બડે બડાઈ નહિ તજૈ લઘુ રહીમ ઇતરાઈ…

“મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ છે. હોસ્પિટલમાં દાખલ થયો છું. હોસ્પિટલે ઓથોરિટિઝને જણાવ્યું છે. પરિવાર અને સ્ટાફની વ્યક્તિઓનો પણ ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટની રાહ જોવાય છે. છેલ્લા દસ દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે એ સહુને ટેસ્ટ કરાવી લેવાની વિનંતી છે.” (ટ્વિટ નં. 3,590)

અમિતાભ બચ્ચનની આ ટ્વિટે આખા દેશને એક એવો સંદેશો આપ્યો જે સરકારની અનેક જાહેરખબરો કે અખબારોના અનેક લેખ ન આપી શકે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ફર્સ્ટ ફેમિલી અને દેશના મહાનાયક કહેવાતા બચ્ચન સાહેબે પોતે જ જણાવી દીધું કે એમને કોરોના થયો છે. એટલું જ નહીં, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા પણ પોઝિટિવ છે એ વાતની માહિતી આપીને એમણે અવેરનેસ અથવા જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. કોરોના કોઈ જાતિય રોગ નથી, જેની શરમ અનુભવવી પડે. સાચું પૂછો તો એઈડ્ઝ જેવો રોગ પણ બ્લડ ટ્રાન્સફ્યુઝનને કારણે થઈ શકે છે, એને માટે કોઈ એઈડ્ઝગ્રસ્ત સાથે સંભોગ કર્યો હોય એવું જરૂરી નથી.

કોરોનાની તપાસ કરવામાં બધા ડરે છે, કારણ કે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો છેલ્લા દસ દિવસમાં વ્યક્તિ કોના સંપર્કમાં આવી અને ક્યાં ક્યાં જઈ આવી એનો એક ઈતિહાસ તપાસવામાં આવે છે. કોરોના પોઝિટિવ વ્યક્તિ જેને મળી હોય, જેના સંપર્કમાં આવી હોય એ સહુની તપાસ કરવામાં આવે છે… કેટલાક લોકોને એવો ભય હોય છે કે એમણે છુપાવેલી અથવા છુપાવવા માગતા હોય એવી કેટલીક હકીકતો આવી તપાસમાં બહાર આવી શકે છે. અહીં સવાલ એ છે કે એક વ્યક્તિની ઈમેજ અગત્યની છે કે જાહેરહિત અને જાહેર સ્વાસ્થ્ય વધુ અગત્યના છે ?

બચ્ચન સાહેબ કોરોના પોઝિટિવ હોય, અને રેખાજીના બંગલાને સીલ કરવામાં આવે ત્યારે જાત-ભાતની વાતો થાય એ સ્વાભાવિક છે. “રેખાજીનો એક સિક્યોરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ છે” એવા બહાના હેઠળ અત્યારે તો વાત દબાવી દેવાઈ છે, પરંતુ એક સેલિબ્રિટિ આવી રીતે જાહેરહિતનો વિચાર કર્યા વગર પોતાની દાદાગીરીથી કાયદાનું અપમાન કરે એ ચલાવી લેવાય ? એક સુપર સેલિબ્રિટી પોતાના બિઝનેસ, ચાહકો કે ઈમેજની પરવાહ કર્યા વગર જાહેરહિતમાં પોતાના સ્વાસ્થ્યની માહિતી છુપાવતા નથી તો બીજી તરફ બીએમસીના લોકો બારણું ખખડાવી-ખખડાવીને થાકી જાય છે, પરંતુ રેખાજીને ત્યાંથી ઉત્તર મળતો નથી, એટલું જ નહીં એમના સ્વાસ્થ્યની ચિંતા કરી રહેલા કોર્પોરેશનના માણસોને એ સન્માનથી ‘ના’ પાડવાની પણ તસ્દી લેતા નથી ! આ કયા પ્રકારની વર્તણૂક છે ? શા માટે ચલાવી લેવાય છે ?

એક સેલિબ્રિટીએ હંમેશા ઉદાહરણ પૂરું પાડવું જોઈએ, કારણ કે એના અનેક ફોલોઅર્સ હોય છે. વસ્ત્રોમાં, ફેશનમાં કે બીજી બાબતોમાં જ્યારે લોકો એમને ફોલો કરતા હોય ત્યારે સામાજિક જાગૃતિની બાબતમાં પણ આવા જ લોકોએ પહેલ કરવી જોઈએ.

પશ્ચિમમાં સેલિબ્રિટીઝ એવાં ઘણા કામ કરે છે જે જાહેરજીવનના હિતમાં હોય. વેજીટેરીયનીઝમની જાહેરાત માટે અનેક સેલિબ્રિટીઝ આગળ આવી હતી, તો એન્જેલીના જોલીએ બ્રેસ્ટ કેન્સરના ભયથી જ્યારે પોતાના સ્તનનું ઓપરેશન કરાવ્યું ત્યારે જરાય સંકોચ વગર એમણે એની જાહેરાત કરી હતી. એવી જ રીતે ટોમ હેન્ક્સે ડાયાબિટિસ વિશે, ચાર્લી શીન અને આર્થર એશે એચઆઈવી વિશે અને માઈકલ ફોક્સે પાર્કિનસન ડીસીસના ભોગ બન્યાની જાહેરાત જરાય શરમાયા કે અચકાયા વિના કરી હતી, એટલું જ નહીં કિમ કાર્ડેશીયન જે પોતાના બિકિની લૂક માટે જાણીતી છે એણે પોતાને થયેલા ત્વચાના રોગ, સોરાયસીસ વિશે ડર્યા વિના લોકોને જણાવ્યું, એની દવા કરવા માટે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો.

આપણા દેશમાં કદાચ લોકો સેલિબ્રિટિઝને ભગવાન માને છે, પણ સેલિબ્રિટિઝ પોતાની જાતને ભગવાન માને છે એ જરા વધારે પડતું છે ! પોતાને કોઈ રોગ થશે તો એના ચાહકોની નજરમાં પોતે ઓછા, વામણા કે અપ્રિય થઈ પડશે એવું એમણે જાતે જ નક્કી કરી લીધું છે. સત્ય તો એ છે કે સેનેટરી પેડ્ઝની જાહેરાત કરતા અક્ષયકુમારને છેક પી.એમ.ના ઈન્ટરવ્યૂ સુધી પહોંચવાની તક મળી, કારણ કે કોઈ નાચતા-ગાતા-ફાઈટ કરતા એક્ટરની ઈમેજમાંથી બહાર નીકળીને એમણે પોતાની ઈમેજ લોકજાગૃતિનો પ્રયાસ કરતા કોઈ સેલિબ્રિટિ જેવી બનાવી!

આપણે ત્યાં સેલિબ્રિટિનો અર્થ માત્ર પાવર અને અધિકાર થાય છે. ભાગ્યે જ કોઈ ‘સેલિબ્રિટિ’ પોતાની જવાબદારી વિશે જાગૃત જોવા મળે છે. દાન કરી દેવું કે પૈસા આપી દેવા એ ‘જાગૃતિ’ નથી જ. જ્યારે શરૂઆતમાં કોરોના ફેલાવા લાગ્યો અને ફિલ્મસ્ટાર્સ મોટા-મોટા દાન કરવા લાગ્યા ત્યારે બચ્ચન સાહેબે દાન નથી કર્યું એ વિશે ઘણું ટ્રોલિંગ થયેલું, પરંતુ માત્ર પૈસા આપીને છૂટી જવાને બદલે એમણે જનતાનું માનસિક બળ વધારવાની જવાબદારી સ્વીકારી છે. એ પૈસાના દાન કરતાં ઘણી મોટી વાત છે.

અત્યાર સુધી કેટલાય લોકોએ કોરોના પોઝિટિવ હોઈ શકે એવા ભયથી ટેસ્ટ ટાળ્યા હશે, કદાચ પોઝિટિવ હશે તો ય છુપાવવાનો પ્રયાસ કર્યો હશે. શા માટે ? કોઈને કોરોના થાય એ ગુનો નથી. વ્યક્તિએ કંઈ ખોટું કર્યું હોય એટલે એને કોરોના થાય ? જો એવું ન હોય તો કોઈ રોગ થાય એમાં છુપાવવા જેવું શું છે ? સત્ય તો એ છે કે જો છુપાવવામાં ન આવે તો તરત ઉપાય થઈ શકે, જીવ બચાવી શકાય. કોરોના પોઝિટિવ વ્યક્તિ માત્ર પોતાને માટે નહીં, સમાજ અને એના પરિવાર માટે પણ મોટું જોખમ છે. કોરોનાના લક્ષણો દેખાતા હોવા છતાં જે લોકો ટેસ્ટ કરાવવાનું ટાળે છે એવા જ લોકોના મૃત્યુની શક્યતા વધે છે.

‘દિવ્ય ભાસ્કર’ના તંત્રીએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો એટલું જ નહીં ઘેર રહેવાને બદલે વોર્ડમાં રહેવાનું નક્કી કરીને એક સાચા પત્રકારની જવાબદારીનો દાખલો પૂરો પાડ્યો. જાણીતા નેતા-અભિનેતા ચેતન રાવલે પણ આવો જ દાખલો પૂરો પાડીને કોરોનાને મ્હાત આપી.

અત્યારે વાઈરસ છે, માટે રોગ થાય. દરેક વખતે માણસ બેદરકાર ન પણ હોય, લક્ષણ દેખાય કે શંકા પડે એ પછી બેદરકાર રહેનાર પોતાનો, પરિવાર અને સમાજનો ગુનેગાર છે. આવી મહામારીના સમયમાં જો આપણને કોરોનાના લક્ષણ દેખાતા હોય તો એને સંતાડવાને બદલે ટેસ્ટ કરાવીને એની દવા કરવી, જરૂર પડ્યે હોસ્પિટલમાં દાખલ થવું એ એક નાગરિક તરીકે અને માણસ તરીકે આપણી જવાબદારી છે. કોરોના ફંડમાં દાન નહીં આપો તો ચાલશે, લક્ષણ દેખાય કે એવી શંકા પણ પડે તો તરત જ ડોક્ટર પાસે જવું કે ટેસ્ટ કરાવવો એ કરોડોના દાન બરાબર છે !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *