સેન્ડવીચની ચોરીઃ માનસિક વિકૃતિ કે મજા?

પારસ શાહ લંડનના કેનેરી વ્હાર્ફમાં સિટી બેન્કની મુખ્ય ઓફિસમાં કામ કરતા એક ગુજરાતી, જેનો વાર્ષિક પગાર એક મિલિયન પાઉન્ડ એટલે નવ કરોડ રૂપિયાથી પણ વધારે… એણે પોતાની નોકરી ગુમાવી છે કારણ કે એ સ્ટાફ કેન્ટીનમાંથી સેન્ડવીચની ચોરી કરતો હતો. બાથ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં ડિગ્રી મેળવ્યા પછી બ્રિલિયન્ટ કારકિર્દી હોવા છતાં સાવ સેન્ડવીચ જેવી ચીજની ચોરી એમણે ખરેખર કરી હોય કે નહીં, પરંતુ અત્યારે તો એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સિટી બેન્ક અને પારસ શાહ બંનેએ આ વિશે કમેન્ટ કરવાની ના પાડી છે.

ગરીબીમાં, મુશ્કેલીમાં, બાળકો ભૂખ્યા હોય ત્યારે ખાવાનું ચોરતા કે મા માંદી હોય ત્યારે દવા ચોરી કરતા માણસોની આપણે વાત નથી કરતા. સાધન-સંપન્ન બધી જ સગવડ અને જીવન જરૂરિયાતની તમામ ચીજો ઉપલબ્ધ હોવા છતાં જ્યારે માણસ ચોરી કરે છે ત્યારે એને માનસિક વિકૃતિ કે રોગ કહી શકાય. સાઈકોલોજીમાં આ પ્રકારની મનોવૃતિ ‘ક્લેપ્ટોમેનિયા’ કહેવાય છે. સ્કૂલમાંથી પેન્સિલ, રબર, સંચા કે ચોકલેટ ચોરી લાવતું બાળક શું કરે છે એને એની પોતાને પણ ખબર નથી હોતી. ગમતી વસ્તુ જોઈએ ત્યારે મેળવી લેવાની એકમાત્ર વૃતિ એ વખતે જોર કરતી હોય છે. સમય સાથે આ પ્રવૃતિનો હેતુ અને ચોરવાની વસ્તુઓ બદલાય છે. મા-બાપના ખીસ્સા કે પર્સમાંથી પૈસા, દુકાનોમાંથી વસ્તુઓ, ઘરમાંથી દાગીના, મિત્રો, પરિવારના સભ્યો કે પડોશીને ત્યાંથી ચોરી શરૂ થાય છે. મોટાભાગે આવા લોકો ચોરી કરે છે કારણ કે એમને વસ્તુ જોઈએ છે ? ના, આ લોકો આવી ચોરીની વસ્તુઓને ગિફ્ટમાં આપી દેતા હોય છે અથવા પૈસા બીજા માટે ખર્ચી નાખતા જોવા મળે છે. એમને સ્વીકૃતિ જોઈએ છે, મિત્રો જોઈએ છે, એમને કોઈ ચાહે કે એમની સાથે રહે એવી જરૂરિયાત અથવા કોઈકનું એટેન્શન જોઈતું હોય છે.

આપણે ગુગલ ઉપર શોપ લિફ્ટીંગ, થેફ્ટ જેવા શબ્દો સર્ચ કરીએ તો ઢગલાબંધ માહિતી ઉપલબ્ધ થાય છે. ભારતીય દુકાનોમાં થતી ચોરી. સામાન્ય રીતે વસ્તુઓની ચોરી છે. સાડી, જ્વેલરી, મેક-અપની વસ્તુઓ, લેપટોપ અને ખાસ કરીને મોબાઈલ ફોનની ચોરી મોટા પ્રમાણમાં થાય છે. આ ઈતિહાસ જૂનો છે. 1897માં લિઝી બોર્ડન નામની એક સ્ત્રીને પહેલીવાર દુકાનમાં ચોરી કરવા બદલ મીડિયા અટેન્શન મળ્યું. 1937, 38 અને એ પછીના વર્ષોમાં દુકાનોમાં થતી ચોરીની ફરિયાદ નોંધાવા લાગી અને છાપે ચડવા લાગી. એ પછી સીસીટીવી કેમેરાનો સમય શરૂ થયો. દરેક દુકાનમાં ક્લોઝ સર્કિટ કેમેરા ગોઠવાવા લાગ્યા. હવે તો સરકારે ઓફિસમાં અને સરકારી દફ્તરોમાં પણ ક્લોઝ સર્કિટ કેમેરા કમ્પલસરી કરી દીધા છે. આનું કારણ કદાચ એ છે કે આવા કેમેરામાં ઝડપાયેલા દૃશ્યો વ્યક્તિને સાચી કે ખોટી સાબિત કરવામાં પૂરાવો પૂરો પાડે છે. પારસ ઉપર કરવામાં આવેલો આક્ષેપ બિનપાયાદાર, કે બેબુનિયાદ તો ન જ હોઈ શકે કારણ કે, સિટી બેન્ક જેવી જગ્યાએ સીસીટીવી ન હોય એ શક્ય જ નથી !

દુબઈ એરપોર્ટ ઉપર ભારતીય અને બાંગ્લાદેશી, પાકિસ્તાની, ચાઈનીઝ સૌથી વધુ શોપ લિફ્ટીંગમાં પકડાય છે. શરાબની બોટલથી શરુ કરીને નાની લિપસ્ટિક, પુસ્તકો જેવી ચીજો આવા ખુલ્લા, ઓપન શોપ્સમાંથી ઉઠાવવી સરળ બની જાય છે, પરંતુ આપણે બધા ટેકનોલોજી મામલે પ્રમાણમાં થોડાક બુધ્ધુ છીએ, ને બીજી તરફ નવી પેઢીના છોકરાઓ ટેકનોલોજી મામલે વધુને વધુ હોંશિયાર, વધુને વધુ ચાલાક થતા જાય છે. મોઢા પર માસ્ક બાંધીને, ગોગલ્સ પહેરીને, ટોપી પહેરીને, ચહેરો ઢાંકીને ચોરી કરવાની એક નવી જ રીત હવે વધુને વધુ સફળ થતી જાય છે. અમેરિકામાં હાઈવે પર આવેલા પેટ્રોલ પંપ સાથે જોડાયેલા સ્ટોર્સ અથવા મોટેલ્સમાં આફ્રિકન યુવાનો ચોરી કરે છે.

લંડનમાં પણ રંગભેદથી ઉશ્કેરાયેલા લોકોએ ઘણી વાર આવી ચોરીઓ કરવાના કિસ્સા બન્યા છે. જાપાનમાં મિઝુહુ બેન્કની લંડન શાખામાં એક બેન્કરને પાંચ પાઉન્ડનો બાઈકનો એક સ્પેરપાર્ટ તફડાવતા પકડવામાં આવ્યો હતો. યુ.કે.ના એક ફાઈનાન્સિયર એડવાઈઝરને ટ્રેનની ટિકીટમાં ગરબડ કરતા પકડીને આઠ વર્ષની જેલ કરવામાં આવી હતી. એક બીજા ભારતીયને હેરોડ્ઝ નામના લંડનના મોટામાં મોટી સ્ટોરમાં ચોરી કરતા પકડીને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના એક ઉચ્ચ કક્ષાના કર્મચારીએ સિડની એરપોર્ટ પર ચોરી કરી હતી. ગુજરાતના મોટા શહેરોમાં લગભગ રોજ બે-ચાર શોપ લિફ્ટીંગના કિસ્સા પકડાતા રહે છે. જેમાં, 30 થી 35 વર્ષની ઉંમરના અથવા એનાથી ઓછી ઉંમરના લોકો વિશે નોંધાયા છે.

મોટાભાગના યુવાનોએ સીસીટીવીને છેતરી શકાય એવા ઓવર કોન્ફિડન્સમાં કરેલી આવી નાની નાની ચોરીઓ જેલ સુધી લઈ જાય છે. એટીએમ તોડીને ચોરી કરવાના કિસ્સા લગભગ દરેક શહેરમાં બનવા લાગ્યા છે… આપણે જેટલી વધુ સિક્યોરિટી સિસ્ટમ્સ ઊભી કરતા  ગયા તેમ તેમ એ સિસ્ટમ્સને તોડીને એને છેતરવાના વધુ કિસ્સા સામે આવતા ગયા ! ભારતીય અભિનેતા રિતેશ દેશમુખનો એક વીડિયો આજે પણ ગુગલ પર ઉપલબ્ધ છે જેમાં એ દુકાનમાંથી ચોરી કરતા દેખાય છે. એ સિવાય પણ અનેક બોલિવુડ એક્ટર્સ પણ શોપ લિફ્ટીંગનો આરોપ મૂકાઈ ચૂક્યો છે. મજાની વાત એ છે કે ગુગલમાં તપાસ કરતા હોલિવુડના અનેક એક્ટર્સની શોપ લિફ્ટીંગની વિગતો મળે છે, પરંતુ બોલિવુડના એક્ટર્સ વિશે આવી માહિતીને એના સોશિયલ મીડિયા મેનેજમેન્ટ દ્વારા સાવધાની પૂર્વક હટાવી દેવાઈ હોવાનું દેખાય છે !

એક રસપ્રદ સર્વે કહે છે કે બપોરે ત્રણથી ચાર દરમિયાન સૌથી વધુ શોપ લિફ્ટીંગ થાય છે. એ સિવાય આખી રાત ખુલ્લી રહેતી દુકાનોમાં રાતના દોઢથી સવારે સાડા ચાર સુધીના સમયમાં વધુમાં વધુ ચોરીના કિસ્સા નોંધાયા છે. જાણીતા સાયકોલોજીસ્ટ રોનાલ્ડ ક્લાર્ક જે રટગર યુનિવર્સિટીમાં ક્રિમોલોજી ભણાવે છે એમણે શોપ લિફ્ટીંગના વિષય પર આખું પુસ્તક લખ્યું છે જેમાં, ક્લેપ્ટોમેનિયા (ચોરી કરવાની જરૂરિયાત નહીં, પરંતુ આદત અથવા બીમારી ધરાવતા લોકો)ની માનસિકતા અને એની સારવાર વિશે પણ માહિતી આપી છે.

એ પુસ્તકમાં એમણે લખ્યું છે, ઈન્સ્ટન્ટ કોફી, રેઝર બ્લેડ્ઝ અને કાર્ટિઝ, એમપી3 પ્લેયર, યુએસબી, સીડી, ડીવીડી, ગિફ્ટ કાર્ડ, કોસ્મેટિક્સ, મલ્ટી વિટામીન, પ્રેગ્નન્સી ટેસ્ટ માટેના સાધનો, ઈલેક્ટ્રીક ટુથબ્રશ અને કપડા એ સૌથી હોટ (ફેવરિટ ચીજો) છે. આમાં બે પ્રકારના લોકો હોય છે, એક એમેચ્યોર્સ, જે લોકોને પહેલાં શોખ માટે આવી ચીજો ઉઠાવવાની આદત પડે છે. ક્યારેક મજાકમાં તો ક્યારેક બહુ મોંઘી લક્ઝરી આઈટમ પોષાતી ન હોય ત્યારે ઉઠાવી લેવાનો એકાદ પ્રસંગ બન્યો હોય જેમાં પકડાયા ન હોય એ પછી આવી આદત શરૂ થઈ જતી જોવા મળે છે. પછી આવા લોકો ધીમે ધીમે સીરિયસ ક્રિમીનલ બની જાય છે. દરેક વખતે આ ટેવ બાળપણમાં જ શરૂ થાય એવું જરૂરી પણ નથી. બ્રેકઅપ, ડિવોર્સ કે ગિલ્ટમાં પણ વ્યક્તિ ક્લેપ્ટોમેનિયાનો શિકાર બનતી હોય છે.

કેટલાક સેલિબ્રિટીઝને હોટેલના મેનુ, ચમચા, વાઈન ગ્લાસ કે જસ્ટ, સ્મૃતિ  સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ઉઠાવી લેવાનો એક શોખ પણ જોવા મળ્યો છે. આમાં ક્લેપ્ટોમેનિયાને બદલે કોઈ પાસે ન હોય એવું કોઈક કલેક્શન ઊભું કરવાનો શોખ પણ હોઈ શકે છે. ફિલ્મ સ્ટાર હોય કે સામાન્ય માણસ, ઉચ્ચ કક્ષાનો અધિકારી હોય કે કોઈ તોફાની યુવાન, ચોરી એ ચોરી છે. આપણા દેશમાં કદાચ એને બહુ ગંભીરતાથી લેવાતી નથી અથવા એ વિશે કોઈ કડક પગલાં લેવાતા નથી. વિદેશોમાં 45 પાઉન્ડની વસ્તુ ચોરવા માટે પાંચ વર્ષની જેલ થઈ હોય, કે સો દિરહામની વસ્તુ ચોરવા માટે દસ વર્ષ જેલમાં જવું પડ્યું હોય એવા કિસ્સા નોંધાયા છે.

ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં પોતે કરેલી ચોરીની હિંમતભેર કબૂલાત કરી છે. ‘રાષ્ટ્રપિતા’ અને ‘મહાત્મા’ નો આદર પામ્યા પછી લખાયેલી આત્મકથામાં આવી વાત એમને પ્રજામાનસમાં નીચા પાડશે એવું વિચારવાને બદલે એમની પ્રામાણિકતાએ એમને પ્રજામાનસમાં વધુ ઊંચા અને આદર્શ પ્રસ્થાપિત કર્યા. અગત્યનું એ નથી કે, વ્યક્તિએ ભૂલ કરી છે કે નહીં, અગત્યનું એ છે કે, એ ભૂલ કરનાર વ્યક્તિ પોતાની ભૂલને સ્વીકારીને બદલાવાનો પ્રયાસ કરે છે કે નહીં ! એથીયે અગત્યનું એ છે કે જે વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારે, બદલાવાનો પ્રયાસ કરે એને આ પ્રક્રિયામાં એનો સમાજ મદદ કરે છે કે નહીં !

લા મિઝરેબલ્સ નામની ફ્રેન્ચ નવલકથામાં એક ગુનેગારની ચોરી માફ કરીને પાદરીએ એક મહાત્માને જન્મ આપ્યો એની કથા છે.

છેલ્લા થોડા વર્ષમાં આપણે વધુને વધુ અસહિષ્ણુ અને બીજાઓ તરફ જજમેન્ટલ થતા ગયા છીએ. હવે, આપણા દેશમાં આવો એકાદ કિસ્સો પણ બન્યો હોય તો સમાજ એને આવનારા અનેક વર્ષો સુધી યાદ રાખે છે… આપણે ગુનેગારને જીવનભર ગુનેગાર રહેવાની ફરજ પડે એવું વર્તન કરતા લોકો છીએ જ્યારે, વિદેશમાં જો એકવાર ગુનો કરી ચૂકેલી વ્યક્તિ પણ બદલાવાનો પ્રયાસ કરે, તો સમાજ એની નોંધ લે છે એટલું જ નહીં, એને પોતાના સંતાનો અને બીજાઓ સમક્ષ આદર્શ બનાવીને માણસ કઈ રીતે બદલાઈ શકે એ વાતને આદર આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *