએ અને જે આત્મવિશ્વાસનો અનુભવ થાય, એ જ અનુભવ આપણા વિચારો પર જો આપણો કન્ટ્રોલ આવશે તો થઈ શકશે. બીજી મહત્વની બાબત એ છે, કે વિચાર ક્યારે ન કરવા, મગજને ક્યારે ખાલી રાખવું એ પણ આપણા જ હાથમાં હોવું જોઈએ. ગરમી લાગે, ગૂંગળામણ થાય તો બારી ખોલવી પડે, પરંતુ સમજ્યા વગર, સમય જોયા વગર બારી ખોલો ને પવન ધસી આવે તો એની સાથે કચરો-ધૂળ પણ આવે જ. બારી ક્યારે ખોલવી ને કેટલી વાર સુધી ખુલ્લી રાખવી એ પણ જાતે જ નક્કી કરવું રહ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *