મોટીવેશનઃ માઈન્ડ ગેમ કે મની મેકિંગ?

છેલ્લા 62 દિવસમાં ડિપ્રેસ, સપ્રેસ થયેલા લોકો ક્યાંક ને ક્યાંક પોતાના મગજને કામ કરતું અને હૃદયને ધબકતું રાખવા માટે આધાર શોધતા રહ્યા છે… ઓશોથી શરૂ કરીને સદગુરુ અને રેડિયો જોકી, એક્ટર્સ, સાહિત્યકારો અને સામાન્ય માણસે પણ પોઝિટિવ વાતો સોશિયલ મિડિયામાં શેર કરીને ઘરમાં ગોંધાયેલા અનેક લોકોને આનંદમાં રાખવાનો કે આશા આપવાનો પ્રયાસ કર્યો છે. આ એવા દિવસો હતા, જેમાં માણસને ટકી જવા માટે શબ્દની, સહારાની કે સહકારની જરૂર પડી છે. એ દિવસો હજી પૂરા નથી થયા. એવું માનવામાં આવે છે કે 2020નું વર્ષ આર્થિક, સામાજિક અને માનસિક રીતે સંઘર્ષ અને સમસ્યાઓનું વર્ષ પુરવાર થવાનું છે. કોઈપણ પ્રકારની ખોટી આળ-પંપાળ કર્યા વગર આપણે આપણી જાતને આ સંઘર્ષ અને સમસ્યાઓ માટે તૈયાર કર્યા વગર છૂટકો નથી. નોકરી જશે, પગાર કપાશે, થિયેટર અને મોલ નહીં ખૂલે, પ્રવાસ અઘરો બનશે, ચીજવસ્તુઓના ભાવ કદાચ વધી જશે… આવા તો અનેક સવાલો આપણી સામે ધીરે ધીરે આવશે, સાથે સાથે કોરોનાનો ભય તો હજી ઊભો જ છે. વેક્સિન બની જશે એટલે ‘કોઈને કોરોના નહીં થાય’ એવું કોઈ વચન હજી સુધી આપી શકાયું નથી. ટૂંકમાં, આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય, આર્થિક, માનસિક અને સામાજિક પ્રશ્નોનો રાફડો ફાટવાનો છે. આ સત્ય છે, ગમે તેટલી મીઠી, જુઠી આશાઓ કે શબ્દોના તોરણ બાંધીએ તો પણ આ હકીકત બદલી શકાય તેમ નથી.

હવે સવાલ એ છે કે આ બધી સમસ્યાઓ, સવાલો, પ્રશ્નો છે, એની આપણને ખબર છે. તેથી માત્ર એના જ વિશે વિચાર્યા કરવું ? સતત એની જ સાથે કેવી રીતે કામ પાડવું એના પેંતરા કર્યા કરવા કે પછી એને જિંદગીનો એક હિસ્સો બનાવીને બાકીની જિંદગી ઉપર પણ ફોકસ કરવું ? છેલ્લા થોડા દિવસમાં અનેક લોકોએ આવનારા સારા દિવસોની આશા આપતા વક્તવ્યો, વિડિયો અને સોશિયલ મિડિયાની પોસ્ટ શેર કરી છે. આ એવા લોકો છે, જે ઈચ્છે છે કે માણસ તૂટી ન જાય, સંબંધ છૂટી ન જાય અને હિંમત ખૂટી ન જાય… આ લોકોને ‘મોટીવેશનર’ કહેવા કે નહીં, એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે આવી એક પોસ્ટ વાંચીને, વક્તવ્ય સાંભળીને કે વિડિયો જોઈને હિંમત હારી ગયેલો, થાકેલો માણસ થોડા કલાક, દિવસ કે મહિના માટે ફરી બેઠો થઈને એના સવાલોનો સામનો કરી શકે.

આ માત્ર કોરોના પુરતી વાત નથી. છેલ્લા દસ વર્ષમાં આખા જગતે પુષ્કળ સમસ્યાઓ અને ડિપ્રેશન જોયું છે, અનુભવ્યું છે. અખબાર હોય કે ન્યૂઝ ચેનલ, સતત ટીઆરપી વધારવા માટે સનસનીખેજ સમાચારો આપણા સુધી પહોંચાડતા રહે છે. ઓટીટીનું પ્લેટફોર્મ કે સિનેમા, હિંસા, સેક્સ અને આતંકવાદની કથાઓ કહે છે. મોંઘવારી વધી છે, નવી પેઢી સાથે જૂની પેઢીનો સંઘર્ષ વધ્યો છે. આવા સમયમાં જો કોઈ વ્યક્તિ આપણે ખભે હાથ મૂકીને, “બધું સારું થશે” એવું કહી શકતી હોય તો એ વ્યક્તિ ખોટી આશા આપે છે એવો આક્ષેપ કરવાને બદલે એ હિંમત આપે છે, એ સધિયારો કે આશ્વાસન આપે છે એવું પણ કહી શકાય કે નહીં ?

આવી આશાથી, સલાહથી, દામ્પત્યજીવનની, રીલેશનશીપની કે પેરેન્ટીંગની ટીપથી જો કોઈની જિંદગી સુધરતી હોય, વિચારો બદલાતા હોય કે એક નવી રીતે પરિસ્થિતિને જોઈ શકવાની દ્રષ્ટિ મળતી હોય તો એમાં શું ખોટું છે ? આવા આશા આપનારા કે સલાહ આપનારાને ‘મોટીવેશનલ સ્પીકર’નું લેબલ બારોબાર ચોંટાડી દેવાયું છે. એમને પોતાના વિચાર વ્યક્ત કરતા વક્તવ્યને ‘મોટીવેશનલ સ્પીચ’ કહેવી છે કે નહીં, એવું એમને કોઈએ પૂછ્યું જ નથી ! (અહીં બની બેઠેલા કે દાવો કરતા લોકોની વાત નથી જ.) જે લોકો જિંદગીની કેટલીક સચ્ચાઈઓ કે સંબંધોની કેટલીક સલાહ આપતા હોય એ બધાએ પોતાના સંબંધમાં પણ એવા હોવું જ જોઈએ, કે એ જે કહી રહ્યા છે એવું પોતે જીવે છે એવું સાબિત કરતા રહેવું પડે એ જરૂરી છે ?

ગમે તેટલો સારો હાર્ટ સર્જન પોતાના હૃદયનું ઓપરેશન જાતે કરી શકતો નથી. જ્યાં સુધી એ હૃદય ખોલીને ઓપરેશન ન કરે, દર્દી સાજો ન થાય ત્યાં સુધી એ સારા સર્જન છે એવું ડિગ્રી સર્ટીફિકેટ ઉપરથી સાબિત થઈ શકતું નથી… અર્થ એ થયો, કે ક્યારેક માણસ પોતાની ભૂલોમાંથી પણ શીખ્યો હોય, ક્યારેક કશુંક ગુમાવીને પણ શીખ્યો હોય. દરેક વખતે આવા સ્પીકર્સ, સલાહ આપનારા કે આશા આપનાર વ્યક્તિ ‘આદર્શ’ જ હોવા જોઈએ એવું વિચારીને આવા સ્પીકર કે લેખકને ‘તમારા જીવનમાં કેમ બધું પરફેક્ટ નથી ?’

પૂછનાર નાદાન છે. કદાચ, એને ખબર જ નથી કે મહાત્મા ગાંધીએ પણ ચોરી કરી હતી, શરાબ પીધી હતી, પરંતુ એ ત્યાં જ પડી રહ્યા નહીં, ત્યાંથી ઉપર ઉઠીને એમણે આખા દેશના યુવાનોને દિશા આપી, રાહ ચીંધી અને પોતે આખા રાષ્ટ્રના પિતા બન્યા. એ વખતે જો કોઈએ એમને વારંવાર “તમે દારૂ પીધો હતો, તમે ચોરી કરી હતી…” કહી-કહીને એમના વિચારો કે સ્વતંત્રતાની આશા આપતા વક્તવ્યોનો ન્યાય કર્યો હોત તો કદાચ આજે પણ આ દેશ ગુલામ હોત ! વાલિયો લૂંટારો વાલ્મિકી બન્યો એ પછી પણ જો ‘રામાયણ’ને એક લૂંટારાના લેખન તરીકે જોવામાં આવ્યું હોત તો આપણને એક આદર્શ પરિવારની કથા મળી હોત ?

જેમ સમય બદલાય છે એમ માણસ પણ બદલાય છે. એના વિચારો, વ્યવહાર અને વાણીમાં એની સમજણ પ્રગટ છે. જેને આ સમજણ ન સમજાતી હોય એવા લોકો જીવનભર અંધારામાં ભટકે છે, કારણ કે એ ન્યાયાધીશ બનવા જાય છે. ન્યાયાધીશ તો એક જ છે, જેને આપણે જોયો નથી, માત્ર અનુભવ્યો છે ! જો એ આવી આશાને, વિચારને, સલાહને અને સમજણને સપોર્ટ કરતો હોય તો અહીં બેસીને પોતે જ વકીલ અને પોતે જ જજ બનીને પોતાના જ મગજમાં બીજાને સાચા-ખોટા ઠેરવતા અણસમજુને માફ કરવું એ જ પોતે સમજુ હોવાની પહેલી નિશાની છે. જિંદગી રોજ એક નવો પાઠ શીખવે છે, જો આપણે શીખવા તૈયાર હોઈએ તો… જે લોકો મોટીવેટ કરે છે, એનું ધ્યેય માત્ર સમાજને કશું ‘સારું’ આપવાનું છે, અને જે ‘સારું’ આપવા નીકળ્યા છે એ કેટલા ‘સાચા’ છે એના કરતા ખરેખર ‘સારા’ છે કે નહીં એટલું જ તપાસવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *